પત્નીએ રડતાં રડતાં કહ્યું 'આપણી દીકરી ઘરમાં નથી': લવ અફેરમાં 3 વર્ષની માસૂમનું અપહરણ, પાડોશીએ છેલ્લે બોરિયાની રિક્ષામાં બેસતા જોઇ

પત્નીએ રડતાં રડતાં કહ્યું 'આપણી દીકરી ઘરમાં નથી':લવ અફેરમાં 3 વર્ષની માસૂમનું અપહરણ, પાડોશીએ છેલ્લે બોરિયાની રિક્ષામાં બેસતા જોઇ
Email :

21 ઓક્ટોબર, 2007 સાબરમતી પોલીસ સ્ટેશન, અમદાવાદ હાંફળા-ફાંફળા થતાં એક પતિ-પત્ની પોલીસ સ્ટેશનના પગથિયા ચડ્યા. અંદર જતાં જ સામે ટેબલ પર બેઠેલા પોલીસકર્મી સામે ઊભા રહી ગયા. પોલીસકર્મી કંઇ પૂછે તે પહેલાં જ બોલવાનું શરૂ કરી દીધું. તેમણે જે વાત કહી તે એક અઠવાડિયા અગાઉની હતી. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાંચો 18 વર્ષ પહેલાં અમદાવાદમાં થયેલા બાળકીના અપહરણનો કેસ. શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા ચીમનભાઇ પટેલ બ્રિજ નીચે ઝૂંપડપટ્ટી હતી. આ ઝૂંપડપટ્ટીમાં રમકડાંથી માંડીને અનેક પ્રકારના નાના-મોટા ધંધા કરતાં ઘણા પરિવારો રહેતા હતા. પરિવારનું પેટિયું રળવા માટે માતા-પિતા બાળકોને એકલા ઘરે મૂકીને જતા હતા. આવો જ એક પરિવાર એટલે રમેશભાઇ(નામ બદલેલું છે)નો પરિવાર. તે દરરોજ પોતાના બાળકોને ઘરે એકલા મૂકીને ફૂગ્ગા-રમકડાં વેચવા બજારમાં જાય અને જે કંઇ કમાણી થાય તેમાંથી પરિવારનું ગુજરાન ચલાવે.

14 ઓકોબર, 2007 આ દિવસે પણ રમેશભાઇ નિત્યક્રમ મુજબ બાળકોને ઘરે મૂકીને પોતાની પત્નીને સાથે લઇને ફૂગ્ગા-રમકડાં વેચવા નીકળી ગયા. તેમને ખબર નહોતી કે આજે તેમની સાથે એક એવી ઘટના બનવાની છે જે તેમને પોતાની લાડલી દીકરીથી વિખૂટા પાડી દેશે. રમેશભાઇએ અને તેની પત્ની કાલુપુર વિસ્તારમાં રમકડાં વેચવા ગયા હતા. બપોરે ત્રણેક વાગ્યાનો સમય થયો હશે. રમેશભાઇએ તેની પત્નીને કહ્યું બાળકો ઘરે એકલા છે, તું એક કામ કર એની પાસે જઇ આવ અને તેમણે જમી લીધું કે નહીં તે જોતી આવ. આના પછી રમેશભાઇની પત્ની પોતાના ઘરે આવી. થોડી જ વારમાં તે કાલુપુરમાં પોતાના પતિ પાસે પાછી આવી ગઇ. આ વખતે તેના ચહેરા પર ચિંતા હતી અને આંખમાં આંસુ. પત્નીની આ હાલત જોઇને રમેશભાઇ સમજી ગયા કે કંઇક અજુગતું થયું લાગે છે. તેણે

પત્નીને પૂછ્યું કે તું કેમ રડે છે? જવાબ મળ્યો, આપણી દીકરી ઘરમાં નથી. 3 વર્ષની દીકરી અચાનક ક્યાં ગૂમ થઇ ગઇ? આ સવાલ સાથે રમેશભાઇ અને તેની પત્ની રમકડાં વેચવાનું છોડીને ઘરે પહોંચી ગયા. આસપાસના વિસ્તારોમાં તપાસ કરી પણ દીકરીની ભાળ ક્યાંય ન મળી. સગા વ્હાલાને ત્યાં તપાસ કરી, અમદાવાદ શહેર ઉપરાંત નડિયાદ અને આણંદ જઇને જોયું પણ ક્યાંયથી દીકરી ન મળી, ફક્ત નિરાશા જ મળી. છેવટે થાકી હારીને તે ઘરે પાછા આવ્યા. આ દરમિયાન તેમની દીકરી ગુમ થઇ હોવાની વાત આખા વિસ્તારમાં ફેલાઇ ગઇ હતી. પોતાની વ્હાલસોયી દીકરી ગુમ થતાં રમેશભાઇ ભાંગી પડ્યા હતા. તે માથા પર હાથ દઇને ઘરની બહાર બેઠા હતા તેવામાં તેમના ખભા પર કોઇનો હાથ પડ્યો. રમેશભાઇએ ઊંચું જોયું તો આંખો સામે આસપાસના ઘરોમાં રહેતા લોકોનું ટોળું

હતું. આમાંથી જ એક વ્યક્તિએ રમેશભાઇના ખભા પર હાથ મુક્યો હતો. ટોળામાંથી કોઇએ રમેશભાઇને કહ્યું કે તમારી દીકરીને તો આપણા છાપરામાં જ રહેતો અને રિક્ષા ચલાવતો લાલો ઉર્ફ બોરિયો લઇ ગયો છે. મેં તેને તમારી દીકરીને લઇ જતાં જોયો છે. આ વાત સાંભળીને રમેશભાઇ વીજળીની ઝડપે ઊભા થઇ ગયા અને બોરિયાની શોધમાં નીકળી પડ્યા. બોરિયો જે-જે જગ્યાએ હોઇ શકે તે તમામ જગ્યાએ તેની શોધખોળ કરી પણ તેની ક્યાંય ભાળ મળી નહીં. આમ ને આમ બીજા દિવસની સવાર પડી ગઇ. રમેશભાઇ અને તેની પત્નીએ રમકડાં વેચવા જવાના બદલે પોતાની દીકરીની ફરીથી શોધ શરૂ કરી. રિક્ષા સ્ટેન્ડ, બજાર, બસ્ટ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન બધે ફરી વળ્યા તેમ છતાં લાલા કે દીકરીનો કોઇ પત્તો ન મળ્યો. આખા દિવસની રઝળપાટના અંતે તેઓ નિરાશ થઇને ઘરે આવતા રહ્યા.

હવે ત્રીજા દિવસની સવાર પડી ચૂકી હતી. રમેશભાઇ અને તેની પત્ની ફરીથી દીકરી અને બોરિયાની શોધમાં નીકળી પડ્યા. આજે પણ કોઇ પત્તો ન લાગ્યો. પછી તો ચોથો દિવસ, પાંચમો દિવસ એમ કરતા કરતા દિવસો વિતતા ગયા. રોજ સવારે રમેશભાઇ અને તેની પત્ની દીકરીની શોધમાં નીકળી પડે અને રોજ રાત્રે હતાશ થઇને ઘરે પાછા આવે. એક સપ્તાહ સુધી આ ઘટનાક્રમ ચાલ્યો. બોરિયાની કોઇ ભાળ ન મળતા છેવટે રમેશભાઇ અને તેની પત્નીએ હવે પોલીસની મદદ માંગવાનું નક્કી કર્યું. 21મી તારીખે બન્ને સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને બધી વાત કરી. પોલીસને કહેલી વાતમાં દીકરીના અપહરણ પાછળનું કારણ છુપાયેલું હતું. જે સામે આવતા વાર ન લાગી. રમેશભાઇને બીજા 4 ભાઇઓ હતા. જેમાં સૌથી મોટા રમેશભાઇ હતા. રમેશભાઇનો ત્રીજા નંબરનો ભાઇ કિશન (નામ બદલેલું છે) મુંબઇ રહેતો

હતો. દોઢેક વર્ષ પહેલાં તે અમદાવાદમાં ચીમનભાઇ બ્રિજની નીચે જ છાપરામાં રહેતો હતો. આ દરમિયાન તેને બાજુમાં જ રહેતા બોરિયાની પત્ની સાથે આંખો મળી ગઇ હતી. બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. થોડો સમય બન્ને છુપાઇ-છુપાઇને એકબીજાને મળતા હતા. એક દિવસ બન્નેએ ભાગી જવાનું નક્કી કર્યું. કિશને બોરિયાની પત્નીને કહ્યું કે આપણે અહીંથી ભાગીને મુંબઇ જતા રહીએ. બોરિયાની પત્ની કિશનની વાત સાથે સહમત થઇ ગઇ. જેના પછી બન્ને ભાગીને મુંબઇ જતા રહ્યા. આ તરફ પત્ની ભાગી જતાં બોરિયાએ રમેશભાઇ અને તેના પરિવારને હેરાન કરવાનું શરૂ કર્યું. તે અવાર નવાર રમેશભાઇના ઘરે પહોંચી જતો અને તારો ભાઇ મારી પત્નીને ભગાડી ગયો છે તેમ કહીને ઝઘડો કરતો હતો. થોડા દિવસો સુધી આવું ચાલ્યા બાદ એક દિવસ બોરિયાએ રમેશભાઇ સામે શરત મુકી કે જો તું મને

5 હજાર રૂપિયા આપીશ તો હું તમને કોઇને હેરાન નહીં કરૂં. સમાધાનની વાત આવતા રમેશભાઇ 5 હજાર રૂપિયા આપવા તૈયાર થઇ ગયા. તેમણે જેમ તેમ કરીને ગમે ત્યાંથી 5 હજાર રૂપિયા ભેગા કર્યા અને બોરિયાને આપીને સમાધાન કરી લીધું. આ સમયે બોરિયાએ રમેશભાઇને કહ્યું કે તે મને પૈસા આપી દીધા છે એટલે હવે તારો ભાઇ કિશન અને મારી પત્ની હવે અહીંયા આવીને તમારી સાથે રહે તો તેમાં મને કોઇ વાંધો નથી. હકીકતમાં બોરિયો મેલી મુરાદ ધરાવતો હતો. તેણે રમેશભાઇ પાસેથી સમાધાન માટે પૈસા તો લઇ લીધા પણ તે પડોશીઓને એવું કહેતો હતો કે હું આ રમેશને છોડીશ નહીં, તેનો ભાઇ મારી પત્નીને ભગાડી ગયો છે એટલે હું બદલો લઇશ. બોરિયાને પોતાને પણ એક નાનો દીકરો હતો. તેની પત્ની ભાગી જતાં નાના દીકરાની સારસંભાળ

લેનારૂં કોઇ હતું નહીં. બોરિયો 2-3 વખત મુંબઇ પણ ગયો હતો અને પોતાની પત્નીને મળીને તેને પાછી આવવા સમજાવી હતી પણ તેની પત્ની કિશનને છોડીને બોરિયા પાસે આવવા રાજી નહોતી. એક વખત તો મુંબઇમાં બોરિયા અને તેની પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ ગઇ હતી. રમેશભાઇએ પોલીસને આ બધી વાત કહી હતી. જેના પછી પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધીને બાળકીની શોધખોળ શરૂ કરી. પોલીસની એક ટીમ આસપાસનો આખો વિસ્તાર ખૂંદી વળી હતી, દીકરીની તસવીર સાથેની યાદી તમામ પોલીસ સ્ટેશને મોકલી દીધી હતી પણ કોઇ રીતે બોરિયા કે દીકરીનો પત્તો લાગતો નહોતો. આ કેસ ખૂબ ગંભીર હતો કેમ કે બોરિયો બદલાની આગમાં સળગતો હતો અને 3 વર્ષની માસૂમ દીકરી તેના કબજામાં હતી. બાળકી સાથે કંઇપણ થઇ શકે તેમ હતું. આ દરમિયાન ઝોન-2ના નાયબ પોલીસ અધિકારી સાબરમતી

પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શન કરવા આવ્યા હતા. ઇન્સ્પેક્શન દરમિયાન તેમના ધ્યાને વાત આવી કે આ વિસ્તારમાંથી 3 વર્ષની એક બાળકી ગુમ થઇ છે અને હજુ સુધી તેનો કોઇ પત્તો નથી લાગ્યો. જેના પછી તેમણે આ અંગે સેકન્ડ PI કે.એમ.જોષીને તપાસ કરવા સૂચના આપી હતી. જેથી સેકન્ડ PI તથા હાલ નિવૃત્ત DySP કે.એમ.જોષીએ તેમના તે સમયના રાયટર અને હાલ નિવૃત્ત PSI જગદીશ મેઘાને સાથે રાખીને ગુમ થયેલી ત્રણ વર્ષની બાળકી તથા હવામાં ઓગળી ગયેલા લાલો ઉર્ફે બોરીયાની શોધખોળ ચાલુ કરી હતી. બાળકીને લઇ ગયા પછી બોરિયાએ શું કર્યું? શું બોરિયાએ માસૂમની હત્યા કરી નાખી હતી? આ કેસમાં પોલીસને પહેલી કડી ક્યારે મળી? આ તમામ સવાલોના જવાબ મેળવવા વાંચો આવતીકાલનો ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો બીજો એપિસોડ. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના અન્ય કેસ વાંચવા અહીં ક્લીક કરો

Leave a Reply

Related Post