ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા વૃદ્ધા રડી પડ્યા: સુરતના પુણાની અક્ષરધામ સોસાયટીમાં જળબંબાકાર, લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી

ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા વૃદ્ધા રડી પડ્યા:સુરતના પુણાની અક્ષરધામ સોસાયટીમાં જળબંબાકાર, લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી
Email :

સુરતમાં ચોમાસાની શરૂઆત થતા જ પાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ ધ્વસ્ત થયા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના પુણાગામ વિસ્તારની અક્ષરધામ સોસાયટીમાં સામાન્ય વરસાદમાં પણ બે થી અઢી ફૂટ સુધી વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા ઘરવખરીને મોટાપાયે નુકસાન થયું છે, જેને લઈને એક વૃદ્ધા રડતી આંખે સરકારને મદદની અપીલ કરતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. અક્ષરધામ સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી પાણી ભરાવાની સમસ્યા મળતી માહિતી અનુસાર, અક્ષરધામ સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા વિકટ બની છે. દર વર્ષે ચોમાસા પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા આ સોસાયટીમાં પાણી નહીં ભરાય તેવા આશ્વાસનો

આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઇક જુદી જ છે. આ વર્ષે પણ વરસાદ શરૂ થતાની સાથે જ સોસાયટી જળમગ્ન બની ગઈ હતી. લોકોની કિંમતી ઘરવખરી પલળી ગઈ પાણી ભરાવાના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના પરિણામે ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, કપડાં અને અન્ય ઘરવખરીને ભારે નુકસાન થયું છે. આ નુકસાનના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખાસ કરીને, ઘરોમાં પાણી ભરાતા એક વૃદ્ધા પોતાના ઘરવખરીને થયેલા નુકસાનને જોઈને રડી પડ્યા હતા. તેમણે રડતી આંખે સરકારને અપીલ કરતા જણાવ્યું હતું કે, "અમારી નુકસાનીનું કંઈક કરો. દર વર્ષે આ જ હાલત થાય છે અને પાલિકા માત્ર આશ્વાસનો જ આપે છે." પાલિકાએ

પ્રિમોન્સૂન કામગીરી કાગળ પર કરી હોવાનો આક્ષેપ અક્ષરધામ સોસાયટીના રહીશોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે પાલિકા ફક્ત કાગળ પર કામગીરી કરે છે, પરંતુ જમીની સ્તરે પરિસ્થિતિ સુધારવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અક્ષરધામ સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયું હતું. પાણીનું સ્તર એટલું વધી ગયું હતું કે લોકોએ પોતાનો કીમતી ઘરવખરીનો સામાન બચાવવા માટે ચારથી પાંચ

ઈંટો મૂકી તેના પર સામાન ગોઠવવાની ફરજ પડી હતી. કેટલાક ઘરોમાં તો પરિસ્થિતિ એટલી વિકટ બની હતી કે વરસાદી પાણીમાં અનાજ પણ પલળી ગયું હતું, જેના કારણે ભોજન બનાવવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી ભરાવાને કારણે લોકોને રોજિંદા કાર્યોમાં પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને ભોજન બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે રસોડામાં પણ પાણી ભરાઈ ગયું છે અને અનાજ સહિતની ખાદ્ય સામગ્રી પલળી ગઈ છે. ઘરોમાં પાણી ઘૂસતા સ્થાનિકોના ધરણા, વિપક્ષ નેતા પાયલ સાકરીયા પણ જોડાયા સુરતમાં ચોમાસાની શરૂઆત થતા જ મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.

શહેરના પુણા વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા પરિસ્થિતિ ગંભીર બની છે. આના વિરોધમાં સ્થાનિકોએ વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાની હેઠળ ધરણા શરૂ કર્યા છે. જ્યાં સુધી પાણીનો યોગ્ય નિકાલ નહીં થાય ત્યાં સુધી આ ધરણા ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પુણા વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક ઘરોમાં ત્રણ-ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, સવારથી તેમના ઘરોમાં પાણી ભરાયેલા હોવાથી બાળકો ભૂખ્યા છે અને જમવાનું પણ બની શક્યું નથી. આ પરિસ્થિતિમાં લોકો ભારે રોષે ભરાયા છે અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ

પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આશ્ચર્યજનક રીતે, પાણી ભરાયાના કલાકો વીતી ગયા હોવા છતાં, મહાનગરપાલિકાના એક પણ અધિકારી હજુ સુધી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા સ્થળ પર પહોંચ્યા નથી. વિપક્ષ નેતા પાયલ સાકરીયા અને સ્થાનિક લોકો દ્વારા શરૂ કરાયેલા આ ધરણામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. તેમની માંગ છે કે તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે યોગ્ય પગલાં ભરવામાં આવે. જો મહાનગરપાલિકા દ્વારા તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.આ ઘટનાએ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની ચોમાસા પૂર્વેની તૈયારીઓ પર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.

Leave a Reply

Related Post