ન્યુ ગુજરાત ઇન્વેસ્ટિગેશન: પાંજરાપોળની 320 એકર ખાલસાપાત્ર જમીનમાંથી પૂર્વ સાંસદના પરિવારે 253 એકર ગેરકાયદે ખરીદી

ન્યુ ગુજરાત ઇન્વેસ્ટિગેશન:પાંજરાપોળની 320 એકર ખાલસાપાત્ર જમીનમાંથી પૂર્વ સાંસદના પરિવારે 253 એકર ગેરકાયદે ખરીદી
Email :

પ્રતિપાલસિંહ ગોહિલ, ઈમરાન હોથી પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ ગીર સોમનાથના કલેક્ટર ડી.ડી. જાડેજા સામે શરૂ કરેલા વિવાદ પાછળનું સત્ય શું છે તેની આધાર પુરાવા સાથેની સત્ય વિગતો ‘ન્યુ ગુજરાત’ શોધી લાવ્યું છે. કોડીનાર પાસે આવેલા અરીઠિયા અને નગડલા ગામની દીવ-ઉના-દેલવાડા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટની કુલ 320 એકરમાંથી 254 એકર જમીન કે જેની હાલના બજારભાવ મુજબ કિંમત 125 કરોડ રૂપિયા થાય છે તે જમીન સોલંકી પરિવારના સભ્યોએ પાંજરાપોળ પાસેથી 2005માં ખોટી રીતે ખરીદી લીધી હતી. કુલ 320 એકર જમીનને ટોચ મર્યાદાના કાયદામાંથી મુક્તિ આપવા મૂળ ટ્રસ્ટીઓએ કરેલી અરજી બાદ છેલ્લા

48 વર્ષથી કેસ ચાલતો હતો પરંતુ ગત તારીખ 4-1-2025ના રોજ ઉના નાયબ કલેક્ટર સી.પી. હિરવાણિયાએ 320માંથી 41 એકર જ જમીન મળવાપાત્ર છે અને બાકીની 266 એકર જમીન ટોચ મર્યાદામાં આવતી હોવાનો હુકમ કર્યો છે. એટલું જરૂરથી સ્પષ્ટ થાય છે કે, દિનુ બોઘા સોલંકીના પરિવારે પાંજરાપોળ ટ્રસ્ટની 254 એકર જમીન સ્ટે હોવા છતાં દસ્તાવેજ બનાવીને ખરીદી હતી તે કાર્યવાહી સંપૂર્ણપણે રેવન્યૂ એક્ટની વિરૂધ્ધમાં હતી. ત્યારે હવે ઉપરોક્ત મામલે આગામી દિવસોમાં કેટલા વળાંક આવે છે તે જોવુ રહ્યું. દીવ-ઉના-દેલવાડા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ પાસે 1976માં 320 એકર જમીન હતી. જો કે 1960નો

ટોચ મર્યાદાનો કાયદો અમલમાં આવતા નિયમ મુજબ પાંજરાપોળ ટ્રસ્ટને માત્ર 45 એકર જમીન મળવાપાત્ર હતી. જો કે ખાસ કિસ્સામાં ગુજરાત સરકાર કેટલાક ટ્રસ્ટને 51 એકરથી વધુ જમીન રાખી શકે તેવી મંજૂરી આપે છે અને આથી જ ઉપરોક્ત ટ્રસ્ટે 26-08-1976માં કલેક્ટરને અરજી કરીને ટોચ મર્યાદાના કાયદામાંથી મુક્તિ આપવા જણાવ્યુ હતું. આ કેસમાં નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓએ અગાઉ બે વખત ચુકાદો આપીને પાંજરાપોળ ટ્રસ્ટને વધારાની જમીન મળે નહીં તેવો રિપોર્ટ આપી દીધો હતો પરંતુ નાયબ સચિવ મહેસૂલ વિભાગે આ કેસને બે વખત રિમાન્ડ કરીને અરજદારોને સાંભળવા માટે હુકમ કર્યો હતો. આ બધી

પ્રક્રિયા 48 વર્ષ સુધી ચાલી હતી. દરમિયાન ગીર સોમનાથ કલેક્ટર તરીકે દિગ્વિજયસિંહ જાડેજાની નિમણૂક થઈ હતી. તેઓના ધ્યાન પર આ કેસ આવતા નાયબ કલેક્ટર સી.પી. હિરવાણિયાને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે સી.પી. હિરવાણિયાએ 1976થી શરૂ કરી 4-1-2025 સુધીમાં શું શું થયું, કોણે શું હુકમ કર્યો, કોણે શું નોટિંગ કર્યું તે સહિતની વિગતો સાથેનો હુકમ કર્યો અને તેમાં જણાવ્યું હતું કે પાંજરાપોળ ટ્રસ્ટને માત્ર 45 એકર જમીન જ મળવાપાત્ર છે. અત્રે એ નોંધવું એટલા માટે જરૂરી છે કે નાયબ કલેક્ટર અને નાયબ સચિવકક્ષાએ ઉપરોક્ત કેસ ચાલુ હતો

એ સમય દરમિયાન જ ચેરિટી કમિશનરની મંજૂરી લઈને દિનુ બોઘા સોલંકી અને તેના પરિવારના 13 સભ્યોએ 8 ઓગસ્ટ 2005માં 16 સરવે નંબરની 254 એકર જમીન રૂ. 86,96,980માં ખરીદી લીધી હતી. હુકમમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે, આ કેસ ચાલુ હતો અને સ્ટે હતો છતાં ટ્રસ્ટે દસ્તાવેજ કરી નાખ્યા એટલે કે ટ્રસ્ટીઓએ ખોટી રીતે પાણીના ભાવે જમીન વેચી મારી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, હાલ દિનુ બોઘા અને તેના પરિવારજનો પાસે જે 254 એકર જમીન છે તેની બજાર કિંમત ઓછામાં ઓછી 125 કરોડ રૂપિયા થાય છે. ટ્રસ્ટની જમીન ટોચ

મર્યાદામાં આવી ત્યારથી અત્યાર સુધીની 48 વર્ષની તવારીખ 26-08-1976 : ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમમાંથી મુક્તિ માટે ટ્રસ્ટે કલેક્ટરને અરજી કરી 12-04-1982 : ના.કલેક્ટરે અરજી નામંજૂર કરતાં ટ્રસ્ટની અપીલ 29-06-2005 : ચેરિટી કમિશનરે ટ્રસ્ટની જમીન વેચવા મંજૂરી આપી 08-08-2005 : દિનુ બોઘા સોલંકીના પરિવારે 254 એકર જમીનના દસ્તાવેજ મેળવ્યાં 20-10-2009 : અપીલ અન્વયે કેસ રિમાન્ડ કરવા હુકમ કરાયો. 31-01-2011 : નાયબ કલેક્ટરે ફરી અરજી નામંજૂર કરી, નોંધ્યું કે સ્ટે હોવા છતાં જમીન વેચી 26-12-2024 : સમિતિએ 33 વખત સુનાવણી કરી, 41 એકર જમીન આપવાનો અભિપ્રાય 04-01-2025 : ટોચ મર્યાદામાથી મુક્તિની અરજી નામંજૂર કરાઈ, બાકીની જમીન ખાલસાની પ્રક્રિયા શરૂ

Related Post