Editor's View: ચીનના ખીલે કૂદતું પાકિસ્તાન

Editor's View: ચીનના ખીલે કૂદતું પાકિસ્તાન:પહેલગામ હુમલો અને ડ્રેગનની ખંધી ચાલ, પડદા પાછળથી દોરીસંચાર શરૂ, ભારતે લોઢા સામે લોઢાની નીતિ અપનાવી
Email :

ભારત-પાકિસ્તાન સરહદ પર પાકિસ્તાનની જેટલી અત્યારે નજર હશે એનાથી વધુ ચીનની નજર હશે. સૌથી મોટો સવાલ એ છે કે શું ભારત સાથેની યુદ્ધની સ્થિતિ સર્જાય તો ચીન પાકિસ્તાનને મદદ કરશે? કરશે તો કઈ રીતે કરશે? ભારત સાથે અવળચંડાઈ કરવામાં અને પાકિસ્તાનને પોતાના પડખામાં રાખવા ચીન કોઈપણ હદે જઈ શકે છે. નમસ્કાર પાકિસ્તાન ચીનના ખીલે કૂદે છે. આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાનની પાછળ ચીનનો અદૃશ્ય હાથ છે, સમજવાનું એ છે કે કેટલી મદદ કરશે? ખુલ્લેઆમ કરશે અને પડદા પાછળ પણ કરશે. ચીનની ચાલ સમજવામાં આપણે ભારત સાથેના તેના ભૂતકાળના અનુભવો જાણવા પડશે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ડઘાઈ ગયું છે. પહેલગામમાં થયેલી આતંકી ઘટના પછી ભારતને વિશ્વના ખૂણે ખૂણેથી સમર્થન મળી રહ્યું છે. 16થી વધુ વૈશ્વિક નેતાઓએ પીએમ મોદી સાથે ફોન પર વાત કરીને ઘટનાની સંપૂર્ણ જાણકારી પણ મેળવી છે. જ્યારે પાકિસ્તાનના પડખે ગણ્યાગાંઠયા દેશો જ ઊભા રહ્યા છે. ચીન અને તુર્કી એમાંના બે છે. તાજેતરમાં તુર્કીએ હથિયારનો એક મોટો જથ્થો પાકિસ્તાનને સપ્લાય કર્યો હોવાની વાત સામે આવી છે. જ્યારે

ચીને તો હુમલાના બીજા જ દિવસે એ પાકિસ્તાનના પક્ષમાં છે એવી જાહેરાત કરી દીધી હતી. પહેલા એ સમજીએ કે પાકિસ્તાન અને ચીન એકબીજાની નજીક ક્યારથી આવ્યા 1965માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલુ હતું એ દરમિયાન જ ચીને ભારતને વોર્નિંગ આપી હતી અને ચીન-સિક્કિમની બોર્ડર પરથી ભારતીય ઇન્સ્ટોલેશન હટાવી લેવા કહ્યું હતું. ચીને એ વખતે ભારતને એવી ચીમકી આપી હતી કે ત્રણ દિવસમાં જ આ બધું હટાવી લો, નહિતર એનાં ગંભીર પરિણામો તમારે ભોગવવાં પડશે. અમેરિકન જાસૂસી સંસ્થા CIAના ખાનગી દસ્તાવેજોમાં આ ખુલાસો થયો હતો. પાકિસ્તાન સાથેના 1965ના યુદ્ધ વખતે પણ ચીને અવળચંડાઈ કરી હતી. 1971ના યુદ્ધમાં ભારત અગ્રેસિવ મોડમાં હતું અને એ વખતે પાકિસ્તાનનો મુખ્ય મુદ્દો બાંગ્લાદેશનો બળવો હતો. ભારતે બાંગ્લાદેશને છુટ્ટું પાડ્યું એ વખતે ભારતના તેવર જોઇને ચીને કોઇ ચંચુપાત નહોતો કર્યો. 9/11 પછી US-પાકિસ્તાનનાં સમીકરણો બદલાયાં અને ચીને પાકિસ્તાનને પડખામાં લીધું લાદેનને શોધવામાં અમેરિકા સાથે પાકિસ્તાને જે રમત રમી એ પછી અમેરિકાએ પાકિસ્તાનનો સાથ છોડી દીધો છે. લાદેન આખરે પાકિસ્તાનમાંથી જ મળ્યો અને પાકિસ્તાન વિશ્વ સમક્ષ ખુલ્લું પડી ગયું. ભારત

દાયકાઓથી કહેતું આવ્યું હતું કે આતંકવાદનું એપીસેન્ટર પાકિસ્તાન છે ત્યારે વિશ્વના દેશો માનવા તૈયાર નહોતા. અમેરિકા હંમેશાં પાકિસ્તાનને સપોર્ટ કરતું હતું. જ્યારે અમેરિકાને તેનો કડવો અનુભવ થયો ત્યારે તેણે પાકિસ્તાનને પડતું મૂક્યું અને એ પછી તક જોઇને એ સ્થાન ધીરે ધીરે ચીને લઇ લીધું છે. પાકિસ્તાન-ચીન વચ્ચેના આર્થિક-ભૌગોલિક અને રાજકીય સંબંધોનું સત્ય શું છે? ભારત સાથેની સરહદ બંને દેશો શેર કરે છે, એ ઉપરાંત પાકિસ્તાન સાથે ચીનના ઊંડા સંબંધો પાછળનું કારણ વ્યૂહાત્મક અને આર્થિક હિતો છે. CPEC હેઠળ ચીન પાસે પાકિસ્તાનમાં આવા ઘણા પ્રોજેક્ટ છે, જેમાં કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો એ ચીનને પોસાય એવું નથી. પાકિસ્તાની મીડિયા અનુસાર, પાકિસ્તાન ચીનમાં બનેલાં શસ્ત્રોનો સૌથી મોટો આયાતકાર છે. એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનના 82% શસ્ત્રોની આયાત ચીનમાંથી કરવામાં આવી રહી છે. એક સમયે આ આંકડો 50 ટકાથી પણ ઓછો હતો. પહેલગામ હુમલા મુદ્દે ચીન અને પાકિસ્તાનની ભાષા એક જ દક્ષિણ એશિયામાં મોટા ભા બનવા માટે ચીન પાકિસ્તાનને પોતાની પડખે રાખે છે, એનું મુખ્ય કારણ ભારત પર કંટ્રોલ રાખવાની ચીનની ચાલ છે.

ઇજિપ્ત અને તુર્કી પછી પાકિસ્તાને ચીન સાથે રાજદ્વારી વાટાઘાટો કરી અને સમર્થન માગ્યું. ચીને પણ પાકિસ્તાન વતી અવાજ ઉઠાવતાં કહ્યું છે કે પહેલગામ ઘટનાની સ્વતંત્ર-નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ચીને આ રીતે પાકિસ્તાનને તેની સાર્વભૌમત્વ અને સુરક્ષા હિતોનું રક્ષણ કરવામાં સમર્થન આપ્યું છે. UNમાં ચીનના દોરીસંચારથી પાકિસ્તાને સ્ટેટમેન્ટ બદલ્યું સંયુક્ત રાષ્ટ્રએ જ્યારે પહેલગામ હુમલાની નિંદા કરી ત્યારે પાકિસ્તાન અને ચીને પડદા પાછળ એક થઇને એકસરખી ભાષામાં (શબ્દોમાં) પહેલગામ હુમલાની ટીકા કરી હતી. અગાઉ પાકિસ્તાને જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એમાં તેણે પહેલગામ હુમલામાં દુઃખ વ્યક્ત કર્યું હતું. ચીનની મદદથી પાકિસ્તાને યુએનમાં ભાષા બદલી અને ટીકા કરી. એનો સીધો મતલબ એ કે સ્ટેટમેન્ટ આપવા જેવી બાબતમાં પણ પાકિસ્તાને ચીનની સલાહ લીધી હતી અને ચીન તેને પડદા પાછળ દોરીસંચાર કરે છે. પહેલગામ હુમલા પછી ચીને પાકિસ્તાનના વિદેશમંત્રી સાથે વાત કરી અહેવાલો અનુસાર, ચીનના વિદેશમંત્રી વાંગ યીએ પાકિસ્તાનના વડાપ્રધાન અને વિદેશમંત્રી ઇશાક ડાર સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. અહેવાલ મુજબ, ડારે વાંગને કાશ્મીર ક્ષેત્રમાં આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ વિશે માહિતી

આપી. "એક મજબૂત મિત્ર અને સર્વકાલીન વ્યૂહાત્મક સહકારી ભાગીદાર તરીકે ચીન પાકિસ્તાનની કાયદેસર સુરક્ષા ચિંતાઓને સંપૂર્ણપણે સમજે છે અને પાકિસ્તાનને તેની સાર્વભૌમત્વ અને સુરક્ષા હિતોનું રક્ષણ કરવામાં સમર્થન આપે છે," વાંગને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે. વાંગે વધુમાં કહ્યું, 'ચીન ત્વરિત અને નિષ્પક્ષ તપાસની માગણી કરે છે અને માને છે કે આ સંઘર્ષ ભારત કે પાકિસ્તાન બંનેનાં મૂળભૂત હિતોને નુકસાન કરતો છે. આ ઘટના બંને દેશોની પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને નુકસાન પહોંચાડશે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે આ વિશે કહી દીધું હતું કે બંને દેશો વચ્ચે આ વિવાદ ખૂબ જૂનો છે અને એનો ઉકેલ પણ તેમણે જ લાવવાનો છે, એટલે તેઓ આ વિવાદમાં કોઈ મધ્યસ્થી કરવા ઈચ્છતા નથી. ઉધારની તાકાતથી મજબૂત બની રહ્યું છે પાકિસ્તાન ચીનથી હથિયારની આયાત કરવામાં પાકિસ્તાન પહેલેથી અગ્રેસર રહ્યું છે અને હવે તુર્કીએ પણ પાકિસ્તાનને હથિયારનો સપ્લાય કરીને પાકિસ્તાન સાથેની દોસ્તી અને ભારત સાથેની ગદ્દારી દર્શાવી દીધી છે. તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ દરમિયાન ભારતે પાકિસ્તાનના આ મિત્રને મદદ મોકલી હતી, જેમાં દવાઓની સાથે રાહત સામગ્રીનો પણ સમાવેશ થતો હતો. આમ છતાં

તુર્કી આ મિત્રતા ભૂલી ગયું છે એ વાસ્તવિકતા છે…જોકે તુર્કી અને પાકિસ્તાન વચ્ચે પરંપરાગત રીતે મજબૂત સંબંધો રહ્યા છે. બંને દેશો સમયાંતરે વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર એકબીજાને ટેકો પણ આપે છે, જરૂર પડે ત્યારે સંરક્ષણ સહયોગ પણ કરે છે. તુર્કીએ ભૂતકાળમાં પણ પાકિસ્તાનને લશ્કરી સાધનો અને તાલીમ પણ પૂરી પાડી છે. તુર્કી પાકિસ્તાનને મદદ કરે છે એનાથી ભારતને શું નુકસાન? તુર્કી ઈસ્લામિક દેશોને મદદ કરવામાં ક્યારેય પાછળ પડ્યું નથી અને તેથી જ તેણે પાકિસ્તાનની ભારત સાથેની કટોકટીના સમયે હથિયાર આપવાનું નક્કી કર્યું છે. જોકે તુર્કીએ કદી જાહેરમાં એવું નથી કહ્યું કે તેઓ ભારતને હથિયારનો સપ્લાય નહીં કરે, પરંતુ 10 જુલાઈ 2024ના રોજ ફોરેન અફેર્સ કમિટીની મિટિંગમાં તુર્કીના સ્ટોક આર્મ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી મુસ્તફા મુરાદ શેખ બોલી ગયા કે તેઓ ભારતને હથિયાર આપવા માગતા નથી. હવે ભારત માટે મુશ્કેલીની વાત એ નથી કે તુર્કી ભારતને હથિયાર નથી આપતું, પરંતુ તેઓ જે પાકિસ્તાનને હથિયાર આપે છે એ વધારે ટેક્નોલોજીથી સજ્જ, અપગ્રેડેડ અને મોડર્નાઇઝ છે. ચીની હથિયાર કરતાં આ હથિયાર વધુ ચડિયાતાં છે.

હવે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ થાય ત્યારે તુર્કીનાં હથિયારો પાકિસ્તાન માટે વધુ મદદરૂપ સાબિત થઈ શકે છે. પાકિસ્તાનનો ન્યૂકિલયર પ્લાન ચીન પર આધારિત છે 1970ના દાયકાથી ચીને પાકિસ્તાનના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ચીને જ પાકિસ્તાનને ખૂબ જ સમૃદ્ધ યુરેનિયમ, ટ્રાઈટેનિયમ, યુરેનિયમની પ્રક્રિયા માટે જરૂરી રિંગ મેગ્નેટ અને એક્સપિરિયન્સ એન્જિનિયરોની મદદ પૂરી પાડી હતી. હકીકતમાં પાકિસ્તાનનો ન્યૂક્લિયર પ્લાન ચીનની બ્લૂપ્રિન્ટ પર જ આધારિત હોવાનું માનવામાં આવે છે. 1990 અને 1992માં ચીને પાકિસ્તાનને પરમાણુ ક્ષમતા ધરાવતી M-11 મિસાઇલો પૂરી પાડી હતી, જેની રેન્જ 186 માઇલ હતી. અહેવાલ મુજબ ચીને પાકિસ્તાનને એવી મિસાઇલ વિકસાવવા માટે ટેક્નોલોજી પૂરી પાડી છે, જે 360 માઇલની રેન્જમાં લક્ષ્યોને ત્રાટકવામાં સક્ષમ છે. રાફેલ સામે ચીનની મદદ ભારતના રાફેલ સોદાથી ડરેલા ઇસ્લામાબાદને ચીન દ્વારા તાત્કાલિક ઘાતક શસ્ત્રોથી મજબૂત બનાવવામાં આવ્યું છે. ચીને પાકિસ્તાનને PL-15 મિસાઇલોનો જથ્થો મોકલ્યો છે. બે અઠવાડિયાં પહેલાં પણ પાકિસ્તાનને ચીન પાસેથી તેની બીજી સબમરીન મળી છે. આ સબમરીન અત્યાધુનિક શસ્ત્રો અને સેન્સરથી સજ્જ છે. આ ફક્ત એક નિયમિત

શસ્ત્ર સોદો નથી, પરંતુ અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં એના વ્યાપક વિસ્તરણના ભાગ રૂપે પાકિસ્તાનની નૌકાદળ ક્ષમતાઓને મજબૂત બનાવવાના ચીનના ઇરાદાને દર્શાવે છે. આ સોદાથી દેખાય છે કે ચીન પાકિસ્તાનને તેની લશ્કરી શક્તિ વધારવામાં સતત મદદ કરી રહ્યું છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચીને 2020થી 2024 દરમિયાન પાકિસ્તાનને 81 ટકા શસ્ત્રો પૂરાં પાડ્યાં છે. પાકિસ્તાને રશિયાની પણ માગી મદદ રશિયન સરકારી સમાચાર એજન્સી RIA નોવોસ્ટી સાથેના તાજેતરના ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાની સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે કહ્યું, "મને લાગે છે કે રશિયા, ચીન અથવા તો પશ્ચિમી દેશો પણ આ કટોકટીમાં ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે અને તેઓ એક તપાસ ટીમ પણ બનાવી શકે છે. આ સમિતિ તપાસ કરે કે પીએમ નરેન્દ્ર મોદી જૂઠું બોલી રહ્યા છે કે સાચું?” પાકિસ્તાનને પાઠ ભણાવવો હોય તો ભારત ચીનને કઇ રીતે અલગ રાખી શકે? ભારત માટે ત્રણ મુદ્દા મહત્ત્વના છે. એક, પાકિસ્તાનને પાઠ ભણાવવા કઇ રીતે પગલાં ભરવાં, બીજો, ચીનને પાકિસ્તાનના મુદ્દાથી કઇ રીતે અલગ કરવું અને ત્રીજો મુદ્દો વૈશ્વિક

સંમતિ મેળવવી (ખાસ કરીને અમેરિકા, રશિયા અને અન્ય દેશોની). આપણે અહીં વાત કરીએ છીએ બીજા એટલે કે ચીનને પાકિસ્તાની અલગ કરવાના મુદ્દાની. ચીનની સંડોવણીની સંભાવના વિશે બેમત પ્રવર્તે છે. એક તો એ કે તે સીધેસીધું પાકિસ્તાન સાથે યુદ્ધમાં તથા તેના ટેકામાં જોડાઇ જાય અને બીજી શક્યતા લિમિટેડ સપોર્ટ કરે. ભારતની ઇચ્છા ચીન આ મામલે ન્યૂટ્રલ રહે એવી છે. જો ચીન ભારત સાથેની સરહદ પર કોઇ મોરચો ખોલી દે તો ભારત માટે મહામુશ્કેલી ઊભી થઇ શકે. કેટલાક સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આજની તારીખે ચીન કે કોઇપણ દેશ પારકા ઝઘડાને વહોરી લઇને ઝંપલાવે જ નહિ. પોતાના સૈનિકોની ખુંવારી અને આર્થિક નુકસાની કોણ વેઠે? ભારત અત્યારે આ એનાલિસિસ કરી રહ્યું છે કે ચીન શું કરી શકે… છેલ્લે, ભારતે અફઘાનિસ્તાનમાં તાલિબાનને પણ પહેલગામ હુમલા વિશે બ્રીફિંગ કર્યું છે. ઘણાને એ સવાલ થયો કે એક સમયના આતંકવાદી સંગઠન સાથે કેમ વાતચીત? લોઢાથી લોઢું કાપવાની નીતિ પણ કૂટનીતિનો એક ભાગ છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ.... કાલે ફરી મળીશું. નમસ્કાર.

Leave a Reply

Related Post