ગુજરાતમાં 1 તોલા સોનાનો ભાવ 1 લાખ રૂપિયા: ટ્રમ્પના ટેરિફની અસર, વાંચો તમારા શહેરમાં સોનાનો ભાવ, ક્યાં જઈને અટકશે આ સોનું, શું કહે છે એક્સપર્ટ્સ

ગુજરાતમાં 1 તોલા સોનાનો ભાવ 1 લાખ રૂપિયા:ટ્રમ્પના ટેરિફની અસર, વાંચો તમારા શહેરમાં સોનાનો ભાવ, ક્યાં જઈને અટકશે આ સોનું, શું કહે છે એક્સપર્ટ્સ
Email :

લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ દિવસોમાં સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ, ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે. જાણો તમારા શહેરમાં સોનાનો ભાવ દેશમાં સૌથી પહેલા ગુજરાતમાં 1 તોલા સોનાનો ભાવ 1 લાખ રૂપિયા પહોંચ્યો સોનામાં તેજીનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે. દેશમાં સોનું એક લાખની સપાટી નજીક પહોંચ્યું છે. અમદાવાદ સહિતના ગુજરાતના માર્કેટમાં 1 તોલા સોનાનો ભાવ એક લાખને પાર કરી ગયો છે. સોમવારે ખૂલતા બજારમાં જ વૈશ્વિક સ્તરે સોનામાં તેજીના તોફાન વચ્ચે 3430 ડોલરની રેકોર્ડ સપાટીને સ્પર્શ્યું હતું, જે 100 ડોલરથી વધુનો ઉછાળો દર્શાવતો હતો. વૈશ્વિક મજબૂતાઈ પાછળ અમદાવાદ ખાતે રૂ.1000 વધી રૂ.99500ની નવી ઊંચાઇએ બોલાતું હતું, પરંતુ બંધ બજારમાં સોનાનો ભાવ એક લાખની સપાટીને કુદાવી ચૂક્યો છે. GST ઉમેર્યા પછી સોનાનો ભાવ 1,00,116 રૂપિયા પર પહોંચી ગયો ભારતમાં સોનાના ભાવમાં 3 ટકા GST ઉમેર્યા પછી દર 10 ગ્રામદીઠ 1,00,116 રૂપિયા પર પહોંચી ગયો છે. એ જ સમયે ફ્યુચર્સ માર્કેટમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું ₹98,991 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે 1.76% વધારો દર્શાવે છે, જ્યારે ચાંદી 0.62% વધીને ₹95,840 પ્રતિ

કિલો થઈ ગઈ છે. જીએસટી સહિત ચાંદીનો ભાવ 98,715 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો. સત્તાવાર વેબસાઇટના ડેટા મુજબ, 22 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યે MCX પર સોનાનો ભાવ ₹97,352 પ્રતિ 10 ગ્રામ હતો, જે ₹73/10 ગ્રામના વધારા સાથે ઓલ ટાઈમ હાઈ છે. એ જ સમયે MCX પર ચાંદીના ભાવ પણ ₹238/કિલો વધીને ₹97,275/કિલો થયા. વધુમાં 22 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યાના ઇન્ડિયન બુલિયન એસોસિયેશન (IBA)ના ડેટા મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ ₹97,560/10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની કિંમત ₹89,430/10 ગ્રામ છે. એ જ સમયે IBA વેબસાઇટ અનુસાર, 22 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યે ચાંદીનો ભાવ ₹95,720/કિલો (ચાંદી 999 ફાઇન) હતો. ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જવેલરી ટ્રેડ કાઉન્સિલના પૂર્વ પ્રમુખ હરેશભાઇ ચમનભાઈ સોનીએ ન્યુ ગુજરાત સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે સોનામાં ભાવ વધી રહ્યા છે, જેનું મુખ્ય કારણ ઇન્ટરનેશનલ માર્કેટ છે. ઓવર ઓલ ઇન્ટરનેશનલ ક્રાઇસિસને કારણે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અત્યારસુધી ટેરિફના કારણે સોનાના ભાવમાં વધારો થતો હતો, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી છે જે ભાવ વધી રહ્યા છે એની પાછળ અમેરિકા જવાબદાર છે. ટ્રમ્પ દ્વારા ત્રણ દિવસ પહેલાં ઇન્ટ્રેસ રેટ ઘટાડવા જાહેરાત કરી એના

કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે. હંમેશાં ઇન્ટ્રેસ રેટ ઘટે ત્યારે સોનાના ભાવમાં વધારો જરૂર આવે છે. મૂળ કારણ અમેરિકા જ છે સોનાના ભાવવધારા પાછળનું કારણ હાલમાં કોઈ જિયો પોલિટિકલ મૂવમેન્ટ નથી, હેલ્થ ક્રાઇસિસ નથી, બધું જ હાલમાં સ્ટેબલ છે. આમ છતાં ભાવ વધવાનું કારણ માત્ર ને માત્ર અમેરિકાનું પોલિટિક્સ છે. ટેક્નિકલ રીતે જોઈએ તો ગોલ્ડ ઓલ ટાઈમ હાઇ છે, તમામ લોકો બાયિંગ મોડમાં છે. જો કોઈ પ્રોફિટ બુક કરે તો ભાવ ઘટી શકે, પરંતુ હાલમાં ભાવ ઘટવાની કોઈ સ્થિતિ જોઈ શકાય એમ નથી. GST સાથે આજનો ભાવ 1.02 લાખ છે. સોના પર 3% GST લગાડવામાં આવ્યો છે, જે હવે લોકો પણ એક્સેપ્ટ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં સોનાના ભાવવધારા પાછળ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ચીને પણ સામે કાઉન્ટર કર્યું છે. યુએસ બોન્ડ રિલીઝ કર્યાં અને સોનાની ખરીદી કરી છે. દરેક દેશમાં મોટા ભાગે ડોલર સિવાય અન્ય કરન્સીમાં ટ્રાન્ઝેક્શન શરૂ કરી દીધા છે એવું પણ ચર્ચાઈ રહ્યું છે. ગોલ્ડ જ્વેલરીના એક્સપર્ટ અને જ્વેલર્સ દીપક ચોક્સીએ જણાવ્યું હતું કે જ્યારે ખૂબ જ મોટી અનિશ્ચિતતાનો માહોલ ઊભો થાય છે, દાખલા તરીકે કોરોનાકાળ હતો ત્યારે પણ સોનાના ભાવમાં

ભારે ઉછાળો જોવા મળ્યો હતો. હાલ જે ટ્રેડવોર ચાલી રહી છે. એના હિસાબે જે ટેરિફ ટ્રમ્પ સરકાર દ્વારા લગાડવામાં આવી રહ્યા છે એના અનુસંધાનમાં હાલ સોનાનો ભાવ વધી રહ્યો છે. દરેક દેશે પોતાની પાસે સોનાનું રિઝર્વ રાખ્યું છે. અમેરિકા હાઈએસ્ટ રિઝર્વ ધરાવે છે. તો એનું જે વેલ્યુએશન છે એ ઉપર જઈ રહ્યું છે. લોકો માટે જે ફરધર ઇન્વેસ્ટમેન્ટ છે, એનું વેલ્યુએશનવાઇસ મહત્ત્વ વધી રહ્યું છે, જેના કારણે સોનાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે, સાથે ડોમેસ્ટિક ડિમાન્ડ પણ ખૂબ જ ઊભરી છે. આઉટ ઓફ કન્ટ્રીથી લોકો ખરીદી કરી રહ્યા છે. બેંક પણ ખરીદી કરી રહી છે. 1800 ડોલરથી સોનાનો ભાવ સ્થિર થઈ ગયો હતો ત્યારે આશંકા હતી કે સોનાના ભાવમાં ખૂબ જ તેજી આવશે, સાથે તેમણે જણાવ્યું હતું કે સોનાના ભાવમાં ટૂંક સમયમાં કરેક્શનની સ્થિતિ આવી શકે છે. હાલ જે સોનાનો ભાવ 3400 ડોલર છે, એ વધીને 3600 ડોલર સુધી પહોંચવાની સંભાવનાઓ છે. હાલ 10 ગ્રામ સોનાનો ભાવ 102000 રૂપિયા છે. રિયલ ગોલ્ડ ભાવ 99000 રૂપિયા છે, જ્યારે ત્રણ ટકા જીએસટી સાથે 102000 રૂપિયા આજનો ભાવ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું રેકોર્ડ ઊંચાઈ પર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પહેલીવાર $3,400 પ્રતિ

ઔંસનો સ્તર પાર કરી ગયો છે. સ્પોટ ગોલ્ડ 1.4% વધીને $3,472.49 પ્રતિ ઔંસ થયું, જે સત્રની શરૂઆતમાં $3,473.03ની રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. એ જ સમયે યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 1.7%ના વધારા સાથે $3,482.40 પર ટ્રેન્ડ કરી રહ્યું છે. 111 ​​દિવસમાં સોનું 23,838 રૂપિયા મોંઘું થયું આ વર્ષે 1 જાન્યુઆરીથી અત્યારસુધીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 76,162 રૂપિયાથી વધીને 1 લાખ રૂપિયા થઈ ગયો છે. એ જ સમયે ચાંદીનો ભાવ પણ 9,883 રૂપિયા વધીને 86,017 રૂપિયા પ્રતિ કિલોથી 95,900 રૂપિયા થયો છે. એ જ સમયે ગયા વર્ષે એટલે કે 2024માં સોનું 12,810 રૂપિયા મોંઘું થયું હતું. વર્ષના અંત સુધીમાં સોનું ₹1.10 લાખ સુધી પહોંચી શકે છે અમેરિકા અને ચીન વચ્ચે વધતાં ટ્રેડવોર અને મંદીના ભયને કારણે આ વર્ષે સોનું $3,700 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. જો આંતરરાષ્ટ્રીય દરો અનુસાર ગણતરી કરવામાં આવે તો ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત 1.10 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. વિદેશી રોકાણ બેંક ગોલ્ડમેન સૅક્સે આ અંદાજ જાહેર કર્યો છે. સોના-ચાંદીની તેજીનાં પાંચ મજબૂત કારણો 9 એપ્રિલે સોનું 93,353 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું હતું સોનું ફરીથી ઓલટાઇમ હાઈ સ્તર પર કેવી રીતે પહોંચ્યું? 9 એપ્રિલના

રોજ સોનાના ભાવમાં 1,611 રૂપિયાનો વધારો થયો. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,161 રૂપિયા પર પહોંચી ગયો. નિષ્ણાતો આના માટે 2 મુખ્ય કારણ આપે છે- 10 એપ્રિલે બજાર બંધ રહ્યું. 11 એપ્રિલે સોનાના ભાવે નવી ઓલટાઈમ હાઈ સપાટી બનાવી. IBJA અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ રૂ. 3,192 વધીને રૂ. 93,353 થયો છે. 12 એપ્રિલે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 93353 રૂપિયા હતો. અજય કેડિયાએ કહ્યું, ડોનાલ્ડ ટ્રમ્પે ઊંચા ટેરિફની જાહેરાત કરીને વિશ્વભરનાં બજારોમાં ગભરાટ ફેલાવ્યો છે. વ્યાપાર નીતિઓની દૃષ્ટિએ, આને સદીનું પરિવર્તન કહેવામાં આવી રહ્યું છે. વિશ્વભરમાં ટેરિફ અને વેપાર યુદ્ધોથી સર્જાયેલી ચિંતાઓને કારણે આ વર્ષે સોનાના ભાવે અનેક વખત નવા રેકોર્ડ બનાવ્યા છે. જ્યારે પણ અર્થતંત્રમાં અસ્થિરતા હોય છે, ત્યારે સોનાના ભાવમાં વધારો થાય છે યુકેની બેલફાસ્ટ યુનિવર્સિટીના આર્થિક ઇતિહાસકાર ડૉ. ફિલિપ ફ્લાયર્સ કહે છે, 'મોટી સંખ્યામાં લોકોએ હવે શેર જેવા ઇક્વિટી સાધનો છોડી દીધાં છે અને સોનામાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે.' સરકારો, છૂટક રોકાણકારો અને સામાન્ય લોકો પણ સોનું ખરીદી રહ્યા છે. આ જ કારણ છે કે સોનાના ભાવમાં આટલો વધારો થયો છે. શું આ ઊથલપાથલ વચ્ચે સોનું ખરીદવું સલામત છે? અજય

કેડિયા કહે છે, 'વૈશ્વિક બજારની પરિસ્થિતિ બદલાતી રહે છે, તેમ છતાં એ પણ યાદ રાખવું જોઈએ કે સોનામાં કોઈપણ મોટું રોકાણ નાણાકીય બજારના મોટા ખેલાડીઓની દયા પર હોય છે.' મોટા ખેલાડીઓ ગમે તે કરે, તેમની અસર સોનાના ભાવ પર જોવા મળે છે, તેથી વ્યક્તિએ સોનામાં સમજદારીપૂર્વક રોકાણ કરવું જોઈએ. 2020માં કોવિડ રોગચાળાને કારણે અર્થતંત્રમાં મોટો ઘટાડો થયો. ત્યાર બાદ સોનાના ભાવ ઝડપથી આસમાને પહોંચવા લાગ્યા, જોકે આવી અસ્થિરતા સોનાના ભાવને પણ નુકસાન પહોંચાડી શકે છે, તેથી સુરક્ષિત રોકાણનો અર્થ એ નથી કે એમાં કોઈ જોખમ નથી. અજય કેડિયાએ કહ્યું, 'બજારમાં થતી વધઘટને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બેંક ઇક્વિટી માર્કેટમાં પોતાનું રોકાણ ઘટાડે છે અને જથ્થાબંધ સોનું ખરીદે છે.' તેમનો ઉદ્દેશ તેમના સોનાના ભંડારમાં વધારો કરવાનો છે. આ સ્થિતિમાં સામાન્ય લોકો માટે સોનું ખરીદવું જોખમી હોઈ શકે છે, તેમ છતાં સોનામાં રોકાણ કરવું એક રીતે સલામત છે, કારણ કે એ ચોક્કસપણે ક્યારેક ને ક્યારેક લાભ આપે છે. જોકે ડૉ. ફિલિપ ફ્લાયર્સના મતે, જે રીતે સોનાના ભાવ સતત વધી રહ્યા છે, એના પર સટ્ટો લગાવવો જોખમી બની શકે છે. બજાર સ્થિર થતાંની સાથે જ સરકારો વિચારશીલ નિર્ણયો લેવાનું શરૂ કરશે, લોકો ફરીથી સોનામાં

રોકાણ ઘટાડશે. જો તમે સોનામાં રોકાણ કરવા માગતા હો તો એ લાંબા સમય માટે કરો. શું સોનાના ભાવમાં વધઘટ ફક્ત ભારતમાં જ છે કે વૈશ્વિક બજારમાં પણ આ જ વલણ છે? કોઈપણ દેશમાં સોનાનો ભાવ એના આંતરરાષ્ટ્રીય દરના આધારે નક્કી થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન (LBMA) સોનાના ભાવ નક્કી કરે છે અને એનું નિયમન કરે છે. તે અન્ય દેશો સાથે મળીને કામ કરે છે. પ્રતિ ઔંસ 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાનો દર ડોલરમાં નક્કી થાય છે. એક ઔંસ 28.3 ગ્રામ બરાબર છે. LBMA મુજબ, જાન્યુઆરીમાં સોનાનો ભાવ $2633 પ્રતિ ઔંસ હતો, જે એપ્રિલ સુધીમાં વધીને $3230 પ્રતિ ઔંસ થયો. આ સમયગાળા દરમિયાન પણ સોનાના ભાવમાં વધઘટ જોવા મળી હતી. ફેબ્રુઆરીમાં સોનાનો સૌથી વધુ ભાવ $2936 પ્રતિ ઔંસ પર પહોંચ્યો હતો, પરંતુ માર્ચમાં એ $2880 પ્રતિ ઔંસના સૌથી નીચા ભાવે પહોંચી ગયો, જોકે માર્ચના અંતમાં અને એપ્રિલમાં તેમાં ફરી વધારો જોવા મળ્યો. સોનામાં હાલના વધારા પાછળ કયાં પરિબળો જવાબદાર છે? સોનામાં હાલના વધારા પાછળ 4 મુખ્ય પરિબળ હોઈ શકે છે... 1. ડોલર ઘટવાથી સોનું મજબૂત થયુંઃ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો અમેરિકન બજારોને સૌથી વધુ અસર કરી રહ્યા છે. ટ્રમ્પની નીતિઓને કારણે સોનું

છેલ્લાં 10 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયું. 12 એપ્રિલના રોજ ડોલર ઇન્ડેક્સ 9% ઘટ્યો, જેના કારણે એ 99.50 પોઈન્ટ ઘટ્યો. આને કારણે સોનાના ભાવ સતત વધવા લાગ્યા. 2. ટ્રેડવૉરને કારણે સોનું મોંઘું થયુંઃ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ પર 90 દિવસનો પ્રતિબંધ લાદ્યો, પરંતુ ચીન પર એને વધારીને 145% કર્યો. એ જ સમયે ચીને પણ અમેરિકા પર ટેરિફ વધારીને 125% કરી દીધો છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધને કારણે વિશ્વ બજારમાં હજુ પણ અસ્થિરતા રહેવાની શક્યતા છે. આર્થિક અસ્થિરતાના સમયમાં સોનાના ભાવમાં વધારો થાય છે. 3. સોના પર જિયોપોલિટિકલ મુદ્દાઓની અસરઃ ટ્રમ્પે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ રોકી દીધું, પણ રશિયા-યુક્રેન યુદ્ધ રોકી શક્યા નહીં. આ સાથે ચીન અને મ્યાનમાર જેવા ઘણા દેશોમાં યુદ્ધ શરૂ થવાના અહેવાલો છે. ચીન પણ શાંત બેસવા તૈયાર નથી. આખી દુનિયામાં યુદ્ધની સ્થિતિ છે, જેના કારણે સોનાના ભાવ ઝડપથી વધી રહ્યા છે. 4. છૂટક માગમાં વધારોઃ ભારતમાં સોનાની માગમાં સતત વધારો થવાનું એક કારણ વધતી જતી છૂટક માગ છે. ભારતમાં લોકો લગ્ન, તહેવારો અને અન્ય ઉજવણીઓ દરમિયાન સોનું ખરીદે છે. આવી સ્થિતિમાં લગ્ન અને તહેવારોની સિઝન દરમિયાન અહીં સોનાના ભાવમાં વધારો નોંધાય છે.

Leave a Reply

Related Post