ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ: ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્

ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્
Email :

વૈશ્વિક મોરચે એક તરફ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહ્યા સામે અમેરિકા વિરૂધ્ધ વિશ્વની ટેરિફ લડાઈમાં ચાઈના અને યુરોપીય યુનિયન વચ્ચે વેપાર વાટાઘાટ અને ચાઈના તેના બિઝનેસ વ્યુહ થકી અમેરિકાને હંફાવવા પ્રયાસ કરી રહ્યું હોઈ ટેરિફ યુદ્વ વકરવાની શકયતા છતાં સ્થાનિક સ્તરે ચોમાસું સમયથી વહેલું આવી જવાના પોઝિટીવ પરિબળ અને ભારત - અમેરિકા વચ્ચે જૂન સુધીમાં વચગાળાની ટેરિફ-વેપાર સંધિ થવાના અહેવાલોએ ગત સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો. જો કે, વિશ્વને રોજેરોજ અચંબા મુકી દેતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રશીયા પર નવા આર્થિક પ્રતિબંધો લાદવાના નિવેદન અને અણધાર્યા આર્થિક પગલાંને લઈ વૈશ્વિક વેપાર સેન્ટીમેન્ટ ડહોળાવાની શકયતાને કારણે સપ્તાહના અંતે વૈશ્વિક બજારોમાં સાવચેતીએ ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. બજારની ભાવી દિશા....મિત્રો, ટેરિફવોરને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ ઉભું છે. પરંતુ

આ વાતાવરણમાં ભારતીય અર્થતંત્ર મજબૂતાઈ બતાવી રહ્યું છે. ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો સાથે સંબંધિત ઘણા સૂચકાંકો એપ્રિલમાં પણ સારી ગતિથી વધી રહ્યા છે. યુએસ ટેરિફ સંબંધિત સમાચારને કારણે એપ્રિલની શરૂઆતમાં સ્થાનિક શેરબજાર થોડું નબળું પડયું હતું. પરંતુ અમેરિકાએ તેના કેટલાક કરવેરા નિર્ણયોને અસ્થાયી રૂપે અટકાવ્યા અને ભારતની બેંકિંગ અને ફાઇનાન્સ કંપનીઓએ જાન્યુઆરી - માર્ચ ક્વાર્ટરમાં સારા પરિણામો દર્શાવ્યા કે તરત જ શેરબજારમાં સારી રિકવરી જોવા મળી હતી. વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે કારણ કે સમગ્ર વિશ્વમાં નીતિગત ફેરફારો થઈ રહ્યા છે અને ઘણા જોખમો હજુ પણ બાકી છે. પરંતુ અહેવાલમાં ભારતની પરિસ્થિતિ અંગે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. એક રિપોર્ટ મુજબ ભારત 2025માં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા રહેશે અને આ વર્ષે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા

બની શકે છે. દેશમાં ફુગાવામાં ઘણી રાહત મળી છે અને તે 2025-26માં નિર્ધારિત લક્ષ્યની આસપાસ રહી શકે છે. આ વર્ષે રવિ પાક સારો રહેવાની અને સામાન્ય કરતાં સારા ચોમાસાની અપેક્ષા હોવાથી આગામી દિવસોમાં ભારતીય શેરબજાર પર પોઝિટિવ અસર જોવા મળી શકે છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર... કેમ ખરું ને..! કોલ ઈન્ડિયા લિ. ( BSE CODE – 533278 ) કોલ ઈન્ડિયા લિમિટેડ એ કોલકાતા પશ્ચિમ બંગાળ ખાતે મુખ્ય મથક સાથે ભારત સરકારના કોલસા મંત્રાલય હેઠળનું ‘મહારત્ન’ જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે. કોલ ઈન્ડિયા લિમિટેડ ભારતમાં કોલસા ઉદ્યોગના રાષ્ટ્રીયકરણ બાદ સંગઠિત રાજ્યની માલિકીની કોલ માઈનિંગ કોર્પોરેટ તરીકે 14 જૂન 1973ના રોજ ‘કોલ માઈન્સ ઓથોરિટી લિ.’ના નામ સાથે પ્રાઈવેટ લિમિટેડ કંપની તરીકે સામેલ કરવામાં આવી હતી. વર્ષ 1975-76 દરમિયાન કંપનીનું નામ ‘કોલ

માઈન્સ ઓથોરિટી લિમિટેડ’માંથી બદલીને ‘કોલ ઈન્ડિયા લિમિટેડ’ કરવામાં આવ્યું હતું. કોલ ઈન્ડિયા લિમિટેડ ટોટલ 322 ખાણો સાથે ભારતના આઠ પ્રાંતીય રાજ્યોમાં ફેલાયેલા 83 ખાણકામ વિસ્તારો સાથે વિશ્વની એકમાત્ર સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની છે. કંપની વિવિધ એપ્લિકેશનો માટે નોન-કોકિંગ કોલસો અને વિવિધ ગ્રેડના કોકિંગ કોલસાનું ઉત્પાદન કરે છે અને અન્યમાં સિમેન્ટ, ખાતર, ઈંટના ભઠ્ઠાઓ અને અન્ય ઉદ્યોગોનો સમાવેશ થાય છે. કોલ ઈન્ડિયા લિ. કોલ સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.2,46,016.11 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.11.65 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.544.70 અને ઘટીને રૂ.349.20 થયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન : માર્ચ - 2025 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 63.13% અને પબ્લિકનું હોલ્ડીંગ 36.87% આવેલ. ડિવિડન્ડ :

કંપની દ્વારા વર્ષ 2021માં શેરદીઠ રૂ.17.50, વર્ષ 2022માં શેરદીઠ રૂ.23.00 અને વર્ષ 2023માં શેરદીઠ રૂ.24.50 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ. નાણાકીય પરિણામ : (1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2023 થી માર્ચ 2024 : ચોખ્ખું વેચાણ રૂ.1950.51 કરોડની તુલનાએ ઘટીને રૂ.1516.38 કરોડ મેળવીને એનપીએમ 1039.77% થકી ચોખ્ખો નફો રૂ.14802.31 કરોડની તુલનાએ વધીને રૂ.15,766.83 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.25.58 નોંધાવી છે. (2) બીજુ ત્રિમાસિક જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 : ચોખ્ખું વેચાણ રૂ.389.71 કરોડથી ઘટીને રૂ.315.02 કરોડ મેળવીને એનપીએમ 1312.29% થકી ચોખ્ખો નફો રૂ.87.46 કરોડની તુલનાએ વધીને રૂ.4133.97 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.6.71 નોંધાવી છે. (3) ત્રીજું ત્રિમાસિક ઓકટોબર 2024 થી ડિસેમ્બર 2024 : ચોખ્ખું વેચાણ રૂ.315.02 કરોડથી વધીને રૂ.416.01 કરોડ મેળવીને એનપીએમ 2318.76% થકી ચોખ્ખો નફો રૂ.4133.97 કરોડની તુલનાએ વધીને રૂ.9646.26 કરોડનો નફો હાંસલ

કરી શેર દીઠ આવક રૂ.15.65 નોંધાવી છે. ઝીરો પ્રમોટર પ્રતિજ્ઞા સાથેની આ કંપની શેરધારકોના ભંડોળનો અસરકારક ઉપયોગ કરીને છેલ્લા 3 વર્ષથી ઇક્વિટી પર વળતર (ROE) સુધારી રહી છે, છેલ્લા 2 ક્વાર્ટરમાં દર ક્વાર્ટરમાં આવકમાં વધારો તેમજ છેલ્લા 2 વર્ષથી વાર્ષિક EPSમાં અને બુક વેલ્યુમાં સુધારો જોવા મળ્યો છે. કોલ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.397 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.383 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.416 થી રૂ.430 આસપાસ પ્રતિકૂળ સપાટી નોંધાવે તેવી સંભાવના છે. રાઈટ્સ લિ. ( BSE CODE – 541556 ) રાઈટ્સ લિમિટેડ એ મિનિરત્ન (કેટેગરી-I) શેડ્યૂલ ‘A’ કેન્દ્રીય જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ છે જેની સ્થાપના 26 એપ્રિલ 1974માં ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ કરવામાં આવી હતી. કંપની એક અગ્રણી મલ્ટિડિસિપ્લિનરી એન્જિનિયરિંગ અને કન્સલ્ટન્સી સંસ્થા છે જે ભારત અને વિદેશમાં ટ્રાન્સપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર

સેક્ટરમાં કમિશનિંગ સેવાઓ અને સંકલિત સોલ્યુશન્સ માટે કસ્ટમાઇઝ્ડ સ્પર્ધાત્મક વૈવિધ્યસભર અને વ્યાપક ખ્યાલ પ્રદાન કરે છે. રાઈટ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોને આવરી લે છે જેમ કે રેલ્વે, હાઈવે, એરપોર્ટ, રોપવે, શહેરી પરિવહન આંતરદેશીય જળમાર્ગો અને નવીનીકરણીય ઉર્જા વગેરે. રાઈટ્સ એ ભારતીય રેલ્વે મંત્રાલયની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. રાઈટ્સ લિમિટેડને ભારત સરકારના રેલ્વે મંત્રાલય (MoR) દ્વારા સામેલ કરવામાં આવ્યું હતું અને તેને ભારતીય રેલ્વે સાથે સંકળાયેલા હોવાનો લાભ મળે છે જે વિશ્વનું ચોથું સૌથી લાંબુ રેલ નેટવર્ક છે. રાઈટ્સ લિ. સિવિલ કન્સ્ટ્રક્શન સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.10 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.13,531.40 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.1.24 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.398.50 અને

ઘટીને રૂ.192.30 થયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન : માર્ચ - 2025 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 72.20% અને પબ્લિકનું હોલ્ડીંગ 27.80% આવેલ. બોનસ શેર : વર્ષ 2024 માં 1:1 શેર બોનસ આપેલ છે. ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2021માં શેરદીઠ રૂ.15.00, વર્ષ 2022માં શેરદીઠ રૂ.19.50, વર્ષ 2023માં શેરદીઠ રૂ.20.25, વર્ષ 2024માં શેરદીઠ રૂ.14.00 અને વર્ષ 2025માં શેરદીઠ રૂ.1.90 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ. નાણાકીય પરિણામ : (1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2023 થી માર્ચ 2024 : ચોખ્ખું વેચાણ રૂ.2519.62 કરોડની તુલનાએ ઘટીને રૂ.2312.00 કરોડ મેળવીને એનપીએમ 19.64% થકી ચોખ્ખો નફો રૂ.530.54 કરોડની તુલનાએ ઘટીને રૂ.454.11 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.18.90 નોંધાવી છે. (2) બીજું ત્રિમાસિક જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 : ચોખ્ખું વેચાણ રૂ.453.78 કરોડથી વધીને રૂ.510.39 કરોડ મેળવીને એનપીએમ 16.84% થકી ચોખ્ખો નફો રૂ.64.86 કરોડની તુલનાએ

વધીને રૂ.85.96 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.79 નોંધાવી છે. (3) ત્રીજું ત્રિમાસિક ઓકટોબર 2024 થી ડિસેમ્બર 2024 : ચોખ્ખું વેચાણ રૂ.510.39 કરોડથી વધીને રૂ.544.53 કરોડ મેળવીને એનપીએમ 17.44% થકી ચોખ્ખો નફો રૂ.85.96 કરોડની તુલનાએ વધીને રૂ.94.99 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.98 નોંધાવી છે. 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરથી 29.27% અને દૂર 52 અઠવાડિયાના નીચા સ્તરથી 46.47% દૂર આ કંપનીમાં છેલ્લા 3 ક્વાર્ટરમાં દર ક્વાર્ટરમાં આવકમાં વધારો અને છેલ્લા 2 ક્વાર્ટરથી દર ક્વાર્ટરમાં નફામાં વધારો જોવા મળ્યો છે. તેજીનો મોમેન્ટમ ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના મૂવિંગ એવરેજથી ઉપર જોવા મળેલ છે. સિવિલ કન્સ્ટ્રક્શન સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.277 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.264 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.292 થી રૂ.300 આસપાસ પ્રતિકૂળ સપાટી નોંધાવે તેવી સંભાવના છે.

Leave a Reply

Related Post