Mahakumbh 2025: માઘ પૂર્ણિમાએ 1.30 કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી

Mahakumbh 2025: માઘ પૂર્ણિમાએ 1.30 કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી
Email :

આજે માઘ પૂર્ણિમા છે. આ દિવસે નદીમાં સ્નાન કરવાનું અનેરુ મહત્વ છે. તેમાં પણ મહાકુંભ ચાલી રહ્યો છે. ત્યારે આજે અમૃત સ્નાનને લઇને આજે દેશભરમાંથી લોકો ઉમટ્યા છે. પ્રયાગરાજમાં જબરદસ્ત ભીડ છે. સંગમ તટથી 10 કિમી સુધી નજર પહોંચે ત્યાં શ્રદ્ધાળુઓ જ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી મહાકુંભમાં 45 કરોડ શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે. જ્યારે આજના દિવસે જ 1.30 કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. અનુમાન છે કે આજે 2.5 કરોડ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરી શકે છે.
પુષ્પ વર્ષા કરાઇ
આજે માઘ પૂર્ણિમાના અમૃત સ્નાનને લઇને શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટર દ્વારા 25 ક્વિન્ટલ ફુલ વરસાવવામાં આવ્યા. પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ બાદ ટ્રાફિક પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરમાં વાહનોનો પ્રવેશ બંધ કરી દેવાયો છે.. મહાકુંભ મેળા ક્ષેત્રમાં પણ કોઈ વાહન ચાલશે નહીં. આવી સ્થિતિમાં, ભક્તોને સંગમ પહોંચવા માટે 8 થી 10 કિમી ચાલીને જવું પડે છે. વહીવટીતંત્ર પાર્કિંગમાંથી શટલ બસો ચલાવી રહ્યું છે. પરંતુ તે મર્યાદિત છે.
ભીડ ન થાય તેનું ખાસ ધ્યાન
સંગમ ખાતે અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત છે. ભીડ ન વધે તે માટે લોકોને ત્યાં રોકાવાની મંજૂરી નથી. મોટાભાગના લોકોને સ્નાન માટે અન્ય ઘાટ પર મોકલવામાં આવી રહ્યા છે. પહેલી વાર, ભીડને નિયંત્રિત કરવા માટે 15 જિલ્લાના ડીએમ, 20 આઈએએસ અને 85 પીસીએસ અધિકારીઓને મેળામાં તૈનાત કરવામાં આવ્યા છે.

સીએમ યોગી રાખી રહ્યા છે નજર
લખનૌમાં સીએમ યોગી સવારે 4 વાગ્યાથી મુખ્યમંત્રી નિવાસસ્થાને બનેલા વોર રૂમમાંથી મહાકુંભનું નિરીક્ષણ કરી રહ્યા છે. ડીજી પ્રશાંત કુમાર, મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદ અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર છે.

હવે ક્યારે અમૃત સ્નાન ?
ઉલ્લેખનીય છે કે આજે મહાકુંભનો 31મો દિવસ છે. આ પહેલા પણ ચાર સ્નાન ઉત્સવો થઈ ચૂક્યા છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગભગ 46 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. હવે છેલ્લો સ્નાન ઉત્સવ 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના રોજ થશે. જ્યોતિષીઓના મતે માઘ પૂર્ણિમા સ્નાન માટે શુભ સમય સાંજે 7.22 વાગ્યા સુધીનો રહેશે. મહા કુંભ મેળામાંથી ભીડ ઝડપથી વિખેરાઈ જાય તે માટે હનુમાન મંદિર, અક્ષયવ઼ડ અને ડિજિટલ મહા કુંભ કેન્દ્ર બંધ કરવામાં આવ્યા છે. આજે કલ્પવાસ પણ સમાપ્ત થશે. સંગમમાં સ્નાન કર્યા પછી લગભગ 10 લાખ કલ્પવાસીઓ ઘરે પાછા ફરશે.

Related Post