Editor’s View: રશિયા-યુક્રેન રોજ ટ્રમ્પને ઉઠાં ભણાવે છે

Editor’s View: રશિયા-યુક્રેન રોજ ટ્રમ્પને ઉઠાં ભણાવે છે:નાનાં પણ રાઈના દાણા જેવડાં યુક્રેને હદ કરી, 5 એરબેઝ તબાહ થઈ જવાથી પુતિન રઘવાયા બન્યા
Email :

યુક્રેનનું દોઢ વર્ષનું પ્લાનિંગ 4 હજાર કિલોમીટરનું અંતર 117 ડ્રોનનો ઉપયોગ રશિયાના 5 એરબેઝ નેસ્તનાબુદ કર્યા 7 અબજ ડોલરનું નુકસાન થયું રશિયા જેવા તાકાતવર દેશે વિચાર્યું પણ નહીં હોય કે ખોબા જેવડો દેશ યુક્રેન 4 હજાર કિલોમીટર અંદર ઘૂસીને હુમલો કરશે. યુક્રેને એવી ડ્રોન સ્ટ્રાઈક કરી કે રશિયાની કમર ભાંગી ગઈ, દુનિયામાં નાક કપાઈ ગયું એ જુદું. રશિયાનું તો નાક કપાયું જ પણ રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થપવા મથી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ નાક રોજ કપાય છે. તે રાષ્ટ્રપતિ નહોતા બન્યા ત્યારે ચૂંટણી પ્રચારમાં પણ કહેતા કે, કોઈ રશિયા-યુક્રેન યુદ્ધ રોકાવી શકે એમ હોચ તો એ હું (ટ્રમ્પ) છું. પણ એવું થયું નથી. યુક્રેન અને રશિયા બંને ટ્રમ્પને ગાંઠતા નથી. નમસ્કાર, રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું તેને 3 વર્ષ 3 મહિના 9 દિવસ થયા. આ સમયગાળામાં 14 કરોડની વસ્તી ધરાવતા તાકાતવર દેશ રશિયાને 4 કરોડની વસ્તી ધરાવતા નાનકડા દેશ યુક્રેનને ધૂળ ચાટતું કરી દીધું હોત,

પણ રશિયા એવું કરી શક્યું નહીં. યુક્રેન લડતું રહ્યું, આજે પણ લડે છે. હવે તો યુક્રેને રશિયા પર એવો પ્રહાર કર્યો છે કે રશિયાને કળ વળતાં વાર લાગશે. યુક્રેને રશિયા પર હુમલો કેવી રીતે કર્યો, એ જાણવા જેવું છે... યુક્રેનની સિક્યોરિટી એજન્સી છે. SBU. આ સિક્યોરિટી એજન્સીના ચીફ વાસલ મેલ્યુક અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયા પર ભીષણ હુમલો કરવાનો પ્લાન બનાવ્યો. આ પ્લાનની શરૂઆત આજથી દોઢ વર્ષ પહેલાં થઈ. પ્લાન નક્કી થયો. પ્લાન મુજબ કામ ચાલુ થયું ને પ્લાન મુજબ રશિયા પર હુમલો કરવાનો દિવસ નજીક આવતો ગયો. પ્લાન એવો હતો કે, યુક્રેને 117 ડ્રોન તૈયાર કર્યા. જેને નાના FPV એટલે કે ફર્સ્ટ પર્સન વ્યૂ ડ્રોન કહે છે. આ ડ્રોનમાં ઠાંસી-ઠાંસીને વિસ્ફોટક ભર્યા. પછી લાકડાંના મોટા-મોટા બોક્સ તૈયાર કર્યા. તેમાં ડ્રોન મૂકી દીધા. આ બોક્સનાં ઢાંકણાં રિમોટ કંટ્રોલથી ખુલે એવા બનાવ્યા. ડ્રોન પણ રિમોટ ઓપરેટેડ હતા. આ બધા ડ્રોનને લાકડાંના બોક્સમાં મૂકીને બોક્સને પાંચ ટ્રકની અંદર ચડાવી

દીધા. આ ટ્રકમાં સ્મગલિંગનો માલ છે એવું બતાવીને, બોર્ડર પર પૈસા ખવડાવીને ચારેય ટ્રકને રશિયામાં ઘૂસાડી દીધી. અડધો પડાવ પાર થઈ ગયો. હવે આ પાંચેય ટ્રકને અલગ અલગ પાંચ એરબેઝ પાસે પાર્ક કરવાની હતી. યુક્રેને ફૂલપ્રૂફ પ્લાન સાથે આ કામ પણ પાર પાડ્યું. પાંચેય ટ્રક રશિયાના પાંચ એરબેઝ પાસે પાર્ક થઈ ગઈ. દિવસ આવ્યો એટેકનો... યુક્રેનમાં બેઠાં બેઠાં સિક્યોરિટી એજન્સીએ રિમોટથી ટ્રકની છત ઓપન કરી નાખી. પછી અંદર પડેલા બોક્સના ઢાંકણાં ખોલી નાખ્યાં. ઢાંકણાં ખોલતાંવેંત બોક્સમાં પડેલા ડ્રોન એક્ટિવ થઈ ગયા. રિમોટ કંટ્રોલથી પાંચેય એરબેઝ પર પડેલા રશિયાના સુપર ફાઈટર પ્લેન પર બધા ડ્રોન તૂટી પડ્યા ને તેને તબાહ કર્યા. રશિયાના એરબેઝને તો નુકસાન થયું જ, 41 જેટલા ફાઈટર પ્લેન ભાંગીને ભૂક્કો થઈ ગયા. રશિયામાં તો અફરા તફરીનો માહોલ થઈ ગયો. કોઈને સમજાયું નહીં કે આ શું થઈ ગયું...યુક્રેને આ ઓપરેશનને નામ આપ્યું - ઓપરેશન સ્પાઈડર વેબ. રશિયાના આ 5 એરબેઝ પર હુમલો યુક્રેને રશિયાના

ક્યા મહત્વના ફાઈટર પ્લેન તોડી નાખ્યા.. યુક્રેને શું દાવો કર્યો? યુક્રેને દાવો કર્યો છે કે, અમારા હુમલા પછી રશિયાના આવા 34 ટકા વિમાનોને ભારે નુકસાન થયું છે. આ હુમલાથી રશિયાને 7 અબજ ડોલરનું નુકસાન થયું હોવાનું મનાય છે. યુક્રેનિયન એજન્સીએ કહ્યું કે તેમણે આ હુમલો એટલા માટે કર્યો છે જેથી રશિયાના બોમ્બમારા રોકી શકાય, કારણ કે લગભગ દરરોજ રાત્રે રશિયન વિમાનો યુક્રેનિયન શહેરો પર હુમલો કરે છે. યુક્રેને એમ પણ કહ્યું છે કે રશિયા હુમલા નહીં રોકે તો ભવિષ્યમાં તેના ડ્રોન મિશન ચાલુ રહેશે. ઝેલેન્સકી બોલ્યા, હવે રશિયા સીધું દોર થશે રશિયાના 41 ફાઈટર પ્લેન અને 4 એરબેઝ તબાહ કર્યા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વીડિયો રિલિઝ કરીને હુમલાની જાણકારી આપી. પછી એમ પણ કહ્યું કે, આ હુમલા રશિયાની આક્રમકતા સામે યુક્રેનની દ્રઢતા દર્શાવે છે. મોટી સંખ્યામાં રશિયન વિમાનોનો સફાયો કરવામાં આવ્યો છે, જે રશિયાને વાટાઘાટો કરવા મજબૂર કરશે. રશિયા સમજી ગયું હશે કે તેને યુદ્ધમાં ભારે

નુકસાન થઈ રહ્યું છે,હવે તે શાંતિ અને સમાધાન તરફ આગળ વધશે. રશિયાએ પણ કબૂલ્યું કે, અમને બહુ મોટું નુકસાન થયું રશિયન ડિફેન્સ મિનિસ્ટ્રીએ કબૂલ્યું હતું કે, યુક્રેનના હુમલામાં રશિયાના 5 એરબેઝને મોટું નુકસાન થયું છે. વિમાનોને પણ નુકસાન થયું છે. રશિયાએ એ કબૂલ્યું કે, ફાઈટર પ્લેનને નુકસાન થયું પણ કેટલા પ્લેનને નુકસાન થયું તે આંકડો નથી આપ્યો, પણ યુક્રેને દાવો કર્યો છે કે તેણે રશિયાના 41 પ્લેન તોડી નાખ્યા છે. રશિયન ડિફેન્સ મિનિસ્ટ્રીએ પોતાના નિવેદનમાં યુક્રેન પર મુર્મન્સ્ક, ઇર્કુત્સ્ક, ઇવાનોવો, રિયાઝાન અને અમુર પ્રદેશોમાં સ્થિત એરપોર્ટ પર FPV (ફર્સ્ટ પર્સન વ્યૂ) ડ્રોનથી હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. મોટા નુકસાનથી રશિયન એરફોર્સ ધૂંવાપૂંવા છે. રશિયન એરફોર્સ હવે તક મળે ત્યારે યુક્રેન પર ભિષણ હુમલો કરે તેવું પણ બની શકે. ડ્રોન હુમલા વચ્ચે તુર્કીમાં શાંતિ મંત્રણા થઈ તુર્કીના ઈસ્તંબુલમાં રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા થવાની હતી. સોમવારે (2 જૂને) શાંતિ મંત્રણા થાય તે પહેલાં જ યુક્રેને મોટો

હુમલો કરી દીધો. હવે તો આ ડ્રોન હુમલાથી રશિયા-યુક્રેન વચ્ચે તણાવ વધી ગયો છે, બની શકે કે રશિયા હવે વધારે આક્રમકતાથી હુમલા વધારી દે. એક સંભાવના એવી હતી કે, ઈસ્તંબુલમાં બંને દેશ વચ્ચે શાંતિ મંત્રણા થશે નહીં. જોકે, નિયત કાર્યક્રમ મુજબ રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા થઈ છે અને મિટિંગ એક કલાક ચાલી હતી. 3 વર્ષમાં કોને કેટલું નુકસાન? ટેન્ક નાશ પામી એન્ટી મિસાઇલ સિસ્ટમ ફાઇટર પ્લેન તૂટ્યાં વોરશિપનું નુકસાન પુતિન-ઝેલેન્સકી મળીને રોજ ટ્રમ્પનું નાક કાપે છે જ્યારે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એવી વાત કરી છે કે રશિયા-યુક્રેન યુદ્ધ હું રોકાવી દઈશ, ત્યારે ત્યારે તે સફળ થચા નથી. તેમણે પ્રયાસો ઘણા કર્યા પણ કારી ન ફાવી. પુતિનને ફોન કરીને કહ્યું કે, સીઝફાયર માટે માની જાવ. પુતિને ઘસીને ના પાડી દીધી કે જ્યાં સુધી યુક્રેનનો સમાવેશ નાટોમાં નહીં કરવાની ખાતરી મળશે પછી જોશું. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ટ્રમ્પે અમેરિકા બોલાવ્યા હતા. બંને વચ્ચે જે માથાકૂટ થઈ તે દુનિયાએ જોઈ.

એટલે ઝેલેન્સકી પણ ટ્રમ્પનું માન્યા નહીં. મહાસત્તા અમેરિકા, તેના મહાન રાષ્ટ્રપતિ... તેની વાત આ બંને દેશો માનતા નથી, એ વાતથી ટ્રમ્પને માઠું લાગી ગયું છે. રોજ સવાર પડે ને ટ્રમ્પને આશા જાગે કે આ બંને વચ્ચે યુદ્ધ રોકાઈ જશે ને રોજ સવાર પડે ને નવા હુમલા થાય છે. 2022માં પણ બંને દેશોએ ટ્રમ્પને ગાંઠ્યા નહોતા 2022માં ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશના રાષ્ટ્રપતિને ફોન કર્યો હતો કે, તમે જે યુદ્ધ શરૂ કર્યું છે તે આગળ વધે તે પહેલાં રોકી દો. ત્યારે પણ બંને દેશના રાષ્ટ્રપતિઓએ ટ્રમ્પની વાત નહોતી માની. એ વખતે તો જો બાઈડેન રાષ્ટ્રપતિ હતા. ટ્રમ્પ તો રાષ્ટ્રપતિ પણ નહોતા, હવે ટ્રમ્પ રાષ્ટ્રપતિ છે છતાં બંને દેશ તેની વાત માનતા નથી. 2022માં જે દિવસે ટ્રમ્પે પુતિન અને ઝેલેન્સકીને ફોન કર્યો એ જ દિવસે યુક્રેને 34 ડ્રોન મોકલીને રશિયાના શહેર મોસ્કો પર મોટો હુમલો કર્યો હતો. એ પછી યુક્રેનનો આ 117 ડ્રોનનો સૌથી હુમલો છે. હવે રશિયા શું કરશે?

રશિયાએ યુક્રેન સાથેના યુદ્ધ દરમિયાન એક વખત પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી છે. 1 જૂનનો હુમલો એક મોટી સમસ્યા છે કારણ કે તેમાં રશિયાના સ્ટ્રેટેજીકલી બોમ્બર ફાઈટર પ્લેનને નિશાન બનાવવામાં આવ્યાં છે. આનો અર્થ એ થયો કે યુદ્ધની સ્થિતિમાં રશિયા પાસે હવે ન્યુક્લિયર વેપન લોન્ચ કરવા માટે પહેલા કરતા ઓછા વિમાનો છે. રશિયન એરફોર્સના અધિકારીઓએ 1 જૂનના યુક્રેનિયન હુમલાનો બદલો લેવાની ધમકી આપી છે. રશિયા પરમાણુ હુમલો કરે તેવી સંભાવના તો નથી પણ હવે યુક્રેનની જેમ તે પણ મોટો પ્લાન બનાવીને હુમલો કરે તેવું બની શકે. પણ પુતિનમાં ધીરજનો અભાવ છે. તે કોઈપણ રીતે યુક્રેનને સરખો જવાબ આપશે, એમાં બેમત નથી. હવે ડ્રોન વોરનો યુગ હવે ડ્રોનથી યુદ્ધ કરવાનો એક નવો યુગ શરૂ થયો છે. આની શરૂઆત 2020-2021થી થઈ. આર્મેનિયા-અઝરબૈજાન લડાઈમાં ડ્રોનથી હુમલા જોવા મળ્યા હતા. સાઉદી અરેબિયાની તેલ રિફાઇનરીઓ પર હુથીઓએ ડ્રોન હુમલા કર્યા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ હતી ત્યારે પણ ડ્રોન જોવા મળ્યા

હતા. રશિયા-યુક્રેન યુદ્ધે ડ્રોન યુદ્ધના એક નવા યુગની શરૂઆત કરી, જ્યાં ડ્રોન માનવયુક્ત ફાઇટર એરક્રાફ્ટથી લઈને નાના હથિયારો સુધીના દરેક પ્લેટફોર્મનું સ્થાન લઈ ચૂક્યા છે. રશિયા અને યુક્રેન બંને પાસે વોર ડ્રોનનો મોટો ભંડાર છે. યુદ્ધમાં હજારો ફર્સ્ટ પર્સન વ્યૂ (FPV) ડ્રોન અને વાયર-ગાઇડેડ FPV ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ડ્રોન યુદ્ધ ખતરનાક એટલા માટે છે કે તે રડારમાં કેપ્ચર થતા નથી. તેને જામ કરી શકાતા નથી. છેલ્લે, હવેના સમયમાં યુદ્ધ જૂનુનથી નહીં પણ સ્ટ્રેટેજીથી લડાય છે. સપ્ટેમ્બર 2024માં બનેલી ઘટના બધાને યાદ હશે. લેબનોનમાં હિઝબુલ્લાહ નામનું આતંકી સંગઠન છે. તેના આતંકીઓના દરેક પેજરમાં ઈઝરાયલે બોમ્બ ફીટ કરીને બ્લાસ્ટ કર્યા હતા. તેમાં 10 મોત થયા હતા ને 2800 ઘાયલ થયા હતા. આ પેજર એટેક પછી યુક્રેનનો ગુપચુપ ડ્રોન એટેક 'સ્ટ્રેટેજી વોર'ની નવી ડિઝાઈન તૈયાર કરે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

Leave a Reply

Related Post