75 હજાર મહિલાઓ એક સાથે હુડો રાસ રમી: 'જય નગા લાખાના ઠાકર'ના નાદ સાથે વર્લ્ડ રેકોર્ડ બન્યો; ભરવાડ સમાજના ઠાકરધામનો મહોત્સવ અને તેની પાછળની કહાની

75 હજાર મહિલાઓ એક સાથે હુડો રાસ રમી:'જય નગા લાખાના ઠાકર'ના નાદ સાથે વર્લ્ડ રેકોર્ડ બન્યો; ભરવાડ સમાજના ઠાકરધામનો મહોત્સવ અને તેની પાછળની કહાની
Email :

અમદાવાદથી 125 કિલોમીટર દૂર ધોલેરાથી 23 કિલોમીટર દૂર આ અંતર છે બાવળિયાળી ગામનું. અહીં જ ભરવાડ સમાજની આસ્થાનું ધામ છે ઠાકરધામ. આ ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂરાં થયા. એ નિમિત્તે પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્વનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અઠવાડિયાના આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ભરવાડ સમાજ ઉમટી પડ્યો હતો. લગભગ 10 લાખ જેટલા ભક્તોએ દર્શન, પ્રસાદ અને અલગ અલગ કાર્યક્રમનો લાભ લીધો હતો. આ મહોત્સવમાં ઘણા કાર્યક્રમો યોજાયા પણ સૌથી મોટો, ભવ્ય અને યાદગાર કાર્યક્રમ હુડો રાસનો કાર્યક્રમ 20 માર્ચે યોજાયો. આ હુડો રાસમાં ભરવાડ સમાજનાં પાંચ-પચ્ચીસ કે ત્રીસ હજાર નહીં પણ 75 હજાર બહેનો એક જ રંગના પારંપરિક પહેરવેશમાં રાસે રમ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ હતી. ઠાકરધામ શું છે? પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સ્થળ પર કેવો માહોલ હતો? હુડો રાસનો રેકોર્ડ કેવી રીતે બન્યો? આ તમામ બાબતો જાણવા ન્યુ ગુજરાત બાવળિયાળી ગામે પહોંચ્યું. 900 વીઘા જમીનમાં ભવ્ય મહોત્સવ ચાલી રહ્યો હતો. સવારે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાની કથા હોય અને સાંજે લોકડાયરાની રમઝટ બોલે. બંને ટાઈમ મહાપ્રસાદ તો ખરો જ. ન્યુ ગુજરાતની ટીમ પહોંચી ને જોયું તો પોલીસની વ્યવસ્થા તો હતી જ, સાથે ભરવાડ

સમાજના સ્વયંસેવકો બધાને વ્યવસ્થિત પાર્કિંગ કરાવતા હતા. અમે પાર્કિંગમાંથી સીધા જ મહાત્સવ સ્થળે પહોંચ્યા. સવારે 6 વાગ્યાથી માણસો આવવા લાગ્યા હતા અને સાત વાગ્યા સુધીમાં તો મહોત્સવ સ્થળે હજારો લોકો જોવા મળ્યા. સૌથી રૂડો અવસર તો હુજા રાસનો હતો. સવારે 8 વાગ્યાથી ભરવાડ સમાજની બહેનોએ હુડો રાસ શરૂ કર્યા. વચ્ચો વચ્ચ ઠાકર કૃષ્ણની મૂર્તિ, બાજુમાં ગાયની વિશાળ પ્રતીમા ઊભી છે. જાણે ગોકુળિયું વાતાવણ ઊભું થયું હોય તેવો માહોલ હતો. બહેનો ઠાકરજીની પ્રતીમા ફરતે હુડો રાસ લેતી હતી અને આ દ્રશ્ય જ્યારે ડ્રોનમાં કેદ થચું ત્યારે અદ્દભૂત... સિવાય કોઈ શબ્દો જ નહોતા. ભરવાડ સમાજનાં 75 હજાર બહેનો શિસ્તબદ્ધ રીતે આવીને બેઠાં હતાં. જ્યારે રાસ શરૂ થયો ત્યારે માહોલમાં અલગ જ દિવ્યતા છવાઈ ગઈ. લાલ પહેરવેશમાં, એક સરખા ઘરેણાં પહેરીને બહેનોએ ઠાકરની ભક્તિમાં હુડો રાસ કર્યો હતો. આ હુડો રાસને 'વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા'નું સર્ટીફિકેટ મળ્યું હતું. ચાર વિશાળ ડોમમાં ભોજનની વ્યવસ્થા, ઠાકરજીના દર્શન માટે ભારે ભીડ આમ તો સદીઓથી ધોલેરાના બાવળિયાળી ગામે નગાલાખા ઠાકરનું મંદિર છે. આ જગ્યા ભરવાડ સમાજ માટે, માલધારી, રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્રબિંદુ છે. 'જય નગાલાખાના ઠાકર'ના નાદ સાથે લાખો ભાવિકોએ અહીં દર્શન કર્યા હતા.

ભરવાડ સમાજના સંત નગાબાપા અને લાખાબાપાની કૃષ્ણ ભક્તિથી પ્રસન્ન થઈને કાળિયા ઠાકર શ્રીહરિ બાવળિયાળીની ધરતી પર ઉતર્યા હતા અને સંતને પ્રસન્ન થયા હતા. ત્યારથી ભગવાન કૃષ્ણ અહીં વસે છે એવી શ્રદ્ધા છે. આ ઠાકરધામનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને તેનો પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 14 માર્ચથી ઉજવાઈ રહ્યો હતો. આ મહોત્સવનો છેલ્લો દિવસ 22 માર્ચે છે. મહોત્સવનું સમાપન થાય તે પહેલાં 20 માર્ચ, ગુરૂવારે ભરવાડ સમાજનાં 75 હજાર બહેનો હુડો રાસ રમીને ઠાકરની ભક્તિમાં લીન બની હતી. જેટલા લોકો અહીં પહોંચ્યા હતા તે આયોજન જોઈને દંગ રહી ગયા હતા. રહેવાની, જમવાની, પાર્કિંગ, છાસ-પાણી સહિતની તમામ વ્યવસ્થા અને ઠાકરજીના આશીર્વાદથી કોઈને ગરમી લાગી નહીં બધાએ મહોત્સવમાં ઉત્સાહથી ભાગ લીધો. ક્યા ક્યા કાર્યક્રમો હતા? ધોલેરા તાલુકાના બાવળીયાળી ઠાકરધામ ખાતે સંત નગાલાખા બાપાના ઠાકર મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાાન ગાથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું. આ કાર્યક્રમ 900 વીઘા જમીન પર યોજાઈ રહ્યો છે. 22 માર્ચ સુધીના આ મહોત્સવમાં ભરવાડ સમાજના અંદાજે 9થી 10 લાખ લોકો કાર્યક્રમનો લાભ લીધો. 15 માર્ચે ભોજા ભરવાડ, પોપટ માલધારી સહિત અનેક કલાકારોની સંતવાણી

યોજાઈ હતી. 17 માર્ચે માયા આહીર અને અન્ય કલાકારોએ સંતવાણીની રમઝટ બોલાવી હતી. 19 માર્ચે રાજભા ગઢવી સહિતના કલાકારો આવ્યા હતા. જ્યારે 20 માર્ચ ગુરુવારના દિવસે ગીતા રબારી અને સ્મિતાબેન રબારી સહિતના કલાકારોએ ઠાકરજીના ભજન ગાયાં હતાં અને 75 હજારથી વધુ મહિલાઓ પરંપરાગત હુડો રાસ રમી હતી. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં અલગ અલગ જગ્યાએ વસતા માલધારી સમાજના લોકો અને ખાસ કરીને મહિલાઓ ઘરેણામાં સજી ધજીને આવી હતી. મહોત્સવ સ્થળે આંખ આંજી દે તેવું આયોજન બાવળિયાળી ગામે ભવ્ય મહોત્સવમાં આંખ આંજી દે તેવું આયોજન સમસ્ત ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન નગાલાખા બાપાના ઠાકરધામના મહંત શ્રીરામ બાપુના માર્ગદર્શનમાં થયું હતું. મહોત્સવ સ્થળે પાર્કીંગમાં આઈસર, પીકઅપ વાન અને તૂફાન જેવી ગાડીઓનો ખડકલો દેખાતો હતો. 900 વીઘા જમીન પર યોજાયેલા વિશાળ મહોત્સવમાં ચાર વિશાળ ડોમમાં ભોજનાલય બનાવવામાં આવ્યું હતું. જેમાં પુરુષ ભોજનાલય અને મહિલા ભોજનાલય માટે અલગ અલગ ડોમ રખાયા હતા. વિશાળ રસોઈ વિભાગમાં કામ કરતા સ્વયં સેવકોને પણ ધન્યવાદ આપવા પડે, કારણ કે લાખો લોકોની રસોઈ બનાવવી, બધું મેનેજમેન્ટ કરવું, કાળઝાળ ગરમી વચ્ચે ભઠ્ઠી પાસે ઊભા રહીને દાળ હલાવવી, શાક બનાવવું કે ગરમા ગરમ

રોટલી બનાવવી સહેલું તો નથી જ. ન્યુ ગુજરાતની ટીમ જ્યારે ભોજનાલયમાં પહોંચી ત્યારે ત્યાં મહાપ્રસાદ માટે લાઈનો લાગી હતી. આટલી મોટી સંખ્યા વચ્ચે પણ રસોઈ ઘટી હોય એવું બન્યું નથી. જમવાનું ટ્રેકટરમાં ભરી ભરીને ડોમમાં આવતું રહેતું હતું, આ વિશાળ આયોજન માટે અલગ અલગ વિભાગના સ્વંય સેવકો વોકીટોકી સજ્જ હતા અને તેના દ્વારા એક બીજાને મેસેજ પાસ કરતા હતા. જેથી કોઈ જગ્યાએ જે વસ્તુની જરુર હોય તે તાત્કાલિક ત્યાં પહોંચાડી શકાય. જ્યારે ભોજનાલયની સામેની બાજુ મહિલા, પુરુષ અને સંતોના ઉતારા માટે વિશાળ ડોમ બનાવવામાં આવ્યા હતા. આ સિવાય લોકોના ભારે ઘસારાને પગલે સાવચેતીના ભાગરુપે એક અલાયદો કંટ્રોલ રુમ પણ બનાવાયો છે. તેની બાજુમાં ટેમ્પરરી હોસ્પિટલ, પોલીસ સ્ટાફ અને ફાયર સેફ્ટીના પણ અલગ અલગ ટેન્ટ બનાવવામાં આવ્યા હતા. વેળાવદરથી બાવળિયાળી જવાના રસ્તાની સામેની બાજુ પાર્કીંગની વ્યવસ્થા હતી અને ડાયરા પણ અહીંયા જ થતા હતા. મંદિરની પાછળના ભાગમાં પણ અલગ અલગ જગ્યાએ પાર્કીંગ માટે અલાયદી જગ્યા રખાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાવળિયાળીના મહોત્સવમાં વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. એ પછી વડાપ્રધાને ટ્વિટ કરીને લખ્યું કે, ટેકનોલોજીની મદદથી આજે, હું ઠાકરધામ બાવળીયાળી ખાતે ઉપસ્થિત

વિશાળ જનસમુદાય સાથે સંવાદ કરી શક્યો. આ સ્થળ ભરવાડ સમુદાય માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ્ ભગવદ્ જ્ઞાન ગોપ ગાથા કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું સમુદાયના તમામ સભ્યોને અભિનંદન આપું છું. આજે સવારે હજારો બહેનોએ પારંપરિક ગોપી હુડો રાસ રજૂ કર્યો. સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાની જાળવણી કરતા આ પ્રયાસો લાંબા ગાળા સુધી અસરકારક રહેશે. આદરણીય સંતો, ગુરુઓ અને સમુદાયના વડીલોના ઉપદેશોથી પ્રેરિત થઈને, ભરવાડ સમુદાયે કૃષિ, ડેરી, પર્યાવરણીય સંરક્ષણ, શિક્ષણ અને પશુપાલન જેવા ક્ષેત્રોમાં ઉત્તમ પ્રયાસો કર્યા છે. ઠાકરધામ બાવળિયાળી ખાતે આયોજિત કાર્યક્રમમાં મારા વકતવ્ય દરમિયાન, મેં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે એમના સહયોગ અને યોગદાનની અપેક્ષા વ્યક્ત કરી તેમજ રસીકરણ દ્વારા પગ અને મોંને લગતા રોગો અટકાવવા તથા વન-આવરણ વધારવા જેવા વિવિધ પ્રયાસોમાં જનજાગૃતિ અને જનભાગીદારીની અપીલ કરી ભરવાડ સમાજ 'ઠાકર કરે ઈ ઠીક'ના વિચાર સાથે આસ્થા રાખનારો સમાજ છે: CM વિધાનસભાના સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ કાર્યક્રમમાં જતા નથી પણ સમાજ પ્રત્યેની લાગણીને માન આપીને ભૂપેન્દ્રભાઈ બાવળિયાળી પહોંચ્યા હતા. તેમણે ઉદ્દબોધન કર્યું હતું, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, ભરવાડ સમાજ 'ઠાકર કરે ઈ ઠીક'ના વિચાર સાથે ભગવાન સઘળું સારું

કરશે તેવી આસ્થા રાખનારો સમાજ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપનનો યુગ શરૂ થયો છે. ભરવાડ સમાજે રૂઢિગત પરંપરાઓને તિલાંજલિ આપી આધુનિક પ્રગતિશીલ પરંપરા અપનાવી છે. ભરવાડ સમાજની 75 હજારથી વધુ બહેનોએ પરંપરાગત હૂડો રાસ રમી વિક્રમ સર્જ્યો છે. દેશભરના દેવસ્થાનોને આધુનિક થવા સાથે ભવ્ય અને દિવ્ય બની રહ્યા છે. વિરાસતથી વિકાસની આ યાત્રામાં નાનામાં નાનો નાગરિક પણ જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. વર્ષ 2025ને ગૌરવપૂર્ણ સંયોગ ગણાવતા તેમણે કહ્યું કે, આ વર્ષે સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતી, બિરસા મુંડાની 150મી જયંતી, પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીની 100મી જયંતી તથા બંધારણના અમૃત મહોત્સવની ઉજવણીનું વર્ષ છે. ઠાકરધામની પ્રતિષ્ઠાના પણ 375 વર્ષ પૂર્ણ થવા પર પુનઃપ્રાણપ્રતિષ્ઠાનો સુભગ સમન્વય સર્જાયો છે.આ અવસરે મહિલાઓના હૂડો રાસને અભૂતપૂર્વ ગણાવી વિક્રમ રચવા બદલ મુખ્યમંત્રીએ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રે પણ મોટું યોગદાન છે. રચનાત્મક પ્રવૃતિઓમાં પણ સમાજની એકતાના દર્શન કરાવી સમાજમાં વિશ્વાસનું વાતાવરણ સર્જ્યું છે. તેમણે સંતશ્રી નગાલાખા ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી ચાલતી સામાજિક પ્રવૃત્તિઓને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. ભૂપેન્દ્રભાઈ પટેલે એક પેડ મા કે નામ, કેચ ધ રેઇન, સ્વચ્છ ભારત,

મેદસ્વીતા મુક્ત ભારત અભિયાન જેવા પ્રકલ્પોમાં જોડાવવાની જન અપીલ કરી હતી. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના CEO પાવન સોલંકીના હસ્તે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહંત રામબાપુને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સંત શ્રી નગાલખા - ઠાકરધામ ખાતે દર્શન અને પૂજન-અર્ચન પણ કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યો જીતુભાઇ વાઘણી, કાળુભાઈ ડાભી, કિરીટસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય ભવાનભાઈ ભરવાડ, લાખાભાઈ ભરવાડ, તોરણીયા ધામના મહંત રાજેન્દ્રદાસજી બાપુ, ભરવાડ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. નગાબાપા અને લાખા બાપા બંને ભાઈઓને ઠાકરજીનો સાક્ષાત્કાર થયો હતો 1700ની સાલમાં નાની કહેચી (નળકાઠા) માંથી જીવાબાપા ચોહલા ખંભાત તાલુકાના ખાખસર ગામે રહેતા હતા. જીવાબાપા અને જમનામાના કુખે સંતશ્રી નગાબાપા અને લાખાબાપાએ જન્મ લીધો. તેમના બહેન રૂડીબાઈ હતા. જીવાબાપાનો પરિવાર ભાવનગર જીલ્લાના નકળંગકાંઠે અને ત્યાંથી અઘેલાઈ મુકામે આવીને વસી ગયો હતો. નાનપણમાં બન્ને ભાઈઓ માટીના ઘોડા બનાવીને લડાવતા જોઈ તેમના પિતાને આશ્રર્ય થયું. કે આ શું? એક દિવસ નાથ સંપ્રદાયની જમાત જીવાબાપાના ઘરે આવી અને તેમના આગતા સ્વાગતા કર્યા બાદ આ બાબતે નાથ સંપ્રદાયના ધોળનાથજી બાપાને પૂછતાં જાણવા મળ્યું કે, આ બન્ને દીકરાઓએ ભરવાડ સમાજમાં ધર્મનો રાહ ચિંધવા જન્મ લીધો છે. મોટા થઈને ઘણા કાર્યો કરવાના છે.

ગુરુ મળ્યે ઠાકર થઈ પૂજાશે. એટલે ધોળનાથજી પાસે બન્ને દીકરાઓને ગુરુદીક્ષા અપાવી. સમય જતાં જીવાબાપાનો પરિવાર ખંભાત પાછો ચાલ્યો ગયો. રસ્તામાં બાવળિયાળી ગામે ચુડાસમા પરિવારના મોભી દરબાર જીવણજીબાપુના ઘરે જીવાબાપા ગયા ત્યારે તેમણે જીવાબાપાને બાવળિયાળીમાં રહેવાનો આગ્રહ કર્યો. બાવળિયાળીમાં રહીને નગા અને લાખા બંને ભાઈઓ દિવસ-રાત સતત માળા કરતા હતા- 'તું હી ઠાકર... તું હી ઠાકર...' સાક્ષાત ઠાકરે અહીંયા ઉતરવું પડ્યું હતું. ઠાકરના આશીર્વાદથી નગા બાપા અને લાખા બાપાએ સમાજને ધર્મના રસ્તે વળવાની સાચી દીશા બતાવી સમાજના કુરિવાજો દૂર કરી સમાજ સુધારણાનું ભગીરથ કાર્ય કર્યું અને જીવન કાળમાં અને પરચા આપ્યા. સમય જતાં લાખા બાપા બાવળિયાળી ગામ છોડીને પરિવાર સાથે મોટીબોરૂ ગામે વસવાટ કરવા જતા રહ્યા. લાખા બાપાએ મોટી બોરુમાં જીવતા સમાધી લીધી ત્યારે નગાબાપાએ વચન માગ્યું હતું કે, હું સમાધિ લઉં ત્યારે તમારે હાજર રહેવાનું છે. સમય જતાં જ્યારે નાગાબાપાએ સમાધી લીધી ત્યારે વચને બંધાયેલા લાખા બાપા સદેહે હાજર રહ્યા હતા. જેથી આને ઠાકરનો સાક્ષાત્કાર કહેવાય છે. બહેન રૂડીબાઈ પણ સતી થયાં હતાં. બાવળિયાળીમાં અત્યારે જે ઠાકરધામ છે તે મંદિરની સ્થાપના 1777માં નગાલાખા બાપાએ કરી હતી. નગાલાખાની બારમી પેઢી તરીકે હાલના મહંત રામબાપુ છે.

Leave a Reply

Related Post