ગેરકાયદે જમીન ખરીદી અને નજીકનું ગૌચર પણ દબાવી દીધું: પૂર્વ સાંસદના ભાઈ-ભત્રીજા સહિતના શખસોએ 120 વીઘા ગૌચર દબાવી બગીચા બનાવી નાખ્યા

ગેરકાયદે જમીન ખરીદી અને નજીકનું ગૌચર પણ દબાવી દીધું:પૂર્વ સાંસદના ભાઈ-ભત્રીજા સહિતના શખસોએ 120 વીઘા ગૌચર દબાવી બગીચા બનાવી નાખ્યા
Email :

પ્રતિપાલસિંહ ગોહિલ, ઈમરાન હોથી

જૂનાગઢના પૂર્વ સાંસદ અને તેના પરિવારના એક બાદ એક કૌભાંડો બહાર આવી રહ્યા છે તેમાં વધુ એક ઉમેરો થયો છે. કોડીનારના અરિઠિયા અને હરમડિયા ગામના સીમાડે આવેલા કુલ 800 વીઘા ગૌચરમાંથી પૂર્વ સાંસદના ભાઈ-ભત્રીજા સહિત ચાર શખ્સે 62 વીઘા જ્યારે તેમના અન્ય મળતિયાઓએ 58 વીઘા ગૌચર વર્ષોથી દબાવી ત્યાં કેરીના બગીચા બનાવી દઈ કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે પણ હજુ સુધી સરકારી તંત્રએ તેના પર કોઇ આકરી કાર્યવાહી કરી નથી. પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને તેના પરિવારજનોએ પાંજરાપોળ ટ્રસ્ટની જમીન ગેરકાયદે પાણીના ભાવે ખરીદી લીધી છે પણ આ કૌભાંડ ત્યાં અટકતું નથી. આ ટ્રસ્ટની જમીનની આજુબાજુમાં આવેલા ગૌચરમાં પણ સોલંકીના પરિવાર અને તેમના મળતિયાઓ દ્વારા દબાણ કરી નાખવામાં આવ્યું છે. અરિઠિયા અને હરમડિયા ગામના સીમાડે આ જમીન આવેલી છે. હરમડિયા ગામના સરવે નંબર 109નું 800 વીઘા ગૌચર છે જેમાંથી 120 વીઘા ગૌચર ફરતે બાઉન્ડરી વોલ કરી કેરીના બગીચા કરી દેવાયા છે જ્યારે ગૌચરની એક ટેકરી પર તો મોટો હોજ બનાવી તેમાંથી ખોદાણ કરી ગેરકાયદે પાઈપલાઈન બિછાવી પિયત થાય છે. પૂર્વ સાંસદના ભાઈ અમરસિંહ બોઘા સોલંકીના નામની સરવે નંબર 33 પૈકી 1 ઉપરાંત સરવે નંબર 30 અને 33 અનુક્રમે રણજિતસિંહ હમીર સોલંકી અને જયદેવ હમીર સોલંકીની છે જેની આસપાસના 56 એકર તેમજ પ્રતાપ હમીર સોલંકીના નામની સરવે નં.40ની નજીકની 5 વીઘા ગૌચરની જમીન પર ગેરકાયદે કબજો કરી લેવામાં આવ્યો છે. આ તમામે પોતાની જમીનની આસપાસનું ગૌચર દબાવ્યા ઉપરાંત મળતિયાઓએ પણ બીજી જગ્યાઓ પચાવી પાડી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ગાયો માટે જમીન નથી મળી રહી અને જ્યાં ગૌચર વિશાળ માત્રામાં છે ત્યાં આવા શખ્સો દ્વારા દબાણ કરી ગાયનું ચરિયાણ છીનવી લેવામાં આવ્યું છે. જેને લઈને પશુપાલકો અને ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ છે પણ તંત્ર કોઇ કાર્યવાહી કરતું નથી.
250 એકર જમીનમાં પિયત માટે ગૌચરના ટેકરા પર જ હોજ બનાવી દેવામાં આવ્યો
{ પૂર્વ સાંસદના કુટુંબીજનોએ ગેરકાયદે ખરીદેલી પાંજરાપોળની જમીન ઉપરાંત ગૌચર પણ દબાણ કર્યું છે તેમાં પણ ઘણી ચતુરાઈ વાપરી છે. ગૌચર ટેકરીની જગ્યા પર છે એટલે તે ટેકરીની ચોતરફ બાઉન્ડરી વોલ કરીને તેની ઉપર હોજ બનાવ્યો છે. દબાણ થયું છે, પંચાયતને સાથે રાખી કાર્યવાહી થશે: મામલતદાર હરમડિયા
{ ગૌચરમાં દબાણ મુદ્દે ગીરગઢડા મામલતદાર જી.કે. વાળાએ જણાવ્યું હતું કે, સરવે નંબર 109 પૈકીની જમીન ગૌચરની છે તેમાં દબાણ હોવાનું સ્પષ્ટ થયું છે. ગૌચરમાં દબાણ દૂર કરવાની કામગીરી પંચાયતની પણ હોય છે. તેથી પંચાયત વિભાગને સાથે રાખી કાર્યવાહી કરાશે.

Related Post