અમદાવાદમાં ન્યુ ગુજરાતનું રિયાલિટી ચેક: નિકોલમાં AMCની ડ્રેનેજ લાઈનના ખાડામાં યુવક પડ્યો, ઠેર-ઠેર ખોદકામથી પ્રજાને હાલાકી, કોઈ બેરિકેડિંગ વગર કોન્ટ્રાક્ટની કામગીરી

અમદાવાદમાં ન્યુ ગુજરાતનું રિયાલિટી ચેક:નિકોલમાં AMCની ડ્રેનેજ લાઈનના ખાડામાં યુવક પડ્યો, ઠેર-ઠેર ખોદકામથી પ્રજાને હાલાકી, કોઈ બેરિકેડિંગ વગર કોન્ટ્રાક્ટની કામગીરી
Email :

તાજેતરમાં જ સુરતમાં બે વર્ષના માસૂમનું ખુલ્લી ડ્રેનેજમાં પડી જવાથી મોત નીપજ્યું હતું. આ બાળકની શોધખોળ માટે 24 કલાક જેટલો સમય લાગ્યો અને આ તંત્રના પાપે આજે એક પરિવારે પોતાના વહાલસોયાને ગુમાવ્યો છે. ત્યારે ન્યુ ગુજરાતની ટીમ દ્વારા ગુજરાતમાં વિવિધ શહેરોમાં રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદમાં પણ ખુલ્લી ડ્રેનેજ, રસ્તા પર પાલિકા દ્વારા ખોદેલા ખાડા અને અકસ્માત રોકવા કોઈપણ જાતના બેરિકેડિંગ નહીં જ તંત્રની બેદરકારી દર્શાવી રહી છે. ખુલ્લી ડ્રેનેજ લાઈનો અને બેરિકેડિંગ વગર કામગીરી સુરતમાં અંધેરનગરી ગંડુ રાજા જેવી પરિસ્થિતિ છે તેવી જ પરિસ્થિતિ અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ ખુલ્લી ડ્રેનેજ લાઈનો અને બેરિકેડિંગ વગર કરવામાં

આવતી કામગીરીના કારણે લોકો ખાડામાં પડે છે અને તેમના જીવને જોખમ ઊભું થાય છે. નિકોલ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલી રહી છે. એમાં કોઈપણ બેરીકેટિંગ કર્યા વગર ડ્રેનેજ લાઈન ખોદી નાખવામાં આવી છે. જેના ખાડામાં બેથી ત્રણ વ્યક્તિઓ પડ્યા હતા અને તેઓને ઇજા થઈ હતી. માંડ માંડ તેઓના જીવ બચ્યા છે. એક બળદ પણ ખાડામાં પડી જતા તેને ક્રેન વડે બહાર કાઢવો પડ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ અને રોડ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. ઉબડખાબડ રસ્તો અને ખુલ્લી ગટરમાં પડી જવાનો ભય નિકોલ ગામ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં

આવી રહી છે. જેમાં નિકોલ ગામથી લઈને 200 મીટરનો રોડ ખોદી નાખવામાં આવ્યો છે. તૂટેલી ફૂટપાથની બાજુમાં જ ખાડો ખોદવામાં આવ્યો છે જે આખો ગંદા પાણીથી ભરેલો છે. અવરજવરનો કોઈ રસ્તો ન હોવાથી તૂટેલી ફૂટપાથ ઉપરથી સ્કૂલે જતા નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પસાર થાય છે. કામગીરી દરમિયાન ક્યાંય પણ બેરીકેટિંગ કરવામાં આવેલું નથી. ખાડાની બાજુમાંથી જ ફૂટપાથ ઉપરથી નાના બાળકો પસાર થાય છે, લોકો સાયકલો લઈને ત્યાંથી ચાલે છે. ઉબડખાબડ રસ્તો અને ખુલ્લી ગટરમાં કોઈપણ વ્યક્તિ પડી જાય તેવી સ્થિતિ જોવા મળી હતી. પાંચ દિવસ પહેલા એક વ્યક્તિ ખાડામાં પડ્યો હતો સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નિકોલ ગામમાં જવા માટેનો

આ એક જ રસ્તો છે. પાંચ દિવસ પહેલા એક વ્યક્તિ રાત્રિના સમયે ત્યાંથી પસાર થતો હતો. તે દરમિયાન ડ્રેનેજ લાઈનના ખોદેલા ખાડામાં પડ્યો હતો. જેના કારણે તેને માથાના ભાગે અને ખભાના ભાગે ઈજા થઈ હતી. તાત્કાલિક યુવકને સ્થાનિક લોકોએ બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. બે દિવસ પહેલા પણ એક યુવક ચાલતો જતો હતો ત્યારે રાત્રે તેને અંધારામાં ખાડો ના દેખાતા તેમાં પડ્યો હતો. નિકોલ ગામના દરવાજાની પાસે જ ખોદેલા ઊંડા ખાડામાં એક બળદ પણ પડ્યો હતો અને સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. તાત્કાલિક કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી જેથી તેણે ક્રેન મંગાવી અને ક્રેન વડે તેને બહાર

કાઢવો પડ્યો હતો. નાગરિકોને અવરજવરમાં ખૂબ જ તકલીફ નિકોલ વિસ્તારના સ્થાનિક રહેવાસી વિષ્ણુભાઈ પંચાલે ન્યુ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી આ કામગીરી ચાલી રહી છે. જેના કારણે નાગરિકોને અવરજવરમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. સ્કૂલે જતા બાળકો મહિલાઓ વૃદ્ધો અને લોકો અહીંયાથી પસાર થાય છે, ગમે ત્યારે અંદર પડી જવાનો ભય રહે છે. ખોદવાની કામગીરી દરમિયાન કોઈપણ બેરિકેડ કે સિક્યુરિટી રાખવામાં આવી નથી જેના કારણે કોઈપણ વ્યક્તિ અંદર પડે તેવી ઘટના બને છે. નરોડા વિસ્તારમાં પણ પાલિકાની કામગીરી સામે રોષ નરોડા વિસ્તારમાં પણ ન્યુ ગુજરાતે જ્યારે રિયાલિટી ચેક કર્યું હતું. ત્યારે નરોડા શેલબી હોસ્પિટલ ચાર રસ્તાથી હંસપુરા

તરફ જવાના રોડ ઉપર રોડ પહોળો કરવાની કામગીરી કરવામાં આવી છે તેમાં રોડ ખોદી નાખવામાં આવ્યો છે. નરોડા શેલ્બી ચાર રસ્તા પાસે આવેલા લક્ષ્મી વિલા 2 ફ્લેટની બહારના ભાગે રોડ ખોદી નાખવામાં આવેલો છે જેના કારણે તેના સ્થાનિક લોકોને પણ અવરજવરમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. લાઈટો રાત્રે બંધ હોય છે અને ત્યાંથી કેટલાય લોકો વાહન લઈને અને ચાલીને નીકળે છે ત્યારે પડી જવાનો ભય રહે છે. 100 મીટરથી વધારે રોડ ખોદી નાખવામાં આવ્યો છે. બેરિકેડિંગ પણ યોગ્ય કરવામાં આવ્યું નથી અને બંને વચ્ચે ખૂબ જ અંતર રાખવામાં આવ્યું છે. રાત્રે સંપૂર્ણ અંધારુ થઈ જતાં પડી જવાની બીક

રહે છે નરોડા વિસ્તારમાં રહેતા નિલેશભાઈ પટેલ નામના સ્થાનિકે ન્યુ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહિનાથી રોડ ખોદી નાખ્યો છે. જેના કારણે અવર-જવરમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. ખોદેલા ખાડામાં કેટલાય લોકો પડે છે. સિનિયર સિટીઝનોને પણ અવર-જવરમાં ખૂબ જ તકલીફ પડે છે. રાત્રે સંપૂર્ણપણે અંધારું હોય છે. જે બાજુ ખાડા ખોદયા છે ત્યાં તો લાઈટો બંધ જ છે તો સામેના ભાગે પણ ચાર પાંચ દિવસથી લાઈટ બંધ હોવાથી ખૂબ જ અંધારા જેવી પરિસ્થિતિ હોવાથી કેટલાય લોકો પડે છે. જે વાહનચાલકો ટર્નિંગ લે છે ત્યારે પડતાં હોય છે. ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ સાથે વાતચીત છેલ્લા 18 વર્ષથી અને સૌથી સિનિયર

ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલની દસક્રોઈ વિધાનસભામાં નિકોલ વોર્ડનો સમાવેશ થાય છે. નિકોલ વોર્ડમાં સિનિયર ધારાસભ્ય અને વર્ષોથી ભાજપમાં હોવા છતાં પણ તેમના જ વિસ્તારમાં અનેક સમસ્યાઓ જોવા મળી છે. ન્યુ ગુજરાતે ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓ કાર્યક્રમમાં વ્યસ્ત હતા. જ્યારે નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર અને મટીરીયલ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન બળદેવભાઈ પટેલે ન્યુ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, કે નિકોલ ગામમાં ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને અવર-જવરમાં તકલીફ પડી રહી છે જેમાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચના આપી છે. જોકે કામગીરી દરમિયાન ક્યાં યોગ્ય બેરીકેટિંગ નથી કરવામાં આવ્યા

તેને લઈને મેં આ બાબતે ધ્યાન દોરી અને અધિકારીને સૂચના આપી દીધી છે. 'ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે' પૂર્વ ઝોનના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના એડિશનલ સીટી ઇજનેર પટેલ હર્ષાબેને ન્યુ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નિકોલ ગામ પાસે મેઇન રાઈઝીંગ લાઈન નાખવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા નાની યુટીલીટી તૂટી ગઈ હતી, જેને રિપેરિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પૂર્વ ઝોન દ્વારા અત્યારે હાલ કામગીરી કરવામાં આવી રહી છે અને ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મેઈન રાઈઝીંગ લાઈન નાખતી વખતે કોન્ટ્રાક્ટર દ્વારા યુટીલીટીની લાઈનો તોડી નાખવામાં આવી હતી જેના કારણે હાલ યુટીલીટીની કામગીરી ચાલુ છે.

Related Post