અનાથ બાળકો માટેનું આદર્શ 'ઘર': કર્મચારી વાલી બને અને સ્કૂલે જાય, અભ્યાસથી લઇને મનોરંજન સુધીની તમામ વ્યવસ્થા

અનાથ બાળકો માટેનું આદર્શ 'ઘર':કર્મચારી વાલી બને અને સ્કૂલે જાય, અભ્યાસથી લઇને મનોરંજન સુધીની તમામ વ્યવસ્થા
Email :

ગુજરાતમાં અનાથ બાળકો માટે દરેક જિલ્લામાં ચિલ્ડ્રન હોમ ચાલે છે પરંતુ આ બધા ચિલ્ડ્રન હોમ્સમાં એક અનોખું ચિલ્ડ્રન હોમ પણ છે. જે ભાવનગરમાં આવેલું છે. રાજ્યના પ્રથમ સરકારી આદર્શ ચિલ્ડ્રન હોમમાં બાળકો માટે એવી સુવિધાઓ છે જે તેને અન્ય કરતાં અલગ પાડે છે. જૂન-2023માં શરૂ કરાયેલા આ ચિલ્ડ્રન હોમમાં અત્યારે રાજ્યના વિવિધ જિલ્લાના બાળકો રહે છે. બાળકો માટે શું-શું વ્યવસ્થા છે? આ બાળ સંભાળ ગૃહને ચાઇલ્ડ ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે.બાળકોના મનોરંજન માટે LED ટીવી મુકાયું છે. જેમાં વિવિધ કાર્યક્રમો બતાવવામાં આવે છે તેમજ પ્રોજેક્ટરથી બાળકોને મનગમતી અને મોટિવેશનલ ફિલ્મો બતાવાય છે. અહીં લાઇબ્રેરી રૂમ અને કોમ્પ્યુટર રૂમની પણ સુવિધા છે. બાળકોનું નિયમિત મેડિકલ ચેકઅપ થાય તે માટે વિઝીટિંગ મેડિકલ ઓફિસર વિઝીટ કરે છે. રમતગમત માટે આઉટ ડોર અને ઇન્ડોર ગેમ પણ રાખવામાં આવી છે. બાળકોના જન્મ દિવસ અને રાષ્ટ્રીય

તહેવારોની ઉજવણી થાય છે સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અહીં યોજાય છે. આદર્શ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ વિશે વધુ જાણકારી મેળવવા ન્યુ ગુજરાતે સમાજ સુરક્ષા વિભાગના નિયામક વિક્રમસિંહ જાદવ સાથે ખાસ વાતચીત કરી હતી. વિક્રમસિંહ જાદવે ન્યુ ગુજરાતને જણાવ્યું કે,ભાવનગરમાં અમે આદર્શ ચિલ્ડ્રન હોમ ડેવલપ કર્યું છે. આની પાછળનું કારણ એ હતું કે જે બિલકુલ અનાથ બાળકો છે અથવા સિંગલ પેરેન્ટ ચાઇલ્ડ છે એ લોકોની કાળજી લેવા માટે કોઇ વાલી તરીકે આગળ આવે તેવું અમને કંઇ દેખાયું નહીં. એટલે અમે એક વિચાર કર્યો કે આ બાળકોને સારામાં સારું શિક્ષણ, આરોગ્ય અને સામાન્ય બાળકને મળતી હોય તેવી તમામ પ્રકારની સુવિધા આ બાળકોને ચિલ્ડ્રન હોમમાં મળવી જોઇએ. બાળકો માટે કલરફૂલ પડદા અને ડાઇનિંગ ટેબલ ચિલ્ડ્રન હોમમાં અપાતી સુવિધા વિશે તેમણે કહ્યું કે, અમે રૂમના પડદા એટલા એટ્રેક્ટિવ બનાવ્યા કે નાના બાળકોને

ગમે. મિકી માઉસ અને ડોરેમોનના પડદા લગાવ્યા છે. બિલ્ડિંગમાં બાળકોના રુમની ડોરમેટરી છે તેમાં તેમની ચાદર, બેડ તેમજ તેની દીવાલો એટલી કલરફૂલ બનાવી કે બાળકને એમ થાય કે મારે અહીંયા જ રહેવું છે. મારે અહીંથી ક્યાંય જવું જ નથી. કદાચ આપણા ઘરમાં પણ ન હોય તેવા કલરફૂલ ડાઇનિંગ ટેબલ બનાવ્યા છે. અન્ય જિલ્લામાંથી બાળકોને ભાવનગર લવાયા તેમણે કહ્યું કે, અમે ભાવનગરમાં અમારું જે ચિલ્ડ્રન હોમ હતું તે ચિલ્ડ્રન હોમને આદર્શ ચિલ્ડ્રન હોમ તરીકે વિકસાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ ગુજરાતમાં અમારા જેટલા પણ ચિલ્ડ્રન હોમ છે તેમાંથી અનાથ બાળકો અને 18 વર્ષ સુધી એક જ સંસ્થામાં રાખીને શિક્ષણ આપી શકીએ તેવા બાળકોને શોધવાના હતા. જુદા જુદા જિલ્લાઓમાં અમારા અધિકારીઓ મારફતે આવા બાળકોને શોધીને તેમનું લીસ્ટ તૈયાર કર્યું. બાદમાં આવા તમામ બાળકોને ભાવનગર લઇ આવ્યા. શા માટે ભાવનગરની જ પસંદગી થઇ? ભાવનગરની જ

શા માટે પસંદગી કરાઇ તે પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, ગુજરાતના દરેક જિલ્લામાં એક ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ છે. ભાવનગર સૌરાષ્ટ્રનું કેન્દ્ર બિન્દુ છે. ભાવનગરમાં બધા બાળકોને લાવીએ તેવું અમે નક્કી કર્યું. ભાવનગરની ભૌગોલિક પરિસ્થિતિ અને વાતાવરણ પણ અનુકૂળ હતું. એટલે દરેકે દરેક જિલ્લામાંથી બાળકને અમે લાવતા હતા. જેમાં દાહોદ, સુરત, બનાસકાંઠા, કચ્છમાંથી બાળકોને લાવ્યા છીએ. પહેલાં એવું હતું કે બધા બાળકો અહીંયા સેટ થઇ શકશે કે નહીં પણ ભાવનગરનું વાતાવરણ એવું છે કે બધા બાળકો અહીંયા સેટ થઇ ગયા. દર 4 બાળકે એક કર્મચારી વાલી તરીકે આવા બાળકોની કાળજી માટે શું-શું કર્યું તેનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, ભાવનગર લાવ્યા પછી બધા બાળકોને એક જ સ્કૂલમાં એડમિશન અપાવ્યા. અમે એ રીતે સિસ્ટમ ગોઠવી કે દર ત્રણથી ચાર બાળકે અમારો એક કર્મચારી તેના વાલી તરીકે કામ કરશે. તે કર્મચારી જેમ

પોતાના બાળક માટે સ્કૂલમાં પેરેન્ટસ ટીચર્સ મિટીંગમાં જઇને સ્કૂલના ટીચર્સ સાથે વાત કરે તેવી જ રીતે આ બાળક માટે પણ કામ કરે. તેણે ટીચર્સ સાથે જઇને જે તે બાળકની ચર્ચા કરવાની કે બાળકમાં શું ખામી છે, તે ક્યા પાછો પડે છે અને શું કરવાથી તે આગળ આવી શકે. આ કર્મચારીએ બાળકના આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, સફાઇ સહિતની તમામ બાબતોની જવાબદારી લેવાની રહેશે. દરેક બાળક માટે અલગથી રજિસ્ટર બાળકોના સ્વાસ્થ્યની લેવાતી કાળજી વિશે તેઓ કહે છે કે, આ જ રીતે આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ થાય. ડોક્ટર અમારા ચિલ્ડ્રન હોમમાં આવે અને ત્યાં આગળ દરેકે દરેક બાળકના આરોગ્યની ચકાસણી થાય. દરેક બાળકનું અલગથી રજિસ્ટર રાખવામાં આવે. એટલી ઝીવણટભરી નોંધ થાય કે તે બાળકના હાથના નખ છેલ્લે ક્યારે કાપ્યા હતા અને હવે ફરી ક્યારે કાપવાના છે. બાળક સાથે કર્મચારી સ્કૂલે પણ જાય છે બાળકોને શિક્ષણ

વિશે તેમણે ઉમેર્યું કે, અમે બાળકો માટે બસની વ્યવસ્થા કરી. દરેક બાળક આ સ્કૂલ બસમાં જાય અને તેની સાથે એક કર્મચારી જાય. તે સ્કૂલ પૂરી થાય ત્યાં સુધી તે કર્મચારી સ્કૂલમાં જ રહે અને સ્કૂલ છૂટે એટલે તે તમામ બાળકોને લઇને સંસ્થામાં ડ્રોપ કરે. એક વિચાર એવો હતો કે અનાથ બાળકમાંથી પણ કોઇ ડોક્ટર કે એન્જિનિયર કેમ ના બને ? જો તેના પર પૂરતું ધ્યાન આપીએ, પૂરતી સગવડ આપીએ તો એ પણ આપણા બીજા બાળકો જેવા જ બાળકો છે. તેની ખાલી ગાઇડ કરવાની તેમજ એન્કરેજ કરવાની જરૂર છે અને થોડી સગવડ આપવાની જરૂર છે. ભાવનગરમાં શરૂ કરાયેલા આ ચિલ્ડ્રન હોમને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. વિક્રમસિંહ જાદવ કહે છે કે, એક નવતર અભિગમ સાથે અમે ચિલ્ડ્રન હોમ શરૂ કર્યું હતું. જેને લગભગ એક વર્ષ થઇ ગયું છે

અને અત્યારે બાળકોમાં ખુશીનો માહોલ જોઇએ તો આપણી આંખ ભરાઇ જાય. આપણને લાગે કે તેઓ ત્યાં જીવન જીવી રહ્યા છે અને માણી રહ્યા છે. એવું લાગે કે આવું દરેક બાળક માટે હોવું જોઇએ. આ ચિલ્ડ્રન હોમમાં કયા કયા બાળકોને રખાય છે તેના વિશે તેમણે કહ્યું કે, અમે પ્રાયોરિટી અનાથ બાળકોને આપીએ છીએ પછી સિંગલ પેરેન્ટ ચાઇલ્ડને પણ અમે ત્યાં રાખીએ છીએ. તેના માટે પેરેન્ટસની સંમતિ લઇએ છીએ. અમારી પ્રાયોરિટી એ પણ છે કે જેટલું નાનું બાળક અમારી સાથે રહે અને ધો.12 સુધી અમારી સાથે રહીને જ ભણે તો અમે તેની ઉપર વધુ સમય સુધી ધ્યાન આપી શકીએ કે તેને પ્રોત્સાહિત કરી શકીએ. તેને જે લાઇનમાં આગળ વધવું હોય ત્યાં તેને ગાઇડ કરી શકીએ તેવો અમારો આશય છે. ધો.3-4માં અભ્યાસ કરતાં બાળકોની સંખ્યા વધુ તેમણે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, 6થી

18 વર્ષ સુધીના બાળકોને અમે અહીંયા રાખીએ છીએ. અહીંયા નાના બાળકો વધુ આવે તેવો અમારો હેતુ હોવાથી અહીંયા ધો.3 અથવા 4માં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. મોટા છોકરાઓની સંખ્યા ઓછી છે. નાનપણમાં જે બાંધો બંધાઇ જાય તે બાંધો બંધાયેલો હોય તો તે સાઇન આઉટ કરી શકે. આગળ તેઓ કહે છે કે, બાળક ધો.11માં આવે અને 12માં આપણે એવી અપેક્ષા રાખીએ કે તેને સીધો ડોક્ટર કે એન્જિનિયર બનાવી દઇએ તો તે અઘરું કામ છે. પણ અમારી પાસે તે બાળક ધો.4થી હશે તો અમે તેને પ્રોપર ગાઇડલાઇન આપીને છેક સુધી તેની પાછળ મહેનત કરી શકીશું. અમે અમારા પ્રયત્ન દેખાડી શકીએ. વોલેન્ટિયર ટીચર્સ બાળકોને વધુ અભ્યાસ કરાવે છે બાળકોની ફી સરકાર ભરે છે અને તેમાં સંસ્થા તરફથી ડિસ્કાઉન્ટ પણ મળે છે. બાળકના અભ્યાસ, રહેવા, જમવા , આરોગ્ય એમ તમામ પ્રકારનો ખર્ચ સરકાર ભોગવે

છે. ચિલ્ડ્રન હોમમાં બાળકોની પ્રાથમિક જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે. બાળકો શાળામાંથી ભણીને પાછા આવ્યા બાદ વોલેન્ટિયર ટીચર્સ તેમને જે વિષયમાં કાચા હોય તે વિષયમાં ભણાવે છે. ગાંધીનગરમાં દીકરીઓ માટે પણ આવું જ ચિલ્ડ્રન હોમ બનશે ભવિષ્યની યોજનાઓ અંગે તેમણે કહ્યું કે, ભવિષ્યમાં આદર્શ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ બનાવવાની પ્રાયોરિટી છે પછી બીજા જિલ્લાઓમાં બનાવીશું. જે રીતે ભાવનગરમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ બનાવ્યું છે તેવું જ સમાન પ્રકારનું આદર્શ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અમે નજીકના ભવિષ્યમાં ગાંધીનગરમાં બનાવવા જઇ રહ્યા છીએ. ભાવનગર ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં 23 બાળકો છે. તેની ક્ષમતા રેકર્ડ મુજબ 30ની છે પણ અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતે છે તે પ્રમાણે 50 અને તેનાથી વધારવું હોય તો તે પણ પૂરી તૈયારી છે. એક જ કેમ્પસમાં અને એક જ બિલ્ડિંગમાં 100 બાળકોને રાખી શકીએ તેટલી ક્ષમતા છે.

Related Post