ગુજરાતી ગાયિકા વૈશાલી બલસારાની લાશ કારમાંથી મળી: ઉછીના આપેલા પૈસા માગવા ગઈ ને પાછી જ ન આવી, પ્રેગ્નેન્ટ બહેનપણીએ હત્યા કરાવી; કારણ જાણી ચોંકી જશો

ગુજરાતી ગાયિકા વૈશાલી બલસારાની લાશ કારમાંથી મળી:ઉછીના આપેલા પૈસા માગવા ગઈ ને પાછી જ ન આવી, પ્રેગ્નેન્ટ બહેનપણીએ હત્યા કરાવી; કારણ જાણી ચોંકી જશો
Email :

તે તારીખ 27 ઓગસ્ટ 2022 હતી. ભારત અને વિદેશમાં ગરબા સિંગર તરીકે જાણીતી પ્રખ્યાત ગુજરાતી લોકગાયિકા વૈશાલી બલસારા બપોરે ઘરેથી તેના પતિને એવું કહીને નીકળી ગઈ કે તે કોઈ અગત્યના કામ માટે બહાર જઈ રહી છે અને ટૂંક સમયમાં પાછી આવશે. તે ઘરેથી નીકળ્યાને એક કલાક થઈ ગયો, પછી બે કલાક થયા, પછી દિવસ વીતતો ગયો પણ તે પાછી ન આવી. આથી ચિંતાતુર પતિએ વૈશાલીનો ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેનો ફોન બંધ આવતો હતો. પહેલાં ક્યારેય આવું બન્યું નહોતું કે વૈશાલી નક્કી કરેલા સમયમાં ઘરે પાછી ન આવી હોય, અથવા તેનો નંબર બંધ આવતો હોય. આથી પરિસ્થિતિ શંકાસ્પદ લાગતા વૈશાલીના પતિ હિતેશે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં તેની પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી. થોડા કલાકો પછી વૈશાલી મળી

આવી, પણ તેના શ્વાસ બંધ થઈ ગયા હતા. તેની હત્યા કરવામાં આવી હતી અને ખૂની બીજું કોઈ નહીં પણ તેનો પોતાનો જ હતો. આજે આ વણકહી વાર્તામાં, જાણો કેવી રીતે 25 લાખ રૂપિયા માટે લોકગાયિકાની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું- 27 ઓગસ્ટ, 2022 ના રોજ, વૈશાલીના ગુમ થવાનો રિપોર્ટ નોંધવામાં આવ્યો. બીજા દિવસે, 28 ઓગસ્ટના રોજ, સમાચાર આવ્યા કે વલસાડની બહાર હીરાની એક ખંડેર ફેક્ટરી પાસે એક વાદળી રંગની કાર મળી આવી છે. પોલીસ તપાસ માટે ખંડેર પાસે પહોંચી કે તરત જ તેમણે જોયું કે કારની પાછળની સીટ પર એક મૃતદેહ હતો. જ્યારે તે અજાણી લાશનું વર્ણન ગુમ થયેલી વૈશાલી સાથે મેચ થયું, ત્યારે આખો મામલો સ્પષ્ટ થઈ ગયો. તે મૃતદેહ 34 વર્ષની વૈશાલીનો હતો. તેના શરીર પર કોઈ ઘા

નહોતા, પણ તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો. પોલીસે આ હાઇપ્રોફાઇલ કેસની વધુ તપાસ કરતી વખતે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને હત્યારાને શોધવા માટે 8 અલગ અલગ ટીમો બનાવી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, વૈશાલીની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. ઘરેથી નીકળ્યાના થોડા કલાકોમાં જ તેને મારી નાખવામાં આવી હતી અને પછી લાશને કારમાં મૂકવામાં આવી હતી. કૌટુંબિક મતભેદોના એન્ગલથી પણ તપાસ કરવામાં આવી હતી તપાસમાં જાણવા મળ્યું કે વૈશાલીના લગ્ન હિતેશ સાથે 2011માં થયા હતા.આ લગ્નથી દંપતીને એક પુત્રી પણ હતી, પરંતુ આ પહેલાં હિતેશ એક વાર લગ્ન કરી ચૂક્યો હતો. તેમને તેમના પાછલા લગ્નથી એક પુત્રી પણ હતી. પોલીસે 100થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કર્યા વૈશાલી તેના ઘરેથી હીરાના ખંડેર કારખાનામાં કેવી રીતે પહોંચી તે જાણવા માટે પોલીસે સીસીટીવી

કેમેરા અને ટેક્નિકલ સર્વેલન્સની મદદ લીધી. વૈશાલીને શોધવા માટે, શહેરભરના 100થી વધુ કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા હતા. પોલીસનો આ પ્રયાસ પણ અસરકારક સાબિત થયો. એક ફૂટેજમાં વૈશાલી તેની નજીકની મિત્ર બબિતા ​​કૌશિક સાથે જોવા મળી હતી. જ્યારે બબિતા ​​સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવી, ત્યારે તેનું મોબાઇલ લોકેશન નેટવર્ક ટાવર પાસે હતું જ્યાં વૈશાલીનો મૃતદેહ મળ્યો હતો. પોલીસને શંકા હતી કે બબિતાને કંઈક ખબર હશે. પોલીસે તેની પૂછપરછ કરવી પડી, પરંતુ જાણવા મળ્યું કે તે 8 મહિનાની ગર્ભવતી હતી. માનવીય અભિગમ દાખવતા પોલીસ તેની પૂછપરછ કરવામાં અચકાતી હતી. તેમને ડર હતો કે જો પૂછપરછ દરમિયાન તેની તબિયત બગડશે તો લોકોમાં પોલીસની છાપ ખરાબ થશે. પરંતુ પોલીસ માટે બબિતાની પૂછપરછ કરવી ખૂબ જ જરૂરી હતી. કેમ કે, પોલીસને વૈશાલીની મિત્ર બબિતા ​​પર સંપૂર્ણ

શંકા હતી. આખરે, પોલીસે બબિતાની પૂછપરછ માટે નિષ્ણાત ડોક્ટરોની એક ટીમ બનાવી. પોલીસ ડોક્ટરો સાથે બબિતાના ઘરે પહોંચી. જ્યારે તેને કહેવામાં આવ્યું કે તેની મિત્ર વૈશાલીની હત્યા થઈ ગઈ છે, ત્યારે તે ખૂબ જ ગભરાઈ ગઈ. શરૂઆતમાં, બબિતાએ આ વિશે વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો, પરંતુ જ્યારે તેમને પાછળથી ખાતરી આપવામાં આવી કે ડોક્ટરો તેમના સ્વાસ્થ્ય પર નજીકથી નજર રાખશે, ત્યારે તે સંમત થઈ. પોલીસે બબિતાને બધા પુરાવા બતાવ્યા જે સાબિત કરતા હતા કે બબિતા ​​વૈશાલીને આ છેલ્લી વાર મળી હતી. પૂછપરછ દરમિયાન બબિતાએ કબૂલ્યું કે તે તે દિવસે વૈશાલીને મળી હતી, પરંતુ તેણે એમ પણ કહ્યું કે તે દિવસે વૈશાલી સાથે બે વધુ લોકો હતા, જેમના ચહેરા તેને યાદ છે. આ સાંભળીને પોલીસે બબિતાને કેટલાક શંકાસ્પદ લોકોના ફોટા બતાવ્યા. બબિતાએ

તે ફોટોગ્રાફ્સમાંથી એકને તે દિવસે વૈશાલી સાથે રહેલા માણસનો ઓળખી કાઢ્યો. શંકાસ્પદ વ્યક્તિને ઓળખી કાઢ્યા પછી, બબિતા ​​પર પોલીસની શંકા વધુ મજબૂત બની. ખરેખર, આ પોલીસની યુક્તિ હતી. બબિતાને બતાવવામાં આવેલા શંકાસ્પદોના ફોટા વાસ્તવિક નહોતા. પોલીસે બબિતાની સામે એવા લોકોના ફોટા મૂક્યા હતા જેમને આ કેસ સાથે કોઈ લેવાદેવા નહોતી. બબિતાના ખોટા નિવેદન બાદ પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી. આ પછી, જ્યારે મહિલા પોલીસ કર્મચારીઓએ બબિતાની કડક પૂછપરછ કરી, ત્યારે તેણે સમગ્ર ગુનો કબૂલી લીધો. આ વાત હતી 25 લાખ રૂપિયા અને મિત્રતાની. વૈશાલી લગભગ બે વર્ષ પહેલાં બબિતાને મળી હતી. સમય જતાં બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ. વૈશાલી તેના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શોમાંથી ઘણી કમાણી કરતી હતી, જ્યારે બબિતાની આર્થિક સ્થિતિ સારી નહોતી. એકવાર બબિતાને પૈસાની જરૂર

પડી, ત્યારે તેણે તેની મિત્ર વૈશાલી પાસે મદદ માગી. મામલો લાખોનો હતો, તેથી વૈશાલીએ તેને વ્યાજ પર પૈસા ઉછીના આપ્યા. બબિતા ​​એક લોન ચૂકવે તે પહેલાં જ તે બીજી લોન લેતી હતી. સમય જતાં, તેના પર 25 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું. દર મહિને તેને વ્યાજ ચૂકવવું પડતું હતું અને દેવું વધતું જતું હતું. થોડા મહિનાઓથી, વૈશાલી પણ તેના પર પૈસા પરત કરવા માટે સતત દબાણ કરી રહી હતી. બબિતા ​​થોડા દિવસો માટે સમય માંગી રહી હતી, પણ જ્યારે સમય આવતો ત્યારે તે વધુ તારીખો આપતી. જ્યારે વૈશાલી તેને છેલ્લી ચેતવણી આપે છે, ત્યારે બબિતા ​​તેને ખતમ કરવા માટે કાવતરું ઘડ્યું. ફેસબુક દ્વારા 2 કોન્ટ્રાક્ટ કિલરોને નોકરી પર રાખવામાં આવ્યા બબિતાએ ફેસબુક દ્વારા બે લોકોનો સંપર્ક કર્યો જે સુપારી (હત્યાનો કોન્ટ્રેક્ટ) લેતા

હતા. તેણે ચેટમાં જ વૈશાલીને મારી નાખવાની યોજના બનાવી હતી અને તેના માટે 8 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. 27 ઓગસ્ટ 2022 બબિતાએ સવારે વૈશાલીને ફોન કર્યો અને કહ્યું કે તે આજે જ તેને બધા પૈસા પરત કરવા માગે છે. રકમ ઘણી મોટી હતી તેથી બબિતાએ કહ્યું કે તેમણે કોઈ એકાંત જગ્યાએ મળવું જોઈએ જ્યાં તે આરામથી પૈસા ગણી શકે. બંનેએ તેમની મુલાકાત માટે હીરાની એક ખંડેર ફેક્ટરી પાસે જગ્યા પસંદ કરી. તે દિવસે બબિતા ​​તેના સ્કૂટર પર ઘરેથી નીકળી હતી. તેણે હીરાની ફેક્ટરીથી થોડા કિલોમીટર પહેલાં તેનું સ્કૂટર પાર્ક કર્યું અને પછી ફેક્ટરી પહોંચવા માટે ઓટો લીધી. બે કોન્ટ્રાક્ટ કિલર્સ પહેલાંથી જ નિર્ધારિત સમયે અને સ્થળે પહોંચી ગયા હતા. થોડી વાર પછી વૈશાલી પણ તેની કારમાં ત્યાં પહોંચી ગઈ.

બબિતાએ થોડી વાર વાત કરીને વૈશાલીનું ધ્યાન ભટકાવી દીધું અને તે દરમિયાન કોન્ટ્રાક્ટ કિલર્સે તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. ત્રણેય જણાએ વૈશાલીના મૃતદેહને કારમાં મૂકી દીધો અને ગાડી હંકારીને તેને પારડી નદી પાસે પાર્ક કરી દીધી. જ્યારે આ વાતનો ખુલાસો થયો ત્યારે વૈશાલીના પતિ હિતેશને આઘાત લાગ્યો કારણ કે તેને પણ ખબર નહોતી કે તેની પત્નીએ તેની મિત્રને 25 લાખ રૂપિયા ઉછીના આપ્યા છે. બીજી બાજુ, વૈશાલીએ તે દિવસે ઘરની બહાર નીકળતી વખતે એ પણ કહ્યું નહીં કે તે તેની મિત્ર બબિતાને મળવા ગઈ છે. વૈશાલી આ વાત તેના પતિથી કેમ છુપાવવા માંગતી હતી તે ક્યારેય સ્પષ્ટ થઈ શક્યું નહીં. હત્યાના એક મહિના પછી, પોલીસે બે કોન્ટ્રાક્ટ કિલરમાંથી એકની ધરપકડ કરી છે, જ્યારે બીજો હજુ પણ ફરાર છે.

Related Post