મોદીના આગમન પહેલાં સુરત LIVE કેન્વાસ બન્યું: ભવ્ય સ્વાગત માટે હેલિપેડથી લઈ પોલીસનો કાફલો બધું તૈયાર, 3 કિમીના રોડ શો માટે 250 કલાકારોએ વોલ પેઈન્ટિંગ શરૂ કર્યું

મોદીના આગમન પહેલાં સુરત LIVE કેન્વાસ બન્યું:ભવ્ય સ્વાગત માટે હેલિપેડથી લઈ પોલીસનો કાફલો બધું તૈયાર, 3 કિમીના રોડ શો માટે 250 કલાકારોએ વોલ પેઈન્ટિંગ શરૂ કર્યું
Email :

PM મોદી 7 માર્ચ 2025ના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને તંત્રએ પુરજોશમાં તૈયારીઓ આદરી છે. પોલીસ, પાલિકા અને કલેક્ટર તંત્રના ઉપરી અધિકારીઓ આયોજન સંદર્ભે સમીક્ષા સાથે સ્થળ નિરીક્ષણ, રૂટની ચકાસણીમાં વ્યસ્ત છે. PM મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ અને સેલવાસાથી હેલિકોપ્ટરમાં પર્વત પાટિયા વિસ્તારમાં બનાવેલા હેલિપેડ ખાતે આવશે. ત્યાંથી અંદાજે ત્રણ કિમી સુધીનો રોડ શો કરી લિંબાયતના નીલગિરિ ગ્રાઉન્ડ પહોંચવાના છે. આ રોડ શો માટે 30 સ્ટેજ ઊભાં કરી અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ રજૂ કરવામાં આવશે, જેમાં અંદાજે 1 લાખ લોકો ઊમટે એવી શક્યતા છે. શુક્રવારની સાંજથી લઈ શનિવારની સવાર સુધીમાં, એટલે કે નવસારી જવા નીકળે

ત્યાં સુધીમાં 28 કિમીના રૂટ પર વડાપ્રધાન ગાડીમાં ફરશે. આ મુલાકાત માટે 8000 પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા, રોડ શોને લઈ ટ્રાફિક મેનેજમેન્ટ માટે વૈકલ્પિક અને પ્રતિબંધિત રૂટ, નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી સભાની તૈયારીઓ તથા શહેરમાં કરવામાં આવેલા પેઇન્ટિંગ અને 30 સ્ટેજ બનાવવા સુધીની તૈયારીઓ કરવામાં આવી છે. IPSથી PSI સુધીના 500થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ મુકાશે PMની સુરક્ષા માટે 5000 સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય શહેર-જિલ્લાની 3000થી વધુ પોલીસ તહેનાત રહેશે. IPSથી લઈ PSI સુધીના 500થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત SRPની 4 ટુકડી અને હોમગાર્ડ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.સુરક્ષા દૃષ્ટિએ PMના રૂટ પર

બેરિકેડિંગ અને સઘન ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડાએ પણ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને સુરક્ષાની સમીક્ષા કરી છે. વડાપ્રધાન મોદી 3 કિલોમીટરનો રોડ શો કરશે PM મોદી શુક્રવારે સાંજે 14 કિમી ગાડીમાં ફરશે અને શનિવારે સવારે 14 કિમીનો રૂટ ગાડીમાં કાપી એરપોર્ટથી નવસારી રવાના થશે. રૂટ ચકાસણી સાથે જ મળતી માહિતી મુજબ વડાપ્રધાન શુક્રવારે સવારે સુરત એરપોર્ટ આવ્યા બાદ હેલિકોપ્ટર મારફત સેલવાસ જશે. સાંજે સેલવાસથી હેલિકોપ્ટર મારફતે સુરતમાં પર્વત પાટિયા સ્થિત હેલિપેડ પહોંચશે. ત્યાંથી નીલગિરિ ગ્રાઉન્ડ સુધીનો 3 કિમીનો રોડ શો કરશે. રસ્તાઓથી માંડીને ડિવાઈડર ચમકાવ્યા PM મોદીના રોડ શોને લઈને રસ્તાઓથી માંડીને ડિવાઈડર, લાઈટોથી માંડી તમામ

સ્તરે બ્યુટિફિકેશનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. તે પૂર્વે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સુરત શહેરના મેયર સહિતના પદાધિકારીઓએ PM મોદીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ PM મોદીના સ્વાગત માટે રોડ શો માટે તૈયાર કરાયેલા 30થી વધુ સ્ટેજ પર દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિઓ રજૂ કરવામાં આવશે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન સહિતનાં રાજ્યોની લોક સંસ્કૃતિ, નૃત્ય, વેશભૂષા અને સાંસ્કૃતિક પરંપરાઓ વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. લિંબાયત વિસ્તાર મીની ભારત તરીકે ઓળખાય છે, કારણ કે અહીં દેશના 26 રાજ્યમાંથી આવેલા લોકો વસવાટ કરે છે. PM મોદી નીલગિરિ ગ્રાઉન્ડમાં જાહેરસભા

સંબોધશે શુક્રવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી લિંબાયત નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરાશે. જોકે, તેમાં પહેલા રાજ્યના પુરવઠા મંત્રી, બાદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ જાહેર કાર્યક્રમ પૂરો થયા બાદ PM મોદી 11 કિમીનું અંતર કાપી અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ પહોંચશે. જ્યાં રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન તેઓ સુરતના

ઉદ્યોગપતિઓ અને આગેવાનો સાથે મુલાકાત કરી શકે છે. આ મુલાકાતમાં શહેરના ઉદ્યોગ અને વિકાસ પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા કરી શકે છે.ત્યાર બાદ 14 કિમીનું અંતર કાપી સુરત એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી નવસારી કાર્યક્રમ માટે રવાના થશે. દીવાલો પર આકર્ષક પેઇન્ટિંગ, શહેર જીવંત કેનવાસ બન્યું તો બીજી તરફ શહેરની દીવાલો, બ્રિજ અને પાઇપલાઇન પર યુનિક પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. માત્ર શહેરી સુંદરતા માટે નહીં, પણ સ્વચ્છતા, ટ્રાફિક અવેરનેસ, પર્યાવરણ સુરક્ષા અને સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે. 24 કલાક પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે અને લગભગ 3 કરોડના ખર્ચે શહેરને એક જીવંત કેનવાસમાં બદલવામાં

આવી રહ્યું છે. અત્યારસુધી PM મોદીના આગમન પર શહેરમાં વિશાળ હોર્ડિંગ્સ અને બેનર્સ મૂકવામાં આવતાં, પરંતુ આ વખતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે – કલાકૃતિ દ્વારા PM મોદીના આગમનનું ભવ્ય સ્વાગત. આ માટે શહેરની દીવાલો, બ્રિજ, પાઇપલાઇન અને ખાડી બ્રિજ જેવા વિસ્તારોને કાનવાસ બનાવી દેવાયા છે. 250થી વધુ પેઇન્ટર્સ કરી રહ્યા છે પેઇન્ટિગ શહેરની વિવિધ જગ્યાઓએ 250થી વધુ પેઇન્ટર્સ વિવિધ થીમ પર પેઇન્ટિંગનું કામ કરી રહ્યા છે. આ પેઇન્ટિંગની વિશેષતા એ છે કે કોઈપણ સમય કામ અટકતું નથી. સતત 24 કલાક આર્ટ વર્કનું કાર્ય ચાલી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું

કે આર્ટ સુરતની વિશેષતા છે. લોકો અહીં માત્ર વેપાર માટે નહીં, પણ સુરતની કલા અને સંસ્કૃતિને પણ જોવા માટે આવે. આ યુનિક પેઇન્ટિંગ પ્રોજેક્ટ શહેરની ઓળખમાં એક નવું પ્રસ્થાન ઉમેરશે. સિટી અને BRTS બસના 30 રૂટ રદ કરાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ગોડાદરાથી નીલગિરિ સર્કલ અને ત્યાર બાદ સર્કિટ હાઉસ તરફના રૂટ પરની સિટી બસ અને બીઆરટીએસ બસો રદ કરવામાં આવી છે. 7 માર્ચના દિવસે 30 જેટલા રૂટ બંધ રાખવાનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તાર ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર આગામી 7 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે. અન્ય મહાનુભાવો પણ સુરત આવવાના

છે, જે સંજોગોમાં વડાપ્રધાન અને મહાનુભાવોની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાને ક્ષતિ ન પહોંચે તે હેતુથી પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જાહેરનામું બહાર પાડીને સુરતના શહેરી વિસ્તારને ‘નો ડ્રોન ફલાય ઝોન’ જાહેર કર્યો છે. આ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડકોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ ચલાવવા કે કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોકત સંસાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ રહેશે. આ હુકમ તા. 7 માર્ચ 2025ના 12:00 AMથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Related Post