બાળકી સાથે જઘન્ય કૃત્ય કરનાર શિક્ષિકા સામે વાલીની ફરિયાદ: રાજકોટની કર્ણાવતી સ્કૂલની બહાર ઘર્ષણ; સ્કૂલે CCTV જાહેર કર્યા, આવી કોઈ બાબત નજરે નથી આવતીઃ ડાયરેક્ટર

બાળકી સાથે જઘન્ય કૃત્ય કરનાર શિક્ષિકા સામે વાલીની ફરિયાદ:રાજકોટની કર્ણાવતી સ્કૂલની બહાર ઘર્ષણ; સ્કૂલે CCTV જાહેર કર્યા, આવી કોઈ બાબત નજરે નથી આવતીઃ ડાયરેક્ટર
Email :

રાજકોટમાં ચાર વર્ષની બાળકીના ગુપ્તાંગના ભાગે ઇજા પહોંચાડવા મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલનાં મિત્તલબેન નામનાં શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ઇજા પહોંચાડવી, પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકીને ગુપ્તાંગના ભાગે પેન વડે અથવા કોઈ અન્ય રીતે આંતરિક ઇજા પહોંચાડવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે પરિવારના આ આક્ષેપોને શિક્ષિકાએ ખોટા ગણાવ્યા છે. તો સ્કૂલે પણ 11 એપ્રિલના ક્લાસરૂમમાં સીસીટીવી ફૂટેજ જાહેર

કર્યા છે, જેમાં આવી કોઈ ઘટના ન બની હોવાની વાત ડાયરેક્ટર દ્વારા કરવામાં આવી છે. આજે (19 એપ્રિલ) NSUI દ્વારા સ્કૂલે પહોંચીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં NSUIએ શિક્ષિકાની ધરપકડ કરી અને સ્કૂલ સામે કાર્યવાહીની માગ કરી હતી. સમગ્ર મામલો ઉગ્ર બને એ પહેલાં જ હાજર પોલીસે ત્રણ કાર્યકરની ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી. બાળકીની માતાએ શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રાજકોટ શહેરમાં સમગ્ર શિક્ષણજગતને લાંછન લગાવતી ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. માત્ર ચાર વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં બોલપેન અથવા એવી કોઈ વસ્તુ ઘુસાડી દેતાં બાળકીને ગુપ્તાંગમાંથી

પરુ નીકળતાં માતાને જાણ થઈ હતી. એ બાદ બાળકીને ખાનગી અને બાદમાં જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પ્રદ્યુમ્નનગર પોલીસે બાળકીની માતાની ફરિયાદ પરથી સ્કૂલનાં શિક્ષિકા વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાળકીએ સ્કૂલથી આવી માતાને જાણ કરી રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા યુવાનની ચાર વર્ષની દીકરીનું ગત વર્ષ જૂન મહિનામાં રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં કેજી નર્સરીમાં એડમિશન લેવા નિર્ણય કર્યો હતો અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ શરૂ કરાવ્યો હતો. દરમિયાન ગત 11 એપ્રિલ, 2025ના રોજ બાળકી સ્કૂલથી ઘરે આવી ત્યારે પોતાની માતાને જણાવ્યું હતું કે

મને ગુપ્તાંગની જગ્યાએ દુખે છે, જેથી ગરમીના કારણે બળતરા થતી હશે, એમ વિચારી માતાએ કાંઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. ઘટના અંગે પૂછતાં બાળકીએ શિક્ષિકાના ફોટા પર હાથ મૂક્યો બીજા દિવસે ફરી સ્કૂલથી આવી બાળકીએ ખૂબ દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી, જેથી માતાએ નીરખીને જોતાં બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં પરુ જેવો ચીકણો પદાર્થ નીકળતો હતો. કંઈક અજુગતું થયું છે એવો વહેમ જતાં માતાએ તરત બાળકીના પિતાને જાણ કરી અને દંપતી નજીકની ખાનગી હોસ્પિટલમાં બાળકીને લઈ ગયાં હતાં. અહીં ડોક્ટરે તપાસતાં બાળકી સાથે અજુગતું થયું હોવાની શંકા સાચી ઠરી હતી. બાળકીને

તેની સ્કૂલમાં સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓ, ટીચર, શિક્ષક, સ્ટાફના ફોટા બતાવી કોણે તેને ગુપ્તાંગમાં ઇજા પહોંચાડી પૂછતાં બાળકીએ એક ટીચરના ફોટા પર હાથ મૂક્યો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં છેલ્લા બે દિવસથી જનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોક્ટરે એમએલસી જાહેર કરતાં મામલો પ્રદ્યુમ્નનગર પોલીસ મથકે પહોંચ્યો હતો, એ બાદ પોલીસે નિવેદન નોંધી તપાસ શરૂ કરી હતી. સ્કૂલે CCTV જાહેર કર્યા છે, આવી કોઈ બાબત નજરે આવતી નથીઃ ડાયરેક્ટર રાજકોટ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર અશોક પાંભરે જણાવ્યું હતું કે, અમારી શિક્ષિકા નિર્દોષ છે. બાળકી સ્કૂલે

આવી અને બહાર નીકળી ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજ અમારી પાસે ઉપલબ્ધ છે. જો માતા-પિતા સાચા હશે તો મેનેજમેન્ટ તેમની સાથે પણ રહેશે. સ્કૂલે બાળકીના સીસીટીવી બતાવ્યા છે, જેમાં આ પ્રકારની કોઈ બાબત નજરે આવતી નથી. અન્ય બે શિક્ષિકાએ પણ કૃત્ય મેડમે જ કર્યાનું જણાવ્યુંઃ પિતા બાળકીના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરીએ ફરિયાદ કરી હતી કે નીચેના ભાગમાં દુખાવો થાય છે. આ પછી અમે મેડિકલ રિપોર્ટ કરાવ્યા હતા. 15 તારીખે પરીક્ષા હતી માટે સ્કૂલે લઇ ગયા તો આ સમયે ફરી એ જ શિક્ષિકા કે જેને આવું કૃત્ય કર્યું

તેને મારી દીકરીને ડરાવી હતી. તેની સામે આંખો કાઢી ગુસ્સો કર્યો હતો અને માર માર્યો હતો. ક્લાસમાં બે મેડમ છે. મોના મેડમ અને મિત્તલ મેડમ, પણ દીકરી મિત્તલ મેડમે જ આ કૃત્ય કર્યું હોવાનું જણાવે છે. પોલીસ ફરિયાદ બાદ અન્ય કોઈ દીકરી સાથે એવું કર્યું છે કે કેમ એ અંગે ખ્યાલ આવી શકે તેમ છે. મારી દીકરી સાથે એક શિક્ષિકાએ આવું કર્યું, જે તદ્દન ગેરવાજબી છે, આવું અન્ય કોઈ સાથે ન થાય એ માટે અમે ફરિયાદ નોંધાવી રહ્યા છીએ અને કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છીએ. આવી કોઈ ઘટના

અમારી સ્કૂલમાં બની નથીઃ પ્રિન્સિપાલ જ્યારે કર્ણાવતી સ્કૂલના પ્રિન્સિપાલ ડોબરિયાએ જણાવ્યું હતું કે વાલી દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે એ તદ્દન ખોટા છે. આવી કોઈ ઘટના અમારી સ્કૂલમાં બની જ નથી. અમારી સ્કૂલમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા છે, એમાં પણ આવું કશું થયું હોય એવું અમારા ધ્યાન પર આવ્યું નથી. અમારાં મહિલા શિક્ષક મિત્તલબેન પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, પરંતુ એ આક્ષેપ ખોટા છે. ચાર વર્ષથી આ શિક્ષિકા અમારી સ્કૂલમાં છે. તેઓ બધાં બાળકોને તેમના સંતાનની જેમ જ રાખે છે. શિક્ષિક પર ખોટા આક્ષેપ ન કરવા

જોઈએ. મારો ઇગો હર્ટ થયો છે, આવું ન થવું જોઈએઃ શિક્ષિકા જ્યારે સમગ્ર મામલે શિક્ષિકા મિત્તલબેને જણાવ્યું હતું કે મારી પર લગાવેલો આક્ષેપ ખોટો છે. આખું વર્ષ મેં આ દીકરીને ભણાવી છે. એક શબ્દ આ દીકરી બોલતી નથી. વાલી દ્વારા આવડો મોટો ખોટો આક્ષેપ ન કરવો જોઈએ. દીકરી સ્કૂલ સિવાય અન્ય જગ્યાએ પણ જતી હોય તો એ અંગે પણ વાલીએ તપાસ કરવી જોઈએ. મારો ઈગો હર્ટ થયો છે, આવું ન થવું જોઈએ. વાલીને તમામ સીસીટીવી ફૂટેજ બતાવ્યા છે, જે સાબિત કરી શક્યા નથી. આ આક્ષેપ તદ્દન ખોટો છે.

Leave a Reply

Related Post