અમરેલી કોલેજકાંડમાં સૌરાષ્ટ્ર યુનિ.એ નિયમો નેવે મૂક્યા!: પરીક્ષાર્થી ઈલેક્ટ્રોનિક ઉપકરણ ન લઈ જાય તે તપાસવાની જવાબદારી સેન્ટરની, છતાં ક્લીનચીટ; 3 વિદ્યાર્થીને જવાબદાર ઠેરવી દેવાયા

અમરેલી કોલેજકાંડમાં સૌરાષ્ટ્ર યુનિ.એ નિયમો નેવે મૂક્યા!:પરીક્ષાર્થી ઈલેક્ટ્રોનિક ઉપકરણ ન લઈ જાય તે તપાસવાની જવાબદારી સેન્ટરની, છતાં ક્લીનચીટ; 3 વિદ્યાર્થીને જવાબદાર ઠેરવી દેવાયા
Email :

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલગ્ન કોલેજોમાં 16થી 24 એપ્રિલ દરમિયાન બીકોમ સેમેસ્ટર 4ની પરીક્ષા યોજાઈ હતી. આ દમિયાન અમરેલીની એમ. ડી. સીતાપરા કોલેજમાં વિદ્યાર્થીઓએ ચાલુ પરીક્ષાએ મોબાઇલમાં ચાર પેપરના ઉત્તરવહીમાં લખેલા જવાબોના ફોટા પાડી 19 સભ્યના વ્હોટ્સએપ ગ્રુપમાં વાઇરલ કર્યા હતાં. આ સમગ્ર પ્રકરણ બાદ બાકીના ત્રણ પેપર માટે પરીક્ષા કેન્દ્ર રદ કરી એસ. ડી. કોટક લો કોલેજમાં પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યું છે. યુનિવર્સિટીના આ નિર્ણયથી કોપીકેસ ન કરતા વિદ્યાર્થીઓને હેરાનગતિ થઈ હતી. આ સમગ્ર પ્રકરણમાં યુનિવર્સિટી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, માત્ર ત્રણ જ વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને પરીક્ષા કેન્દ્રમાં પહોંચ્યા હતા, જેથી તેમની સામે કોપીકેસ દાખલ કરવામાં આવશે. આગામી કેટલી પરીક્ષામાંથી તેમને બાકાત રાખવામાં આવશે, તેનો

નિર્ણય એક્ઝામિનેશન માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટી દ્વારા લેવામાં આવશે. જોકે, હજુ સુધી અમરેલીની એમ. ડી. સીતાપરા કોલેજને કોઈ જ શિક્ષાત્મક દંડ કરવામાં આવ્યો નથી, કોલેજના જોડાણ રદની વાત પણ કરવામાં આવી નથી. કોલેજમાં પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓની પૂછપરછ કરવાને બદલે કોલેજના કહેવા પ્રમાણે ત્રણ કોપી કેસ દાખલ થયા છે, તે યુનિવર્સિટીએ ગ્રાહ્ય રાખ્યું છે. આ તમામ બાબતોથી એ સ્પષ્ટ થાય છે કે, કુલપતિ, કુલસચિવ અને પરીક્ષા નિયામક ગંભીર બેદરકારી દાખવતા કોલેજ સંચાલકને છાવરી રહ્યા છે. આ ઉપરાંત હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર પરીક્ષાના સીસીટીવી પણ દેખાતા નથી. એટલે કે, પારદર્શક પરીક્ષાની વાતો કરતો પરીક્ષા વિભાગ પરીક્ષા લેવામાં ફેઇલ ગયો છે. પરીક્ષામાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો ન પહોંચે તે

જવાબદારી સેન્ટરની હોય: ડૉ. નિદત બારોટ આ પ્રકરણ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. નિદત બારોટે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષાના જે નિયમો બનાવ્યા છે તે મુજબ વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરે અત્યારે તેની પાસે કોઈ જ ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોવા જોઈએ નહીં. જે ચકાસવાની જવાબદારી જે તે સેન્ટરની હતી. સેન્ટરના સિનિયર સુપરવાઇઝર હોય કે જુનિયર સુપરવાઇઝર તેમના દ્વારા 100 ટકા બેદરકારી રાખી કહેવાય. તેમની જ જવાબદારી હતી કે, વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણો વિના પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરે. ‘કોલેજના જોડાણ અંગે પુનઃ વિચારણા કરવી જોઈએ’ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હાલમાં આ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કર્યું. જેનાથી એવું થયું કે, જે વિદ્યાર્થીઓ ગેરરીતીમાં સંડોવાયેલા ન હતા, એટલે કે કોપી

કરતા ન હતા તેમને હાલાકી ભોગવવાનો વખત આવ્યો. તેઓને અન્ય કેન્દ્રમાં પરીક્ષા આપવા માટે જવું પડ્યું. હાલના તબક્કે તાત્કાલિક પ્રક્રિયાના ભાગરૂપે આ કરવામાં આવેલું આ કાર્ય અલગ બાબત છે. પરંતુ લાંબા ગાળા માટે આ કોલેજ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ. જરૂર પડે તો તેના જોડાણ અંગે પણ પુનઃ વિચારણા કરવી જોઈએ. જેથી એક દાખલો બેસે કે યુનિવર્સિટી દ્વારા આ પ્રકારની કોઈ બાબત ચલાવી લેવામાં આવતી નથી. ‘ચોક્કસ પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ’ વધુમાં ડૉ. નિદત બારોટે ઉમેર્યું કે, આ પ્રકરણમાં ચોક્કસ પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ. વિદ્યાર્થીઓ પાસેથી સાચી હકીકત યુનિવર્સિટીએ જાણવી જોઈએ કે પરીક્ષા કેન્દ્રની અંદર ઉપકરણો લાવવા માટે કોલેજ પોતે સામેલ નથી ને? જેટલી માહિતી

યુનિવર્સિટીને મળે તે માટે પણ ચોક્કસપણે પ્રક્રિયા કરવી જોઈએ. ‘સ્ક્વોડની પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવાતી નથી’ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચોક્કસ સીસીટીવી મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવી જોઈએ કે જેથી કરીને એમ થાય કે આ વર્ગખંડનું સીસીટીવી મોનિટરિંગ યોગ્ય રીતે કરવામાં આવે છે. આ પ્રકારની વ્યવસ્થા હજુ સુધી ઊભી થઈ હોય તેવું લાગતું નથી. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે સ્ક્વોડ મોકલવી જોઇએ કે જેના દ્વારા પરીક્ષા કેન્દ્રો ઉપર તપાસ થાય તેની પણ વ્યવસ્થા જોઈએ તેવી ગોઠવાતી નથી. આ ઉપરાંત સ્થાનિક સુપરવાઇઝરો કોલેજના અધ્યાપકો જ હોવા જોઈએ. ‘બોર્ડની પરીક્ષાના CCTV મોનિટરિંગ કરી શકાય તો યુનિ.ના કેમ નહીં?’ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સીસીટીવી મોનિટરિંગની સાથે વેબસાઈટ ઉપર પબ્લિક જોઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ફરી

શરૂ કરવી જોઈએ. અથવા યુનિવર્સિટીના કોઈ કંટ્રોલરૂમમાં તે બાબતે દેખાતી હોય, આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 10 લાખ વિદ્યાર્થીઓની આ પ્રકારની વ્યવસ્થા કરી શકતું હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચોક્કસ આ વ્યવસ્થા કરી શકે. પરીક્ષાને પારદર્શક બનાવે તે પ્રકારની કોઈ પણ વ્યવસ્થા આવકારદાયક હોય છે. યુનિવર્સિટી કોલેજને છાવરતી હોવાનો ઘાટ ઘડાયો તમામ કાંડની મામલે કાર્યવાહીની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી દ્વારા અમરેલીની એમ. ડી. સિતાપરા કોલેજનુ પરીક્ષા કેન્દ્ર રદ કરી સંતોષ માની લેવામાં આવ્યો છે. આગામી એમકોમની પરીક્ષા પણ આ પરીક્ષા કેન્દ્ર પરથી નહીં લેવામાં આવે અને ચાલુ સિઝનમાં લેવાનારી તમામ પરીક્ષાઓ અન્ય કેન્દ્ર પરથી લેવાશે

તેવું જાહેર કરાયું છે. જોકે, તેને લીધે માત્ર વિદ્યાર્થીઓને જ હેરાનગતિ થઈ છે, જ્યારે કોલેજને કોઈપણ પ્રકારનો શિક્ષાત્મક દંડ કરવામાં આવ્યો નથી. કોલેજ દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો કે, અહીં પરીક્ષા આપતા ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા એવું સ્વીકારવામાં આવ્યું છે કે, અમે મોબાઈલ લઈને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કર્યો હતો અને તેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા. જોકે, મહત્વની વાત એ છે કે, યુનિવર્સિટી દ્વારા આ કોલેજને બચાવવામાં આવી રહી છે. કેમ કે, વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી નથી. કોલેજ દ્વારા જે કહેવામાં આવ્યું તે કુલપતિ દ્વારા સાચું માની લેવામાં આવ્યું છે. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષામાં જ્યારે વિદ્યાર્થી મોબાઇલ સાથે પકડાય તો તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં

આવે છે, પરંતુ આ પ્રકરણમાં એક સાથે ત્રણ વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે ઝડપાઈ ગયા છે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. કોલેજની પણ બેદરકારી સામે આવી છે, પરંતુ કોલેજના જોડાણ બાબતની કોઈ પણ વિચારણા કરવામાં આવી નથી. એટલે કહી શકાય કે, આ કોલેજને છાવરવામાં આવી છે. આ પણ વાંચો.... સ્ક્વોડ આવે છે કે નહીં એવું પૂછનાર ગ્રુપમાંથી લેફ્ટ, વ્હોટ્સએપમાં ચેટ કરનાર સાથે ન્યુ ગુજરાતે વાત કરી પહેલાં વાલીઓ પણ પરીક્ષાને જોઈ શકતાં ઉલ્લેખનીય છે કે, ગુજરાતની 16 સરકારી વિશ્વવિદ્યાલયોમાં સંભવત: પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાના સીસીટીવી વેબસાઈટ ઉપર મૂકવામાં આવે અને તમામ લોકો યુનિવર્સિટીની પરીક્ષાની પારદર્શકતા નિહાળી શકે તે માટે તત્કાલીન કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર

પરીક્ષાના સીસીટીવી લિંક મૂકવામાં આવતી હતી કે જેની મદદથી ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ચોરી કરતા નથી ને તે વિદ્યાર્થીઓના વાલીઓની સાથે સમગ્ર જનતા પણ નિહાળી શકે. જોકે યુનિવર્સિટીની પરીક્ષામાં વધુ કોપી કેસ દાખલ કરવા પડે અને તેનાથી યુનિવર્સિટીની શાખ ખરડાઈ જશે તેવી મેલી મુરાદથી સતાધીશો દ્વારા આ પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી. યુનિવર્સિટીની પરીક્ષામાં હવે તો મોટાભાગે એક પણ કોપી કેસ દાખલ થતા નથી. કારણ કે, યુનિવર્સિટીની પરીક્ષામાં ચાલતી ગેરરીતી ઉપર હોય જ પ્રકારનો કંટ્રોલ નથી. આ સમગ્ર પ્રકરણ બાબતે કોલેજના સંચાલક સત્યેન સીતાપરાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. આ પણ વાંચો...બિહારને પછાડે એવું સૌરાષ્ટ્ર યુનિ.નું કોપી કેસ મોડલ

Leave a Reply

Related Post