‘રાહુલ એપાર્ટમેન્ટ’ ગેંગના લીડરના મકાન પર બુલડોઝર ફર્યું: પોલીસના કડક બંદોબસ્ત સાથે 3 મકાન તોડી પડાયાં; આવાસના મકાનની અંદર પણ આરોપીનું ગેરકાયદે બાંધકામ

‘રાહુલ એપાર્ટમેન્ટ’ ગેંગના લીડરના મકાન પર બુલડોઝર ફર્યું:પોલીસના કડક બંદોબસ્ત સાથે 3 મકાન તોડી પડાયાં; આવાસના મકાનની અંદર પણ આરોપીનું ગેરકાયદે બાંધકામ
Email :

સુરતના ઉધના વિસ્તારમાં ‘રાહુલ એપાર્ટમેન્ટ’ નામથી ગેંગ ચલાવનાર રાહુલ પીંપડે પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું છે. ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આજે (18 માર્ચ, 2025) આરોપી રાહુલનાં ત્રણ મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદે બનાવેલાં મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે. આરોપીએ આવાસના મકાનમાં પણ ગેરકાયદે બાંધકામ કર્યું હતું, જેને પણ તોડી પાડવામાં આવ્યું છે. ઉધના વિસ્તારમાં રાહુલ પીંપડે દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ મકાન બાંધવામાં આવ્યાં હતાં, જેનો ઉપયોગ તે અવૈધ પ્રવૃત્તિઓ માટે કરતો હતો. પોલીસે તપાસમાં જાણ્યું કે, આ ત્રણ મકાન રાહુલની ગેંગ માટે કેન્દ્રિય હેડક્વાર્ટર તરીકે કામ કરતાં હતાં, જ્યાંથી તે અવૈધ ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો. કાયદાની લાલઆંખ પડતા હવે આ ગેંગના પાયા હચમચી ગયા છે. આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો ડોન છે, જેની સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી છે. આરોપી રાહુલ સામે ગુજસીટોક, મારામારી, હત્યા જેવા 22 ગુના નોંધાયેલ છે. આરોપી રાહુલની પત્ની કાજલ ઉશ્કેરાઈ ગઈ પોલીસની કાર્યવાહી સામે ‘રાહુલ એપાર્ટમેન્ટ’ ગેંગના ડોન રાહુલ

પીંપડેની પત્ની કાજલ ભારે નારાજ થઈ ગઈ હતી. પતિ દ્વારા કરાયેલા ગુનાહિત કૃત્યો સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે તેણે જણાવ્યું હતું કે, રાહુલ સાત વર્ષથી જેલમાં છે અને અત્યારે જ બહાર આવ્યો છે. જો તેની પાસે ગેંગ ચલાવીને પૈસા હોત તો તે અહીં સરકારી આવાસમાં શા માટે રહે? છેલ્લા ત્રણ દિવસથી પોલીસ હેરાન કરે છે, આવીને સામાન બહાર મૂકી દે છે. મેં લવ મેરેજ કર્યા છે અને હવે મારા માતાના ઘરે પણ જઈ શકતી નથી. ‘બહાર જશે અને કોઈક મગજમાં નાખે એટલે મર્ડર થાય’ તેણે વધુમાં જણાવ્યું હતું કે, હમણા રાહુલ ગામમાં ગયો છે, ત્યાં લગ્ન છે, તેથી બાળકો સાથે ગયો છે. મારી તબિયત સારી નહોતી, એટલે હું ગઈ નહીં. ઘરની અંદર પોલીસ આવે છે, સામાન અને ગાદી બધું જ ફેંકી દે છે, ચેકિંગ કરે છે. રાહુલ ઉપર ગુનો કરો, જો ખોટું કરે તો તેને લઈ જાઓ. અમને શાંતિથી રહેવા દો. બે મહિના પહેલા જ તે જેલમાંથી આવ્યો છે અને અત્યારે કંઈ કરતો નથી, ઘરે બેસી રહે છે. જો બહાર જશે અને

કોઈ મગજમાં કશું નાખશે, તો પછી મર્ડર થશે! પહેલાં પણ કોઈએ મગજમાં નાખ્યું અને પછી સૂર્યા મર્ડર થયું હતું. હું જે કહું છું તે ચોખ્ખું કહું. આ લોકો અમને શાંતિથી રહેવા દેતા નથી. પોતાના મકાનની અંદર પણ ગેરકાયદે બાંધકામ સરકારી આવાસની બહાર રાહુલ દ્વારા ત્રણ ગેરકાયદેસર મકાન બાંધવામાં આવ્યા હતા, જેને સુરત ઉધના પોલીસ અને મનપાના કર્મચારીઓએ તોડી પાડ્યા છે. એટલું જ નહીં, રાહુલ સરકારી આવાસમાં રહે છે, જ્યાં તેણે ઘરની અંદર પણ ત્રણ ફૂટનું ગેરકાયદેસર બાંધકામ કરી દીધું હતું. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ ઉધના પોલીસની મદદથી આ બાંધકામ પર પણ હથોડો ઝીંક્યો હતો. ‘રાહુલ એપાર્ટમેન્ટ’ નામે પ્રખ્યાત સરકારી આવાસ સુરતના સરકારી આવાસની ઓળખ હવે “રાહુલ એપાર્ટમેન્ટ” તરીકે થઈ ગઈ છે. રાહુલ પીંપડેની ગેંગની કુખ્યાત પ્રવૃત્તિઓને કારણે આ વિસ્તાર ‘રાહુલ એપાર્ટમેન્ટ’ ગેંગનું ગઢ ગણાય છે. આ સરકારી આવાસના ગ્રાઉન્ડ ફ્લોર પર રાહુલનું મકાન પણ છે, જ્યાંથી તે અપ્રાધિક પ્રવૃત્તિઓ ચલાવતો હતો. છેલ્લા 15 વર્ષથી રાહુલ ગેંગ ચલાવી રહ્યો છે રાહુલ પીંપડે છેલ્લા 15 વર્ષથી ‘રાહુલ એપાર્ટમેન્ટ’ ગોંગ ચલાવી રહ્યો છે. આ ગેરકાયદેસર ધંધા દ્વારા

તે અનેક લોકોને ઉછીના પૈસા આપતો હતો અને પછી ઉઘરાણી માટે ગુંડાગીરી કરતો હતો. તે વિરુદ્ધ ગુજસીટોક સહિત 22 જેટલા ગંભીર ગુના સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. રાજ્ય ડીજીપી દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ સુરતમાં ક્રિમિનલોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં હાલ 9 ગેંગો સક્રિય છે અને ‘રાહુલ એપાર્ટમેન્ટ’ ગેંગ પણ તેમાં સામેલ છે. નોંધનીય છે કે, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ આદેશ મળતાની સાથે જ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરત પોલીસ દ્વારા પણ શહેરના ચારેય ઝોનમાં અસામાજિક તત્ત્વોની વિગતવાર યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચે 1300 ગુનેગારોની યાદી તૈયાર કરી છે, જેમાં 300 હાર્ડકોર ક્રિમિનલ્સ સામેલ છે. 17 માર્ચની સાંજે 22 ગુનેગારને પોલીસ સ્ટેશન બોલાવી તમામને કાન પકડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પોલીસે પણ ગેંગોનાં નામ સાથે 1300 ગુનેગારોનું લિસ્ટ બનાવ્યું છે. જ્યારે વડોદરામાં ત્રણ ગેંગ એક્ટિવ હોવાનું સામે આવ્યું છે. 22 અસામાજિક તત્ત્વોને

પોલીસ સ્ટેશન બોલાવાયાં સુરત ક્રાઈમ બ્રાન્ચે વિશેષ તપાસ દરમિયાન 1300 જેટલા ગુનેગારોને યાદી બનાવી છે. તેમાં 300 ગંભીર ગુનાઓમાં સામેલ છે, જ્યારે બાકીના બોડી ઑફેન્સ (શારીરિક હુમલા), પ્રોપર્ટી ઑફેન્સ (ચોરી, દબાણ, જમીન કબજો) અને ઓર્ગેનાઈઝ ક્રાઈમ (ટોળકી આધારિત ગુનાઓ) સાથે સંકળાયેલા છે. પોલીસના આ લિસ્ટમાં 20થી 25 ગુજસીટોક (ગુજરાત એન્ટિ-સોશિયલ એક્ટ) હેઠળ નોંધાયેલા ગુનેગારો પણ સામેલ છે. 100 કલાકના આ અભિયાન હેઠળ 22 શખ્સને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોલીસ સ્ટેશન પર બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને ‘કાન પકડીને’ બેસી જવાની ફરજ પાડી હતી. પોલીસ દ્વારા આ શખ્સોની વારંવાર પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીનું નિવેદન સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે, ડીજીપી વિકાસ સહાય દ્વારા ગુજરાતભરની પોલીસને 100 કલાકની અંદર ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. આ ટાર્ગેટમાં અસામાજિક તત્ત્વો, બોડી ઑફેન્સ, ઓર્ગેનાઈઝ ક્રાઈમ અને પ્રોપર્ટી ઑફેન્સમાં સંડોવાયેલા ગુનેગારોની યાદી તૈયાર કરવા અને તાત્કાલિક પગલાં ભરવા જણાવવામાં આવ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આ ટાર્ગેટ મુજબ વિશેષ તપાસ

શરૂ કરી છે, જેમાં 1300 ગુનેગારોને ઓળખી લેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 15 માર્ચે સુરત પોલીસે બે કલાકમાં 100થી વધુ શંકાસ્પદ અને ગુનેગારોને તપાસ્યા સુરત શહેર પોલીસે 15 માર્ચે અમરોલી-કોસાડ વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન 15 માર્ચ 2025ના રોજ સાંજે 7:00થી રાત્રે 9:00 વાગ્યા સુધી ચાલ્યું હતું. શહેરના સૌથી સંવેદનશીલ વિસ્તાર અમરોલી-કોસાડ વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અમરોલી-કોસાડ વિસ્તારમાં કરાયેલા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન કુલ 100થી વધુ શંકાસ્પદ તત્ત્વો અને ગુનેગારોની તપાસ કરવામાં આવી હતી. GP Act કલમ 135 હેઠળ 7 અને કલમ 142 હેઠળ 2 લોકો સામે કાર્યવાહી, પ્રોહિબિશન હેઠળ 4 કેસ, BNSS કલમ 126 અને 170 મુજબ 28 શખ્સોની તપાસ, 40 MCR ચેક, 4 હિસ્ટ્રીશીટર ગુનેગારોની ચકાસણી, 7 નાસતા ફરતા આરોપીઓની તપાસ, 8 લિસ્ટેડ બૂટલેગરો અને 2 જુગારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ પોલીસે તૈયાર કરી 1300થી વધુ ગુનેગારોની યાદી અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં 13 માર્ચ, 2025 એટલે કે હોળીની રાત્રે અસામાજિક તત્ત્વોએ નિર્દોષોને ફટકાર્યા અને વાહનોના

કાચ તોડ્યા હતા. આ ઘટનાને પગલે રાજ્યના DGP વિકાસ સહાયે 15 માર્ચ, 2025ના રોજ તમામ જિલ્લા અને શહેરના પોલીસ વડા સાથે વીડિયો-કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. જેમાં રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકને 100 કલાકમાં રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતાં અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી હતી. આ બેઠક બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે સૂચના આપતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 16 માર્ચ, 2025ના રોજ અમદાવાદ શહેરની અલગ-અલગ ગેંગની તથા કુખ્યાત ગુનેગારોની યાદી બનાવી હતી, જેમાં 25થી વધુ ગેંગનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ યાદી રાજ્યના પોલીસ વડાની કચેરીએ પહોંચાડવામાં આવશે. ત્યારબાદ ત્યાંથી મળતા આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હવે ગુનેગારોને ખૂણે ખૂણેથી શોધીને કડક કાર્યવાહી કરવા અમદાવાદ પોલીસ કમિશનરે સૂચના આપી છે. તેમજ 1300 જેટલા ગુનેગારોની યાદી પણ તૈયાર કરી લીધી છે. આગામી સમયમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર ગુનેગારોને તમામ બાબતો જાણીને તેની યાદી રાજ્યના પોલીસ વડાને મોકલવા માટેની તૈયારી કરવામાં આવી છે. લતિફના સમયના ટપોરીઓ એક્ટિવ છે કે નહીં તેની

તપાસ અમદાવાદ શહેરમાં જ્યારે લતિફનું સામ્રાજ્ય હતું તે સમયે સામાન્ય ટપોરીમાંથી ગુનેગાર બનેલા અસામાજિક તત્ત્વો શહેરની શાંતિને નુકસાન કરવા માટે સક્રિય છે કે નહીં તેની વિગત મેળવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આખા ગુજરાતના ક્રાઈમ સાથે સંડોવાયાલી ગેંગોની યાદી પહેલેથી પોલીસ પાસે હતી. પરંતુ હવે તેઓ એક્ટિવ છે અથવા તેમની સાથે કયા લોકો કનેક્ટ છે? હાલ કયા વ્યવસાય સાથે જોડાયેલા છે? અથવા બીજા ગુનેગારો આ ગેંગમાં જોડાયા છે કે નહીં તેની વિગત એકત્ર કરવામાં આવી રહી છે. 17 માર્ચની સવારે શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કચેરી પહોંચ્યા હતા. જ્યાં ડીસીપી અજીત રાજીયાણ, જોઈન્ટ કમિશનર શરદ સિંઘલ હાજર હતા. તેમની સાથે કરેલી મિટિંગમાં અમદાવાદ શહેરની ગેંગ અને તેમને દાબી દેવાની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મોટાભાગે ઝોન પાંચ વિસ્તારમાં આવી નાની-મોટી એક્ટિવ ગેંગ અગાઉ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે લતીફ સમયના ગુનેગારો હવે બિલ્ડરો બની ગયા છે અને તેમની સાથેના ટપોરીઓ હજી ક્યાંક અને ક્યાંક સક્રિય હોય તેવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને વિગતો મળી છે.

વડોદરામાં ગુનેગારો સામે કડક કાર્યવાહી વડોદરા શહેરમાં પણ ગુનેગારોની યાદી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું કે, રાજ્યમાં જુદા જુદા વિસ્તારમાં બનેલી કેટલીક ક્રાઇમની ઘટનાઓને લઇને સમગ્ર રાજ્યમાં એક એક્સસાઇઝ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વડોદરા શહેરમાં પણ પ્રોપર્ટીને લગતા ગુના, શરીર સંબંધી ગુનાઓમાં જે લોકો સંડોવાલેયા હોય છે અને જે લાંબા સમયથી ક્રિમિનલ એક્ટિવિટીના માધ્યમથી ગેરકાયદેસર મિલકત વસાવી હોય છે. સરકારી અને ખાનગી જમીનો ઉપર દબાણ કરીને બેઠા હોય છે, ગુનાઇત પ્રવૃત્તિ ચલાવતા હોય છે, આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટેની સૂચના છે, તે મુજબ વડોદરા શહેરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરામાં જાણીતા રિપીટ ગુનેગારો છે, પ્રોપર્ટીને લગતા ગુના, શરીર સંબંધી ગુનાઓ અને સાયબર ગુનાઓ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. સાથે સાથે ક્રિમિનલ ઇન્ટેલિજન્સના માધ્યમથી એમના હાલની એક્ટિવિટી અને જંગમ અને સ્થાવર મિલકતોની પણ વિસ્તૃત તપાસ કરવા કરવામાં આવી રહી છે અને એક ટાર્ગેટ લિસ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા પણ શહેરમાં ચાલી રહી છે.

Leave a Reply

Related Post