Editor’s View: ઘરનો દાઝેલો ગામ બાળે

Editor’s View: ઘરનો દાઝેલો ગામ બાળે:ટ્રમ્પની મેલી મુરાદ સામે આવી, યુક્રેન મુદ્દે રશિયાની ચાવી ટાઇટ કરી, EUને પણ પડકાર ફેંક્યો, ટ્રેડવોર થાય તો ભારત પર માઠી અસર
Email :

આપણે ત્યાં એક કહેવત છે - ઘરનો દાઝેલો ગામ બાળે. ભારત, ચીન, રશિયા અને યુરોપિયન દેશો બધી રીતે આગળ છે. આ વાત જગત જમાદાર બનીને ફરતા અમેરિકાને ખૂંચી રહી છે. અમેરિકા તો અમેરિકા જ છે, એવું સાબિત કરવા ટ્રમ્પ બેબાકળા બન્યા છે. પોતાનું ઘર સાચવવા હવે ગામ બાળવા નીકળ્યા છે. પહેલા આ બે ઘટના પર નજર કરો. ઘટના-1 : ફેબ્રુઆરી 2025. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર 90 મિનિટ સુધી વાત કરી. આ પછી યુક્રેન યુદ્ધ અંગે સાઉદી અરેબિયામાં રશિયા અને અમેરિકા વચ્ચે હાઇ લેવલ મિટિંગ થઈ. આમાં યુક્રેનને આમંત્રણ નહોતું. આના કારણે યુરોપિયન દેશોનું સંગઠન યુરોપિયન યુનિયન ભડકી ઊઠ્યું છે. ઘટના-2 : ફેબ્રુઆરી 2025. ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન દેશોને ધમકાવ્યા ને ટેરિફ વધારવા ચીમકી આપી. અત્યારસુધી યુરોપિયન દેશો અમેરિકાનું સાંભળી લેતા હતા, પણ આ વખતે બધા એક થઈને અમેરિકાને બાથ ભીડવા તૈયાર થઈ ગયા છે. આનાથી ટ્રમ્પને આંચકો લાગ્યો છે, પણ અમેરિકા અને EU વચ્ચે ટ્રેડવોર થાય તો ગ્લોબલ ઇકોનોમી

હલબલી જાય. નમસ્કાર, ટ્રમ્પની માનસિકતા હવે એવી થઈ ગઈ છે કે 'કર લો દુનિયા મુઠ્ઠી મેં..'. પણ તેમની આ માનસિકતા તેમને જ ભારે પડવાની છે. ટેરિફનો મામલો હોય, મેક્સિકો બોર્ડરનો વિવાદ હોય, ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલવાનું હોય, ભારત સામે લાલ આંખ કરવાની હોય, રશિયા-યુક્રેન યુદ્ધ હોય કે યુરોપને ચીમકી આપવાની હોય. ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે એ સાબિત કરી રહ્યા છે કે અમેરિકા જગતજમાદાર હતું, છે ને રહેશે. પહેલા રશિયા-યુક્રેન વોરની વાત કરીએ.... 12થી 17 ફેબ્રુઆરી વચ્ચે શું થયું? 12 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને ફોન કર્યો કે આપણે જલદી મળીશું. 17 ફેબ્રુઆરીએ યુરોપિયન લીડર્સ મળ્યા. ઇમર્જન્સી સમિટ બોલાવવામાં આવી. 16 ફેબ્રુઆરીએ બે મહત્ત્વની ઘટના બની. પહેલી એ કે અમેરિકાના મિડલ ઈસ્ટના વિશેષ રાજદૂત સ્ટીવ વિટકોફ અને અમેરિકાના NSA માઇક વોલ્સ સાઉદી અરેબિયા જવા રવાના થયા. બીજી એ કે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોની રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લેવરોવ સાથે ફોનમાં વાત થઈ. 17 ફેબ્રુઆરીએ અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાઉદી પહોંચી ગયા. અહીં તેમની મુલાકાત રશિયન અધિકારીઓ સાથે થઈ

હતી, જેમાં રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ પણ હતા. વર્ષો પછી આટલા હાઇ લેવલે રશિયા અને અમેરિકાની મુલાકાત થઈ. ટ્રમ્પની નીતિથી યુરોપિયન યુનિયન ભડક્યું સવાલ એ છે કે આ મિટિંગ તાબડતોબ સાઉદી અરબમાં કેમ મળી? આ સવાલનો એક જ જવાબ છે કે રશિયા-યુક્રેન યુદ્ધને કેવી રીતે રોકવામાં આવે. આમાં બે મહત્ત્વની વાતો સામે આવી. એક તો એ કે આ ઇમર્જન્સી મિટિંગમાં યુક્રેનને સામેલ નહોતું કરાયું અને બીજી વાત એ કે આમાં યુરોપિયન યુનિયન (EU)ના દેશો પણ સામેલ નહોતા. આ વાતની જાણ થતાં જ યુરોપ ભડક્યું અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ઇમર્જન્સીમાં યુરોપિયન દેશોની સમિટ બોલાવી. એ પણ 17 ફેબ્રુઆરીએ યોજાઈ, જેમાં ફ્રાન્સ, બ્રિટન, જર્મની, પોલેન્ડ, ઈટાલી, સ્પેન અને ડેનમાર્કના લીડર્સ સામેલ થયા હતા. આમાંથી એક દેશ બ્રિટન આમ તો હવે યુરોપિયન યુનિયનનો હિસ્સો નથી, પણ તે યુક્રેનને મદદ મોકલતું રહ્યું છે. જ્યારે સાઉદી અરબમાં ઇમર્જન્સી સમિટ મળી ત્યારે જ બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મરે યુક્રેનને ઓફર કરી કે જરૂર પડે તો યુક્રેનની રક્ષા માટે અમે સૈનિકો

મોકલીશું. આ આખા ઘટનાક્રમ પરથી અત્યારે તો લાગી રહ્યું છે કે ટ્રમ્પ યુદ્ધ રોકવાને બદલે ત્રીજું વિશ્વયુદ્ધ કરાવી દેશે. યુરોપિયન યુનિયન શું છે? તે ટ્રમ્પથી કેમ ભડક્યું છે? તે યુરોપના 27 દેશનું સંગઠન છે. આ દેશોની સરકારો હળીમળીને કામ કરે છે. અહીંથી ડિપ્લોમેટિક અને ઇકોનોમિકલી મહત્ત્વના નિર્ણયો લેવાય છે. યુરોપિયન યુનિયન ઈચ્છે છે કે સાઉદીમાં જે ઇમર્જન્સી સમિટ થઈ એમાં યુક્રેનને સામેલ કરવું જોઈએ. અત્યારે યુક્રેનનો 20 ટકા હિસ્સો રશિયાના કબજામાં છે. યુરોપિયન યુનિયન ટ્રમ્પ પર ભડકેલું છે, કારણ કે સાઉદી અરબમાં જે મિટિંગ થઈ એની જાણ યુરોપિયન યુનિયનને કરવામાં નથી આવી. આ પ્રકારના મહત્ત્વના અને સંવેદનશીલ મુદ્દે બે દેશ જ્યારે ત્રીજા દેશમાં મિટિંગ કરે ત્યારે EUને જાણ કરવી જરૂરી છે, પણ આવું થયું નહીં. યુરોપિયન યુનિયને ટ્રમ્પના ઝેલેન્સ્કી વિશેના નિવેદનનો પણ વાંધો લીધો હતો. ટ્રમ્પે યુક્રેન યુદ્ધ માટે કરેલાં 8 મહત્ત્વનાં નિવેદનો બાઇડન યુક્રેનની પડખે હતા, ટ્રમ્પે બાજી પલટી નાખી જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે યુક્રેનને સપોર્ટ કરતા હતા અને રશિયાની નીતિને વખોડતા

હતા. ત્રણ વર્ષ સુધી અમેરિકા યુક્રેનને સપોર્ટ કરતું રહ્યું, પણ હવે ટ્રમ્પના આવ્યા પછી અમેરિકાએ યુક્રેનનો સાથ છોડીને રશિયાનો હાથ પકડ્યો છે. અમેરિકાએ યુક્રેનને તમામ પ્રકારની મદદ કરવાનું બંધ કરી દીધું. અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે યુક્રેન કોઈ રીતે NATOમાં જોડાઈ ન શકે. અમેરિકા હવે યુક્રેન અને યુરોપિયન દેશોની સુરક્ષાને પ્રાયોરિટી નહીં આપે. અમેરિકાના રક્ષામંત્રીનું સ્ટેટમેન્ટ આવ્યું ને એ જ દિવસે ટ્રમ્પે પુતિન સાથે ફોનમાં 90 મિનિટ વાતચીત કરી. વાતચીત કર્યાના છઠ્ઠા દિવસે સાઉદી અરબમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો અને રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ વચ્ચે હાઇ લેવલ મિટિંગ થઈ, જે 4 કલાક ચાલી. આ મિટિંગમાં યુક્રેનને આમંત્રણ નહોતું. ઝેલેન્સ્કી પણ ગાંજ્યા જાય એમ નથી. તેમણે પણ સોય ઝાટકીને કહી દીધું કે કોઈપણ દેશ કે વ્યક્તિ પોતાના નિર્ણય યુક્રેન પર ઠોકી બેસાડવા માગે, એ નહીં ચાલે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ જેને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે બધા માન આપે છે, મને અફસોસ છે કે તેઓ પણ રશિયાએ ઊભી કરેલી આભાસી દુનિયામાં જીવી રહ્યા છે. અમેરિકાએ ચાવી ટાઇટ

કરી ને રશિયાએ 267 ડ્રોનથી યુક્રેન પર હુમલો કર્યો શાંતિની અને યુદ્ધવિરામની ખોખલી વાતો કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને ફોનમાં ચાવી ટાઈટ કરી કે અમેરિકા રશિયાની સાથે છે. યુક્રેનને છોડતા નહીં. પુતિન માંડ માંડ ઢીલા પડ્યા હતા ત્યાં ટ્રમ્પે પાનો ચડાવ્યો ને રશિયાએ 23 ફેબ્રુઆરીના દિવસે 267 ડ્રોનથી કિવ સહિતનાં 13 શહેરો પર હુમલો કર્યો. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું એનાં ત્રણ વર્ષ પૂરાં થવાના આગલા દિવસે જ રશિયાએ હુમલો કરી દીધો. રશિયાએ એકસાથે 267 ડ્રોનથી હુમલો કર્યો હોય એવું પહેલીવાર બન્યું છે. યુક્રેનનાં 13 શહેરમાં 267 ડ્રોન અને 3 બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. રશિયાએ યુક્રેનને ફરી તબાહ કરવાનું શરૂ કરી દીધું છે. ત્રણ વર્ષમાં કોને કેટલું ડિફેન્સ નુકસાન થયું? ટેન્ક નાશ પામી એન્ટી મિસાઇલ સિસ્ટમ અને તોપનું નુકસાન ફાઇટર પ્લેન તૂટ્યાં વોરશિપનું નુકસાન ત્રણ વર્ષમાં યુક્રેનને કોણે કેટલી મદદ કરી? હવે અમેરિકા અને યુરોપિયન દેશોની વાત.... ટ્રમ્પે એક સ્ટેટમેન્ટ આપ્યું એનાથી યુરોપિયન યુનિયન (EU) વધારે ભડકી ઊઠ્યું છે. ટ્રમ્પે કહ્યું કે યુરોપિયન સંઘે અમેરિકાનો

ફાયદો ઉઠાવ્યો છે. હવે સમય આવી ગયો છે કે અમેરિકા બદલો લે, પણ આ વખતે યુરોપ પણ શાંતિથી બેઠું રહે એવું નહીં બને. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને એવું નિવેદન આપ્યું કે એ સાંભળીને ટ્રમ્પને પણ આંચકો લાગ્યો. તમને આટલું વાંચીને એવું લાગતું હોય કે આ તો અમેરિકા અને યુરોપની વાત છે. આપણને ફેર નહીં પડે, તો એ ભ્રમમાં ન રહેતા. અમેરિકા-યુરોપ વચ્ચેના ડખાથી આખી દુનિયાની ઇકોનોમી હલબલી જાય એમ છે. ડોનાલ્ડ ટ્રમ્પે EU (યુરોપિયન યુનિયન)ને ચેતવણી આપી છે કે અમે યુરોપ પર ટેરિફ લગાવીશું અને એનો અમલ બહુ જલદી થશે. ટ્રમ્પના આ નિવેદનથી આખું યુરોપ ટેન્શનમાં આવી ગયું છે. જો ટ્રમ્પ યુરોપિયન દેશો પર તગડો ટેરિફ લગાવે છે તો યુરોપની ઘણી મોટી ઈન્ડસ્ટ્રી બંધ કરવી પડે એવી હાલત થાય એમ છે. અત્યારસુધી યુરોપીય સંઘ અમેરિકાની દરેક વાત ચૂપચાપ સાંભળતું હતું, પણ આ વખતે ટ્રમ્પે જે ભાષામાં વાત કરી એ સાંભળીને યુરોપિયન યુનિયન વધારે ઉશ્કેરાયું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને એવું નિવેદન આપ્યું છે કે જો

અમેરિકા યુરોપ પર પ્રહાર કરશે તો યુરોપ પણ તમામ પ્રકારની જવાબી કાર્યવાહી માટે તૈયાર છે. મેક્રોને યુરોપિયન યુનિયનને કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે યુરોપ પોતાને મજબૂત બનાવે અને અમેરિકા પરની બિઝનેસ ડિપેન્ડન્સીને ખતમ કરે. ઇમેન્યુઅલ મેક્રોને યુરોપિયન દેશોને આત્મનિર્ભર બનાવવા માટે ત્રણ પગલાં લેવાની જાહેરાત કરી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકા અને યુરોપના પોલિટિકલ સંબંધો વણસ્યા છે. અમેરિકાની વિદેશનીતિને કારણે યુરોપને લાગે છે કે હવે યુરોપના દેશોએ પહેલાંની જેમ અમેરિકા પર ભરોસો ન કરવો જોઈએ. બીજી તરફ, અમેરિકા ઈચ્છે છે કે યુરોપિયન દેશો પોતે જે નિર્ણય કરે તેને ટેકો આપે, ખાસ કરીને ચીન અને રશિયાના મુદ્દે. યુરોપની ઘણી મોટી કંપનીઓ, જેમ કે એરબસ, વોલ્વો, અમેરિકાની કંપનીઓને ટક્કર આપી રહી છે. અમેરિકાને લાગી રહ્યું છે કે યુરોપિયન દેશોની સરકારો તેની કંપનીઓને મદદ કરી રહી છે, એના કારણે અમેરિકાની કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને ટેક્નોલોજીક્ષેત્રે અમેરિકા અને યુરોપ વચ્ચે જબરદસ્ત હરીફાઈ જામી છે. અમેરિકાને એ વાતનો ડર છે કે યુરોપની કંપનીઓ

શક્તિશાળી બની જશે. અમેરિકા-યુરોપની માથાકૂટ ભારતને ભારે પડશે અમેરિકા અને યુરોપ વચ્ચે જો ટ્રેડવોર શરૂ થશે તો એની સીધી અસર વિશ્વના ઘણા દેશો પર થશે, એમાંથી ભારત પણ બાકાત નહીં રહે. ભારતમાં ટેક્નોલોજી, ઓટોમોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં સીધી અસર પડવાની સંભાવના છે. આઇફોન, મેકબુક, પ્લે સ્ટેશન, BMW, ઔડી, મર્સિડીસ જેવી કારના ભાવ આસમાને આંબી શકે છે. અમેરિકા-યુરોપ વચ્ચે ટ્રેડવોર થાય તો ભારત પર શું અસર પડે? છેલ્લે, બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મરે એવું કહ્યું છે કે જે દેશ રશિયા સાથે સંબંધ રાખશે તેને બ્રિટનમાં એન્ટ્રી નહિ. એનો સીધો ઈશારો અમેરિકા તરફ છે. યુરોપિયન યુનિયને પણ આક્રમક બનીને અમેરિકાનું નાક દબાવ્યું છે. હવે આવતા સપ્તાહે ફ્રાન્સના વડાપ્રધાન મેક્રોન અને બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મર વાત વણસે નહીં એનો રસ્તો શોધવા ટ્રમ્પ સાથે અમેરિકામાં મિટિંગ કરવાના છે. ટ્રમ્પ જે મૂડમાં છે એ જોતાં એટલું અનુમાન ચોક્કસ લગાવી શકાય કે ટ્રમ્પની બાબતમાં પાંચમની છઠ્ઠ ક્યારેય થઈ નથી. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )

Related Post