Mahashivratri 2025: ગ્રહોના શુભ સંયોગ વચ્ચે મહાશિવરાત્રી, કુંભ રાશિમાં સૂર્ય, શનિ,બુધનો યોગ

Mahashivratri 2025: ગ્રહોના શુભ સંયોગ વચ્ચે મહાશિવરાત્રી, કુંભ રાશિમાં સૂર્ય, શનિ,બુધનો યોગ
Email :

પ્રયાગરાજ ખાતે યોજાયેલા ઐતિહાસિક મહાકુંભ મેળાને પગલે દેશભરમાં ભક્તિ, આસ્થા, શ્રાદ્ધાનો માહોલ છવાયો છે. એવામાં મહાકુંભના યોગ વચ્ચે આગામી બુધવારે મહાશિવરાત્રીનું પર્વ આવતું હોય ઉજવણી માટે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ, ઉન્માદ દેખાયા છે. બુધવારે ગ્રહોના શુભ સંયોગ વચ્ચે મહાશિવરાત્રી પર્વ ઉજવાશે. શ્રવણ નક્ષત્રમાં પર્વની ઉજવણી, ધનિષ્ઠા નક્ષત્રમાં ચારેય પ્રહરની પૂજા સાથે જ કુંભ રાશિમાં સૂર્ય, શનિ, બુધનો યોગ જોવા મળશે. શહેરના શિવાલયોમાં શણગાર સાથે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અનેક શિવાલયોમાં ઘીના આકર્ષક કમળ બનાવી દર્શનાર્થે મુકાશે.

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભનું છેલ્લું શાહી સ્નાન મહાશિવરાત્રી નિમિત્તે થશે

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભનું છેલ્લું શાહી સ્નાન મહાશિવરાત્રી નિમિત્તે થશે. તેને લઇને આ વર્ષે મહાશિવરાત્રી પર્વની ઉજવણી લાખો, કરોડો ભક્તો માટે વિશેષ બની રહેશે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ વર્ષે મહાશિવરાત્રીએ કેટલાક વિશેષ, રોચક યોગ બની રહ્યા છે.

બુધવારે 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11.09 વાગ્યાથી ગુરુવારે સવારે 08.55 વાગ્યા સુધી ચૌદશ તિથિ છે

બુધવારે 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11.09 વાગ્યાથી ગુરુવારે સવારે 08.55 વાગ્યા સુધી ચૌદશ તિથિ છે. મહાશિવરાત્રી વેળાએ રાત્રી પૂજનનું વિશેષ મહત્ત્વ હોય બુધવારે મહાશિવરાત્રી ઉજવાશે. બુધવારે સાંજે 5.23 વાગ્યા સુધી શ્રવણ નક્ષત્ર છે. ત્યારબાદ ધનિષ્ઠા નક્ષત્ર શરૂ થશે. બુધવારે મધરાત્રીએ 2.58 વાગ્યા સુધી પરિધ યોગ રહેશે. જ્યારે રાત્રીએ 10.06 વાગ્યા સુધી વિષ્ટિકરણનો યોગ છે. જોકે, શિવ નીલકંઠ, વિષનું ગ્રહણ કરનારા હોય વિષ્ટિ નડશે નહીં. આ દુર્લભ યોગમાં શિવપૂજા કરવાથી ભક્તોની મનોકામના પૂરી થશે. પૂજા-અર્ચનાથી કુંડળીમાં રહેલા ગ્રહદોષ શાંત થશે.

પર્વ વેળા ત્રણ ગ્રહોની કુંભ રાશિમાં હાજરી શુભ સંકેત

સૂર્યદેવ ગત 12 ફેબ્રુઆરીથી, બુધ 11 ફેબ્રુઆરીથી અને શનિદેવ હાલમાં કુંભ રાશિમાં છે. સૂર્ય અને શનિદેવ પિતા-પુત્ર છે. સૂર્ય શનિની રાશિ કુંભમાં રહેશે. આ સ્થિતિમાં બુદ્ધાદિત્ય યોગ બનશે. વધુમાં, શાસ્ત્રો પ્રમાણે મહાશિવરાત્રી નિમિત્તે ભોલેનાથ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. ભગવાને માતા પાર્વતી સાથે લગ્ન કરી પારિવારિક જીવનમાં પ્રવેશ કર્યો હતો. શિવ-શક્તિ એકબીજાના પૂરક છે. આ દિવસે ઉપવાસ કરનારા, ભોલેનાથની પૂજા કરનારા સૌ કોઇની મનોકામના પૂરી થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું શિવપુરાણમાં કહેવાયું છે.

બ્રહ્મમુહૂર્ત, ચારેય પ્રહરની પૂજાનું વિશેષ મહાત્મ્ય

મહાશિવરાત્રીએ બ્રહ્મમુહૂર્તમાં પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. બુધવારે સવારે 5.17 વાગ્યાથી 06.05 વાગ્યા સુધીનું બ્રહ્મમુહૂર્ત રહેશે. જ્યારે સંધ્યાકાળ પછી સાંજે 6.29થી 09.34 સુધીનું પ્રથમ પ્રહર, 9.34થી મધરાત્રીએ 12.39 વાગ્યા સુધીનું બીજું પ્રહર, રાત્રીએ12.39થી 03.45 સુધીનું ત્રીજું અને 03.45થી 06.50 સુધીનું ચોથું પ્રહર રહેશે. અનેક શિવાલયોમાં ચારેય પ્રહરની પૂજા કરાશે. જ્યારે મહાશિવરાત્રીનો નિશિથ કાળ મધરાત્રીએ 02.36થી 01.24વાગ્યા સુધીનો રહેશે. મધરાત્રીએ 12 વાગ્યે ઘીના કમળના દર્શન ખુલ્લા મુકાશે.

Related Post