Editor's View: ટ્રમ્પનો ઓન કેમેરા તમાશો

Editor's View: ટ્રમ્પનો ઓન કેમેરા તમાશો:સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિને શરમમાં મૂક્યા, દુનિયા સામે અમેરિકાનું નાક ડૂબાડ્યું, ઓવલ ઓફિસમાં મોદી કાર્ડ પણ ઊતર્યાં
Email :

જાન્યુઆરીમાં ટ્રમ્પ બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા. ફેબ્રુઆરીમાં મોદી અમેરિકા ગયા ને ટ્રમ્પને ઓવલ હાઉસમાં મળ્યા. ટ્રમ્પે કડક ભાષામાં કહી દીધું કે, ભારત જેવું વર્તન કરશે એવું અમે કરીશું. એ પછી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને ટ્રમ્પ વચ્ચે ઓવલ હાઉસમાં મિટિંગ થઈ. બે રાષ્ટ્રપતિ એવા ઝઘડ્યા કે દુનિયા દંગ રહી ગઈ. હવે સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને ટ્રમ્પ વચ્ચે અમેરિકાના ઓવલ હાઉસમાં મિટિંગ થઈ. રામાફોસાને એમ હતું કે બધું સમુંસુતરું ઉતરી જશે પણ એવું થયું નહીં. ટ્રમ્પ રામાફોસા પર અચાનક ભડક્યા ને સાઉથ આફ્રિકામાં ગોરા ખેડૂતો પર અત્યાચાર થાય છે તેના પુરાવા બતાવ્યા. આ ઘટનાથી સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ જ નહીં, આખું અમેરિકા શરમમાં મૂકાઈ ગયું. નમસ્કાર, આપણે ફટાકડા ફોડીએ, તેમાં રોકેટને કાચની બોટલમાં ગોઠવીએ. એવો વિશ્વાસ હોય કે રોકેટ સીધું જ જશે ને કાયમ આડું જ ફાટે. ડોનાલ્ડ ટ્રમ્પનું વર્તન આ રોકેટ જેવું છે. મોદી હોય, ઝેલેન્સકી હોય કે રામાફોસા. દરેકને એમ લાગે કે ટ્રમ્પ સાથે મિટિંગ કરીએ તો ઓલ ઈઝ વેલ થઈ જશે. પણ હંમેશા ટ્રમ્પ રોકેટની જેમ આડા જ ફાટે

છે. છેલ્લા 5 મહિનામાં ટ્રમ્પની હરકતો, તેના નિર્ણયોના કારણે અમેરિકાની આબરૂ ધૂળધાણી થઈ ગઈ છે. બધા જોઇ રહ્યા છે. સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે ટ્રમ્પે અપમાનજનક વર્તન કર્યું ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક દક્ષિણ આફ્રિકાને અપાતી મહત્વની સહાય બંધ કરી દીધી. આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાને થયું કે ટ્રમ્પને અચાનક દક્ષિણ આફ્રિકા સામે શું વાંધો પડ્યો? તેમણે વ્હાઈટ હાઉસનો સંપર્ક કરીને ટ્રમ્પ સાથે તંદુરસ્ત વાતચીતની ઈચ્છા દર્શાવી. થોડા દિવસોમાં વ્હાઈટ હાઉસમાંથી આમંત્રણ આવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ યાદ કરે છે. વાતચીત કરવી હોય તો આવી જાવ. સિરિલ રામાફોસા નક્કી થયેલી તારીખે અમેરિકા પહોંચે છે. એમના મનમાં એક જ આશા હોય છે કે, અમેરિકા અને સાઉથ આફ્રિકાના સંબંધો સુધરી જાય. ટ્રમ્પે બંધ કરેલી સહાય ચાલુ થઈ જાય. બધું થાળે પડી જાય... આમ પણ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ બોલાવ્યા છે તો નક્કી તંદુરસ્ત વાતચીત થશે. આ આશા સાથે સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ અમેરિકા પહોંચ્યા. ટ્રમ્પે સ્વાગત કર્યું. ઓવલ હાઉસમાં બંને રાષ્ટ્રપતિ વચ્ચે મિટિંગ થઈ ને પત્રકાર પરિષદ થઈ. પત્રકારો વચ્ચે સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કહ્યું કે, બંને દેશ પ્રગતિ

કરે, એકબીજાના સાથ સહકારથી આગળ વધે તેવા અમારા પ્રયાસો છે. યુક્રેન-રશિયા વચ્ચે શાંતિ થાય તેના માટેના તમારા (ટ્રમ્પના) પ્રયાસો ખરેખર સરાહનીય છે. આ બધી વાતચીત થઈ ને વીસેક મિનિટ થઈ ત્યારે ટ્રમ્પે અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું. તે તાડૂક્યા, લાઈટ બંધ કરો ને વીડિયો ચાલુ કરો... રામાફોસાને ઘડીક તો કાંઈ સમજાયું નહીં કે ટ્રમ્પ શું કરે છે? હવે આગળ વાંચો શું થયું... ટ્રમ્પના કહેવાથી લાઇટ બંધ કર્યા પછી ઓવલ ઓફિસમાં સામાન્ય રીતે ન મૂકાતા ટીવી પર એક વીડિયો બતાવાયો. જેમાં સફેદ ક્રોસ દર્શાવવામાં આવ્યા હતા, ટ્રમ્પે દાવો કર્યો હતો કે તે ગોરા લોકોની કબરો છે, અને વિપક્ષી નેતાઓ ભડકાઉ ભાષણો આપી રહ્યા છે. ટ્રમ્પે સૂચન કર્યું કે તેમાંથી એક જુલિયસ માલેમાની ધરપકડ કરવી જોઈએ. આ વીડિયો સપ્ટેમ્બર 2020 માં એક વિરોધ પ્રદર્શન દરમિયાન બનાવવામાં આવ્યો હતો, જ્યારે એક અઠવાડિયા પહેલાં તેના ખેતરમાં બે લોકોના મોત થયા હતા. ક્રોસ પરથી કબર લાગતી નહોતી, છતાં તેને કબર તરીકે બતાવવાની કોશિશ થઈ. ટ્રમ્પે કહ્યું, "અમારી પાસે ઘણા લોકો છે જેમને લાગે છે કે તેમના

પર અત્યાચાર થઈ રહ્યો છે અને તેઓ ફરી અમેરિકા આવી રહ્યા છે. અમને લાગે કે સાઉથ આફ્રિકામાં ગોરાઓ પર જુલમ કે નરસંહાર ચાલી રહ્યો છે. ટ્રમ્પે કહ્યું, લોકો પોતાની સલામતી માટે દક્ષિણ આફ્રિકામાંથી ભાગી રહ્યા છે. તેમની જમીન જપ્ત કરવામાં આવી રહી છે અને ઘણા કિસ્સાઓમાં તેમની હત્યા કરવામાં આવી રહી છે. ટેસ્લાના માલિક ઈલોન મસ્ક પણ ઓવલ હાઉસમાં હાજર હતા. સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસાએ કહ્યું કે, 1994માં નેલ્સન મંડેલાના નેતૃત્વમાં સૌથી મોટો લોકશાહી દેશ બનતાં પહેલાં જ દક્ષિણ આફ્રિકામાંથી રંગભેદ નાબૂદ કર્યો હતો. સદીઓથી કાળા લોકોએ ભેદભાવ સહન કર્યો છે. માટે દક્ષિણ આફ્રિકા ટ્રમ્પના આરોપોને નકારી કાઢે છે. ટ્રમ્પ જમીન પચાવી પાડવાનો આરોપ લગાવે છે તે પણ બેબુનિયાદ છે. અમે જાહેરહિતમાં જમીન સુધારણા કાયદો લાવ્યા છીએ. કોઈની જમીન જપ્ત થઈ નથી. ટ્રમ્પે કહ્યું, દક્ષિણ આફ્રિકાની પોલીસે 2024 માં સાઉથ આફ્રિકામાં 26,232 હત્યા નોંધી હતી, જેમાંથી 44 ખેડૂત હતા અને 8 ગોરા ખેડૂત હતા. એમ કહીને ટ્રમ્પ પેપરના કટિંગ બતાવે છે ને ત્રણવાર 'ડેથ...ડેથ...ડેથ...' બોલે છે. રામાફોસા ઝેલેન્સ્કીની જેમ જરાય ઉશ્કેરાયા

નહીં, શાંત રહ્યા ને કહ્યું કે, આ દાવાઓ પણ ખોટા છે. રામાફોસાએ કહ્યું કે જો આફ્રિકન ખેડૂતોનો નરસંહાર થયો હોત, તો હું શરત લગાવી શકું છું કે આ ત્રણ સજ્જનો અહીં ન બેઠા હોત. રામાફોસાએ ગોલ્ફરો એર્ની એલ્સ, રેટીફ ગુસેન અને અબજોપતિ જોહાન રુપર્ટ જે બધા ગોરા હતા તેની તરફ આંગળી ચિંધતા કહ્યું. તો ય ટ્રમ્પને સંતોષ થયો નહીં એટલે તેણે કહ્યું કે, અમારી પાસે તો બીજા ઘણા પુરાવા છે. ડોક્યુમેન્ટરી છે. તમારે આનો જવાબ આપવો જ પડશે. રામાફોસાએ કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં ગુનાઓ થાય છે અને મોટાભાગના પીડિતો કાળા છે. ટ્રમ્પે તેમને અટકાવ્યા અને કહ્યું, ખેડૂતો કાળા નથી. ગોરા ખેડૂત જ પીડિતો છે. રામાફોસાએ જવાબ આપ્યો: "આ એવી ચિંતાઓ છે જેના વિશે અમે તમારી સાથે વાત કરવા તૈયાર છીએ." રામાફોસાએ વિવેક જાળવી રાખ્યો, ટ્રમ્પે ફાંકો જાળવી રાખ્યો ટ્રમ્પ તાડૂક્યા છતાં રામાફોસા શાંત રહ્યા. તેમણે સંયમ જાળવી રાખ્યો ને વાત વાળી લીધી. તેમણે ઓવલ હાઉસના વખાણ કર્યા કે તમે બહુ સરસ રીતે સજાવટ કરી છે. તેમણે ટ્રમ્પને કહ્યું કે, આવતા વર્ષે

G-20 સાઉથ આફ્રિકામાં થશે તો મને આશા છે અને મારું આમંત્રણ છે કે તમે ખાસ G-20માં આવો. ટ્રમ્પે ખાલી માથું હલાવીને એવો જવાબ આપ્યો કે, જોઇશું... ટ્રમ્પની મિટિંગ વખતે કતારનું પ્લેન ચર્ચામાં રહ્યું ટ્રમ્પે ત્રણ મહિના પહેલાં ઝેલેન્સકીનું અપમાન કર્યું હતું 28 ફેબ્રુઆરીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અમેરિકા ગયા હતા. ટ્રમ્પ સાથે વાતચીત દરમિયાન બંને રાષ્ટ્રપતિ વચ્ચે ભારે બોલાચાલી થઈ. શાંતિ કરારના ઉલ્લેખ પર ઝેલેન્સકી ગુસ્સે થયા અને ટ્રમ્પ સાથે ઉગ્ર દલીલ કરી. ઝેલેન્સકીએ કહ્યું કે, 'અમે કોઈપણ યુદ્ધવિરામ સ્વીકારીશું નહીં.' આના પર ટ્રમ્પે કહ્યું, 'તમારો દેશ મુશ્કેલીમાં છે. તમે અમને ન જણાવો કે અમારે શું કરવાનું છે. તમે ત્રીજા વિશ્વયુદ્ધની રમત રમી રહ્યા છો. તમે અમને આદેશ આપવાની સ્થિતિમાં નથી. અમેરિકાએ યુક્રેનને હથિયાર આપ્યા છે. અમે તમને 350 અબજ ડોલરના હથિયાર આપ્યા છે. જો તમે સમાધાન નહીં કરો તો અમે એ બધું રોકીશું. આજથી તમારા ખરાબ દિવસો શરૂ થયા છે.' બંને રાષ્ટ્રપતિ વચ્ચે ઉગ્ર દલીલ થતાં ઝેલેન્સકી ડીનર માટે પણ નહોતા રોકાયા ને તાબડતોબ અમેરિકા છોડીને યુક્રેન જતા રહ્યા હતા. ટ્રમ્પના

ખરાબ વ્યવહારથી અમેરિકાની વિશ્વસનીયતા જોખમાશે 1. ઓવલ હાઉસની પ્રતિષ્ઠા જોખમાઈ: એક સમયે અમેરિકાનું ઓવલ હાઉસ વિશ્વના નેતાઓ માટે પ્રતિષ્ઠિત સ્થળ હતું. ત્યાં અમેરિકન રાષ્ટ્રપતિ સાથે મિટિંગ કરવી એ પ્રતિષ્ઠા ગણાતી. હવે સ્થિતિ એવી છે કે, ઓવલ હાઉસમાં જવું એ અપમાનિત થવા જેવું છે. ટ્રમ્પે ઓવલ હાઉસની વ્યાખ્યા જ બદલી નાખી છે. 2. ગઠબંધન નબળું પડે છે: રામાફોસા અને ઝેલેન્સકી જેવા રાષ્ટ્રપતિઓ સાથે ટ્રમ્પનો ખરાબ વ્યવહાર અમેરિકાની વિશ્વસનીયતાને નબળી પાડે છે. આવું ત્યારે થઈ રહ્યું છે જ્યારે ચીન અને રશિયા પણ વૈશ્વિક મહાસત્તા બનવા મથે છે. પશ્ચિમી દેશના એક રાજદ્વારીએ રોઇટર્સને નામ આપ્યા વગર કહ્યું કે, "આ પ્રકારની વાતચીત અને વ્યવહારની અપેક્ષા તમે ટોક શોના હોસ્ટ પાસેથી રાખી શકો, અમેરિકાના રાષ્ટ્રપતિ પાસેથી નહીં. 3. રાષ્ટ્રપતિ પદની મજાક ઉડાવવી: ટ્રમ્પે ઓવલ ઓફિસ - જે ઐતિહાસિક રીતે પરસ્પર આદર અને રાજદ્વારીતાનું પ્રતીક છે - તેની ગરીમાને લાંછન લગાવ્યું છે. સાથેસાથે અમેરિકી રાષ્ટ્રપતિ પદની ગરીમા પણ ઝંખવાઈ છે. કારણ કે અમેરિકાના ઈતિહાસમાં ક્યારેય કોઈ રાષ્ટ્રપતિએ કોઈ બીજા રાષ્ટ્રપતિ સાથે આવો ખરાબ વ્યવહાર નથી કર્યો.

ટ્રમ્પ અત્યારે પોતાના પદની મજાક ઉડાવે છે ને સાથેસાથે બીજા દેશના રાષ્ટ્રપતિ પદનું માન નથી રાખતા. 4. અમેરિકા પાછળ જવાનું: લાઇવ ટેલિવિઝન પર વિદેશી નેતાઓને બોલાવીને તેમને શરમ જનક સ્થિતિમાં મૂકી દેવા એ ટ્રમ્પની પેટર્ન બની ગઈ છે. દુનિયા આની નોંધ લઈ રહી છે. સમય જતાં એવું બનશે કે દુનિયાના દેશો અમેરિકાને કોરાણે મૂકીને એક બની જશે. આનાથી અમેરિકા અત્યારે દરેક ક્ષેત્રમાં આગળ છે તે પાછળ જતું રહેશે. કોણ છે સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા? સિરિલ રામાફોસા ભલે દક્ષિણ આફ્રિકાના વર્તમાન રાષ્ટ્રપતિ હોય, પરંતુ તેમનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે. તેના કારણે જ રામાફોસા દક્ષિણ આફ્રિકાના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક છે. સિરિલ રામાફોસા દક્ષિણ આફ્રિકાના રાજકારણી, ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ ટ્રેડ યુનિયન નેતા છે. તે 15 ફેબ્રુઆરી 2018 ના દિવસે રાષ્ટ્રપતિ બન્યા હતા. રામાફોસા વેન્ડા સમૂદાયના છે, તેમના પિતા સેમ્યુઅલ રામાફોસા નિવૃત્ત પોલીસ કર્મચારી હતા, અને માતા એર્ડમુથ ગૃહિણી હતાં. 1981માં યુનિવર્સિટી ઓફ સાઉથ આફ્રિકા (UNISA) માંથી B.Proc ડિગ્રી મેળવી. રામાફોસા 1970ના દાયકામાં વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય બન્યા, દક્ષિણ આફ્રિકન વિદ્યાર્થી સંગઠન

(SASO) અને બ્લેક પીપલ્સ કન્વેન્શન (BPC) માં જોડાયા. પછી 1974 અને 1976માં રંગભેદ વિરોધી રેલીઓ માટે તેમની અટકાયત પણ થઈ હતી. તે રંગભેદ નીતિના વિરોધી હતા. રામાફોસાના ત્રીજા લગ્ન ડૉ. ત્શેપો મોત્સેપે સાથે થયા છે, અને તેમને ચાર બાળકો છે. તેમના પહેલા લગ્ન હોપ મુકોન્ડેલી (1978-1989) સાથે થયા હતા અને બીજા લગ્ન નોમાઝીઝી મત્સોત્શિસા સાથે થયા હતા. 14 જૂન 2024ના રોજ બીજી વખત દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. તેમને આફ્રિકન દેશોમાં રંગભેદનો અંત લાવવા અને દક્ષિણ આફ્રિકાના લોકશાહીને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નવાઈની વાત એ છે કે જે વર્ષોથી રંગભેદ નીતિ સામે લડત આપે છે તેની સામે જ ટ્રમ્પે રંગભેદનો મુદ્દો ઉઠાવ્યો. છેલ્લે, ટ્રમ્પે સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ પાસે ઘસાયેલી કેસેટ વગાડી કે, મેં ભારત-પાકિસ્તાન વચ્ચે ટ્રેડનું કારણ આપીને યુદ્ધ રોકાવ્યું. તેણે પાકિસ્તાનના વખાણ કર્યા પછી કહ્યું કે, માય ફ્રેન્ડ મોદી.... ત્યારે રામાફોસા બોલ્યા, મ્યુચ્યુઅલ ફ્રેન્ડ... ટૂંકમાં ટ્રમ્પે ફરી મોદી કાર્ડ ઉતાર્યું... સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. કાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

Leave a Reply

Related Post