Mahakumbh 2025: મહાકુંભમાં જવાના રસ્તે લાખો અટવાયા

Mahakumbh 2025: મહાકુંભમાં જવાના રસ્તે લાખો અટવાયા
Email :

ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે આયોજિત મહાકુંભ તરફ દોરી જતા 300 કિ.મી.ના રસ્તાઓ પર ટ્રાફિકજામની સ્થિતિ પ્રવર્તી રહી છે. પ્રયાગરાજની ચારે તરફના રસ્તા અર્થાત વારાણસી, જૌનપુર, મિર્ઝાપુર, કૌશમ્બી, પ્રતાપગઢ, રીવા અને કાનપુર માર્ગ પર ટ્રાફિકજામ છે. શ્રાદ્ધાળુ કલાકોથી તેમના વાહનમાં કેદ છે.

ટ્રાફિકજામને લાખો તીર્થયાત્રી કલાકો સુધી રસ્તાઓમાં અટવાયેલા રહ્યા. રીવા પ્રયાગરાજ હાઇવે પર રવિવારે લગભગ 10 કિ.મી.ના રસ્તા પર ટ્રાફિકજામ રહ્યો. મધ્યપ્રદેશ- ઉત્તરપ્રદેશ સરહદે વાહનોની કતારો હતી. તો સિહોર જબલપુર માર્ગ પર 11 કિ.મી. લાંબોટ્રાફિકજામ સર્જાયો હતો. તે ઉપરાંત કટની,મહિયર, સતના, રીવા અને ચાકઘાટ સહિતના વિસ્તારોમાં પોલીસ ઠેર ઠેર વાહનો અટકાવી રહી હતી. રાજ્યસભા સાંસદ દિગ્વિજયસિંહ પણ ટ્રાફિકજામને કારણે પ્રયાગરાજ નહીં જઈ શક્યા. ભોપાલથી નીકળેલા કપિલમુનિ મિશ્રાએ જણાવ્યું હતું કે ભોપાલથી 6 ફેબ્રુઆરીએ નીકળ્યા હતા. 8 ફેબ્રુઆરીએ રાતે 10 વાગે પણ પ્રયાગરાજ નહોતા પહોંચી શક્યા.

અભૂતપૂર્વ ટ્રાફિકજામને કારણે લોકોને રસ્તા પર પોતાના વાહનમાં જ ભરાઈ રહેવું પડયું. બાળકો, વૃદ્ધો અને મહિલાઓને કલાકો સુધી ભૂખ તરસનો સામનો કરવો પડે છે. રવિવારે અને સોમવારે પણ મહાકુંભ સ્થાનથી સેંકડો કિ.મી. દૂરના અંતરે લોકો ટ્રાફિકમાં અટવાયેલા રહ્યા. સોશિયલ મીડિયા યૂઝર્સ તેને વિશ્વનો સૌથી મોટો ટ્રાફિકજામ કહી રહ્યા છે.

પ્રયાગરાજની ચોમેર ટ્રાફિકજામ હોવાને કારણે સંગમ સ્થાન સુધી પહોંચવા લોકો 25 કિ.મી.ની પદયાત્રા કરીને પહોંચી રહ્યા છે. મહાકુંભ તરફના કેટલાક રસ્તાઓ પર તો ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે. લોકોને ભીષણ જામથી મુક્તિ અપાવવા પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત થઈ ચૂક્યા છે.

અખિલેશે સરકારની ઝાટકણી કાઢી : સપા અધ્યક્ષ અખિલેશ યાદવે એક્સ પર પોસ્ટ મૂકીને સરકારની ઝાટકણી કાઢી છે. અખિલેશે લખ્યું કે જામમાં ફસાયેલા લોકો પોતાના વાહનોમાં કેદ છે. દૈનિક કર્મ માટે મહિલાઓ માટે પણ કોઈ સ્થાન નથી. લોકો રસ્તામાં બેહોશ થવા લાગ્યા છે. તેમની સંભાળની કોઈ વ્યવસ્થા નથી. મોબાઇલ ફોનની બેટરી પૂરી થઈ ચૂકી છે. પોતાના પરિવાર સાથે પણ સંપર્ક કપાઈ ગયો છે. સંપર્ક તૂટતાં લોકોની બેેચેની વધી છે. દિવસ રાત કામ કરતા ચોથા વર્ગના કર્મચારી, સફાઇકર્મીના ભોજનની પણ વ્યવસ્થા જોવા નથી મળતી. અધિકારીઓ બંધ ખંડમાં બેસીને આદેશો આપી રહ્યા છે.પ્રયાગરાજના નગરજનોને ગંદકી,જામ અને મોંઘવારી સિવાય કાંઈ મળ્યું નથી.

મહાજામનો અહેવાલ હાઇ કમાન્ડ સુધી પહોંચ્યો :

 ભાજપ કાર્યકર્તાની ફોજ ઉતારવા નડ્ડાનો આદેશ - પ્રયાગરાજને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સાથે જોડતા રસ્તાઓ પર 60થી 70 કિ.મી. સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. લખનઉથી પ્રયાગરાજ પહોંચતાં 10થી 12 કલાક લાગે છે.આવી ગંભીર સ્થિતિનો સામનો કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારને મદદ કરવા નિર્ણય લીધો છે. પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) બી.એલ.સંતોષે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ભાજપ કાર્યકરોને સરકાર અને વહીવટીતંત્રને મદદ કરવા અને સહયોગ આપવા અપીલ કરી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ભાજપ કાર્યકર્તાઓને આવી જ આપીલ કરી છે. સંતોષે ટ્વિટ કર્યા પછી ઉત્તરપ્રદેશ ભાજપ સંગઠન સક્રિય થયું હતું. પ્રદેશ મહામંત્રી ધર્મપાલે પોતાના કાર્યકરોને જામમાં ફસાયેલા તીર્થયાત્રીને ભોજન-પાણીની સુવિધા પૂરી પાડવા આદેશ કર્યા હતા. જિલ્લા સંગઠનો પણ સક્રિય થયા હતા. કાનપુર ક્ષેત્રમાં પ્રયાગરાજ જઈ રહેલા શ્રાદ્ધાળુને મદદ પૂરી પાડવાની કામગીરી શરૂ થઈ હતી.

એક કિ.મી.નું અંતર કાપતા ત્રણ કલાક : 3 કારમાં આગ

લખનઉ રૂટની વાત કરવામાં આવે તો બલા કાછાક વિસ્તારમાં ટ્રાફિકજામની એ સ્થિતિ હતી કે રવિવારે લોકોને 1 કિ.મી.નું અંતર કાપતાં ત્રણ કલાક લાગતા હતા 12 કલાકના સમયગાળામાં 3 કાર ઓવરહીટ થતાં બળી ગઈ. અગ્નિશમન દળે એક કારના કાચ તોડીને તીર્થયાત્રીઓને બહાર કાઢયા. બે લોકો તે દરમિયાન દાઝી ગયા.શ્રાૃંગ્વેશ્વર ધામથી મલાક હરહર માર્ગ પર 23 કિ.મી.નું અંતર કાપતાં ચાર કલાક લાગ્યા.

Related Post