ખબરદાર જમાદાર: વિરોધ પ્રદર્શનમાં મોટા નેતાની અટકાયત ન કરી શકનાર ACPએ ગુસ્સો કાર્યકરો પર ઠાલવ્યો, IPS અધિકારી એક વિવાદમાં પોઝિટિવ અભિપ્રાય આપીને જબરા ફસાયા

ખબરદાર જમાદાર:વિરોધ પ્રદર્શનમાં મોટા નેતાની અટકાયત ન કરી શકનાર ACPએ ગુસ્સો કાર્યકરો પર ઠાલવ્યો, IPS અધિકારી એક વિવાદમાં પોઝિટિવ અભિપ્રાય આપીને જબરા ફસાયા
Email :

ન્યુ ગુજરાત તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. વિરોધ પ્રદર્શનમાં મોટા નેતાની અટકાયત ન કરી શકનાર ACPએ ગુસ્સો કાર્યકરો પર ઠાલવ્યો અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે બંદોબસ્તમાં હાજર પોલીસ દ્વારા તમામ નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ એક ACP કોંગ્રેસના નેતાને અટકાયત કરવા માટે વિનંતી કરવા ગયા હતા. જોકે, કોંગ્રેસના નેતાએ પોતાની અટકાયત કરવાની ના પાડી

તો ACP કોંગ્રેસના નેતાને અટકાયત કરવા વિનંતી કરવા લાગ્યા હતા. જોકે, કોંગ્રેસના નેતા ACPને ના પાડીને ત્યાંથી નીકળી ગયા હતા. ત્યાર બાદ રોષે ભરાયેલા ACP એ કોંગ્રેસના અન્ય કાર્યકરો પર ગુસ્સો ઉતાર્યો અને તમામની ટીંગાટોળી કરી અટકાયત કરી. કેટલાકના કોલર પકડીને પણ જબરજસ્તી પોલીસની ગાડીમાં બેસાડી દીધા હતા. એટલે કે મોટા નેતાની અટકાયત ન કરી શકતા ACP નાના કાર્યકરો પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. IPS અધિકારી એક વિવાદમાં પોઝિટિવ અભિપ્રાય આપીને જબરા ફસાયા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તાજેતરમાં ટ્રાફિકનો એક વિવાદ ચાલ્યો છે. જેમાં IPS અધિકારી પોઝિટીવ અભિપ્રાય આપીને ફસાયા છે. અધિકારીએ ખરાઈ કર્યા વિના અભિપ્રાય આપી દીધો હતો. બાદમાં જ્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ ત્યારે તેઓએ નેગેટિવ અભિપ્રાય આપ્યો પરંતુ તે હવે

સ્થાનિકોને મંજૂર નથી. બીજી તરફ હવે ટ્રાફિકની સમસ્યા પણ વધી છે તો IPS અધિકારીના એક અભિપ્રાયને કારણે હવે વાહનચાલકોએ ભારે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે. જોકે, આ મુદ્દાને લઈ મોટો વિવાદ સર્જાયો હતો. જેમાં ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર જવું પડ્યું હતું. કુબેરના ખજાના પ્રકરણમાં મહેન્દ્ર કાળીયાનો રાજ તેના નજીકના જ માણસોએ વટાણા વેર્યા પાલડીના ફ્લેટમાંથી કુબેરના ખજાના જેટલું સોનું અને રોકડ મળી આવી હતી. આ સમગ્ર મામલે મહેન્દ્ર કાળીયો અને તેના દીકરા સામે તપાસ હાલ ચાલી રહી છે. બંને હાલ એજન્સીની તપાસથી દૂર હોવાનું ચર્ચામાં છે. પરંતુ એક સમયે આ બંનેથી કરોડો રૂપિયા કમાનાર ફાઈનાન્સર ક્યાંક મહેન્દ્ર કાળીયાની સાથે શેરબજાર અપડાઉન કરવામાં મહત્વની ભૂમિકામાં સાથે હતો તેવું ચર્ચામાં છે.

જેમાં આશ્રમ રોડના ફાઈનાન્સર બિલ્ડ અને દરેક લોકોએ અલગ અલગ જગ્યાએ મહેન્દ્ર કાળીયાનો લાભ લીધો હતો અને તેમના નામ સામે આવતા હવે બજારમાં હાજર કરી દીધા છે અને આપણે તો જુના સંબંધો હતા હવે આપણે કંઈ લેવાદેવા છે જ નહીં તેમ કહીને મોઢું ફેરવી રહ્યા છે. પરંતુ આજે નહીં તો કાલે એજન્સીની તપાસમાં બધા આવે તેવી શક્યાતા છે તેવી પણ હાલ ચર્ચા થઈ રહી છે. હથિયારની દુકાન ચલાવતો ગેરકાયદે લાઇસન્સ મેળવનાર ટપોરીની ભલામણ લઈને ફરે છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટપોરી અને પોતાને ગુનેગાર કે ભાઈ સમજનાર વ્યક્તિ એક એજન્સીના હથિયારોના ગેરકાયદેસર ગોટાળામાં ટૂંક સમયમાં આવે તેવી શક્યતા છે અને તે પણ ખૂબ મોટા લેવલે હથિયારોના ગોટાળામાં સામેલ હોય તેવી ચર્ચા છે.

હાલ તેના પરિવારમાં લગ્ન પ્રસંગ અને તે એજન્સી કશું ન કરે તે માટે એક હથિયારની દુકાન ચાલાવનાર વ્યક્તિને કેટલાક પોલીસ અધિકારીઓ સાથે સંબંધ છે અને તેના મારફતે ધરપકડથી બચવા માટે પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ હાલ તપાસ કરતી એજન્સી કોઇને પણ છોડવાના મૂડમાં નથી. હથિયારની દુકાનના માલિક હવે આશ્વાસન આપીને ગુનેગારને ગોળ ગોળ ફેરવવા લાગ્યો છે પણ આટલા મોટા હથિયારના રેકેટમાં હથિયારના દુકાનદારને પણ એજન્સી પકડીને પૂછપરછ કરે તો વધુ માહિતી સામે આવે તેવી શક્યતા છે. ગુજરાતનો સૌથી મોટો કોલ સેન્ટર માફિયા હાલ હથિયારોના કેસમાં એજન્સીના શરણે એક સમયે કરોડો રૂપિયા ભેગા કરનારે અનેક પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ સાથે સંબંધ બનાવ્યા એટલું જ નહીં જે અધિકારીને કોલ સેન્ટરમાં રસ હતો તેને બિઝનેસ

પ્લાન પણ સમજાવતો અને કેટલાય પોલીસ અધિકારીઓના ખર્ચ તેણે ઉપાડ્યા હતા. થોડા સમય પહેલાં તેણે દાન આપવાનું કહીને એક રાજકીય શરણ લેવાનો પ્રયાસ કર્યો હતો. ધારાસભ્યની રેલીમાં ગોઠવાયો અને એક રાજકીય ટપોરી જેના કારણે એક પક્ષના મોટા નેતાને રાજકીય નુકસાન થયું હતું તેને સાથે રાખીને કોલ સેન્ટર માફિયા અને એક ઉંમર લાયક વ્યક્તિ ફૂલ ગુલાબી વાતાવરણ ઉભું કરવા લાગ્યા હતા પણ હવે ગાળિયો કસાતા ઉંમર લાયક વ્યક્તિ ન સહેવાય કે ન કહેવાય તેવી સ્થિતિમાં આવી ગયા છે. કેટલાય પોલીસ અધિકારી જે કોલ સેન્ટર માફિયાને મદદમાં હતા તે હવે તેની ગુનાહિત કુંડલી કહી રહ્યા છે. બે મિત્રો જેમાં એક ચોર અને એક પોલીસ, બંને એજન્સી અને અધિકારી સામે આરોપી એક

સમયના પોલીસ અધિકારી થોડા સમય માટે વિવાદમાં આવ્યા હતા અને તેમને કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું અને તેમની ધરપકડ થઈ. પરંતુ આ વખતે સાથે બીજી એક વાત સીધી ઊડીને આંખે વળગે તેવી છે. કારણ કે, હાલ એ જ એજન્સીએ આ પોલીસ અધિકારીના મિત્રની ધરપકડ કરી છે અને તેની કડક પૂછપરછ કરી રહી છે. બંને મિત્રોની એ જ એજન્સીમાં એ જ એધિકારી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ મોટી વાત એ છે કે, આ એજન્સીમાં તમામ સરખા છે. તેમણે પોલીસ અધિકારીની પણ આરોપી તરીકે પૂછપરછ કરી અને એક ગુનેગાર ટપોરી અને લોકોને લૂંટનાર વ્યક્તિની પણ એ જ લેવલે પૂછપરછ કરી છે. એક વાત ઉડીને હાલ ચર્ચામાં છે કે, આ એજન્સી દરેક

માટે સરખી છે. અહીંયા કોઈપણ આવે દરેક માટે ન્યાય તો સરખો જ છે. અમદાવાદના એક ટોપરીનો મોહ હજુ પણ શહેરમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા PIને છૂટતો નથી ATSએ પકડેલા ગન કૌભાંડના આરોપીના અગાઉ અમદાવાદમાં ફરજ બજાવતા PI સાથે અંગત સંબંધ હતા. PI અને તેમના પરિવાર સાથે આરોપી ગોવા પણ ફરવા ગયો હતો. એટલું જ નહીં તમામ જરૂરિયાતો આરોપી પૂરી કરતો હતો. પીઆઇની બદલી આવ્યા બાદ પણ તેઓ આરોપીના સતત સંપર્કમાં હતા. આરોપીના જન્મ દિવસે PI ગિફ્ટ લઈને પાર્ટીમાં પણ ગયા હતા. અત્યારે પીઆઇ અમદાવાદના નજીકના જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. પીઆઇ ગીતો ગાવાના પણ શોખી છે જેના લીધે તેઓ અગાઉ પણ ચર્ચામાં આવી ચૂક્યા હતા. અમદાવાદમાં એક પીઆઇ તેમના વિસ્તારમાં

સમસ્યા આવતા રજા પર ઉતરી ગયા પૂર્વ વિસ્તારમાં તાજેતરમાં એક પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા લગાવ્યા બાદ પોલીસને મોડેથી સમજણ પડી કે આ પ્રતિમા લગાવવાથી લોકોને સમસ્યા થશે. ત્યારે આ અંગે સ્થાનિકોએ ભેગા મળીને વિરોધ શરૂ કર્યો હતો. વિવાદની જાણ થતા સ્થાનિક પીઆઇ રજા પર ઉતરી ગયા હતા અને અન્ય પીઆઇને વિવાદની હદના પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. પીઆઇ અગાઉ પણ તેમની કામગીરીને લઈને વિવાદમાં આવી ચૂક્યા છે. જ્યારે ઉચ્ચ અધિકારીઓનું ફૂટ પેટ્રોલિંગ તેમના વિસ્તારમાં ચાલી રહ્યું હતું ત્યારે પીઆઇના માણસોએ તે વિસ્તારમાં જઈને ટૂંક સમય માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવી હતી. જેવું પેટ્રોલિંગ પૂરું થયું કે તરત જ પોલીસના માણસોએ ફરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરાવી હતી.

Leave a Reply

Related Post