રથયાત્રા રંગેચંગે જ નીકળશે: નેતા-અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું, ભયજનક મકાનો સામે એક્શન લેવાશે; રવિવારે આખો દિવસ મામેરાનાં દર્શન થશે

રથયાત્રા રંગેચંગે જ નીકળશે:નેતા-અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું, ભયજનક મકાનો સામે એક્શન લેવાશે; રવિવારે આખો દિવસ મામેરાનાં દર્શન થશે
Email :

આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે. જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળનારી રથયાત્રાના 14 કિલોમીટરના રૂટ ઉપર આજે (20 જૂન) શુક્રવારે અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીન પટેલ સહિતના ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ મંદિરના મહેન્દ્ર ઝા સાથે રૂટ નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રાના રોડ પર જમાલપુર દરવાજા પાસે રોડની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી બે દિવસમાં પૂર્ણ થઈ

જશે, જ્યારે કાલુપુર રેલવે સ્ટેશન પાસે રૂટ ઉપર જે રોડ પર બેરિકેડ્સ લગાવ્યાં હતાં એને ખોલી દેવામાં આવ્યાં છે. રૂટ ઉપર ભયજનક મકાનોને પણ અત્યારે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવી રહ્યાં છે. મોટા ભાગની કામગીરી પૂર્ણ: મેયર મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને આજે અંદાજિત 14 કિલોમીટરના રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં રોડ રસ્તા રિસર્ફેસ, ઝાડ ટ્રીમિંગ કરવાની, લાઈટો લગાવવાની, પાણીની પરબો અને

મેડિકલ સુવિધા તેમજ ભયજનક મકાનો સામે પગલાં લેવા અંગેની સૂચના આપવામાં આવી હતી. મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યાં હજી પણ નાની-મોટી કામગીરી કરવાની બાકી છે એ આગામી દિવસોમાં પૂર્ણ થઈ જશે. રથયાત્રાના રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે, જેના માટે જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા કોર્પોરેશન ઓફિસ સુધીના એક કિલોમીટરના રૂટ ઉપર અત્યારે કામગીરી કરવામાં આવી છે. ‘જર્જરિત મકાનોને ઉતારી લેવા નોટિસ આપી’ તેમણે વધુમાં જણાવ્યું

હતું કે રથયાત્રાના રૂટ પર જેટલાં પણ ભયજનક મકાનો છે એને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જર્જરિત મકાનોને ઉતારી લેવા નોટિસ આપવામાં આવી હતી. જો કોઈએ નોટિસ આપ્યા બાદ પણ પાલન નથી કર્યું તો તેમનાં લાઈટ, ડ્રેનેજ અને પાણીનાં કનેક્શન આપી નાખવામાં આવી રહ્યાં છે. જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં નીકળે, જેને લઈને આજે રૂટ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમામ કોર્પોરેશનના પદાધિકારીઓ અને ડેપ્યુટી

મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ‘કાલુપુર પાસે બેરિકેડ્સ હટાવી રોડ ખોલી દેવાયો’ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે, જેમાં જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા, ખાડિયા, કાલુપુર થઈને સરસપુર મોસાળ જશે. રથયાત્રા પરત કાલુપુર, પ્રેમ દરવાજા, દરિયાપુર, દિલ્હી ચકલા, શાહપુર, ઘીકાંટા, પાનકોરનાકા થઈને પરત જમાલપુર મંદિરે આવશે. આ રૂટ ઉપર મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાનનાં દર્શન કરવા માટે આવતા હોય છે. કાલુપુર રેલવે સ્ટેશન નજીકની કામગીરી ચાલી રહી છે. કાલુપુર ઇન

ગેટ પાસે ડીસીપી ઓફિસ પાસે મૂકવામાં આવેલા બેરિકેડ્સ હટાવી લેવામાં આવ્યાં છે અને રોડ ખોલી દેવામાં આવ્યો છે, જેથી પરંપરાગત રીતે રૂટ ઉપર રથયાત્રાને કોઈપણ તકલીફ નહીં પડે. ‘રિલીફ રોડ તરફ જ લોકો ઊભા રહીને દર્શન કરી શકશે’ જોકે રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી હોવાના કારણે ટ્રાફિક ડીસીપી ઓફિસથી કાલુપુર મોતીમહેલ પાસે માત્ર રિલીફ રોડ તરફ જ લોકો ઊભા રહીને દર્શન કરી શકશે. રોડની બીજી તરફ બેરિકેડ્સ લગાવેલાં હોવાથી

ત્યાંથી લોકોને દર્શન કરવા નહીં મળે. જગ્યા ઉપર ખૂબ વધારે ભીડ થાય એવી શક્યતા છે, જેથી ડીસીપી ઓફિસથી મોતીમહેલ સુધી કોઈ વધારે ભીડ ન થાય અને સરળતાથી નીકળી શકે એ મુજબનું આયોજન કરવામાં આવશે. 22 જૂને સરસપુર રણછોડરાય મંદિરમાં મામેરાનાં દર્શન થશે વર્ષમાં એકવાર અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં સરસપુર મોસાળ તરફથી ભાણેજ એવા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને ભાવથી મામેરું કરવામાં આવતું હોય છે. મામેરામાં ભગવાનને

આપવામાં આવતા વાઘા, દાગીના સહિતની ચીજવસ્તુઓ સાથે મામેરાનાં દર્શન 22 જૂનના રોજ સરસપુર રણછોડરાય મંદિર ખાતે થશે. ભગવાનને મામેરામાં આપવામાં આવેલી તમામ વસ્તુઓ લોકોનાં દર્શન માટે મૂકવામાં આવે છે. દર વર્ષે સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મામેરાનાં દર્શન થતાં હોય છે. આખો દિવસ મામેરાનાં દર્શન થશે જોકે ચાલુ વર્ષે રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આખો દિવસ ભક્તો મામેરાનાં દર્શન કરી શકે એ માટે 22 જૂનના રોજ સવારે 11 વાગ્યાથી રાત્રે

8 વાગ્યા સુધી મામેરાનાં દર્શન થાય એ મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટી ઉમંગ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે મામેરાનાં દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા હોય છે ત્યારે ચાલુ વર્ષે લોકો આખા દિવસમાં મામેરાનાં દર્શન કરી શકશે. સરસપુર મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે. ચાલુ વર્ષે મંદિરનો ભાગ મોટો પણ કરવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ લોકો રથયાત્રા દરમિયાન દર્શન કરી શકશે.

Leave a Reply

Related Post