'સાહેબ, મારી પત્ની રુક્શાના ગાયબ છે': મીઠા રેલવે ટ્રેક પાસે કોણે મોબાઈલ સ્વિચ ઓફ કર્યો? દૃશ્યમ ફિલ્મને પણ ટક્કર મારે એવી મર્ડર મિસ્ટ્રી

'સાહેબ, મારી પત્ની રુક્શાના ગાયબ છે':મીઠા રેલવે ટ્રેક પાસે કોણે મોબાઈલ સ્વિચ ઓફ કર્યો? દૃશ્યમ ફિલ્મને પણ ટક્કર મારે એવી મર્ડર મિસ્ટ્રી
Email :

કારમાં જ મહિલાનું છરીથી ગળું કાપી નાખ્યું... લાશને ખાડામાં દાટી દીધી... પત્ની પાછી ન આવતાં પરિવાર ચિંતાતુર બન્યો... બે દિવસ બાદ પતિએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી... ત્રણ દિવસ પછી મહિલા અજમેરના ગેસ્ટહાઉસમાં જીવતી દેખાઈ... પોલીસ જબ્બરની ગોથે ચડી... 9 મહિના બાદ મોટો ઘટસ્ફોટ થયો... બંગલોના પાયામાંથી લાશ મળી... આરોપીનાં નામ સામે આવતા જ આખું શહેર હચમચી ગયું... 7 વર્ષ પહેલા ભુજમાં દૃશ્યમ ફિલ્મને પણ ટક્કર મારે એવો રિયલ ક્રાઈમનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પોલીસને ગેરમાર્ગે દોરવા આરોપીઓએ અનેક હથકંડા અપનાવ્યા હતા. તેમજ એવો જડબેસલાક પ્લાન બનાવ્યો હતો કે જેને સોલ્વ કરવામાં પોલીસને પણ પરસેવો પડી ગયો હતો. આરોપીઓએ આચરેલી ક્રૂરતાથી પોલીસ અધિકારી, સ્ટાફની સંવેદના હચમચી ઊઠી હતી. મહિલાની હત્યાના બનાવની હકીકત સામે આવી તો એક પોલીસ અધિકારી તો કારમાં બેસીને

રડી પડ્યા હતા. જોકે અપરાધી હંમેશાં એવું જ વિચારતો હોય છે કે પોલીસ તેના સુધી ક્યારેય પહોંચી જ નહીં શકે. પણ તે ભૂલી જાય છે કે કાયદાના લાંબા હાથ એક ને એક દિવસ અપરાધીની ગરદન સુધી પહોંચી જ જાય છે. તારીખ: 10, જૂન, 2018 સમય: 10 વાગ્યા સ્થળ: બી ડિવિઝન પોલીસ સ્ટેશન, ભુજ ભુજ શહેરમાં કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા ઇસ્માઇલ હુસેન માંજોઠી હાંફળા ફાંફળા થઈને દોડતા-દોડતા પોલીસ સ્ટેશનમાં આવે છે. હાજર પોલીસ કર્મચારીના ટેબલ પાસે જઈને વાત કરે છે. ઇસ્માઇલ: સાહેબ, મારી પત્ની ગુમ છે પોલીસ: શું નામ છે? ઇસ્માઇલ: રૂક્સાના પોલીસ: ક્યારથી ઘરે નથી આવ્યાં? ઇસ્માઇલ: ગઈકાલથી. પોલીસ કર્મચારીએ લાપતા રૂક્સાનાની હાઇટ, સહિતનું વર્ણન માગી લખ્યું. ગુમ થયા ત્યારે કેવા કલરનાં કપડાં પહેર્યાં હતાં અને મોબાઈલ નંબરની વિગત માગી. કોઇની સાથે ગયા હોય એવી શંકા હોય

તો શકદારનું નામ પૂછ્યું. કોન્ટ્રાક્ટર ઇસ્માઇલ હુસેન માંજોઠીએ પત્ની રૂક્સાના 9 જૂનના રોજ કોઇને કહ્યા વિના ચાલી ગયાનું જણાવ્યું. અને પછી ફોટા સહિત તમામ માહિતી આપી. પોલીસે ગુમ રજિસ્ટરમાં તમામ નોંધ કરી. પછી દરેક પોલીસ મથકમાં વાયરલેસથી રૂકસાના ગુમ થયાનો સંદેશો આપી તેની શોધખોળ કરવાની સૂચના આપી. પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી રૂક્સાનાની તપાસ શરૂ કરી. પતિ ઇસ્માઇલ હુસેન ચિંતાતુર ચહેરે રોજ પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો હતો. આવીને પોલીસ કર્મચારીઓને એક જ સવાલ પૂછતો, 'સાહેબ, પત્નીની કંઈ ભાળ મળી?' પોલીસ કર્મચારીઓ નકારમાં માથું હલાવતા તો સ્ટેશનના બાંકળે બેસી રહેતો. બીજી તરફ રૂક્સાનાને શોધવા પોલીસ પૂરતા પ્રયત્ન કરી રહી હતી, પણ સફળતા મળતી નહોતી. એક દિવસ અચાનક ઇસ્માઇલ હુસેન દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો સાહેબ ગઈ કાલે રાત્રે

એક વાગ્યે મને કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે મને કહ્યું હતું કે તે રૂક્સાનાને ભગાડી ગયો છે અને બન્ને નિકાહ કરવાના છે માટે હવે શોધખોળ બંધ કરીને કામ-ધંધે લાગી જજે તેમ કહીને ફોન કટ કરી નાખ્યો હતો. હવે પોલીસે જેના નંબર પરથી ઇસ્માઇલ હુસેનને કોલ આવ્યો હતો એ મોબાઈલ નંબર પર તપાસ કેન્દ્રિત કરી. દરમિયાન કેસમાં નવો વળાંક આવ્યો. ગુમ થયાના 6 દિવસ બાદ રૂકસાનાની માતા શકીનાબેને પોલીસમાં અરજી કરી. શકીનાબેને અરજીમાં તેમની પુત્રી ગુમ થઈ નથી પરંતુ જમાઇ ઇસ્માઇલ, તેની બીજી પત્ની અને ભાઇઓએ રૂક્સાનાને ક્યાંક ગોંધી રાખી છે અથવા મારી નાખી છે તેવી શંકા વ્યક્ત કરી હતી. અરજી મળતાં પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસે હવે ઇસ્માઇલ હુસેનનની ગતિવિધિ ઉપર પણ નજર રાખવાનું શરૂ કર્યું. સાસુ શકીનાબેનની

અરજી પછી ઇસ્માઇલે હાઇકોર્ટમાં રીટ કરીને સ્થાનિક પોલીસની તપાસ સામે અસંતોષ વ્યક્ત કરી આ તપાસ અન્ય એજન્સીને સોંપવા માંગણી કરી હતી. આ અરજી પછી રેન્જ આઇજી ડી.બી.વાઘેલાની સૂચનાથી જિલ્લા પોલીસવડા સૌરભ તોલંબિયાએ આ તપાસ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.બી.ઔસુરાને સોંપી હતી. ખુદ આજી વાઘેલાએ પણ પીઆઇ ઔસુરાને રૂબરૂ બોલાવીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જ્યારે જિલ્લા પોલીસવડા તોલંબિયા પોતે આ કેસ ઉપર સીધી નજર રાખી રહ્યા હતા. પીઆઇ ઔસુરાએ અત્યાર સુધી સ્થાનિક પોલીસે કરેલી તપાસના પેપર્સ મંગાવીને બારીકાઇથી અભ્યાસ કર્યો. રૂક્સાનાને લાપતા થયાને બે મહિના વીતી ગયા હતા. રૂકસાનાનો મોબાઇલ તે ગુમ થઇ એ જ રાતે 1 વાગે સ્વિચ ઓફ થઇ ગયો હતો. રૂકસાનાનો નંબર અને મોબાઇલના આઇએમઇઆઇ નંબર સર્વેલન્સમાં મુકાવી દેવાયા હતા. જેથી જૂનો નંબર ફરી એક્ટિવ થાય કે બીજુ સિમ

કાર્ડ ચડાવે તો પણ પોલીસને માહિતી મળી જાય. અને બે મહિના પછી એવું બન્યું પણ ખરું. રૂક્સાનાના મોબાઇલ ઇન્સ્ટ્રુમેન્ટમાં નવું સિમ કાર્ડ એક્ટિવ થયાની ટેક્નિકલ સેલ દ્વારા માહિતી મળી. નવા નંબરની ડિટેઇલ મગાવતા એ કાર્ડ અમદાવાદમાં એક રિક્ષાચાલકના નામે એક્ટિવ થયું હતું. પોલીસે રિક્ષાચાલકને બોલાવીને આ મોબાઇલ ક્યાંથી અને કોની પાસેથી મેળવ્યો તે અંગે પૂછતા રિક્ષાચાલકે મોબાઇલ કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનના પાટા પાસેથી મળ્યો હોવાની કેફિયત આપી. પોલીસે મોબાઇલ કબજે કરી તેમજ નિવેદન નોંધીને ફરી વખત જરૂર પડે તો બોલાવશું તેમ કહીને રિક્ષાચાલકને જવા દીધો હતો. પીઆઇ ઔસુરાએ હવે નવી દિશામાં વિચારવાનું શરૂ કર્યું હતું. રૂકસાના ભુજમાંથી ગુમ થઇ હતી અને તેનો ફોન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી મળ્યો હતો. આથી પોલીસે રૂકસાનાના મોબાઇલની ફરી વખત કોલ ડિટેઇલ, સીડીઆર

મગાવ્યાં. જેની તપાસમાં એવી વિગત સામે આવી કે રૂકસાનાનો મોબાઇલ તે ગુમ થઇ એ જ રાતે 1 વાગે મીઠા રેલવે ટ્રેક પાસે (ભાંભર-દિયોદર વચ્ચે) જ સ્વિચ ઓફ થયો હતો. ભુજથી રાતે 10: 15 કલાકે ઊપડતી બાંદ્રા ટ્રેન લગભગ એક વાગે મીઠા રેલવે સ્ટેશન પાસ કરતી હોવાથી રૂક્સાના આ ટ્રેનમાં હોવાની શક્યતા હતી. જોકે ભુજથી મીઠા સુધી રોડ અને રેલવેના પાટ સમાંતર હોવાથી કોઇએ પોલીસને ગેરમાર્ગે દોરવા પણ આ રૂટ પર મોબાઇલ બંધ કરી દીઘો હોય અને પછી મોબાઈલ અમદાવાદમાં કાલુપુર રેલવે પાટા પાસે ફેંકી દીધો હોય એ શક્યતા પણ નકારી શકાય તેમ ન હતી. બીજી તરફ રૂકસાનાને અન્ય સાથે પ્રેમસબંધ હતો અને તે પ્રેમી સાથે ભાગી ગઇ છે એવી તેના પતિએ જ પોલીસને માહિતી આપી હતી. આથી ક્રાઇમ બ્રાંચે આ દિશામાં

પણ તપાસ શરૂ કરી હતી. રૂકસાના ગુમ થઇ એ વાતને ત્રણ મહિના થઇ ગયા હતા. કોઇ નક્કર માહિતી મળતી ન હતી. એલસીબી પીઆઇ ઔસુરા પોતાની ઓફિસમાં બેઠા હતા. તે વિચારી રહ્યા હતા કે તપાસમાં કોઇ મુદ્દો છૂટી તો નથી રહ્યો ને? ત્યાં જ અચાનક કોન્સ્ટેબલે આવીને કહ્યું, 'રૂકસાનાનો પતિ ઇસ્માઇલ મળવા આવ્યો છે, અંદર મોકલું?' પીઆઇ ઔસુરાએ હકારમાં માથું હલાવ્યું. બીજી જ મિનિટે કોન્સ્ટેબલ ઇસ્માઇલને પીઆઇની ચેમ્બરમાં મૂકી ગયા. બે મિનિટ સુધી કોઇ કંઇ બોલ્યું નહીં. પીઆઇ ઔસુરાની નજર ઇસ્માઇલ ઉપર સ્થિર હતી. ઇસ્માઇલના ચહેરાના બદલાઇ રહેલા હાવભાવનું નિરીક્ષણ કરી રહ્યા હતા. પીઆઇએ વાતની પહેલ કરી 'બોલ ઇસ્માઇલ, કાંઇ નવા સમાચાર કે વિગત મળી છે?' ઇસ્માઇલે હકારમાં માથું હલાવ્યું. ચેમ્બરમાં તેના અને પીઆઇ સિવાય કોઇ નથી એ જાણવા છતાં ઇસ્માઇલે આસપાસ

નજર ફેરવીને જોયું કે ત્રીજું કોઈ હાજર નથી ને? ખાતરી કરી લીધા પછી ટેબલ તરફ આગળ ઝૂક્યો અને કહ્યું, 'સાહેબ, મને આજે રૂક્સાનાનો ફોન આવ્યો હતો!' હવે શરૂ થવાની હતી પોલીસની ખરી કસોટી. પહેલી નજરે સામાન્ય લાગતો કેસમાં એક પછી એક વળાંક આવતા હતા. આરોપીએ દ્રશ્યમ ફિલ્મને જોઈને એવો પ્લાન બનાવ્યો હતો કે બધા સ્તબ્ધ રહી ગયા હતા. કારમાં જ છરી વડે ઉપરાઉપરી ઘા મારી કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું. પહેલા લાશને એક જગ્યાએ દફનાવી, પછી ત્યાંથી કાઢી બંગલો નીચે દફનાવી હતી. આરોપીઓના નામ સામે આવતાં જ પહેલા તો કોઈને વિશ્વાસ નહોતો આવ્યો. ભુજ ક્રાઈમ બ્રાન્ચ કેવી રીતે આરોપીઓ સુધી પહોંચી એની સિલસિલાબંધ વિગતો વાંચો આવતીકાલે ક્રાઈમ ફાઈલ્સના બીજા એપિસોડમાં… ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના અન્ય કેસ વાંચવા અહીં ક્લિક કરો

Leave a Reply

Related Post