EDITOR'S VIEW: વિકાસ ગટરમાં વહી ગયો

EDITOR'S VIEW: વિકાસ ગટરમાં વહી ગયો:જમીનની અંદર પણ પોલંપોલ, તંત્રનાં પાપનાં ઢાંકણાં ખૂલી ગયાં, સુરતની ઘટનાએ ગુજરાતને ચોંકાવ્યું
Email :

ગોંડલના રાજા ભગવતસિંહજી રાતના સમયે બગીમાં નીકળતા. તેમના હાથમાં પાણી ભરેલું પાત્ર રહેતું. રસ્તામાં ખાડો આવે તો પાણી ઢોળાય. બીજા દિવસે તેઓ પોતાના રાજ્યના ઈજનેરોનું ધ્યાન દોરતા કે ગોંડલમાં ત્રણ ખાડા છે. એન્જિનિયરો એ ખાડા શોધવા નીકળતા ને તાત્કાલિક બૂરી દેતા. આવા સુશાસનના કારણે જ ભગવતસિંહજી જેવા રાજાઓ ભુલાતા નથી કે ભુલાવાના નથી. હવે આજનું શાસન જુઓ. ખુલ્લી ગટરમાં બે વર્ષનું બાળક પડી જાય છે તોપણ મેયર કે કમિશનર જેવા અધિકારીઓ ફરકતા નથી. સુરતમાં એવી ઘટના બની, જેણે તંત્રની પોલનાં ઢાંકણાં ખોલી નાખ્યાં. સુરતમાં સતત ટ્રાફિકથી ધમધમતા 120 ફૂટ પહોળા મેઇન રોડ પર ખુલ્લી ગટરમાં બે વર્ષનું બાળક પડી ગયું ને વહી ગયું. 24 કલાક પછી તેનો મૃતદેહ મળ્યો છે. ફાયરબ્રિગેડના જવાનો અંદર ઊતર્યા તો ખબર પડી કે વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટોર્મલાઇન અને ડ્રેનેજલાઇન બંનેને અંદરોઅંદર જોડી

દેવાઈ છે. ગુજરાતની ગટરનું વિકાસ મોડલ ત્યારે સામે આવ્યું છે, જ્યારે નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. નમસ્કાર, ગુજરાત મોડલ બદલાઈ રહ્યું છે, બદલાઈ ગયું છે. બ્રિજ, ગેમઝોન, થિયેટર, હોસ્પિટલ્સ જેવાં સ્થળો સલામત નથી, એ વાત જૂની થઇ ગઇ. હવે તો જમીનની અંદર પણ પોલંપોલ ખૂલી છે. સાવ બેઝિક કહી શકાય એવી સમસ્યા સામે લોકો ઝઝૂમી રહ્યા છે. નગરપાલિકાની ચૂંટણી પહેલાં એક નાગરિકે તો એવું કહ્યું હતું કે અમારે બંગલા નથી જોઈતા, પણ કમસે કમ રસ્તા, સ્ટ્રીટલાઈટ, ગટરની સુવિધા તો સારી આપો! ડગલે ને પગલે લોકોને સમસ્યા નડે છે. એનું સમાધાન થતું નથી. અંતે તો વિકાસ ગટરમાં જ વહી જાય છે. સુરતમાં શું ઘટના બની? સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં આવેલા સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ (ઉં.વ. 2) તેની મમ્મી સાથે બુધવારે સાંજે 'બુધવારી બજાર'માં ગયો હતો. આ

દરમિયાન આઇસક્રીમ ખાવા માટે કેદાર તેની મમ્મીનો હાથ છોડાવી દોડ્યો હતો. આ તો મેઇન રોડ છે. આ 120 ફૂટના રોડ પર ઢાંકણાં વગરની ખુલ્લી ગટર હતી અને એમાં બાળક ઊંધા માથે પડ્યું હતું. તેની મમ્મીએ બૂમાબૂમ કરતાં આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા ને તાત્કાલિક ગટરમાં ઊતરીને બાળકની શોધખોળ કરી હતી, પણ બાળક મળ્યું નહિ. 24 કલાકની શોધખોળ પછી તેનો મૃતદેહ મળ્યો હતો. ફાયરબ્રિગેડના જવાનો કેમેરા અને માસ્ક સાથે ગટરમાં ઊતર્યા ફાયર વિભાગ દ્વારા ઓક્સિજન કિટ અને ખાસ કેમેરા સાથે ફાયર જવાનોને ગટરની અંદર ઉતારવામાં આવ્યા હતા. ચેમ્બરમાં અંદર પાંચથી છ ફૂટ પાણી ભરેલું છે, ફાયર વિભાગ દ્વારા 800 મીટરની અંદર તપાસ કરવામાં આવી હતી, પરંતુ બાળકની કોઇ ભાળ ન મળતાં ફાયર વિભાગે ગટરમાંથી પાણી ઉલેચવાનું શરૂ કર્યું હતું. ગુરુવારે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી આ કામગીરી ચાલુ રહી

હતી, પણ બાળકનો પત્તો લાગ્યો નહિ. ડ્રેનેજ કમિટીના ચેરમેન કેયૂર ઝપટાવાલાએ એ વાત કરી, જેનાથી તંત્રની પોલ ખૂલી. તેમણે કહ્યું, સ્ટોર્મલાઈન એટલે વરસાદી પાણીના નિકાલની લાઈન સાથે ડ્રેનેજલાઈનની જેમ જોડાણ આપી દેવામાં આવે છે એ ગેરકાયદે છે. છેલ્લા છ મહિનાથી સુરતમાં આના માટે ખાસ ડ્રાઈવ ચાલે છે અને હજી પણ ઘણાં ગેરકાયદે જોડાણ છે, જેને કટ કરીને એકમને નોટિસ આપવામાં આવશે. આ અધિકારીએ જે વાત કરી એમાં પોલંપોલ શું છે એ આના પરથી સમજો... ફાયર ઓફિસરે પણ કબૂલ્યું કે બે લાઈનનું પાણી ભેગું થઈ ગયું છે સુરતના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે મીડિયા સાથેની વાતચીતમાં કબૂલ્યું કે ઘણી જગ્યાએ વરસાદી પાણીના નિકાલની લાઈન અને ડ્રેનેજલાઈન ભેગી થઈ રહી છે. વરસાદી પાણીના નિકાલની લાઈનમાં પણ તપાસ ચાલી રહી છે, પણ બાળક મળ્યું નથી. હવે ડ્રેનેજલાઈનમાં પણ અમે ઓક્સિજન માસ્ક સાથે અમારા

કર્મચારીઓને નીચે ઉતાર્યા છે. ડ્રેનેજલાઈનની અંદર પાણીનો ફોર્સ ખૂબ જ વધારે છે. મુશ્કેલી ખૂબ આવી રહી છે છતાં અમે તમામ પ્રયાસો કર્યા, દરેક જગ્યાની ગટરનાં ઢાંકણાં ખોલીને શોધખોળ કરી રહ્યા છીએ. ડ્રેનેજલાઇનમાં શોધખોળ કરવી કેમ મુશ્કેલ? સ્ટોર્મવોટર ડ્રેનેજલાઈન ચોરસ આકારમાં હોય છે, જેમાં પાણીનો પ્રવાહ પણ થોડો ઓછો જોવા મળતો હોય છે. એને કારણે સરળતાથી ફાયર વિભાગની ટીમે તપાસ કરી હતી, પરંતુ હવે બાળક ડ્રેનેજલાઈનમાં ગયું હોવાથી શોધખોળ કરવી મુશ્કેલ છે, કારણ કે ડ્રેનેજલાઈનની અંદર પાણીનો પ્રવાહ અને કાદવનો સ્તર ખૂબ જ વધારે હોય છે. ડ્રેનેજમાં પાણી અંદાજે પાંચ ફૂટની આસપાસ રહેતું હોય છે અને પાણીનો ફોર્સ પણ વધુ જોવા મળે છે. એને કારણે ફાયરના કર્મચારીઓ ડ્રેનેજલાઈનમાં નીચે ઊતરીને શોધી શકે, પણ આ બહુ જ મુશ્કેલ છે. હવે બાળક ડ્રેનેજલાઈન મારફત સુએજ પમ્પિંગ સ્ટેશન સુધી આવી શકે છે, એવી એક

સંભાવના છે. એક અધિકારી ડ્રેનેજલાઇનનો નકશો લેવા ગયા ને તાપણું કરવા બેસી ગયા! ઘટનાસ્થળે હાજર લોકો સાથે મીડિયાએ વાત કરી ત્યારે લોકોએ એવો આરોપ લગાવ્યો કે ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર તેજસ પટેલ જ્યારે ઘટના પછી બુધવારે રાત્રે અહીં આવ્યા હતા. થોડીવાર રોકાઈને તેઓ નીકળવા લાગ્યા ને કહ્યું કે હું ડ્રેનેજલાઈનનો નકશો લઈને આવું છું. અમે બધા આખી રાત નકશો આવશે એની રાહ જોઈને બેઠા હતા, પણ અધિકારી ઘટનાસ્થળથી થોડેક જ દૂર બેસીને તાપણું કરતા જોવા મળ્યા. અધિકારી તાપણું કરતા હોવાનો વીડિયો પણ વાઇરલ થયો છે. આ દુઃખદ બાબત છે. અધિકારીઓને કોઈ પ્રકારની ગંભીરતા નથી. ફાયર વિભાગ ત્યારે જ શોધી શકે જ્યારે તેને ડ્રેનેજલાઈનનો પ્રોપર નકશો મળ્યો હોય, પણ અધિકારીઓ યોગ્ય માર્ગદર્શન આપતા નથી, એના કારણે ફાયરબ્રિગેડના જવાનો ભલે ગમે એટલી મહેનત કરે, પરિણામ આવતું નથી. આવા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ

કરવા જોઈએ.લોકોને શું જોઈએ છે, સરકાર શું આપે છે? જ્યારે જ્યારે કોઈપણ ચૂંટણી આવે ત્યારે લોકો પોતાની આસપાસની અને પોતાને નડતી સમસ્યાનું અવલોકન કરે છે. તાલુકા કે ગામડાંમાં જાઓ તો ખબર પડે કે રસ્તા હજી ડામર પથરાવાની રાહમાં છે, ગટરો ઊભરાય છે, રસ્તા પર ઢોર ફર્યાં કરે છે. સ્ટ્રીટલાઈટ થાય તો ઝાંખી થાય કાં ન થાય. આ સમસ્યા આજકાલની નથી, વર્ષોથી ચાલી આવે છે. વિકાસના નામે શું થયું, શું નથી થયું, લોકો એ બરાબર જાણે છે. ચાર મોટાં શહેરોમાં પણ સમસ્યાઓ અપાર છે. ચોમાસું આવે ને રસ્તા પર પાણી ન ભરાય એટલે ગટરના ઢાંકણાં ખોલી નાખે. ગટરનું ઢાંકણું ખુલ્લું છે એ ખબર પડે એટલે ઝાડની મોટી ડાળી ખોસી દેવામાં આવે. આ ઢાંકણાં બરાબર ફિટ છે કે નહીં એ જોવાની જવાબદારી કોઈકની તો હશે ને? અમદાવાદમાં કોઈપણ ગલીમાં નીકળો, ગટરનાં

એક-બે ઢાંકણાં તૂટેલાં કે ઊખડેલાં મળે જ છે. આ ઢાંકણાંના અભાવે વાહનચાલકોના એક્સિડન્ટ થાય છે. ઘણીવાર એવી જગ્યાએ ઢાંકણા ખુલ્લા હોય, જ્યાં સ્ટ્રીટલાઈટ જ નથી હોતી. અંધારામાં રસ્તા પણ સરખા દેખાતા નથી તો ખુલ્લી ગટર ક્યાં દેખાવાની? ગટરની વાત એકબાજુએ મૂકો. આધારકાર્ડમાં નાનકડો સુધારો કરવો હોય તોય નોકરિયાતે એક દિવસની રજા મૂકવી પડે. લાંબી લાઈન હોય કાં સર્વર ઠપ હોય. આ સમસ્યા કોઈ એક શહેર કે એક ગામની નથી. ગુજરાતના વિકાસ મોડલની આ વાત છે. લોકોને પોતાનો સમય બચે અને હેરાન ન થવાય એવી સુવિધા જોઈએ છે. એનાથી વિશેષ પ્રજા કોઈ અપેક્ષા રાખતી નથી. મોટાં શહેરોની વાત ન કરીએ તોપણ નગરપાલિકા કક્ષાએ સ્થિતિ વધારે હાલકડોલક છે. ક્યાંક રસ્તા સારા થયા છે તો પાણીની મોકાણ છે, ક્યાંક સ્ટ્રીટલાઈટ બરાબર ચાલે છે તો રસ્તા ઊબડખાબડ છે. બધે બધું બરાબર તો નથી જ.

પાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે ન્યુ ગુજરાત તમારો મત જાણવા માગે છે. તમારા વિસ્તારમાં કઈ સુવિધાનો અભાવ છે? એ અમને જણાવો. નીચે ગૂગલ ફોર્મની લિન્ક છે. એના પર ક્લિક કરીને ખોલો ને તમારો અભિપ્રાય આપો... આ લિંક પર ક્લિક કરી અભિપ્રાય આપો અને છેલ્લે, હજી થોડા દિવસ પહેલાં જ 28 જાન્યુઆરીએ સુરત મનપાએ વ્હોટ્સએપ ચેટબોટ સુવિધા શરૂ કરી. કહેવામાં એવું આવ્યું કે ચેટબોટ નંબર 63599 30020 ફરિયાદ કરતાં જ ઓટોમેટેડ ફરિયાદ રજિસ્ટર થઈ જશે અને ગણતરીની મિનિટોમાં એ જવાબદાર અધિકારી પાસે પહોંચી જશે. આ વાત સારી છે, પણ અધિકારી પાસે ફરિયાદ પહોંચ્યા પછી શું થશે, એની ચોખવટ નથી થઈ. આ ઘટના પછી તો એવું લાગે છે કે આ ચેટબોટ નહીં, પણ ચીટબોટ છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... (રિસર્ચ - યશપાલ બક્ષી)

Related Post