બોલિવૂડમાં પાંચ ચોપડી પાસ કરિશ્માના 'કરિશ્મા': સલમાન પર ક્રશ, અભિષેક સાથે તૂટી સગાઈ; પ્રેમમાં એક્ટ્રેસને દગો અને બદનામી મળી છતાં નંબર વન હિરોઈન રહી

બોલિવૂડમાં પાંચ ચોપડી પાસ કરિશ્માના 'કરિશ્મા':સલમાન પર ક્રશ, અભિષેક સાથે તૂટી સગાઈ; પ્રેમમાં એક્ટ્રેસને દગો અને બદનામી મળી છતાં નંબર વન હિરોઈન રહી
Email :

કરિશ્મા કપૂરનો જન્મ 25 જૂન 1974ના રોજ થયો હતો. એક્ટ્રેસનો આજે 51મો જન્મદિવસ છે. બોલિવૂડની નંબર વન હિરોઈન રહી ચૂકેલી કરિશ્મા કપૂરે પોતાના એક્ટિંગથી દર્શકોના દિલ પર રાજ કર્યું. લાખો દિલો પર રાજ કરનારી આ એક્ટ્રેસનું રિયલ લાઈફમાં ઘણી વખત દિલ તોડ્યું છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સ સાથે તેની નિકટતાની વાતો થતી હતી, પરંતુ કોઈની સાથે તેનો પ્રેમ પૂર્ણ ન થઈ શક્યો. પ્રેમમાં તેને ફક્ત દગો અને બદનામી મળી. લગ્નના 13 વર્ષ બાદ તેના છૂટાછેડા થઈ ગયા. કરિશ્મા કપૂરે તેના પૂર્વ પતિ પર આરોપ લગાવ્યો હતો કે સંજયે તેને હનીમૂનના દિવસે તેના મિત્રો સાથે સૂવા માટે મજબૂર કરી હતી. જ્યારે તેણે ઇનકાર કર્યો, ત્યારે સંજયે તેની સાથે મારપીટ કરી અને તેની બોલી પણ લગાવી હતી. આજે કરિશ્મા કપૂરના જન્મદિવસ પર, આપણે તેના જીવનના કેટલાક અજાણ્યા પાસાઓ વિશે જાણીશું. સ્વિમસ્યુટ પહેર્યો ત્યારે કાકા રિશી કપૂર ગુસ્સે થઈ ગયા હતા કરિશ્મા કપૂરે 16 વર્ષની ઉંમરે ફિલ્મ 'પ્રેમ કેદી'થી અભિનયની શરૂઆત કરી હતી. બધાએ કરિશ્માના એક્ટિંગની પ્રશંસા કરી હતી, પરંતુ તેના કાકા રિશી કપૂર ફિલ્મમાં કરિશ્માએ સ્વિમસ્યુટ પહેર્યો હોવાથી ગુસ્સે થયા હતા. કરિશ્માએ 'સ્ટારડસ્ટ' સાથેની વાતચીત દરમિયાન આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક્ટ્રેસે કહ્યું- 'પ્રેમ કેદી' જોયા પછી જ્યારે લોકો થિયેટરમાંથી બહાર આવ્યા ત્યારે કોઈને સ્વિમિંગ કોસ્ચ્યુમ યાદ નહોતો. બધા ફક્ત

ફિલ્મમાં મારા એક્ટિંગ વિશે વાત કરી રહ્યા હતા. મારા માતા-પિતાને પણ આ વાતથી કોઈ વાંધો નહોતો. સ્વિમસ્યુટ નહીં તો શું હું સાડી પહેરીને પૂલમાં કૂદું અને પહેર્યો તેમાં શું ખોટું છે? શું નોર્મલ ટીનેજર નહીં પહેરતાં હોય? ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે વિરોધ કરવો પડ્યો? આ થઈ કરિશ્મા કપૂરની ડેબ્યૂ ફિલ્મની વાત, પરંતુ કપૂર પરિવાર સાથે જોડાયેલા હોવા છતાં કરિશ્માની ફિલ્મો એન્ટ્રીનો રસ્તો એટલો સરળ નહોતો. આ માટે, તેણે પરિવાર સામે માથાકૂટ પણ કરવી પડી હતી. કહેવાય છે કે કપૂર પરિવારમાં મહિલાઓને ફિલ્મોમાં કામ ન કરવાની પરંપરા પૃથ્વીરાજ કપૂરે શરૂ કરી હતી. તેઓ એ વાતના સખત વિરોધી હતા કે કપૂર પરિવારની વહુ અને દીકરીઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે, પરંતુ કરિશ્મા કપૂરે આ પરંપરા તોડી અને અનેક હિટ ફિલ્મો આપી. કરિશ્માએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે- આ ફક્ત લોકોએ ફેલાવેલી અફવાઓ હતી. જ્યારે મેં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે આ બધી અફવાઓ ફેલાવવામાં આવી હતી. લોકો કહેતા હતા કે પરિવાર ના પાડી રહ્યો છે, પરંતુ એવું કંઈ નહોતું. મારા પપ્પાની બહેનો ફિલ્મોમાં કામ કરતી નહોતી, તે તેમનો પોતાનો નિર્ણય હતો. કારણ કે તેમને ફિલ્મોમાં કામ કરવામાં રસ નહોતો. પિતાએ ના પાડી, માતાએ ઘર છોડ્યું બબીતા પણ ઈચ્છતી હતી કે દીકરી બોલિવૂડ એક્ટ્રેસ બને. આ જ કારણે બબીતાએ પણ રણધીર કપૂર

સાથે લગ્ન કર્યાં બાદ બોલિવૂડ કરિયરને અલવિદા કહી દીધું હતું. કહેવાય છે કે બબીતાને આ વાત ગમી નહોતી. દીકરીનો જન્મ થતાં જ બબીતાએ પોતાનાં અધૂરાં સપનાંઓ દીકરી પૂરી કરશે તેમ વિચારીને રાખ્યું. બબીતાએ બંને દીકરીઓને એક્ટ્રેસ બનવા સપોર્ટ કર્યો. જોકે, રણધીર કપૂરને જ્યારે કરિશ્મા એક્ટ્રેસ બનવા માગે છે તે વાતની જાણ થઈ તો તેમણે ચોખ્ખી ના પાડી દીધી. આ વાત પર રણધીર ને બબીતા વચ્ચે ખાસ્સો વિવાદ થયો ને અંતે બબીતાએ 1988માં દીકરીનાં સપનાં પૂરા કરવા માટે પતિનું ઘર છોડી દીધું ને બંને દીકરીઓ સાથે અલગ રહેવા લાગી. દાદાની સલાહ હંમેશાં યાદ રાખી કરિશ્માએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'દાદા (રાજ કપૂર)ને હંમેશાં લાગતું કે હું એક્ટ્રેસ જ બનીશ. તે અવારનવાર કહેતા કે લોલો, મને ખ્યાલ છે કે તું એક્ટ્રેસ જ બનીશ, પરંતુ મારે એટલું જ કહેવું છે કે જો તારે એક્ટ્રેસ બનવું છે તો બેસ્ટ બનજે. પરિવારને નીચાજોણું થાય તેવું ક્યારેય ના કરતી નહીંતર એક્ટ્રેસ બનતી જ નહીં. આ દુનિયા ઘણી જ ગ્લેમર ને ઝાકમઝોળ ભરેલી છે, પરંતુ તને ક્યારેય ગુલાબથી સજાવેલો પલંગ મળશે નહીં. નામ બનાવવા માટે ઘણી જ મહેનત કરવી પડશે.' એક પછી એક પાંચ ફિલ્મ ફ્લોપ રહી કરિશ્માની ડેબ્યૂ ફિલ્મ એવરેજ રહી હતી. ત્યારબાદ તેની પાંચ ફિલ્મ 'પોલીસ ઑફિસર', 'જાગૃતિ', 'નિશ્ચય', 'સપને સાજન કે'

તથા 'દીદાર' રિલીઝ થઈ, પરંતુ તમામે તમામ ફ્લોપ રહી. ત્યારબાદ 1992માં 'જિગર' ને 1993માં 'અનાડી' ફિલ્મ રિલીઝ થઈ. આ બંને ફિલ્મ હિટ રહી. કરિશ્માએ ધીમે ધીમે બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવી. કરિશ્માએ તે સમયે કહ્યું હતું કે જ્યારે તે ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થઈ તો તેના માટે ઘણી બધી બાબતો મુશ્કેલભરી હતી. તેને લાગે છે કે સ્ટારકિડ્સ આ બધામાંથી પસાર થતા હોય છે. તે માને છે કે ઇન્ડસ્ટ્રીની મોટાભાગની વ્યક્તિ તેની સાથે અન્યાય કરતી હતી. બીજા ન્યૂકમર્સની નાની એવી એચિવમેન્ટને પણ ધ્યાનમાં લેવામાં આવતી, પરંતુ તેની સફળતાની નોંધ લેવાતી નહોતી. તે સમયે તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી છતાં સફળતાની ક્રેડિટ તેને અપાતી નહોતી. ઐશ્વર્યાની નકારાયેલી ફિલ્મે તેને સુપરસ્ટારડમ અપાવ્યું 'અનાડી' અને 'જીગર' પછી, કરિશ્મા કપૂરે 'રાજા બાબુ','અંદાજ અપના અપના','કુલી નંબર વન' જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. કરિશ્મા કપૂરને આમિર ખાનની ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની'થી સુપરસ્ટારડમ મળ્યું. આ ફિલ્મ પહેલા ઐશ્વર્યા રાયને ઓફર કરવામાં આવી હતી, પરંતુ તે તે સમયે અભ્યાસ કરી રહી હતી, તેથી તેણે આ ફિલ્મ માટે ના પાડી દીધી. કરિશ્મા કપૂર 'રાજા હિન્દુસ્તાની'માં અભિનયની સાથે તેના મેકઓવર માટે જાણીતી છે. આ ફિલ્મ માટે કરિશ્માને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મે કરિશ્માને રાતોરાત સ્ટાર બનાવી દીધી. ડિરેક્ટરો કરિશ્માની તારીખ લેવા માટે ચક્કરો લગાવવા પડતાં હતાં.

પ્રેમમાં દગો અને બદનામી મળી કરિશ્મા કપૂરનું નામ બોલિવૂડની ટોચની એક્ટ્રેસમાં સામેલ થવા લાગ્યું. બોલિવૂડના દરેક મોટા ફિલ્મ નિર્માતા કરિશ્માને પોતાની ફિલ્મોમાં લેવા માંગતા હતા. કરિશ્મા કપૂરે ઘણી ફિલ્મો છોડી દેવી પડી. કરિશ્માએ 90ના દાયકામાં માત્ર તેના એક્ટિંગથી જ નહીં પરંતુ તેની સુંદરતા અને સ્ટાઇલથી પણ દર્શકોના દિલ પર રાજ કર્યું, પરંતુ લાખો દિલો પર રાજ કરનારી આ એક્ટ્રેસનું રિયલ લાઈફમાં ઘણી વખત દિલ તૂટી ચૂક્યું છે. કાજોલને કારણે અજય દેવગન સાથે બ્રેકઅપ થયું કરિશ્માએ અજય દેવગન સાથે ફિલ્મ 'જિગર'માં કામ કર્યું. ત્યારબાદ બંને 'સુહાગ', 'ધનવાન', 'સરગમ' જેવી ફિલ્મમાં સાથે જોવા મળ્યા. ફિલ્મમાં સાથે કામ કરતી વખતે બંને એકબીજાનાં ઘણાં જ નિકટ આવી ગયાં ને પ્રેમમાં પડ્યાં. કરિશ્મા સાથેના સંબંધો પહેલાં અજય દેવગનનું નામ રવિના સાથે જોડાયું હતું. રવિનાએ અજય ને કરિશ્માને રંગેહાથે પકડ્યાં હતાં. કરિશ્મા ને અજયના સંબંધોને થોડો સમય જ થયો ને એક્ટરના જીવનમાં કાજોલની એન્ટ્રી થઈ. 1995માં કાજોલ ને અજયે ફિલ્મ 'હલચલ'માં સાથે કામ કર્યું. આ દરમિયાન કાજોલ કાર્તિક મહેતાને ડેટ કરતી હતી, પરંતુ અચાનક જ બંનેનું બ્રેકઅપ થયું. અક્ષય ખન્ના સાથે લગ્નની ચર્ચા ચાલી અજય દેવગન સાથે બ્રેકઅપ થયા પછી જ્યારે કરિશ્મા કપૂર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તે અક્ષય ખન્નાને મળી. અહેવાલો અનુસાર, અક્ષય ખન્ના અને કરિશ્મા કપૂર નજીક આવ્યા અને વાત લગ્ન

સુધી પહોંચી. કરિશ્મા કપૂરના પિતા રણધીર કપૂરે પોતે તેમની પુત્રીનો પ્રસ્તાવ વિનોદ ખન્નાના ઘરે મોકલ્યો હતો, પરંતુ આ સ્ટોરીમાં ખલનાયક કરિશ્માની માતા બબીતા ​​કપૂર હતી. તે સમયે કરિશ્માની કારકિર્દી ટોચ પર હતી. બબીતા ​​ઇચ્છતી ન હતી કે તેની પુત્રી કરિશ્મા કપૂર તેના કારકિર્દીના આ તબક્કે લગ્ન કરે, તેથી તેણે આ પ્રસ્તાવને નકારી કાઢ્યો. ગોવિંદા સાથે રિલેશનશિપમાં હતી કરિશ્મા કપૂર અને ગોવિંદાની જોડી ફિલ્મોમાં ખૂબ જ હિટ રહી હતી. ચાહકો તેમને પડદા પર સાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત થતા હતા. કરિશ્માએ ગોવિંદા સાથે 11 ફિલ્મ કરી. સાથે કામ કરતી વખતે અફવાઓ ફેલાઈ હતી કે તેઓ એકબીજા સાથે રિલેશનશિપમાં છે. જ્યારે આ અફવાઓ મીડિયામાં ફેલાવા લાગી, ત્યારે તે બંને એકબીજાથી અલગ થઈ ગયા. સલમાન ખાન સાથેના અફેરની પણ અફવાઓ હતી ગોવિંદા પછી, સલમાન ખાન કરિશ્માના જીવનમાં આવ્યો. કરિશ્માએ સલમાન સાથે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સમય દરમિયાન, તેમના નામ એકબીજા સાથે જોડાયા. બંને વચ્ચેના અફેરના સમાચાર હેડલાઇન્સમાં આવવા લાગ્યા. બંનેએ તેના સંબંધો વિશે વાત કરી નહીં. પછી એક સમય એવો આવ્યો જ્યારે તેઓ અલગ થઈ ગયા. કપિલ શર્માના શોમાં કરિશ્માએ ખુલાસો કર્યો કે તેને સલમાન ખાન પર ક્રશ હતો. ભાઈના લગ્નમાં અભિષેક બચ્ચનને મળી 1997માં અભિષેકની બહેન શ્વેતા બચ્ચનનાં લગ્ન કરિશ્માનાં ફોઈ રીતુ નંદાના દીકરા નિખિલ નંદા

સાથે થયાં. આ લગ્નમાં કરિશ્મા ને અભિષેક એકબીજાની નિકટ આવ્યાં અને બંને ડેટ કરવા લાગ્યાં. વર્ષ 2000માં કરીના કપૂર ને અભિષેકે ફિલ્મ 'રેફ્યુજી'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મના શૂટિંગ દરમિયાન કરીના એક્ટર અભિષેકને જીજાજી કહીને બોલાવતી હતી. બી-ટાઉનમાં અભિષેક ને કરિશ્માના લગ્નની રાહ જોવાતી હતી. કપૂર ને બચ્ચન પરિવારને પણ આ લગ્ન સામે કોઈ જ વાંધો નહોતો. અમિતાભના 60મા જન્મદિવસે એટલે કે 12 ઑક્ટોબર, 2002ના દિવસે કરિશ્મા-અભિષેકે સગાઈ કરી હતી. જયા બચ્ચને મીડિયામાં કરિશ્માને ભાવિ બચ્ચન બહુ તરીકે ઇન્ટ્રોડ્યૂસ પણ કરી હતી. સગાઈના ચાર મહિના બાદ જ સગાઈ તૂટી કરિશ્મા ને અભિષેકની સગાઈને માંડ ચાર મહિના થયા ને બંનેની સગાઈ તૂટી ગઈ. ચાહકો ને બી-ટાઉનને આંચકો લાગ્યો હતો. બંનેની સગાઈ તૂટ્યાની જાહેરાત રિશી કપૂર ને નીતુ સિંહે કરી હતી. આ લગ્ન તૂટવા પાછળ અનેક તર્કવિતર્ક કરવામાં આવ્યા છે. જયા બચ્ચનને કરિશ્માને લગ્ન બાદ કામ કરવાની ના પાડી? માનવામાં આવે છે કે જયા બચ્ચને કરિશ્મા આગળ શરત મૂકી હતી કે લગ્ન બાદ તે ફિલ્મમાં કામ કરશે નહીં. બબીતાને આ વાત સામે વાંધો હતો. તે ઈચ્છતા હતા કે લગ્ન બાદ પણ દીકરી કામ કરે. તેઓ આ શરત માનવા તૈયાર નહોતા ને સગાઈ તૂટી ગઈ. એક ચર્ચા એવી પણ છે કે અભિષેક ઈચ્છતો હતો કે લગ્ન બાદ કરિશ્મા સાસુ-સસરા સાથે જલસા બંગલામાં

રહે, પરંતુ કરિશ્મા અલગ રહેવા માગતી હતી. અભિષેક પેરેન્ટ્સથી અલગ થવા તૈયાર નહોતો. બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન અને પછી છૂટાછેડા અભિષેક બચ્ચનથી અલગ થયા પછી, સંજય કપૂરે કરિશ્માના જીવનમાં પ્રવેશ કર્યો. કરિશ્માએ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા. દંપતિને એક પુત્ર અને એક પુત્રી છે. જોકે, લગ્ન પછી પણ કરિશ્માના જીવનમાં પ્રેમ ખીલી શક્યો નહીં. કરિશ્માના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. કરિશ્મા કપૂર અને સંજય કપૂરના 2016માં છૂટાછેડા થયા અને તેઓ અલગ થઈ ગયા. કોર્ટમાં એકબીજા સામે આરોપો-પ્રતિઆરોપો કર્યા કરિશ્મા ને સંજયે એકબીજા પર અનેક કેસ કર્યા હતા. કરિશ્માએ પતિ પર આક્ષેપ કર્યો હતો કે હનિમૂનની રાત્રે પતિએ મિત્રોમાં તેની બોલી લગાવી હતી અને ભાવ પણ નક્કી કરી નાખ્યો હતો. તેને એક મિત્ર સાથે સૂવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે તેણે ના પાડી તો સંજયે તેને માર માર્યો હતો. કરિશ્માએ સંજય ને સાસુ પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. કરિશ્માનો આક્ષેપ હતો કે સંજય તેની પર અવાર-નવાર હાથ ઉપાડતો. તે વાગેલાનાં નિશાન મેકઅપથી છુપાવતી હતી. સાસુ પણ મેન્ટલી ને ફિઝિકલી ટોર્ચર કરતાં. કરિશ્માએ એમ પણ કહ્યું હતું કે જ્યારે તે પ્રેગ્નન્ટ હતી ત્યારે સાસુએ તેને ડ્રેસ પહેરવા આપ્યો હતો, પરંતુ તે તેને ટાઇટ પડતાં તે પહેરી શકી નહોતી. આ સમયે પતિ સંજયે માર મારવાનું કહ્યું હતું.

કરિશ્માએ કોર્ટમાં એવું પણ કહ્યું હતું કે પરિણીત હોવા છતાં સંજય પ્રેમિકા પ્રિયા સચદેવ સાથે લિવ ઇનમાં રહેતો હતો. સંજય નિયમિત રીતે ડ્રગ્સ લેતો. કરિશ્માના આક્ષેપો બાદ સંજયે પણ સામે આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે કરિશ્માએ માત્ર ને માત્ર પૈસા માટે તેની સાથે લગ્ન કર્યાં હતાં. રણધીર કપૂરે કહ્યું, 'મારી મરજી વિરુદ્ધ દીકરીનાં લગ્ન કરાવવામાં આવ્યાં' ડિવોર્સ કેસ દરમિયાન રણધીર કપૂરે કહ્યું હતું, 'દરેકને ખ્યાલ છે કે અમે કપૂર છીએ. અમારે બીજાના પૈસાની ક્યારેય જરૂર નથી. અમારી પાસે ભગવાનની દયાથી પૈસા ને ટેલેન્ટ બંને છે. અમે ટેલેન્ટની મદદથી આરામથી આખું જીવન પસાર કરી શકીએ છીએ. સંજય થર્ડ ક્લાસ માણસ છે. હું ક્યારેય નહોતો ઈચ્છતો કે કરિશ્માનાં લગ્ન સંજય સાથે થાય. સંજયે ક્યારેય કરિશ્માને સારી રીતે રાખી નથી. તે પરિણીત હોવા છતાં અન્ય સ્ત્રી સાથે રહે છે. આખા દિલ્હીને ખબર છે કે સંજય કેવો માણસ છે. હું આ મુદ્દે વધારે કંઈ કહેવા માગતો નથી.' પૂર્વ પતિના મૃત્યુથી ખૂબ જ આઘાત લાગ્યો કરિશ્માએ ભલે સંજય કપૂરને છૂટાછેડા આપી દીધા હોય, પરંતુ તેમના મૃત્યુથી તેને ખૂબ જ આઘાત લાગ્યો છે. સંજય કપૂરનું 12 જૂન 2025ના રોજ 53 વર્ષની વયે ઇંગ્લેન્ડ, યુકેમાં અચાનક હાર્ટએટેકથી અવસાન થયું. 19 જૂનના રોજ કરિશ્મા કપૂરે તેના પૂર્વ પતિ સંજય કપૂરને અંતિમ વિદાય આપી.

Leave a Reply

Related Post