સ્ત્રીમાંથી પુરુષ કરતાં પુરુષમાંથી સ્ત્રી થવાની સર્જરી વધી: ગુજરાતમાં આંતરડામાંથી પ્રાઇવેટ પાર્ટ બનાવવાની નવી ટેક્નિક, એકથી દોઢ વર્ષનો લાગે છે સમય

સ્ત્રીમાંથી પુરુષ કરતાં પુરુષમાંથી સ્ત્રી થવાની સર્જરી વધી:ગુજરાતમાં આંતરડામાંથી પ્રાઇવેટ પાર્ટ બનાવવાની નવી ટેક્નિક, એકથી દોઢ વર્ષનો લાગે છે સમય
Email :

ભારતીય ક્રિકેટ ટીમના એક સમયના સ્ટાર ખેલાડી સંજય બાંગરનો દીકરો હવે દીકરી બની ચૂક્યો છે. થોડા સમય પહેલાં જ આર્યન બાંગરે જેન્ડર ચેન્જ સર્જરી કરાવીને અનાયા નામ પણ રાખી લીધું. 2023માં તેણે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી પણ કરાવી હતી. આ મુદ્દે ખૂબ ચર્ચા થઈ અને લોકોએ પોતપોતાની રીતે તર્ક પણ સોશિયલ મીડિયા પર આપ્યા. તમને જાણીને નવાઈ લાગશે કે આવી સર્જરી કરાવનારા લોકોનું પ્રમાણ ગુજરાતમાં પણ વધી રહ્યું છે. ગુજરાતનાં મોટાં શહેરો અમદાવાદ, સુરત અને વડોદરામાં પ્લાસ્ટિક સર્જન જેન્ડર બદલવાની સર્જરી કરી રહ્યા છે. ઘણા લોકોએ લાખો રૂપિયા ખર્ચીને પોતાના જ અંગમાંથી પ્રાઇવેટ પાર્ટ બનાવડાવીને સર્જરી કરાવી નવું જીવન જીવી રહ્યા છે. ન્યુ ગુજરાતે અમદાવાદમાં રહેતી એક એવી વ્યક્તિ સાથે વાતચીત કરી, જેમણે થોડા સમય પહેલાં જ જેન્ડર સર્જરી કરાવી છે. તેઓ પુરુષમાંથી સ્ત્રી બન્યા છે. આ ઉપરાંત અમદાવાદ અને સુરતમાં જેન્ડર સર્જરી કરતા બે પ્લાસ્ટિક સર્જનનો પણ મત જાણ્યો, જેમાં ચેસ્ટ અને બોટમ સર્જરી કેવી રીતે થાય છે? અંગો કેવી રીતે બને છે? પ્રાઇવેટ પાર્ટ ઉપરાંત પણ કઈ-કઈ સર્જરી થાય છે અને કેવી કાયદાકીય પ્રક્રિયા અનુસરવી પડે છે? એ જાણકારી મેળવી હતી. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ડૉ.હર્ષ અમીન ઘણા સમયથી પ્લાસ્ટિક સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં તેમણે 200 કરતા વધુ ટ્રાન્સજેન્ડરમાં બ્રેસ્ટ ઈમ્પલાન્ટની સર્જરી કરી છે. આ ઉપરાંત 65થી 70 લોકોની જનાઇટલ સર્જરી પણ કરી છે. ન્યુ ગુજરાત સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, મોટાભાગના લોકો શોખથી જેન્ડર ચેન્જની સર્જરી નથી કરાવી રહ્યાં. આ એ લોકો હોય છે, જેમની અંદર જેન્ડર ડિસ્ફોરિયા હોય છે. જેમાં એ વ્યક્તિ પુરુષ હોય પરંતુ તેના વિચારો મહિલા જેવા હોય. છેલ્લાં પાંચ વર્ષામાં સર્જરી કરાવનારની સંખ્યા વધી સુરતમાં 2004થી પ્લાસ્ટિક સર્જરી કરનાર કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન ડૉ.આશુતોષ શાહે જણાવ્યું, જ્યારથી 377ની કલમ નાબૂદ કરવામાં આવી ત્યારથી સરકાર

એક રીતે તેમને મદદ કરી રહી છે. પહેલાં તેને માનસિક બીમારી ગણવામાં આવતી હતી. પણ હવે ટ્રાન્સજેન્ડરને પણ નોર્મલ ગણવામાં આવે છે. ઘણી જગ્યાએ સ્ત્રી, પુરુષ અને અન્ય એમ ત્રણ ઓપ્શન લખવામાં આવે છે. એટલે છેલ્લાં પાંચેક વર્ષમાં સર્જરીનું પ્રમાણ ખૂબ વધ્યું છે. સમાજમાં એવા કેટલાક લોકો છે જે જન્મથી પુરુષ હોય પણ તેમની વર્તણૂંક અને તેમની ગમતી વસ્તુઓ, પહેરવેશ મહિલાઓ જેવો હોય છે. આવા લોકો જો મનોચિકિત્સકની સલાહ લે અને તેમને જેન્ડર ડિસ્ફોરિયા હોવાનું પુરવાર થાય તો સર્જરી કરાવીને તેઓ ખૂબ સારી જિંદગી જીવી શકે છે. પણ સમાજના ડરના કારણે અને પૂરતી જાણકારી ન હોવાના કારણે આવા લોકો સાચા ડૉક્ટર સુધી પહોંચી શકતા નથી. વર્ષો પહેલાં જેન્ડર ચેન્જની સર્જરી પ્રચલિત નહોતી. મનોચિકિત્સક આવા લોકોને ઈલેક્ટ્રિક શોક આપીને એમની થિંકિંગ પેટર્નને બદલવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ સમયાંતરે ખ્યાલ આવ્યો કે આ વસ્તુ શક્ય જ નથી. એટલે જેન્ડર રિઅસાઈનમેન્ટ સર્જરી કે જે ભૂતકાળમાં સેક્સ ચેન્જ સર્જરી કહેવાતી, એ પ્રચલિત થઈ. વ્યક્તિની મરજી-જરૂરિયાત મુજબ સર્જરી થાય છે એક્સપર્ટના મતે જેન્ડર રિઅસાઈનમેન્ટ એટલે કે પુરુષમાંથી સ્ત્રી અને સ્ત્રીમાંથી પુરુષ બનવાની સર્જરી અલગ-અલગ પ્રકારે થાય છે. કેટલાક લોકો એવા હોય છે તે પ્રાઇવેટ પાર્ટ સહિત પોતાનું આખુ શરીર ટ્રાન્સફોર્મ કરાવડાવે છે. જ્યારે અમુક લોકો માત્ર સ્ત્રી કે પુરુષ જેવો દેખાવ કે બાંધો થઈ જાય એવી સર્જરી કરાવે છે. આંતરડામાંથી બને છે પ્રાઇવેટ પાર્ટ તેઓ જણાવે છે, જૂની પદ્ધતિમાં વજાઇનાની ઊંડાઈ નહોતી ક્રિએટ કરી શકતા. હવે આંતરડાની મદદથી વજાયના બનાવીએ છીએ એટલે ઘણા પ્રશ્નોનું નિરાકરણ લાવી શક્યા છીએ. અમે એક ફિમેલમાં હોય એવી જ વજાઇના ડેવલપ કરી આપીએ છીએ. એટલે કુદરતી રીતે 100 ટકા તો નહીં પણ એની જેટલા નજીક લઈ જઈ શકીએ એવો સર્જિકલ એક્સપિરિયન્સ અમે આપી શકીએ છીએ. ડૉ.હર્ષ અમીનના જણાવ્યા પ્રમાણે આ સર્જરી અન્ય કરતા અલગ

છે. એવું નથી કે કોઈ વ્યક્તિ મોં માગ્યા રૂપિયા આપે અને સર્જરી થઈ જાય. કારણ કે એકવાર સર્જરી થઈ ગયા પછી દર્દીને લાગે કે ખોટું કરાવ્યું, આવી જરૂર ન હતી. હવે ફરીથી પહેલાં જેવી જ સ્થિતિ કરી આપો, તો એ શક્ય નથી. એટલે પહેલાં જ જાણી લેવું પડે કે જે તે વ્યક્તિને જેન્ડર ચેન્જની સર્જરી કરાવે તો તેની જિંદગીમાં સકારાત્મક બદલાવ આવશે કે નહીં. સર્જરી પહેલાં એફિડેવિટ જરૂરી સર્જરી પહેલાં ત્રણ-ચાર પ્રકારના એફિડેવિટ તૈયાર કરવામાં આવે છે. જેમાં વકીલની હાજરીમાં જ આ સર્જરીથી થતી મુશ્કેલી અને સર્જરીના જોખમો તેમજ સર્જરી કરાવનાર પરિણિત છે કે નહીં? વ્યક્તિ પોતે આ સર્જરી કરાવવા માટે માનસિક રીતે તૈયાર છે, તેમને કોઈએ દબાણ કરેલું નથી, પતિ કે પત્ની પણ આ બાબતે રાજી છે, તેમને વાંધો નથી. આવી વિગતો એફિડેવિટમાં લખવાની હોય છે. એકવાર ડોક્યુમેન્ટેશન પૂરું થઈ ગયા પછી જ સર્જરીની પ્રક્રિયા શરૂ થાય છે. જેન્ડર ચેન્જ સર્જરીનું પહેલું સ્ટેપ એટલે હોર્મોન્સ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવતા પહેલાં હોર્મોન્સ રિપ્લેસમેન્ટ થેરાપી કરવામાં આવે છે. જેમ કે પુરુષમાંથી સ્ત્રી થવું હોય તો એમાં ફિમેલ હોર્મોન્સના ઇન્જેક્શન કે ગોળીઓ આપવામાં આવે છે. જો 6 મહિના હોર્મોન્સ થેરાપી લીધા પછી દર્દીને એમ લાગે છે કે આ બરાબર નથી તો ત્યાં જ અટકી શકાય છે. મનોચિકિત્સકના સર્ટિફિકેટ વગર સર્જરી ન થઈ શકે જો બ્રેસ્ટ સર્જરી કરાવવી હોય તો એક મનોચિકિત્સકનું સર્ટિફિકેટ જોઈએ. જેમાં ઉલ્લેખ હોય કે આ વ્યક્તિની વિચારવાની શક્તિ સામાન્ય છે. તેને જેન્ડર ડિસ્ફોરિયા છે. જો તે વ્યક્તિની સેક્સ રિઅસાઈમેન્ટ સર્જરી થશે તો તેની જિંદગી સુધરી શકે તેમ છે. આ સર્ટિફિકેટ બાદ જ પ્લાસ્ટિક સર્જન તેની સર્જરી કરે છે. જો બોટમ સર્જરી કરાવવી હોય, જેમાં પેનિસમાંથી વજાઇના અથવા તો વજાયનામાંથી નવું પેનિસ ક્રિએટ કરવાનું હોય તો આવા કિસ્સામાં બે મનોચિકિત્સકના સર્ટિફિકેટની જરૂર પડે છે.

જેમાં બન્ને મનોચિકિત્સક અલગ-અલગ રીતે પોતાના મંતવ્યો રજૂ કરે કે જેન્ડર ચેન્જ માટે સર્જરી કરવાથી આ વ્યક્તિની જિંદગી સુધરે એમ છે. તો જ સર્જરી થઈ શકે છે. સર્ટિફિકેટ આપતાં પહેલાં મનોચિકિત્સક શું-શુું ચકાસે છે? ડૉ.આશુતોષ શાહે જણાવ્યું, મનોચિકિત્સક જે તે વ્યક્તિને ઓપોઝિટ જેન્ડરનાં કપડાં પહેરાવે છે અને જુએ કે તે સામાન્ય રીતે વર્તન છે કે નહીં? આ રીતે તેને ફાવશે કે નહીં? એ વ્યક્તિનું પોતાનું એક્સેપ્ટન્સ કેટલું છે? જેના આધારે સર્ટિફિકેટ આપે અને હોર્મોન સર્જરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. હોર્મોન બદલ્યા પછી પ્લાસ્ટિક સર્જરી થાય છે. માત્ર પ્રાઇવેટ પાર્ટ નહીં, બીજી પણ ઘણી સર્જરી થાય છે ડૉ.હર્ષ અમીને કહ્યું, જો કોઈને પુરુષમાંથી સ્ત્રી બનવું હોય તો તેની બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવે છે. જેમાં તેમના બ્રેસ્ટ ઈમ્પ્રૂવ કરીને મહિલા જેવો દેખાવ આપી શકીએ છીએ. સાથે જ પેનિસમાંથી સ્ક્રોટ્રોમ (અંડકોશ) અને ટેસ્ટિસ (વૃષણ) હટાવીને વજાઇના બનાવીએ છીએ. સામાન્ય રીતે ડૉક્ટર્સ અલગ-અલગ સેશન્સમાં આ ઓપરેશન કરતા હોય છે. પરંતુ અમે ઘણા કેસમાં આ બન્ને સર્જરી એક સાથે કરેલી છે. જેથી ખૂબ જ ઓછા સમયમાં દર્દીનું ટ્રાન્સફોર્મ થઈ શકે. એકવાર ઓપરેશન થઈ જાય પછી પણ બીજી સર્જરી કરવાની જરૂર પડે છે. બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરવાથી દર્દીનો આગળથી દેખાવ મહિલા જેવો લાગે છે. જો પાછળથી પણ મહિલા જેવો દેખાવ જોઈએ તો કમરમાં લાયપોસેક્શન કરીને ત્યાંની ચરબીને ઓછી કરી શકાય છે. જ્યારે બટકમાં ફેટ ઈન્જેક્શન અથવા ઈમ્પ્લાન્ટથી બટકનો શેપ મહિલા જેવો કરી શકાય છે. આ ઉપરાંત ચહેરો પણ મહિલા જેવા બનાવવા માટે સર્જરી કરવામાં આવે છે, જેમાં હેરલાઈન, નાકથી લઈને ઘણાં બધાં અંગોને પ્લાસ્ટિક સર્જરીથી નવો દેખાવ આપી શકાય છે. જોકે ઉપર જણાવેલો સમય અંદાજિત છે. ઓપરેશન પછી દર્દીના હીમોગ્લોબિનના લેવલ પર સર્જરીનો સમય આધાર રાખે છે, એટલે દરેક દર્દી માટે આ નિર્ણય તેની શારીરિક સ્થિતિ પ્રમાણે લેવાતા હોય

છે. 22 કે 23 વર્ષની ઉંમરે સર્જરી કરાવવી યોગ્ય ડૉ.હર્ષ અમીને કહ્યું, અમે 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિની આવી સર્જરી નથી કરતા. 22 કે 23 વર્ષની ઉંમર પછી આવી સર્જરી કરાવવી યોગ્ય છે, કારણ કે એ સમયે કોઈના પ્રભાવમાં આવીને આવા નિર્ણય લેવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે. સર્જરી કરાવવા માટે આવતા લોકોની ઉંમર મોટે ભાગે 30થી 40 વર્ષનું હોય છે. સ્ત્રીમાંથી પુરુષ થવાની સર્જરી મુશ્કેલ છે. એમાં ઈરેક્શન, સેક્સ વગેરેમાં થોડી મુશ્કેલી આવે છે. જ્યારે પુરુષમાંથી સ્ત્રી બનવાની સર્જરી સાપેક્ષમાં થોડી સરળ છે. એટલે તેમની સંખ્યા વધી છે. ડૉ.હર્ષ અમીને કહ્યું, અમે એ જ વ્યક્તિના શરીરની ચામડીમાંથી પેનિસ બનાવી શકીએ છી.એ જેમાં બ્લડ સપ્લાય સાથે લઈને જ્યાં પેનિસનું નવું લોકેશન બનવાનું છે ત્યાંના બ્લડ સપ્લાય અને ચેતાતંતુ સાથે જોડાણ કરવું પડે. જેથી તેમાં લોહી ફરે પણ ખરું. ફાયદા-ગેરફાયદા જાણીને દર્દી નિર્ણય લે ડૉ.હર્ષ અમીને કહ્યું, ત્રણેયના ફાયદા અને ગેરફાયદાઓ પણ છે. જેમ કે પેટની ચામડીમાંથી પેનિસ બનાવવામાં આવે તો તેમાં સેન્સેસન્સ નથી આવતાં. પણ આ જગ્યાએથી ચામડી લેવામાં આવે તો કોઈના ધ્યાને ન આવે એ ફાયદો છે. હાથની ચામડી લઈએ તો સેન્સેસન્સ આવે પણ નિશાન અન્ય વ્યક્તિ પણ જોઈ શકે. પગની ચામડી લઈને તો સેન્સેસન્સ પણ આવે અને નિશાન પણ છૂપાય છે. પણ પગની ચામડી જાડી હોવાથી પેનિસની સાઈઝ વધી જાય છે. એટલે અમે ત્રણેયના ફાયદા અને ગેરફાયદા દર્દીને સમજાવીએ છીએ. પછી તેઓ નક્કી કરે એ પ્રમાણે અમે સર્જરી કરી આપીએ છીએ. શરીરથી સ્ત્રી કે પુરુષ બન્યા પછી સર્ટિફિકેટમાં નામ બદલવાની પ્રક્રિયા એકવાર સર્જરી થઈ ગયા પછી જે તે વ્યક્તિના તમામ ડૉક્યુમેન્ટમાં પણ તેનું જેન્ડર બદલવાની પ્રક્રિયા કરવાની હોય છે. જ્યારે સર્જરી પૂરી થાય છે એ પછી ડૉક્ટર જ એક સર્ટિફિકેટ આપે છે, જેમાં લખ્યું હોય કે જે તે વ્યક્તિએ જેન્ડર ચેન્જની સર્જરી

કરાવી છે. આ સર્ટિફિકેટને સરકારી હોસ્પિટલના રેડિટન્ડ મેડિકલ ઓફિસરને બતાવામાં આવે છે. તેઓ આ સર્ટિફિકેટની ખરાઈ કરી આપે. પછી વકીલ મારફતે ગેઝેટમાં પબ્લિશ કરાવવાનું હોય છે. એકવાર ગેઝેટમાં પબ્લિશ થઈ જાય પછી આધાર કાર્ડ, સ્કૂલ માર્કશીટ સહિતના તમામ ડૉક્યુમેન્ટમાં ફેરફાર માટે અરજી કરી શકે છે. ઘણા ઘનાઢ્ય લોકોએ જેન્ડર ચેન્જ સર્જરી કરાવી ડૉ.હર્ષ અમીનના જણાવ્યા પ્રમાણે આવી સર્જરી કરાવનાર લોકોમાં બિઝનેસમેન, ડૉક્ટર જેવા વ્યવસાય સાથે જોડાયેલા લોકો પણ છે. એટલે સામાન્ય લોકો માને કે કિન્નર હોય એ જ ટ્રાન્સજેન્ડર હોય, પણ એવું નથી. જો લોકો ભણેલા હોય તો આ બાબતની સ્વીકાર્યતા વધારે હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં અને જ્યાં શિક્ષણ ઓછું હોય ત્યાં આવી લોકોને સ્વીકાર્યતા મુશ્કેલ બની જાય છે. ઘણી વખત સર્જરી કરાવનાર પેસન્ટ પોતાની સ્થિતિ રજૂ કરતા મારી સામે રડી પડતા હોય છે. લોકો સમજતાં નથી. મને એવું લાગે છે કે આ મારું શરીર નથી. હું અલગ પાંજરામાં કેદ છું. નોન-સર્જિકલ થેરાપી શું છે ડૉ.આશુતોષ શાહે કહ્યું, જો પુરુષને સ્ત્રી બનવું હોય તો તેના દાઢી અને વાળને કાયદી ધોરણે હટાવવા માટે લેઝર હેર રિમૂવલ સર્જરી કરવામાં આવે છે. આ માટે 8થી 9 વખત પ્રક્રિયા અનુસરવી પડે છે. જ્યારે પણ કોઈ પુરુષ સ્ત્રી બનવા માગે ત્યારે સૌથી પહેલાં તેની ચેસ્ટની સર્જરી કરી બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે. પુરુષના માથા પર ટાલ હોય તો એટલા ભાગમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે છે. પુરુષોના કપાળ કરતાં સ્ત્રીઓનું કપાળ અલગ હોય છે. એટલે તેને પણ એ શેપમાં ઢાળવામાં આવે છે. પછી નાકની રાયનો પ્લાસ્ટિ કરાવવામાં થાય છે. મહિલા જેવો ચહેરો બનાવવા માટે બોટોક્સ ઈન્જેક્શન અપાય છે. પછી એક વર્ષ સુધી એ વ્યક્તિ સ્ત્રી તરીકે ફરે અને સેટલ થઈ જાય પછી તેના પ્રાઈવેટ પાર્ટની સર્જરી કરવામાં આવે છે. અમે ગુજરાતની એક એવી વ્યક્તિ સાથે પણ વાત કરી,

જેઓ જન્મથી પુરુષ હતા, પરંતુ સર્જરી કરાવીને મહિલા બન્યા છે. તેમના જ શબ્દોમાં જાણો જીવનની નવી શરૂઆત વિશે. તેમણે જણાવ્યું, 'નાનપણથી મારું વ્યવહાર અને વર્તન એક સ્ત્રી જેવું હતું. નાનપણમાં એવું પણ બન્યું છે કે એક કઝીને મારી છેડતી કરી હતી. ઘણીવાર એવું લાગ્યું કે મારી અંદ એક સ્ત્રી જીવી રહી છે. લોકો મને ખરાબ શબ્દો કહીને પણ મારી મજાક ઉડાડતા હતા. નાનપણમાં કેટલીક વખત મેં સમયે મળે ત્યારે બિંદી, ઝાંઝર, સાડી સહિતનાં કપડાં પહેર્યાં અને શણગાર પણ કર્યો હતો.' 'લગભગ છ-સાત વર્ષ પહેલાંની વાત છે. મારી ઉંમર 23-24 વર્ષ હતી. ત્યારે મને લાગ્યું કે મારે સર્જરી કરાવી લેવી જોઈએ. મારી પાસે રૂપિયા નહોતા અને પરિવાર પણ સ્વીકારવા તૈયાર ન હતો. એટલે આ ઓપરેશન થયા પછી મારું શરીર શું રિએક્ટ કરશે? સમાજના લોકો મહિલા તરીકે મને સ્વીકારશે કે નહીં? પણ સાહસ સાથે મેં સર્જરી કરાવવાનો નિર્ણય લીધો.' 'આ અગાઉ મેં મારી 19 વર્ષની ઉંમરે જ પરિવારને મારી ભાવનાઓ વિશે જણાવી દીધું હતું. એ સમયે પરિવારના લોકોએ કહ્યું હતું કે આવું કંઈ નથી કરાવાનું. તને અન્ય જગ્યાએ ભણવા મુકીશું.' 'મેં તેમને સમજાવ્યા હતા કે હું કિન્નર સમુદાયમાં જઈશ.' 'મારાં માતા-પિતાએ કહ્યું કે તું આ બધી બાબતોથી દૂર રહેજે.' 'આ વાતચીત થઈ એના થોડા જ સમયમાં મારી માતાને હાર્ટ-એટેક આવ્યો અને તેમનું અવસાન થઈ ગયું. પરિવારના સભ્યોએ કહ્યું, તું લગ્ન કરી લે. છોકરી જોડે લગ્ન કરીશ તો તારું મન બદલાશે. પણ તે શક્ય ન હતું. કેમ કે મારી ફીલિંગ જ અલગ હતી.' 'પછી એક પ્લાસ્ટિક સર્જન સાથે વાતચીત કર્યા પછી મેં સૌથી પહેલાં બોટમ સર્જરી કરાવી હતી. આ માટે એક દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ થઈ અને બીજા દિવસે સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ ઓબ્ઝર્વેશન માટે બેથી ત્રણ દિવસ હોસ્પિટલમાં રોકાઈ હતી. આ દરમિયાન

મને અસહ્ય દુ:ખાવો પણ નથી થયો. થોડા જ દિવસોમાં મારી રૂટીન લાઈફ શરૂ થઈ હતી. મારા વાળ પણ વધવાના શરૂ થઈ ગયા અને બોડીમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. લગભગ એકાદ વર્ષમાં હું મહિલા જેવી જિંદગી જીવવા લાગી. આ ઓપરેશનમાં સંપૂર્ણ જવાબદારી દર્દીની હોય છે.' 'ઓપરેશન થઈ ગયા બાદ મેં નામ ચેન્જ કરવાની પ્રક્રિયા કરી. આ માટે રાજકોટની કચેરીમાં અરજી કરી હતી. એકવાર ગેઝેટમાં નામ આવી ગયા બાદ મેં અન્ય તમામ ડૉક્યુમેન્ટમાં નામ બદલાવી નાખ્યા. હવે મારા પરિવાર સાથે વાતચીત થાય છે અને મારા પિતાએ પણ મને સ્વીકારી લીધી છે.' જેન્ડર ચેન્જ કરવા માટેની સર્જરીમાં સિવિલ હોસ્પિટલના મનોવૈજ્ઞાનિક વિભાગનો રોલ પર ઘણો મહત્વનો હોય છે, કારણ કે એમની પાસથી સર્ટિફિકેટ મળ્યા પછી જ આગળી પ્રક્રિયા થાય છે, એટલે જ આ સર્ટિફિકેટ મેળવવો પણ સરળ નથી. આમાં જે-તે વ્યક્તિની ઘણા પ્રકારે ચકાસણી થતી હોય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલા સાઇકિયાટ્રિક વિભાગના પ્રોફેસર અને હેડ ડૉ.મીનાક્ષી પરીખે કહ્યું, જે લોકોએ જેન્ડર ચેન્જ કરવા માટે સર્જરી કરાવવાની હોય એમને રેફરલ લેટરની જરૂર પડે છે. આ માટે સિવિલ હોસ્પિટલમાં અરજી કરવી પડે છે. લેટર મળ્યા પછી જ સર્જરી કરાવી શકે છે. અહીં અરજી કર્યા પછી મનોચિકિત્સક તેમને બેથી ત્રણ વખત બોલાવે છે. ક્યારે જરૂર લાગે તો વધુ વખત પણ બોલાવે. દર 15 દિવસે થતી આ મુલાકાતમાં જે તે વ્યક્તિ સાથે વાતચીત થાય છે, તેમના પરિવાર સાથે પણ વાત કરવામાં આવે છે. સર્જરી કરાવવા ઇચ્છતી વ્યક્તિની મનઃસ્થિતિની ચકાસણી થાય છે મનોચિકિત્સક કન્ફર્મ કરે કે ઓછામાં ઓછા એક વર્ષથી જે તે વ્યક્તિ સ્ત્રી હોય તો પુરુષ અને પુરુષ હોય તો સ્ત્રી તરીકે જીવે છે, તો તેને સમજાવવામાં આવે છે. જરૂર જણાય તો સાઇકોલોજિકલ ટેસ્ટ કરીને તેને કોઈ માનસિક બીમારી છે કે નહીં એ પણ ચકાસવામાં આવે છે. આ બધા તારણ

જોયા પછી જ રેફરલ લેટર આપવામાં આવે છે. 18 વર્ષથી ઓછી વયની વ્યક્તિને રેફરલ લેટર આપતા નથી. રેફરલ લેટરમાં બે મનોચિકિત્સકની સહી હોય છે. ડૉ.મીનાક્ષી પરીખે આ પ્રક્રિયાને વધુ ઊંડાણથી સમજાવતા કહ્યું, અમારી પાસે આવતાં વ્યક્તિ સાથેની વાતચીત બે પ્રકારની હોય છે. બેઝિકલી ડિટેલ હિસ્ટ્રી ટેકિંગ અને મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન. જે તે વ્યક્તિની મનોસ્થિતિ જાણવા માટે પ્રથમ તબક્કે સામાન્ય પ્રશ્નો પૂછીએ છીએ. જેમ કે, કેમ સર્જરી કરાવવી છે? કઈ રીતે જીવો છો? બીજા તબક્કામાં એ વ્યક્તિ OPDમાં દાખલ થાય ત્યારથી જ અમારું એસેસમેન્ટ ચાલું હોય છે. તેમની કપડાં, વાણી-વર્તન, બોલવાની પદ્ધતિ વગેરે બાબતોને ધ્યાને લેવામાં આવે છે. રેફરલ લેટર માટે કેવા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? ડૉ.મીનાક્ષી પરીખે કહ્યું, રેફરલ લેટર માટે ડોક્યુમેન્ટ તરીકે આધાર કાર્ડની જરૂર પડે છે. પછી અમારી રીતે તપાસ કરીને રેફરલ લેટર આપવામાં આવે છે. ગુજરાતના વિવિધ સ્થળોએ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા નિલેશકુમાર મહેતા બચપણથી જ જેન્ડર ડાયફરિયા ધરાવતા હતા, એટલે કે પોતે પુરુષ હોવા છતાં સ્ત્રી હોવાની અનુભૂતિ કરતા હતા, પરંતુ આ બાબતે કંઈ સમજાય એ પહેલાં સામાજિક રીતિરિવાજો મુજબ તેને પુરુષ હોવાના નાતે એક સ્ત્રી સાથે લગ્ન પણ કરી લીધા હતા અને એ લગ્નથી દીકરીનો જન્મ પણ થયો હતો, પરંતુ સ્ત્રી હોવા અંગેની અનુભૂતિને લીધે લગ્નજીવન ખરાબ થઈ ગયું હતું અને છૂટાછેડા થયા. આખરે સ્ત્રી બનવાનો નિર્ધાર કરી લીધો હતો અને જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી ટ્રાન્સજેન્ડર એક્ટ 2019 અંતર્ગત મંજૂરી મેળવી લીધી અને પોતાનું જેન્ડર બદલવાની ટ્રીટમેન્ટ કરાવી. દર વર્ષે સરેરાશ 40થી 50 સર્જરી કરનાર ડૉ.આશુતોષ શાહે જણાવ્યું, એકવાર જેન્ડર ચેન્જની સર્જરી થઈ જાય પછી એ વ્યક્તિ ખુશ ખુશી અને શાંતિ અનુભવે છે. તેઓ આડા રસ્તે જતા નથી અને વેલ સેટ થઈ જાય છે. કેટલાક લોકોને તેમનો પરિવાર સ્વીકારે છે અને સાથે જ રહે છે.

Leave a Reply

Related Post