Editor's View: અમેરિકા-ઈઝરાયલ વચ્ચે તડાં

Editor's View: અમેરિકા-ઈઝરાયલ વચ્ચે તડાં:સ્વાર્થી ટ્રમ્પે રંગ બદલ્યો, નેતન્યાહૂ સાથે મોદીને પણ મુશ્કેલીમાં મૂકી દીધા, પાકિસ્તાનને સાથ આપનારા દેશો સામે ભારતે બાંયો ચડાવી
Email :

આજે બે મહત્વના મુદ્દે વાત કરીશું નમસ્કાર, અમેરિકા અને ઈઝરાયલ જૂના સાથી છે. ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં પણ અમેરિકા-ઈઝરાયલ વચ્ચે નિકટતા હતી. હવે ટ્રમ્પે સ્વાર્થ બતાવ્યો છે. કામ નીકળી ગયું એટલે ઈઝરાયલને પડતું મૂકી દીધું છે. ટ્રમ્પ હવે મીડલ ઈસ્ટમાં બધી ડીલ બારોબાર કરી રહ્યા છે. બીજી તરફ, પાકિસ્તાનને સાથ આપનારા બે ઈસ્લામિક દેશો તુર્કી અને અઝરબૈજાનનો પણ ભારતે વિરોધ કર્યો છે. આ બંને દેશોમાં લાખોની સંખ્યમાં ભારતીય ટુરિસ્ટ જતા હતા, તેનો બોયકોટ થવા લાગ્યો છે, તો ભારત સરકારે તુર્કી અને ચીનની સરકારી ચેનલોના એક્સ એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. પહેલા વાત કરીએ અમેરિકા અને ઈઝરાયલની... બે મિત્ર દેશો વચ્ચે સંબંધો વણસ્યા અમેરિકા અને ઈઝરાયલ ખાસ મિત્ર દેશો હતા. બંને દેશ એકબીજાને મદદ કરવા તત્પર રહેતા હોય છે પણ છેલ્લા એક સપ્તાહથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. આમાં ઈઝરાયલનો કોઈ વાંક-ગુનો નથી પણ ડોનાલ્ડ ટ્રમ્પની મનમાની

છે. મારે સંબંધ રાખવા હોય તો રાખીશ, એવો ટ્રમ્પનો સ્વભાવ રહ્યો છે. તેમના આ સ્વભાવમાં સ્વાર્થ પણ છે. અત્યાર સુધી મીડલ ઈસ્ટમાં ઈઝરાયલ જ એક એવો દેશ હતો જે અમેરિકાની નિકટ હતો ને તમામ પ્રકારની મદદ કરતો હતો. હવે અમેરિકા સમજી ગયું છે કે અલગ અલગ દેશો સાથે લડી રહેલું ઈઝરાયલ ઠનઠન ગોપાલ થઈ ગયું છે એટલે ટ્રમ્પે ઈઝરાયલને પડતું મૂક્યું. ટ્રમ્પને તો અમેરિકામાં પૈસા લાવવા છે. અરબ દેશો પાસે સૌથી વધારે પૈસા છે એ ટ્રમ્પ જાણે છે એટલે ઈઝરાયલને સાઈડ લાઈન કરીને બીજા જ ગલ્ફ દેશોના પ્રવાસે ટ્રમ્પ નીકળી ગયા. મજાની વાત તો એ છે કે, ટ્રમ્પ ગલ્ફ દેશોના પ્રવાસે જવાના છે, તેવા સમાચાર વહેતા થયા ત્યારે ઈઝરાયલની સરકારના અધિકારીઓએ વ્હાઈટ હાઉસ ફોન કર્યો કે, ટ્રમ્પ ઈઝરાયલ આવવાના છે? ત્યારે વ્હાઈટ હાઉસે જવાબ આપ્યો કે, આ વખતે તો નહીં, પછી ક્યારેક જોઈશું. આ ઘટના ઈઝરાયલના

રાષ્ટ્રપતિ બેન્જામીન નેતન્યાહૂ માટે મોટા ઝટકા સમાન છે. ટ્રમ્પે ઈઝરાયલને પાંચ ઝટકા આપ્યા 1. હમાસ સાથે સીધી વાતચીત ઈઝરાયલને ગંધ પણ ન આવે તે રીતે અમેરિકાએ હમાસ સાથે એક ટેબલ પર વાતચીત કરી. આ વાત મીડિયામાં લીક થઈ ત્યારે નેતન્યાહૂએ આ વાતને ગંભીરતાથી ન લીધી, કારણ કે તે અમેરિકા સાથે સંબંધ બગાડવા માગતા નહોતા. હમાસ સાથે સીધી વાત કરીને અમેરિકન બંધક એડન એલેક્ઝાન્ડરને છોડાવી લીધો. 2. ઈરાન સાથે પરમાણુ ડીલ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ હંમેશાં ઈઝરાયલ માટે માથાનો દુ:ખાવો રહ્યો છે. ઈઝરાયલ આ પરમાણુ કાર્યક્રમને પોતાની સંપ્રભુતા પર જોખમ માને છે. ઈઝરાયલને એમ હતું કે આ પરમાણુ કાર્યક્રમ માટે અમેરિકા ક્યારેય મદદ નહીં કરે પણ ટ્રમ્પે ઈરાન સાથે સીધી વાત કરીને પરમાણુ કાર્યક્રમને સપોર્ટ આપ્યો. 3. હુથી વિદ્રોહીઓ સાથે સમજૂતી મે મહિનાના થોડા દિવસો જ પસાર થયા હતા ત્યાં અચાનક ડોનાલ્ડ ટ્રમ્પે એવી જાહેરાત કરી કે, યમનના અંસારઉલ્લાહ એટલે કે

હુથી વિદ્રોહીઓ સાથે તેણે સમજૂતી કરી લીધી છે. આ નિર્ણયથી ઈઝરાયલની હાલત ગળામાં ફસાયેલા હાડકાં જેવી બની ગઈ. કારણ કે જ્યારથી ઈઝરાયલ અને ગાઝા વચ્ચે લડાઈ ચાલે છે ત્યારથી હુથીઓ ઈઝરાયલ પર હુમલા કરી રહ્યા છે. રાતા સમુદ્રમાં ઈઝરાયલની શીપ પર હુમલા કરી રહ્યા છે. આ વાતચીતમાં ઈઝરાયલને સામેલ નહોતું કરાયું જે તેની રાજનીતિ માટે મોટો ઝટકો છે. 4. ડીએગો ગાર્સિયાથી બી-2 બોમ્બર હટાવ્યા હિન્દ મહાસાગરમાં ડીએગો ગાર્સિયા દ્વીપ પરના સૌથી મોટા અમેરિકી સૈન્ય મથક પરથી ખતરનાક અમેરિકન બી-2 બોમ્બર પ્લેનને હટાવી લીધાં છે ડિએગો ગાર્સિયાથી ઈરાન પર સીધી નજર રાખી શકાય છે બી-2 બોમ્બર ઈરાન માટે જ રાખેલા હતા પણ બંને દેશો વચ્ચે નિકટતાં વધતાં અમેરિકાએ આ બોમ્બર પ્લેન હટાવી લીધા છે. અમેરિકા ઈરાન પ્રત્યે કૂણું પડ્યું ને ઈઝરાયલ પ્રત્યે કડક બન્યું. જે ટ્રમ્પની બદલાતી મીડલ ઈસ્ટની નીતિને સ્પષ્ટ કરે છે. 5. મીડલ ઈસ્ટની યાત્રા, પણ ઈઝરાયલ

નહીં જાય ટ્રમ્પ ટ્રમ્પ ઈઝરાયલ નથી જવાના ને નેતન્યાહૂને પણ સામેલ નથી કર્યા. આનો અર્થ એવો થાય કે, મીડલ ઈસ્ટમાં અમેરિકા નવી નીતિ સાથે કામ કરવા માગે છે. નવી નીતિમાં ઈઝરાયલને સામેલ નથી કર્યું જે નેતન્યાહૂ માટે વધુ એક ઝટકો છે. ઈઝરાયલ 6 મોરચે લડે છે, હવે 7મો મોરચો ખુલી ગયો છે ઈઝરાયલ ઓલરેડી 6 મોરચે લડી રહ્યું છે. તેમાં 5 મોરચે તો યુદ્ધ ચાલે છે. 6ઠ્ઠો મોરચો પોતાના દેશની અંદરનો વિરોધ અને પ્રદર્શનો છે. હવે ઈઝરાયલ સામે 7મો મોરચો અમેરિકા સાથે સંબંધ જાળવવા પડકારનો ઊભો છે. ઈઝરાયલ જે મોરચે લડી રહ્યું છે તેમાં, ભારતમાં ટ્રમ્પે મોદીને ફિક્સમાં મૂક્યા, ઈઝરાયલમાં નેતન્યાહૂને ફિક્સમાં મૂક્યા નેતન્યાહૂ અને ટ્રમ્પ વચ્ચે બધું બરાબર નથી. બંને નેતાઓ એકબીજા સાથે બોલતા નથી એવું લાગી રહ્યું છે. નેતન્યાહૂને ટ્રમ્પ પર ભરોસો હતો કે જ્યારે ઈરાનના પરમાણુ બોમ્બને લઈને વાત થશે તો ટ્રમ્પ એ જ કરશે જે નેતન્યાહૂ

ઈચ્છે છે. હમણાં રોમમાં ઈરાન અને અમેરિકા વચ્ચે મિટિંગ થઈ તેમાં પરમાણુ ડીલ અંગે તંદુરસ્ત ચર્ચા થઈ. નેતન્યાહૂને એમ હતું કે ટ્રમ્પ ઈરાન સાથે લડી લેશે. બાકી આસપાસનું અમે જોઈ લેશું. પણ ટ્રમ્પે નેતન્યાહૂને ફિક્સમાં મૂકી દીધા. જોકે નેતન્યાહૂ ગાંજ્યા જાય તેમ નથી. તે હવે ઈરાન પર મોટાપાયે હુમલો કરે તેવું બની શકે. તે ઈરાન પર હુમલો કરીને ટ્રમ્પની બોલતી બંધ કરી શકે છે. જો ઈઝરાયલ ઈરાન પર હુમલો કરે છે તો તેની અસર આખી દુનિયા પર પડશે. પેટ્રોલ મોંઘુ થશે, સોનું મોંઘું થશે. ઓવરઓલ મોંઘવારી વધશે. ઈઝરાયલના મીડિયાએ શું લખ્યું? અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ સાથે 'સંબંધો તોડી નાખ્યા' - ઈઝરાયલ આર્મી રેડિયો અમેરિકા ખફા છે? ઇઝરાયલને અગાઉથી જાણ કર્યા વિના ઈરાન ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું - ટાઇમ્સ ઓફ ઇઝરાયલ ઈઝરાયલના અમેરિકન રાજદૂતે પણ આ વાત કરી ઈઝરાયલના અમેરિકન રાજદૂત માઇક હુકાબીએ કહ્યું કે,

ઈરાન સાથે સોદો કરવા માટે અમારે ઇઝરાયલની પરવાનગીની જરૂર નથી. હુથીઓ અમેરિકન જહાજો પર ગોળીબાર કરતાં રોકાઈ જાય તેના માટે હુથીઓ સાથે અમે સીધી વાતચીત કરી શકીએ છીએ. આના માટે પણ અમેરિકાને ઈઝરાયલ પાસેથી પરવાનગી લેવાની જરૂર નથી. હુથીઓ અત્યારે ઈઝરાયલ પર હુમલા કરે છે. ઇઝરાયલમાં 7 લાખ અમેરિકનો રહે છે. જો હુથીઓ ઇઝરાયલ સાથે કંઈક કરવાનું ચાલુ રાખવા માંગતા હોય તો ભલે રાખે પણ કોઈ અમેરિકનને નુકસાન પહોંચાડે છે તો તે અમારો મામલો બની જાય છે. પછી અમે જોઈ લેશું. હવે વાત કરીએ ભારતે લીધેલાં આક્રમક પગલાંની... ભારતે તુર્કી અને ચીનની સરકારી ચેનલોના X એકાઉન્ટ્સ બ્લોક કર્યા ભારત સાથે તણાવ ચાલી રહ્યો હતો ત્યારે ત્રણ દેશો પાકિસ્તાનની પડખે ઊભા રહ્યા હતા. હવે જ્યારે બધું થાળે પડી ગયું છે ત્યારે ભારતે આ ત્રણ દેશો સામે વ્યૂહાત્મક પગલાં લેવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનને મદદ કરનારા ત્રણ દેશો હતા- તુર્કી,

ચીન અને અઝરબૈજાન. આ ત્રણેય દેશો સામે ભારતમાંથી વિરોધ વંટાળ શરૂ થયો છે. ભારત સરકારે બુધવારે તુર્કીની સરકારી ચેનલ TRT વર્લ્ડ અને ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સ અને શિન્હુઆના X એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. તેમના પર ભારતીય સેના વિશે પાયાવિહોણા સમાચાર ફેલાવવાનો આરોપ છે. આ મીડિયા પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલા અને ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરીના પ્રયાસો જેવા ખોટા સમાચાર પણ ફેલાવે છે. તુર્કી અને અઝરબૈજાનના ટુરીઝમનો બોયકોટ તુર્કી : ભારતીયોએ તુર્કીના ટુરિઝમનો વિરોધ શરૂ કરી દીધો છે. દેશના ટુર એન્ડ ટ્રાવેલ ઓપરેટરોએ પણ બુકિંગ લેવાનું બંધ કરી દીધું છે. તુર્કીના ટુરિઝમ વિભાગનો એક લેટર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારતીય પ્રવાસીઓ દ્વારા તુર્કીના બહિષ્કારનો ઉલ્લેખ છે. પ્રવાસીઓથી થતી આવક તુર્કીના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ રહી છે. દર વર્ષે સરેરાશ 62 લાખ પ્રવાસીઓ તુર્કીની મુલાકાત લે છે. આમાંથી અંદાજે 3 લાખ ભારતીય પ્રવાસીઓ

હોય છે. આ વખતે ચેન્નાઈના એક મોટા ગ્રુપે તો 10 હજાર ડોલરનું નુકસાન વેઠીને પ્રવાસ કેન્સલ કરી નાખ્યો છે. અઝરબૈજાન : તુર્કીની જેમ ટુર એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટરોએ અઝરબૈજાનના બુકિંગ કેન્સલ કર્યા છે અને નવા બુકિંગ બંધ કરી દીધા છે. તુર્કીથી એક હજાર કિલોમીટરના અંતરે આવેલા દેશ અઝરબૈજાનમાં પણ ઘણા ભારતીયો દર વર્ષે ફરવા જાય છે. આ પણ ઈસ્લામિક દેશ છે અને પાકિસ્તાનને સપોર્ટ કરે છે. અઝરબૈજાનનો પણ બોયકોટ શરૂ થઈ ગયો છે. 2024નું ટૂરિસ્ટ ચિત્ર તુર્કીમાં ભારતીય ટુરિસ્ટ અઝરબૈજાનમાં ભારતીય ટુરિસ્ટ છેલ્લે, ઈકોમર્સ અને ક્વિક કોમર્સના કારણે ભારતના વેપારીઓને ફટકો પડે છે. તેના વિરોધમાં 16મેએ દિલ્હીમાં કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સની મોટી કોન્ફરન્સ છે. આ કોન્ફરન્સમાં તુર્કી અને અઝરબૈજાન સાથે વેપાર સ્થગિત કરવા અંગેનો પણ નિર્ણય લેવાઈ શકે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

Leave a Reply

Related Post