Gudi Padwa 2025: શા માટે ઉજવાય છે ગુડી પડવા? જાણીલો ધાર્મિક માન્યતા

Gudi Padwa 2025: શા માટે ઉજવાય છે ગુડી પડવા? જાણીલો ધાર્મિક માન્યતા
Email :

ગુડી પડવાને હિન્દુ નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. આ તહેવાર ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, આ તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ઉજવવામાં આવે છે અને આ વર્ષે ગુડી પડવો 30 માર્ચ 2025, રવિવારના રોજ ઉજવવામાં આવશે. ચૈત્રી નવરાત્રિ પણ આ દિવસથી શરૂ થઈ રહી છે, તેથી આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ દિવસે ઘરોમાં ગુડી (વિજય ધ્વજ) લહેરાવવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે આનાથી નકારાત્મકતા દૂર થાય છે. ચાલો જાણીએ ગુડી પડવા સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે.

ગુડી પડવાનું મહત્વ

ગુડી પડવા માત્ર નવા વર્ષની શરૂઆત જ નથી કરતું, પરંતુ આ દિવસ ઘણી ઐતિહાસિક અને ધાર્મિક ઘટનાઓ સાથે પણ જોડાયેલો છે. ગુડી પડવાને ઉગાડી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર, ભગવાન બ્રહ્માએ આ દિવસે બ્રહ્માંડની રચના કરી હતી. તેથી આ દિવસે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની પૂજા કરવાથી લોકોને વિશેષ લાભ મળે છે અને જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

ગુડી પડવા સાથે જોડાયેલી પૌરાણિક કથા

ગુડી પડવા સાથે જોડાયેલી એક ખૂબ જ પ્રખ્યાત વાર્તા રામાયણ કાળ સાથે સંબંધિત છે. દંતકથા અનુસાર, ત્રેતાયુગમાં, કિષ્કિંધ નામના રાજ્ય પર બાલી નામના રાજાનું શાસન હતું, જે તેના ભાઈ સુગ્રીવને હેરાન કરતો હતો. ભગવાન શ્રી રામ જ્યારે માતા સીતાને રાવણના ચુંગલમાંથી છોડાવવા જઈ રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત સુગ્રીવ સાથે થઈ હતી. સુગ્રીવે પોતાની તકલીફો શ્રી રામને જણાવી અને મદદ માંગી. બાલીની હત્યા કરીને, શ્રી રામે સુગ્રીવને ન્યાય આપ્યો અને તેમનું ગુમાવેલું રાજ્ય પાછું આપ્યું. આ ઘટના ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ બની હતી, તેથી આ દિવસને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસથી હિંદુ નવું વર્ષ પણ શરૂ થાય છે.

ગુડી પડવો કેવી રીતે ઉજવવામાં આવે છે?

ગુડી પડવાના દિવસે, લોકો તેમના ઘરોને સાફ કરે છે અને શણગારે છે. દરવાજા પર આંબા અને આસોપાલવના પાન બાંધીને રંગોળી બનાવવામાં આવે છે. ઘરના આંગણામાં એક લાંબો વાંસ વાવવામાં આવે છે, જેની ઉપર પીળા કે લાલ રંગનું રેશમી કપડું બાંધીને ગુડી તૈયાર કરવામાં આવે છે. તેના પર લીમડાના પાન, ફૂલો અને ઊંધો કળશ પણ મૂકવામાં આવે છે. તેને વિજય ધ્વજ માનવામાં આવે છે અને ઘરોની સામે ઊંચાઈ પર લહેરાવવામાં આવે છે.

આ દિવસે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને દુર્ગા માતાની વિશેષ પૂજા કરવામાં આવે છે. સુંદરકાંડ, રામરક્ષા સ્ત્રોત અને દેવી ભગવતીના મંત્રોનો જાપ કરે છે. આ સિવાય આ દિવસે સૂર્યદેવની પૂજાનું પણ મહત્વ માનવામાં આવે છે. ગુડી પડવાના દિવસે લીમડાના પાનને ગોળ અને કાળા મરી સાથે ખાવાની પરંપરા પણ છે. આમ કરવાથી શરીરની રોગો સામે લડવાની ક્ષમતા વધે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.

પરંપરાગત ખોરાક અને રાંધણકળા

ગુડી પડવા પર અનેક પ્રકારની પરંપરાગત વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ દિવસે પૂરણપોળી, શ્રીખંડ અને મીઠા ચોખા (ખાંડ-ભાત) તૈયાર કરવામાં આવે છે. ઉગાડી પચડી દક્ષિણ ભારતમાં બનાવવામાં આવે છે, જેનો સ્વાદ મીઠો, ખાટો, મસાલેદાર અને કડવો હોય છે.

Leave a Reply

Related Post