મૌની અમાસ પર પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. નાસભાગના કારણોની તપાસ માટે યોગી સરકાર દ્વારા ન્યાયિક તપાસ પંચની રચના કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તપાસ માટે પંચ સોમવારે પ્રયાગરાજ પહોંચી ગયું છે. પંચ મહા કુંભ મેળાના વિસ્તારમાં જઈને નાસભાગના કારણોની તપાસ કરશે અને યોગી સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે.
તપાસ પંચે પહેલા જ નાસભાગની માહિતી માંગી છે
મહાકુંભમાં મૌની અમાસ પર નાસભાગની ઘટનાની તપાસ માટે રચાયેલ ન્યાયિક પંચે સામાન્ય લોકો પાસેથી માહિતી માગી છે. પંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ આયોગની ઓફિસમાં પોતાનું નિવેદન નોંધી શકે છે. મેલ આઈડી પર પણ માહિતી આપી શકાય છે. આ માટે કમિશને ફોન નંબર 0522-2613568 અને મેઇલ આઈડી mahakumbhcommission@gmail.com જાહેર કર્યો હતો.
ત્રણ સભ્યોનું પંચ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે
ન્યાયિક પંચે લખનઉના હઝરતગંજના વિકાસ ભવન, જનપથ માર્કેટમાં એક ઓફિસની સ્થાપના કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ હર્ષ કુમારની અધ્યક્ષતામાં રચાયેલ ત્રણ સભ્યોનું પંચ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે. કમિશન એક મહિનામાં તેનો તપાસ રિપોર્ટ સરકારને સોંપશે.
નાસભાગને લઈને સપા યોગી સરકાર પર પ્રહારો કરી રહી છે
મહાકુંભ નાસભાગ મામલે સમાજવાદી પાર્ટી (SP) યોગી સરકાર પર પ્રહારો કરી રહી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ સતત યોગી સરકાર પર નાસભાગમાં મોતનો આંકડો છુપાવવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમણે સંસદના બજેટ સત્રમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
પ્રયાગરાજ મહાકુંભમાં અંતિમ સ્નાન 26 ફેબ્રુઆરીએ છે
પ્રયાગરાજ મહાકુંભમાં અંતિમ સ્નાન 26 ફેબ્રુઆરીએ છે. એટલે કે મહાશિવરાત્રીના સ્નાન બાદ મહાકુંભ સમાપ્ત થશે. મહાશિવરાત્રીને લઈને વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. ટ્રાફિક વ્યવસ્થાને સંભાળવા માટે રવિવારે 6 વધુ IPS અધિકારીઓને પ્રયાગરાજ મોકલવામાં આવ્યા છે.