સાહેબ મિટિંગમાં છે: કોર્પોરેટર તરીકે ચૂંટાયા પત્ની અને કામકાજ સંભાળે પતિદેવ!, AMCની બેઠકમાં ડેપ્યુટી કમિશનર ભોઠા પડ્યા

સાહેબ મિટિંગમાં છે:કોર્પોરેટર તરીકે ચૂંટાયા પત્ની અને કામકાજ સંભાળે પતિદેવ!, AMCની બેઠકમાં ડેપ્યુટી કમિશનર ભોઠા પડ્યા
Email :

ન્યુ ગુજરાતના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી... કર્બિંગ એટલે શું?, AMCના ડે. કમિશનર જ અજાણ! રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અને 70 લાખથી વધુની વસ્તી ધરાવતા એવા અમદાવાદ શહેરમાં વહીવટી તંત્ર ચલાવવા માટે સરકાર દ્વારા IAS અધિકારીઓને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકે છે. અમદાવાદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવામાં આવેલા એક IAS અધિકારીને હજી સુધી કોર્પોરેશનમાં કેવી રીતે કામગીરી થાય અને શું કામગીરી હોય

તે અંગે ખબર પડતી નથી. કમિશનરની રીવ્યૂ બેઠકમાં કર્બિંગ અંગે ચર્ચા થઈ હતી જેમાં IAS અધિકારીને કર્બિંગ એટલે શું? જેની ખબર નહોતી. જેથી બાજુવાળા અધિકારીને તેઓએ પૂછ્યું હતું જે કમિશનર જોઈ ગયા હતા અને IAS અધિકારીને પૂછ્યું હતું કે, શું ચર્ચા કરો છો? જેથી IAS અધિકારીએ કહ્યું હતું કે, કર્બિંગ એટલે શું તેમને પૂછતો હતો જેથી કમિશનર પોતે ચોકી ઉઠ્યા હતા અને તેમને કહ્યું હતું કે, આપને અમદાવાદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે છ મહિનાથી વધુ સમય થઈ ગયો છતાં હજી તમને કર્બિંગ એટલે શું ખબર

પડતી નથી. આ તમામ બાબતો જોઈને અનેક અધિકારીઓને મનોમન હસવું આવ્યું હતું. ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય નજીક જ સ્ટ્રીટ લાઈટ બંધ અમદાવાદના ઘાટલોડીયા વોર્ડની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ભાજપનો ગઢ ગણાતા એવા ઘાટલોડિયા વિસ્તારમાં ચૂંટણી જાહેર થયા બાદ કાર્યાલયનું ઉદઘાટન અને પ્રચાર થઈ રહ્યો છે. જે દરમિયાનમાં એક નેતાએ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં કહ્યું હતું કે, કોઈપણ પ્રશ્ન હોય તો તાત્કાલિક ધોરણે કાર્યાલય ખાતે ઘાટલોડીયાના સ્થાનિક નેતાઓને જાણ કરવી તેમ કહ્યું હતું. ચૂંટણી કાર્યાલયથી માત્ર 50 મીટર દૂર જ સ્ટ્રીટ લાઈટનો પ્રશ્નો ઉભો થયેલો હતો. 10થી

વધુ સ્ટ્રીટ લાઈટના પોલ બંધ હતા. ઘાટલોડીયાના પોશ અને સૌથી વ્યસ્ત ગણાતા એવા કે.કે. નગર રોડ ઉપરના જ સ્ટ્રીટ લાઇટના પોલ બંધ હતા એક તરફ નેતાઓ પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ ઝડપી લાવવા માટે કહેતા હતા પરંતુ બાજુના જ રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો બંધ જોવા મળી હતી. AMCમાં ડે. કમિશનરની નિમણૂક અને બદલીનો સિલસિલો રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ IAS અધિકારીઓની બદલી કરી હતી. અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી અને નવા એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મૂકવામાં આવ્યા છે. ત્યારે હવે કોર્પોરેશનના અધિકારીઓમાં નવા આવેલા ડેપ્યુટી

મ્યુનિસિપલ કમિશનરને લઈને ચર્ચા ચાલુ થઈ છે કે, રાજ્ય સરકાર એક તરફ IAS અધિકારીઓની નિમણૂક કરે છે. પરંતુ એક વર્ષ પૂર્ણ નથી થતું ત્યાં સુધીમાં તો અધિકારીની બદલી થઈ જાય છે. કોર્પોરેશનમાંથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મુકવા અંગેની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજી સુધી તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. ત્યારે ક્યારે તેનું પરિણામ જાહેર થશે અને નવા આવેલા IAS અધિકારી કેટલા મહિના અમદાવાદમાં રહેશે તેની ચર્ચા જાગી છે. સતત કથળતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિથી કાર્યકર્તા કંટાળ્યા અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને સવાલો ઊભા થયા હતા

જેમાં ખાસ કરીને ભાજપના મહિલા ધારાસભ્યોના મતવિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને કેટલાક દુષણોને લઈને સ્થાનિક કાર્યકર્તાઓ પણ હવે આ પરિસ્થિતિથી કંટાળી ગયા છે. મહિલા ધારાસભ્યો પોતાના વિસ્તારમાં ચાલતા દૂષણો અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે જાગૃત ન હોવા અંગેની ચર્ચા છે. આ વિસ્તારોમાં હત્યા અને દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ ખૂબ વધી છે જેને ડામવા માટે સ્થાનિક કાર્યકર્તાઓ રજૂઆત કરે છે છતાં પણ કામગીરી થતી નથી. એક વોર્ડ પ્રમુખના ઘરની આજુબાજુ જ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે છતાં પણ તેને બંધ કરાવતા નથી. ભાજપના નેતાઓ ગેરકાયદે પ્રવૃત્તિઓને દૂર

કરાવી શકતા ન હોવા અંગેની સ્થાનિક કાર્યકર્તાઓમાં ચર્ચા જાગી છે. પત્ની કોર્પોરેટર પણ તમામ કામકાજ સંભાળે પતિદેવ અમદાવાદના ભાજપના એક મહિલા કોર્પોરેટરના પતિ આજકાલ ખૂબ જ સક્રિય થયાં છે. કોર્પોરેશનના કામોમાં કોર્પોરેટરના પતિ સલાહકાર તરીકે અને પોતે જ કોર્પોરેટર હોય તેવી ભૂમિકા ભજવી રહ્યા છે. ભાજપના એક હોદ્દેદારની સાથે ખૂબ નિકટતા ધરાવનારા મહિલા કોર્પોરેટરના પતિ કોર્પોરેશનના કામોમાં કેવી રીતે અધિકારીઓને કયા કામમાં ખોટું છે અને તેમની પાસેથી કેવી રીતે ગોઠવણ કરવી તે અંગે સલાહ પણ આપતા હોવા અંગેની ચર્ચા છે. સામાન્ય રીતે કોઈ મહિલા કોર્પોરેટર ચૂંટાય

તો તેમને પોતાની કામગીરીમાં ધ્યાન આપવાનું હોય છે પરંતુ આ મહિલા કોર્પોરેટરને તો તેમના પતિ જ સંપૂર્ણપણે કોર્પોરેટર હોય તેવી ભૂમિકા નિભાવી રહ્યા છે. કોર્પોરેટરોને કન્સ્ટ્રકશન સાઈટોમાં ભાગીદારી માટે રસ જાગ્યો ભાજપના કોર્પોરેટરો હવે ચૂંટાયેલા પ્રતિનિધિમાંથી કન્સ્ટ્રક્શન સાઈટોમાં ભાગીદાર બની ગયા છે. ભાજપના કેટલાક કોર્પોરેટરો હવે કન્સ્ટ્રક્શન સાઇટોમાં ભાગીદારીથી લઈને નાનો મોટો ધંધો શરૂ કર્યો છે. પ્રજાની સેવા માટે ચૂંટાયેલા કોર્પોરેટરોએ ચાર વર્ષમાં જ ભાજપના નામે પોતાનો ધંધો ખૂબ જ વધારી દીધો છે. ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓમાં ચર્ચા જાગી છે કે, કોર્પોરેટરો પોતાના વોર્ડમાં કોર્પોરેશનના

કામોમાં 5થી 10 ટકાનો હિસ્સો અધિકારીઓ સાથે ગોઠવી દે છે. ભાજપના કોર્પોરેટરોની હોટલો, પાર્ટીપ્લોટ, પેટ્રોલ પંપ અને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન સાઈટો શરૂ થઈ ગઈ છે. કેટલાક કોર્પોરેટરો લોકો સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કરી દીધો છે તો કેટલાકે બિલ્ડરોની સાથે ગોઠવણ કરી અમદાવાદ અને આસપાસના શહેરોમાં રોકાણ કરી અને ધંધો શરૂ કરી દીધો છે. કાર્યકર્તાઓમાં ચર્ચા જાગી છે કે આગામી વર્ષે યોજાનારી ચૂંટણીમાં કોર્પોરેટર બનવા માટે અત્યારથી જ મહેનત શરૂ કરી દઈએ જેથી કોર્પોરેટર બન્યા બાદ પાંચ વર્ષમાં કોઈને કોઈ સારો ધંધો ઊભો થઈ શકે તેમ છે.

Related Post