Editor's View: પાકિસ્તાની આર્મી ચીફને સનેપાત ઊપડ્યો

Editor's View: પાકિસ્તાની આર્મી ચીફને સનેપાત ઊપડ્યો:કહ્યું, કાશ્મીર એ પાકિસ્તાનના ગળાની નસ છે!; ભારતે સોય ઝાટકીને કહી દીધું- PoK ખાલી કરવું જ પડશે
Email :

પાકિસ્તાની આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીરે ઈસ્લામાબાદમાં એક કાર્યક્રમમાં એવું ભાષણ કર્યું કે પાકિસ્તાનીઓ ઊભા થઈ-થઈને તાળીઓ પાડવા લાગ્યા. મજાની વાત એ છે કે મુનીર કાશ્મીર વિશે બોલ્યા, બલૂચિસ્તાન વિશે બોલ્યા, ગાઝા વિશેય બોલી ગયા... આ બધું બોલતા હતા ને પાકિસ્તાનના વડાપ્રધાન મંચ નીચે ખુરસીમાં બેઠાં બેઠાં બધું સાંભળતા હતા. આર્મી ચીફ મુનીરને પણ ઘડીક થઈ ગયું કે પાકિસ્તાનનો શહેનશાહ તો હું જ છું... નમસ્કાર, પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને રીતસરનો સનેપાત ઊપડ્યો હતો. ઈસ્લામાબાદમાં પહેલું ઓવરસીઝ પાકિસ્તાની સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં તેમના હાથમાં માઇક આવી ગયું ને તેમણે પોતાનો અસલી રંગ બતાવી દીધો. તેમણે

એવું કહી દીધું કે આપણા પૂર્વજો જ માનતા હતા કે આપણે હિન્દુઓથી બધી રીતે અલગ છીએ, એટલે આ અલગ દેશ વસાવ્યો. ભારત-પાકિસ્તાન એક દેશ છે ને ભાગલા પડ્યા એવું નથી. દેશ જ બે અલગ અલગ છે. આર્મી ચીફ અસીમ મુનીરે કયા મુદ્દે શું કહ્યું? હિન્દુઓ : અસીમ મુનીર બોલ્યા, આપણા પૂર્વજોએ વિચાર્યું હતું કે આપણે દરેક એંગલથી હિન્દુઓથી અલગ છીએ. આપણા રિવાજ, આપણો ધર્મ, આપણી વિચારધારા આ બધું હિન્દુઓથી અલગ છે એટલે આપણે બે અલગ અલગ દેશ છીએ, એક નેશન નથી. આપણે આપણા દેશ પાકિસ્તાન માટે ઘણાં બલિદાન આપ્યાં છે. આપણને ખબર છે કે આ દેશને બનાવવામાં

કેટકેટલો સંઘર્ષ કરવો પડ્યો છે. ભારત અને પાકિસ્તાન બે દેશ છે, એક નથી. આ દેશ માટે આપણા પૂર્વજોએ મોટી કુરબાની આપી છે. તેમણે આ દેશને બનાવવા માટે બલિદાન આપ્યાં છે. અમને ખબર છે કે દેશની રક્ષા કેવી રીતે કરવાની છે. કાશ્મીર : કાશ્મીર ક્યારેય પાકિસ્તાનથી અલગ ન થઈ શકે. કોઈપણ તાકાત કાશ્મીરને પાકિસ્તાનથી અલગ નહીં કરી શકે. કાશ્મીર તો પાકિસ્તાનના ગળાની નસ છે. એને કોઈ હિસાબે કપાવા નહીં દઈએ. બલૂચિસ્તાન : બલૂચિસ્તાન એ પાકિસ્તાનની ડેસ્ટીની છે. પાકિસ્તાનના મસ્તકનું ઝૂમર છે. તમને લાગે છે કે BLA, BLF અને BRAના આતંકવાદી આપણી પાસેથી બલૂચિસ્તાન છીનવી લેશે? 1.3 મિલિયન ભારતીય

આર્મી જવાનો આપણને ડરાવી શકતા નથી તો આ 1500 આતંકી શું કરી લેવાના? શું પાકિસ્તાનના દુશ્મન એવું વિચારે છે કે મુઠ્ઠીભર આતંકવાદી પાકિસ્તાનનું ભાગ્ય નક્કી કરી શકે છે? આતંકવાદીઓની 10 પેઢી પણ બલૂચિસ્તાન અને પાકિસ્તાનને નુકસાન નથી કરી શકવાની. તમે જો જો, અમે આ બલૂચ આતંકીઓનો ખાતમો બહુ જલદી કરી નાખીશું. મદીના અને પાકિસ્તાન : મુનીરે એમ પણ કહ્યું હતું કે દુનિયામાં બે રિયાસત અલ્લાહે કલમાના પાયા પર બનાવી છે. પહેલીનું નામ છે- રિયાસત-એ-તૈયબા, જેને આજનું મદીના કહેવાય છે. અને બીજું છે પાકિસ્તાન. અલ્લાહે 1300 વર્ષ પછી પાકિસ્તાન બનાવ્યું છે. પાકિસ્તાનનો પાયો ઈસ્લામના કલમાના આધારે રાખવામાં આવ્યો છે.

ભાવિ પેઢી : મુનીરે પાકિસ્તાની જનતાને સંબોધન કરતાં કહ્યું હતું કે તમે તમારાં બાળકોને પાકિસ્તાનની કહાની સંભળાવજો, એટલે એનો સંબંધ પાકિસ્તાન સાથે ક્યારેય નબળો ન પડે. ત્રીજી પેઢી હોય, ચોથી હોય કે પાંચમી પેઢી હોય, તેમને ખબર હોવી જોઈએ કે પાકિસ્તાન તેમના માટે શું છે? પાકિસ્તાનમાં એક પુસ્તકે આર્મીની પોલ ખોલી હતી આ વાત છે 2007ની. એ વખતે પાકિસ્તાનમાં પરવેઝ મુશર્રફની સરકાર હતી. એ વખતે પાકિસ્તાનમાં એક પુસ્તકની પણ ચર્ચા હતી. પુસ્તકનું નામ હતું - મિલિટરી ઈન્ક.: ઇનસાઈડ પાકિસ્તાન મિલિટરી ઇકોનોમી. પુસ્તકની લેખિકા હતી આયેશા સિદ્દિકા. એમાં પાકિસ્તાની ફોજના બિઝનેસ મોડલને એક્સપોઝ કર્યું હતું. એમાં વન લાઇનર એ

વાત હતી કે પાકિસ્તાની ફોજે દેશના મોટા મોટા બિઝનેસ પર કબજો કરી રાખ્યો છે. પુસ્તકની જાણ મિલિટરીને થઈ. પુસ્તક રોકવાની કોશિશો થઈ. મુશર્રફે આયેશાને ગદ્દાર ગણાવી. પુસ્તકના વિમોચન પર પ્રતિબંધ મૂકી દેવાયો. મુશર્રફે લેખિકા પર દેશદ્રોહની કલમ લગાવવાનો પ્રયાસ કર્યો અને દેશનિકાલનો પ્લાન બનાવ્યો, પણ મુશર્રફનો પ્લાન સફળ થયો નહીં. પુસ્તક લોન્ચ થયું. ખૂબ વંયાયું. આ પુસ્તકે પાકિસ્તાની આર્મીના બિઝનેસ મોડલને એક્સપોઝ કરી દીધું. પાકિસ્તાની આર્મી વર્ષે અરબો રૂપિયાનો બિઝનેસ કરે છે અને ખૂબ રૂપિયા કમાય છે. પાકિસ્તાની આર્મીની પોલ ખોલતા પુસ્તકમાં શું લખેલું છે? આ પુસ્તકમાં લેખિકા આયેશાએ લખ્યું છે કે 1954માં પાકિસ્તાની ફોજે સૌથી

પહેલું વેલ્ફેર ફાઉન્ડેશન શરૂ કર્યું હતું. એ વખતે આર્મી ચીફ જનરલ અયુબ ખાન અને ડિફેન્સ સેક્રેટરી મેજર જનરલ ઈસ્કંદર મિરઝાએ ફોજી ફાઉન્ડેશન બનાવ્યું અને તેમણે બ્રિટન પાસેથી મળેલા ફંડનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ જ અયુબ ખાન બળવો કરીને રાષ્ટ્રપતિ બની ગયા અને પાકિસ્તાનનો બધો પોલિટિકલ પાવર આર્મી પાસે જતો રહ્યો. 1975માં ઝુલ્ફીકાર અલી ભુટ્ટો ચોથા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ પાકિસ્તાનને ફોજની ચુંગાલમાંથી છોડાવવા માગતા હતા. 1977માં ફરી તખતાપલટ થયો અને ઝુલ્ફીકારની ખુરસી છીનવીને સત્તામાં આવ્યા આર્મી ચીફ ઝિયા ઉલ હક. તેમણે 10 વર્ષ સુધી પાકિસ્તાન પર શાસન કર્યું. ઝિયા પછી પરવેઝ મુશર્રફ પણ સાત વર્ષ સુધી પાકિસ્તાની ખુરસી

પર બેઠા. આ સિવાય પણ પાકિસ્તાની આર્મીની ફૂડ, ડેરી ઉદ્યોગ, સિમેન્ટ ફેક્ટરીઓ, રિયલ એસ્ટેટમાં ભાગીદારી છે. તે દેશનાં ઘણાં શહેરોમાં સ્કૂલ અને કોલેજ ચલાવે છે. ISI સાથે મળીને આર્મી અફીણનો બહુ મોટો વેપાર કરે છે. આર્મી શાહીન ફાઉન્ડેશનના નામે પણ અલગ અલગ બિઝનેસ ચલાવે છે. એમાં શાહીન એરપોર્ટ, શાહીન એરોટ્રેડ, શાહીન કોમ્પ્લેક્સ સામેલ છે. 2016માં પાકિસ્તાની સંસદમાં એક રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો, એમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની સેના 2 લાખ 40 હજાર કરોડનો બિઝનેસ કરે છે. એમાં 50થી વધારે બિઝનેસ સામેલ છે. 2023માં આ ટર્નઓવર 3 લાખ 20 હજાર કરોડનું થઈ ગયું હતું. પાકિસ્તાનની કુલ જમીનના 12%

જમીન આર્મીના હાથમાં છે, એટલે પાકિસ્તાનમાં તેને બિગેસ્ટ લેન્ડ ગ્રેબર કહે છે. આર્મીના શાસનને કારણે પાકિસ્તાનના બિઝનેસમાં પગપેસારો મજબૂત બનતો ગયો. આ સિલસિલો આજે પણ ચાલુ છે. પાકિસ્તાનમાં સરકાર ભલે કોઈપણ હોય, અસલ તાકાત આજે પણ મિલિટરીના હાથમાં છે. આજે મુનીર જે બોલ્યા એ એનો પુરાવો છે. મુનીર ઘણીવાર બફાટ કરી ચૂક્યા છે છેલ્લે, આર્મી ચીફના નિવેદન પછી ભારતના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપતાં એવું સંભળાવી દીધું છે કે પાકિસ્તાને કોઈપણ સંજોગોમાં PoK ખાલી કરવું જ પડશે, એમાં નહીં ચાલે. સોમવારથી શુક્રવાર તમે રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ...આવતીકાલે ફરી મળીએ... નમસ્કાર (રિસર્ચ - યશપાલ બક્ષી)

Leave a Reply

Related Post