GPSC લેવલના પુસ્તકમાં દેવીપૂજક સમાજ પર અભદ્ર ટિપ્પણી: અરજદારે કહ્યું, ગ્રંથ નિર્માણ બોર્ડ અમને ગણતું જ નથી, આવું વાંચીને અધિકારી બનશે તો શું થશે?

GPSC લેવલના પુસ્તકમાં દેવીપૂજક સમાજ પર અભદ્ર ટિપ્પણી:અરજદારે કહ્યું, ગ્રંથ નિર્માણ બોર્ડ અમને ગણતું જ નથી, આવું વાંચીને અધિકારી બનશે તો શું થશે?
Email :

શિક્ષણ એ વિદ્યાર્થીના ભવિષ્યનો પાયો છે. કોઇ વ્યક્તિ કે સમાજને ઉપર લાવવો હોય તો શિક્ષણ સૌથી મહત્વનું પાસું છે એ આપણે સૌ કોઇ જાણીએ છીએ પરંતુ જો કોઇ વ્યક્તિને ગેરમાર્ગે દોરનારું શિક્ષણ મળે તો તે વ્યક્તિ વિનાશ તરફ ધકેલાઇ જાય છે. આ વાત અત્યારે એટલે યાદ અપાવી કેમ કે જે પુસ્તક વાંચીને વિદ્યાર્થીઓ અધિકારી બનતા હોય છે તેવા પુસ્તકમાં ગેરમાર્ગે દોરનારી વાત લખી હોવાનું સામે આવ્યું છે. GPSCની તૈયારી કરતા પરીક્ષાર્થીઓ લોકસંસ્કૃતિના અભ્યાસ દરમિયાન યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે પ્રકાશિત કરેલું ગુજરાતની લોક સંસ્કૃતિ નામનું પુસ્તક પણ વાંચતા હોય છે. આ પુસ્તકના પેજ નં.

48માં એક ચોક્કસ સમાજ વિશે અપમાનજનક અને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. એક જવાબદાર મીડિયા હાઉસ તરીકે ન્યુ ગુજરાત જે ટિપ્પણી કરાઇ છે તે પ્રકાશિત કરવાનું યોગ્ય નથી માનતું. પુસ્તકમાં લખાયેલા લખાણથી અનેક સવાલો અહીંયા સવાલ એ થાય કે કોઇ આખા સમાજ વિશે ટિપ્પણી કરવી તે કેટલું યોગ્ય છે? શું આ સમાજમાંથી કોઈ વ્યક્તિ સારું કામ કરતો જ નહીં હોય? જે પુસ્તકના લીધે આ વિવાદ સર્જાયો છે હવે તે પુસ્તક વિશે પણ થોડું જાણી લો. 1994માં પહેલી આવૃત્તિ બહાર પડી આ પુસ્તકનું નામ ગુજરાતની લોકસંસ્કૃતિ છે. જેના લેખક ડૉ.હસુતાબેન શશિકાંત સેદાણી છે. પુસ્તકની કિંમત 100

રૂપિયા છે. પ્રથમ આવૃત્તિ 1994માં આવી હતી. બીજી આવૃત્તિ 2014માં જ્યારે ત્રીજી આવૃત્તિ 2015માં પ્રકાશિત કરવામાં આવી હતી. ત્રીજી આવૃતિમાં પ્રકાશક તરીકે તે સમયનાં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ ડૉ. ભાવનાબેન દવેનું નામ લખવામાં આવ્યું છે. એક વિદ્યાર્થીના ધ્યાને વાત આવી આ મુદ્દો કેવી રીતે સામે આવ્યો તેની વાત કરીએ તો આમ તો પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1994માં આવેલી છે એટલે અંદાજે 31 વર્ષથી આ વાત વિદ્યાર્થીઓના વાંચવામાં આવતી હશે તેવું માની શકાય. અંદાજે એક મહિના પહેલાં દેવીપૂજક સમાજના કોઇ વિદ્યાર્થીના વાંચવામાં આ વાત આવી અને તેની લાગણી દુભાઇ. તેણે આ વાત પોતાના સમાજના

ગ્રુપમાં મુકી અને દેવીપૂજક જીમ અને લાઈબ્રેરી સમિતિના સેક્રેટરી સંજય સંચાણીયાએ આ વાતને ઉજાગર કરી. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડને માર્ચ મહિનામાં પત્ર લખ્યો 22 માર્ચ 2025ના રોજ સંજય સંચાણીયાએ ભાવનાબેન દવેને આ પત્ર લખ્યો. જેમાં નીચે મુજબની રજૂઆત કરવામાં આવી હતી. બોર્ડે વળતો જવાબ આપ્યો આ પત્ર લખ્યાના 2 દિવસમાં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે વળતો જવાબ ચોક્કસ આપ્યો હતો પરંતુ તેમાં માત્ર વેચાણ બંધ કરવાનું અને ખુલાસો માંગવાનું કહીને સંતોષ માની લેવામાં આવ્યો. પુસ્તકની PDF ઓનલાઇન ઉપલબ્ધ જો કે, જ્યારે અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે, આજે પણ આ પુસ્તકની ઓનલાઈન PDF સરળતાથી ડાઉનલોડ કરી

શકાય છે. ઉપરાંત લેખિકાએ કોઈ માફી માંગી હોવાનું પણ સામે નથી આવ્યું. આ બાબતે ન્યુ ગુજરાતે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડને રજૂઆત કરનારા સંજય સંચાણિયા સાથે ખાસ વાતચીત કરી હતી. 'અભદ્ર વિધાનોનો ઉપયોગ કરાયો છે' સંજય સંચાણીયાએ ન્યુ ગુજરાતને જણાવ્યું કે, પુસ્તકના 48 નંબરના પેજમાં દેવીપૂજક સમાજ માટે ઇરાદાપૂર્વક અત્યંત અભદ્ર વિધાનોનો ઉપયોગ કર્યો હોય તેવું લાગે છે. અંદાજે 21 માર્ચે આ વાત મારા ધ્યાને આવી હતી. અમે તુરંત જ 22 તારીખે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડને પત્ર લખ્યો હતો. અમને પત્રનો જવાબ પણ મળ્યો. 'અમારા સમાજને ગણતા જ ન હોય તેવું લાગે છે' તેઓ વધુમાં કહે

છે કે આ પુસ્તક છાપવામાં આવ્યું તે પહેલાં આ વાત કોઈએ ધ્યાને લીધી હતી કે નહીં? પ્રૂફ રિડીંગ કર્યા વગર જ સીધું પ્રિન્ટિંગમાં આપી દેવામાં આવ્યું છે? આ ખૂબ ગંભીર બાબત છે. તેમણે અમારી ફરિયાદ પછી પણ કોઇ જાતનું ધ્યાન આપ્યું નથી અને ખુલાસાઓ પણ કર્યા નથી. આ લોકો અમારા સમાજને જાણે ગણતા જ ન હોય તેવું લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે, પુસ્તકની આ ત્રીજી આવૃત્તિ છે. આ પુસ્તક વાંચીને કેટલાય વિદ્યાર્થી અધિકારીઓ બન્યા હશે. આ વાત વાંચીને તે લોકોના મગજમાં દેવીપૂજક સમાજ વિશે કેવી ધારણા બંધાઇ હશે? જો આવી માનસિકતા બંધાઇ

હશે તેનું કેટલું નુકસાન અમારો સમાજ ભોગવી રહ્યો હશે. 'અન્ય સમાજ પર ટિપ્પણી કરી હોત તો?' આ સાથે અફસોસ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં દેવીપૂજક સમાજનું બિલકુલ રાજકીય અસ્તિત્વ નથી એટલે અમારી વ્યથા અને પ્રશ્નો કોઈ ઉપાડતું નથી. જો દેવીપૂજકના બદલે બીજા કોઇ સમાજ પર આ પ્રકારની ટિપ્પણી સામે આવી હોત તો કેવા કડક પગલાં લેવાયા હોત તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ પર કાર્યવાહીની માંગ કરતા છેલ્લે તેમણે કહ્યું કે, આ કૃત્ય બદલ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ પર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે.આ પુસ્તકનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવે.

ઇન્ટરનેટ પર પણ જ્યાં પુસ્તક અવેલેબલ હોય ત્યાંથી દૂર કરવામાં આવે. સંજય સંચાણિયા સાથે વાત કર્યા બાદ અમે આ પુસ્તકની ત્રીજી આવૃત્તિના પ્રકાશક અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ ભાવનાબેન દવે સાથે વાત કરી હતી. પુસ્તકના પ્રકાશકે કહ્યું ફોટો મોકલો તો ખબર પડે! ભાવનાબેન દવેએ ન્યુ ગુજરાતને કહ્યું કે, હું હવે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં ચેરપર્સન તરીકે નથી. તમે મને તેનો ફોટો પાડીને મોકલી આપો. અમે પૂછ્યું કે વાંચ્યા વગર જ આ પુસ્તક છાપી નાંખ્યું હશે? જેના જવાબમાં તેમણે કહ્યું કે મને ખ્યાલ નથી. અમે આગળ કહ્યું કે તમારા નામ સાથે અરજદારે પત્ર

લખ્યો હતો જેનો જવાબ પણ મળ્યો હતો. તે વિષે તેઓ કહે છે કે ગવર્મેન્ટના કોઇ અધિકારીને બેસાડીને કદાચ આ લખવામાં આવ્યું હશે. પુસ્તકમાં છપાયેલી આ ટિપ્પણીથી ઘણા સવાલો સર્જાયા છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ પુસ્તક લખવા માટે લેખક કે લેખિકાની પસંદગી કરતા પહેલાં કોઇ ચોક્કસ પદ્ધતિ-નિયમો અપનાવે છે કે કેમ? પુસ્તક પ્રકાશિત થયા પહેલાં તેનું પ્રૂફ રિડીંગ કરવામાં આવે છે કે નહીં? આ પુસ્તકના પ્રકાશન પહેલાં કોઇએ પ્રૂફ રિડીંગ જ ન કર્યું? હજુ સુધી શા માટે કોઇ ચોક્કસ પગલાં નથી લેવાયા? આવા અનેક સવાલોનો જવાબ દેવીપૂજક સમાજ છેલ્લાં એક મહિનાથી માંગી રહ્યો છે.

Leave a Reply

Related Post