ક્રિકેટરોની વાઈફનાં વોટ્સએપ ગ્રૂપમાં શું વાતો થાય?: વાઈફ પૂજાએ પૂજારા પર બુક લખી, ન્યુ ગુજરાત સામે સિક્રેટ ખૂલ્યાં, 'વિદેશ ટુરમાં પૂજા કૂકિંગ કરે ને ચેતેશ્વર ક્લિનિંગ'

ક્રિકેટરોની વાઈફનાં વોટ્સએપ ગ્રૂપમાં શું વાતો થાય?:વાઈફ પૂજાએ પૂજારા પર બુક લખી, ન્યુ ગુજરાત સામે સિક્રેટ ખૂલ્યાં, 'વિદેશ ટુરમાં પૂજા કૂકિંગ કરે ને ચેતેશ્વર ક્લિનિંગ'
Email :

‘ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરીઝની વાત છે. ચેતેશ્વર સવારથી સ્ટેડિયમ પર હતો. ત્યાં જ મને એક ક્રિકેટરની પત્ની પાસેથી ખબર પડી કે ચેતેશ્વરને ડ્રોપ કરવામાં આવ્યો છે. મેં રડતાં રડતાં ચેતેશ્વરનાં માસીને, એના ગુરુજીને કૉલ કર્યાં. બધાંએ ધરપત આપી, પણ મને ચેન પડતું નહોતું. ત્યાં ચેતેશ્વર રૂમમાં આવ્યો. એના ચહેરા પર દુઃખની એક રેખા સુદ્ધાં નહોતી. મેં ડ્રોપ થવા વિશે પૂછ્યું તો એ એકદમ શાંતિથી એટલું જ બોલ્યો, આ બધું આપણા હાથમાં નથી. અને જે આપણા હાથમાં ન હોય એ વિશે જીવ બાળવાનો કોઇ અર્થ જ નથી.’ આ શબ્દો છે ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનાં પત્ની મિસીસ પૂજા પૂજારાના. હજુ એક પખવાડિયા પહેલાં જ ભારતના ખ્યાતનામ ક્રિકેટર અને ગુજરાતના પનોતા પુત્ર ચેતેશ્વર પૂજરાનાં પત્ની પૂજા પૂજારાએ 'ધ ડાયરી ઑફ અ ક્રિકેટર્સ વાઇફ' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકમાં તેમણે ચેતેશ્વર સાથેની પહેલી મુલાકાત, પ્રેમ, લગ્ન, કરિયરના લૉ પોઈન્ટ, ઇન્ડિયન ક્રિકેટ ટીમની ઈનસાઈડ વાતો કરી છે. ચેતેશ્વર એક પિતા, પતિ, પુત્ર અને ધાર્મિક વ્યક્તિ તરીકે કેવા છે તે પણ આબેહૂબ રજૂ કર્યું છે. ભારતમાં કોઈ ક્રિકેટરનાં પત્નીએ લખ્યું હોય, એવું આ પ્રથમ પુસ્તક છે. જેને લઈને ક્રિકેટિંગ કપલ સાથે ‘ન્યુ ગુજરાત’ એપે નિરાંતે વાતચીત માંડી. એકસ્ટ્રોવર્ટ પૂજાબેન અને સાથે ઇન્ડિયન ટેસ્ટ ક્રિકેટની વૉલ ઈન્ટ્રોવર્ટ ચેતેશ્વર. બંને પતિ-પત્ની ક્યૂટ કપલની જેમ, એકબીજાની વાતોમાં ટહુકા પુરાવતા જાય અને એકબીજાને લવિંગ કેરી લાકડીએ ટોકતાં પણ જાય. લવ સ્ટોરીની વાત આવે એટલે એકબીજા વિશે વાત કરતી વખતે બંનેના ગાલે શરમના શેરડા પણ પડે. તો ચલો આ ક્યૂટ કપલ સાથે કરીએ વાતો શરૂ... ‘મેં તો ઘાટ ઘાટનાં પાણી પીધાં છે’ મિસીસ પૂજાએ એમના ઇન્ટ્રોડક્શનથી આપણાં ઇન્ટરવ્યૂના પહેલા ચેપ્ટરની શરૂઆત કરી, ‘અમે બેઝિકલી જામજોધપુરથી છીએ, પણ છેલ્લાં વીસેક વર્ષથી રાજકોટમાં જ રહીએ છીએ. પપ્પાને કોટનની જિનિંગ ફેક્ટરી છે, ઘરે મારાથી એક નાનો ભાઈ અને એક નાની બહેન છે. મારો જન્મ ગોંડલમાં થયો છે. દસમા ધોરણ સુધી આબુની સોફિયા સ્કૂલથી ભણી 11-12 અમદાવાદથી કર્યું અને માસ્ટર ડિગ્રી બોમ્બેથી. એ પછી એક વર્ષ સુધી મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરી અને પછી ચેતેશ્વર મળી ગયો અને અમે મેરેજ કરી લીધાં.’ 6 લાઇનનો બાયોડેટા લખી મેરેજ માટે વાત ચલાવી અરે, આમ T20ની જેમ નહીં, ટેસ્ટ મેચની જેમ નિરાંતે કહો, ચેતેશ્વરભાઈને કેવી રીતે મળ્યાં? પૂજાબેને નાનકડી સ્માઇલ સાથે 12 વર્ષ પહેલાંના દિવસની વાત ચાલુ કરી, ‘અમારાં એરેન્જ મેરેજ થયાં હતાં. ચેતેશ્વરનો બાયોડેટા જ્યારે મને મળ્યો ત્યારે એ ખાલી છ લાઇનનો હતો! કોઇ ડિટેલ નહીં, ને અધૂરી માહિતી. ખાલી લખવા ખાતર લખી નાખ્યું હોય એવું. હું સમજી ગઈ કે, સાહેબને ઘરેથી મેરેજનું પ્રેશર લાગે છે. કેમ કે કોઈ ક્રિકેટર એરેન્જ મેરેજ કેમ કરે? એ ટાઈમે હું પણ મારા કરિયર પર બિઝી હતી. મને એમ કે, આમને કોઈ ઇન્ટરેસ્ટ નથી, જો એ

ના પાડી દેશે તો થોડા ટાઈમ સુધી મારું ફેમિલી પણ મને મેરેજ માટે કહેવાનું છોડી દેશે. એટલે એવું વિચારીને મેં મિટિંગ માટે હા પાડી. ચેતેશ્વર પાસે પણ કોઈ એવો એક્સપિરિયન્સ નહોતો કે મેરેજ મિટિંગ માટે કેમ મળવું. એ પણ પહેલી વાર મેરેજની વાત માટે આવ્યા હતા અને હું પણ.’ હાશ! આ હા નહીં પાડે, આની પણ ઈચ્છા નથી લગતી પરંતુ આ એક સુપર્બ લવ સ્ટોરીની શરૂઆત હતી. પૂજા પાબારીએ વાત ચાલુ રાખી, ‘એ ટાઇમે ચેતેશ્વરની બહુ જ બધી મેચો ચાલતી, વર્ષના 11 મહિના તો મેચ માટે ફરતા રહેતા. એટલે ઘરે વાત કરવા ગયાં ત્યારે હું ચેતેશ્વરને પછી મળી, એના પરિવારને અને મામા-મામીને પહેલાં મળી હતી. કેમ કે પહેલી મિટિંગ વખતે એ ટ્રાવેલિંગમાં હતા. પહેલી મિટિંગમાં એ ન મળ્યા એટલે મને કન્ફર્મ થયું કે આ તો ફેમિલી પ્રેશરમાં જ લાગે છે. છોડો, મારે પણ એવું જ છે, હવે પાક્કું કે વાત આગળ નહીં વધે. ચેતેશ્વર એકદમ શરમાળ અને શાંત, જેવા બહાર લાગે એવા જ છે. બટ યુ નો? પહેલી વાર અમે મળ્યાં ત્યારે અમારી પહેલી જ મિટિંગ અઢી કલાક ચાલી! અઢી કલાક! અમે બંને એટલા વાતોમાં મશગૂલ થઇ ગયાં કે ખબર જ ન પડી, ક્યાં ટાઈમ જતો રહ્યો. પહેલી જ વારમાં અમારા બંનેનું માઇન્ડ ચેન્જ થઈ ગયું અને બંનેને એકબીજા વિશે વધારે જાણવાની ઈચ્છા થઈ.’ અઢી કલાકની વાત દોઢ મહિના સુધી ચાલી આ વાત ચાલુ હતી ત્યાં આપણા ચેતેશ્વરભાઈના ચહેરા પર પણ મસ્ત સ્માઇલ આવી ગઈ. પૂજાબેને લવસ્ટોરી આગળ વધારી, ‘અમે લોકોએ નક્કી કર્યું કે, હજુ આપણે એકબીજાને વધારે ઓળખીશું. ધીમે ધીમે મળવાનું વધાર્યું. મેસેજ અને ઈમેલ પર વાતો ચાલુ કરી. પછી તો ધીમે ધીમે બંનેને લાગવા માંડ્યું કે, આપણે એકબીજા માટે જ છીએ બંનેને એકબીજા સાથે મજા આવે છે, સાથે ખુશ રહીશું. દોઢેક મહિના સુધી અમે વાતો ચાલુ રાખી અને એકબીજાને ઓળખ્યાં. બસ પછી તો ફેમિલીમાં વાત કરી અને ધીમે ધીમે મેરેજની વાત આગળ વધારી.’ ‘પરિવાર કંટાળ્યો પણ અમારી વાતો ન ખૂટી’ ચેતેશ્વરભાઈએ પણ મૂછમાં મલકાતાં ઉમેર્યું, ‘અમારી પહેલી મિટિંગ જ એટલી સ્પેશિયલ હતી કે વાત જવા દ્યો. અરેન્જ મેરેજ જેવી જ ફોર્મલ મિટિંગ હતી પણ અમે એટલા બધા કમ્ફર્ટેબલ થઈ ગયાં હતાં કે બધી જ વાતો કરી લીધી. અમે જ્યારે મળ્યાં ત્યારે એવું નક્કી કરીને પણ નહોતાં ગયાં કે, મારે આવું પૂછવું છે કે આવું, કશું જ નહીં. બસ એમ જ કેઝ્યુઅલ મળ્યાં અને મજા આવી ગઈ. ફ્રેન્ડ તરીકે વાત ચાલુ કરી અને એક પછી એક ટૉપિક પર વાત નીકળતી ગઈ. બહાર બેઠેલાં અમારાં ફેમિલીવાળાં કંટાળી ગયાં! છેલ્લે અઢી કલાક પછી એ લોકો અમને કહેવા આવ્યા કે, ‘ચલો હવે, બસ કરો, હવે નીકળવું છે.’ અમને તો ખબર પણ નહોતી પડી કે, આટલો બધો ટાઈમ

નીકળી ગયો. બંનેને અંદરથી ત્યારે જ ક્લિક થઈ ગયું હતું કે હા, આ મારી લાઈફ માટે આ પર્ફેક્ટ પાર્ટનર છે.’ ચેતેશ્વર પૂજારા? એ કોણ? શું કરે છે? ભાભી, તમે જે રીતે વાત કરી એ ઉપરથી લાગે છે કે, તમે ચેતેશ્વરભાઈના બેટિંગના જલવાથી અજાણ હતાં. ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ નહોતો? પૂજાબેન કહે, ‘જરાય નહીં! હું ચેતેશ્વરને ઓળખતી પણ નહોતી કે, એ કોણ છે, ક્યાં રમે છે? કશું જ નહીં. અરે, મારા ફેમિલીમાં પણ કોઈને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ નહોતો. મારાં મમ્મી ક્યારેક ક્યારેક જોતાં, બાકી મારા પપ્પા અને હું તો ક્યારેય નહીં. આમને મળ્યાં પછી એમણે મને થોડું થોડું શિખવાડ્યું અને એ જ્યારે મેચ રમતા હોય ત્યારે અમે ઘરે મેચ જોઈએ એ ટાઈમે મારા સસરા મને શીખવાડે, એમ થોડી થોડી ખબર પડતી થઈ.’ ‘ચેતેશ્વરનું ડિસિપ્લિન મારામાં આવ્યું’ પૂજાબેન, તમારી એકદમ નોર્મલ ઇનિંગ્સમાંથી સેલિબ્રિટી ઇનિંગ્સમાં એન્ટ્રી થઈ, તો મેરેજ પછી કેટલો ચેન્જ આવ્યો? પૂજા કહે, ‘ચેતેશ્વરના કારણે સેલિબ્રિટી લાઈફ કરતાં, મારી પર્સનલ લાઈફ ઘણી બદલાઈ. હું રાતે મોડે સુધી જાગવાવાળી, નાઈટ આઉલ, સવારે મોડું ઊઠવાનું, હેલ્થ કે ન્યુટ્રિશનનું કશું જ ધ્યાન નહીં. સામે ચેતેશ્વરના આવ્યા પછી ડિસિપ્લિન, ડાયટિંગ, એ બધી જ એમની ક્વોલિટી મારામાં આવી ગઈ. બાકી ગ્લેમરની બીજી કોઈ અસર નહોતી. હા, નોર્મલ લાઈફથી સીધા ન્યૂઝ પેપરમાં આવવા માંડીએ એટલે થોડું ઓકવર્ડ લાગે, પણ અમે એના પર ધ્યાન નહોતા આપતાં. અમે અમારામાં મશગુલ રહેતાં, ન્યૂઝ પેપરમાં જે આવે એ આવવા દેવાનું. શરૂઆતમાં થોડું નવું લાગતું પણ ઠીક છે, કંઈ મન પર નહોતાં લેતાં.’ ‘મેં ક્રિકેટર સાથે નહીં, ચેતેશ્વર સાથે મેરેજ કર્યાં હતાં’ જ્યારે ચેતેશ્વરભાઈ મેચ રમતા હોય અને ક્રિઝ પર હોય, ત્યારે એમના પાર્ટનર તરીકે તમારા પર કોઈ પ્રેશર હોય ખરું? આઉટ થાય કે રન દોડે કે કેચ આવે ત્યારે? પૂજા કહે, ‘મેરેજના થોડા ટાઈમ સુધી તો મને ક્રિકેટ જ નહોતું સમજાતું તો કઈ રીતે પ્રેશર ફીલ થાય!’ ચેતેશ્વરે હસતાં હસતાં ઉમેર્યું, ‘મેરેજના કેટલાય ટાઈમ પછી બધુ શીખી અને વાંચ્યું ત્યારે એને સમજાતું થયું. એટલે શરૂઆતનાં વર્ષોમાં બહુ પ્રેશર ફીલ નહોતું થતું. પણ મને યાદ છે કે, 4-5 વર્ષ પછી એને ઘણી ચિંતા થતી.’ હજુ તો આટલું બોલે ત્યાં પૂજાબેને વચ્ચેથી ટમકો મૂક્યો, ‘પાંચ નહીં બે વર્ષમાં જ હોં. પણ હા, એ પછી મને યાદ છે, એના રન પર હું ખુશ થતી, એક વાર એ નોટ આઉટ હતો અને DRS ન હોવાના કારણે આઉટ આપી દીધો હતો, તો હું ગુસ્સે થઈ ગઈ હતી. મતલબ એ પછીથી ઘણો ફરક પડતો.’ ક્રિકેટરોની પત્નીઓનું વ્હોટ્સએપ ગ્રૂપ! પૂજાબેન જ્યારે સ્ટેડિયમમાં બધા પ્લેયર્સની વાઈફ સાથે હોય ત્યારે તમારે કોની સાથે સૌથી વધારે સારું બને? પૂજાબેન કહે, ‘મેચમાં બધા પ્લેયર્સનું ટાઈમટેબલ સરખું જ હોય, એટલે બધાની વાઈફ સાથે જ હોય. કોઈ એક-બે એકલાં ફરતાં હોય એવું

ન હોય, બધા સાથે જ હોય. સીરિઝમાં જઈએ એટલે બધાના ફેમિલીનું એક વ્હોટ્સએપ ગ્રૂપ બની ગયું હોય. એમાં કહી દેવાનું શું કરવું છે. જે લોકોનાં બેબીઝ હોય, એ એમનાં બાળકો મુજબનું બધું સેટ કરે, જેનાં બાળકો ન હોય એ બધી વાઈફ મેચ જોવામાં કે બીજી કોઈ એક્ટિવિટીમાં સાથે હોય. કેમ કે સીરિઝમાં ગયાં હોઈએ ત્યારે હું ચેતેશ્વર કરતાં બીજા પ્લેયર્સની વાઈફ સાથે વધારે હોઉં. એક વાર તો ન્યૂ ઝીલેન્ડ સીરિઝ માટે ગયા હતા તો બધા હસબન્ડ તો સવારથી સાંજ સુધી ટેસ્ટ મેચમાં હોય, એ ટાઈમે અમે બધા સ્કાય ડાઇવિંગ કરવા જતાં રહ્યાં હતાં. આ લોકો મેચ રમવામાં બિઝી હોય અને અમે બધાં મસ્ત મજા કરતાં હોઈએ.’ ‘ચેતેશ્વરને જોઇને ખબર જ ન પડે કે એ ટેન્શનમાં છે કે ખુશ છે!’ ક્રિકેટના આટલા અટપટા કરિયરના કારણે ચેતેશ્વરભાઈ કોઈ ટેન્શનમાં હોય તો તમને કેવી રીતે ખબર પડે? ભાભી કહે, ‘કોઈ રીતે ખબર જ ન પડે. એમને જોઈને ક્યારેય ખબર જ ન પડે કે એ કોઈ ટેન્શનમાં છે. હું મેચ જોઉં અને મને જોઈને જ ખબર પડે કે હમણાંથી લો સ્કોર થાય છે, અને હું સમજી જાઉં તો જ. બાકી એમના હાવભાવ પરથી તો કોઈ અંદાજ જ ન આવે. મારે સપોર્ટ કરવો હોય પણ કેવી રીતે કરું? એ કશું બોલે જ નહીં કે શું ટેન્શન છે એ વાત જ ન કરે. પણ ઘણીવાર આપણે કશું ન બોલીએ એ પણ એક જાતનો સપોર્ટ જ છે. કોઈને તમે શાંત બેસવા દો, એમના માટે નોર્મલ વાતાવરણ રાખો એ પણ એક સપોર્ટ જ છે. ઘણીવાર એ ઓલરેડી કોઈ ટેન્શનમાં હોય અને તમે ઉપરથી એ પૂછી પૂછીને ફરી યાદ કરાવશો તો એમને વધુ ચિંતા થશે. એના કરતાં એમને શું કરવું છે, એ ખ્યાલ જ છે. સારું છે કે તમે બીજી કોઈ વાત કરી, એમને શાંતિ આપો, નહીં કે એ વાતને યાદ કરી કરીને વધુ ટેન્શન.’ પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ અલગ રાખવાની પૂજારા ફોર્મ્યૂલા ક્રિકેટર તરીકે સતત મીડિયાની નજર નીચે રહેવાનું, સતત ટ્રાવેલિંગ, આ બધા વચ્ચે તમારી પર્સનલ લાઈફ કેવી રીતે મેન્ટેન થાય? ચેતેશ્વર કહે, ‘પહેલી વાત તો જે કંઈ પણ પ્રોફેશનલી થાય એ અમે નોર્મલ લાઈફમાં આવવા જ નથી દેતાં. પ્રોફેશનલ લાઈફમાં હું જે હોય એ, ઘરે આવું એટલે એકદમ નોર્મલ દીકરો, પતિ અને પિતા તરીકે જ રહેવાનું. બંને લાઈફને બને એટલી સેપરેટ રાખવાની. ટ્રાવેલિંગના કારણે એકાદ મહિનો બહાર ફરવા જતું રહેવાનું પોસિબલ ન થાય, અમને માંડ ચાર-પાંચ દિવસનો જ બ્રેક મળે. મારી દીકરીની સ્કૂલના કારણે દર વખતે પૂજા મારી સાથે ટુર પર પણ ન આવી શકે. આ બધા વચ્ચે પણ અમે ઘણું સાથે ટ્રાવેલ કરીએ છીએ અને જેટલું સાથે ટ્રાવેલ કરીએ એટલું એકબીજાને વધુ ઓળખીએ. જેટલો પણ ટાઈમ સાથે મળે એ ટાઈમમાં

અમે એકબીજા સાથે વધુ રહીએ. કાઉન્ટી ક્રિકેટ માટે હું યુકે ગયો હોઉં તો ત્યાં બે-ત્રણ મહિનાની ટુર હોય. એમાં બે-ત્રણ મહિના સાથે હોઈએ તો મજા કરીએ. પૂજાને કૂકિંગ કરવું ગમે, એ ત્યાં નવી નવી ડિશ બનાવે, મને કૂકિંગ નથી આવડતું તો હું બધો ક્લિનિંગ પાર્ટ સંભાળી લઉં.’ સેલિબ્રિટી ટેગ ઘરની બહાર મૂકીને આવે આગળ પર્સનલ લાઈફ વિશે વાત કરતાં મિસીસ પૂજા કહે, ‘અમે સાથે હોઈએ ત્યારે એક સાધારણ કપલ જેવું જ નોર્મલ વાતાવરણ ઘરે હોય છે. ઘરે હોઈએ ત્યારે ચેતેશ્વર એનું સેલિબ્રિટી ટેગ એની સાથે રાખતો જ નથી. ઘરે તો હવે અમારી દીકરી છે, તો એના ફરતે જ મારો આખો દિવસ સેટ થયેલો હોય. પણ જ્યારે ચેતેશ્વર ઘરે હોય ત્યારે મારું ટાઈમટેબલ રિલેક્સ્ડ હોય. અમારી દીકરી કહે કે, મારે આમ કરવું છે, તેમ કરવું છે, તો એ બધું જ ચેતેશ્વર કરી આપે. એને સ્કૂલે મૂકવા જવું હોય, લેવા જવાનું હોય. ઘરે બીજું કશું કામ હોય. એ બધું જ. અમે સાથે જિમમાં એક્સર્સાઇઝ કરીએ. અમારા બંનેનાં ફેમિલી રાજકોટ જ છે, તો કોઈના ને કોઈના ઘરે જતાં આવીએ. એ ઘરે હોય એટલે મારી અને મારી દીકરીનું રાજ ચાલે. મૂવી જોવા જવું હોય, ક્યાંય ફરવા જવું હોય, ઘરે સાફસફાઇ કરવી હોય, અમે જે કહીએ એ બધી જ વાતમાં ચેતેશ્વરની હા જ હોય. ઘરે હોય મતલબ એનો 100% ટાઈમ અમારો.’ ‘આઇડિયા એનો, મહેનત મારી, બુક અમારી’ ગ્રેટ! હવે આવીએ બુક પર. રાઇટિંગ સાથેના કોઈ જ જોડાણ વિના આખી બુક લખવાનો વિચાર કેવી રીતે આવ્યો? એ વિશે વાત કરતાં ઓથર પૂજા પૂજારા કહે, ‘હું 2013ના અરસામાં જર્નલિંગ કરતી. યાને કે રોજનીશી લખતી. એ ટાઈમે મેં ટેનિસ પ્લેયર આંદ્રે અગાસીની ‘ઓપન’ નામની ઓટો બાયોગ્રાફી વાંચી હતી. ત્યારે અમારાં મેરેજને હજુ 5 મહિના જ થયાં હતાં. એ પછી દસેક વર્ષ થયાં અને 2021માં ચેતેશ્વરે મને કહ્યું કે, તું મારા કરિયરમાં ઘણાં વર્ષોથી સાથે છે, મારા બધા જ ઉતાર-ચડાવ તે જોયા છે. તું આટલું બધુ વાંચે છે, તો તું બુક લખવાનું વિચાર ને. એટલે મને તરત લાઇટ થઈ કે, હા યાર, હું પણ આવું કરી શકું. અને ક્રિકેટરની વાઈફ તરીકે ક્રિકેટરની જર્ની તો આજ સુધી કોઈએ લખી પણ નથી. એટલે મને થયું કે, ચલો, તો હું લખું.’ અઢી વર્ષમાં અઢીસો પેજની બુકની જર્ની હવે મનમાં બુક લખવાની શરૂઆત થઈ ગઈ હતી, ચેપ્ટર બની ગયાં હતાં, ખાલી કાગળ પર ઉતારવાની રાહ હતી. ક્રિકેટરની વાઈફ તરીકે બુકની શરૂઆત કરવા વિશે મિસીસ પૂજારાએ વાતની શરૂઆત કરી, ‘2021ના અંતમાં અમારી વાત થઈ અને 2022ના જાન્યુઆરીના અરસામાં મેં લખવાની શરૂઆત કરી દીધી. આખી બુક લખાતાં બે વર્ષે થયાં. કેમ કે વચ્ચે બીજાં બધાં કામ પણ આવતાં હોય, એમાં થોડો બ્રેક નડે. બાકી તો બહુ આસાનીથી લખાઈ ગઈ હતી.

વચ્ચે મારા સસરા બીમાર હતા, ચેતેશ્વરના ક્રિકેટ કરિયરમાં થોડા ઉતાર-ચઢાવ આવતા હોય, એવું બધુ કંઈક ને કંઈક ચાલુ હોય તો ત્યારે લખી ન શકું. પ્લસ, ચેતેશ્વરની ઇમ્પોર્ટન્ટ મેચ હોય ત્યારે સાથે ટ્રાવેલ કરવાનું હોય, દીકરીની એક્ઝામ વગેરે હોય. ક્રિકેટ કરિયરનું કેટલું લખવું, કેવી રીતે લખવું, ઘણી વાર મૂડ ન હોય. હું જ્યારે ચેતેશ્વરની લાઈફમાં નહોતી, એ પાર્ટ પણ મેં કવર કર્યો છે. એટલે એ બધું કોન્ટેન્ટ ભેગું કરવામાં પણ થોડો સમય લાગ્યો હતો. ઇન શોર્ટ, બે-અઢી વર્ષમાં આખી બુક લખાઈ ગઈ હતી.’ ‘જે કામ માટે ગયા હોય એ જ કરો, રખડવાનું નહીં’ આગળ ઉમેરતાં પૂજા કહે, ‘ચેતેશ્વર શાંત છે. ઉપરથી એની પ્રોફેશનલ લાઈફ પણ ઘરના દરવાજાની બહાર મૂકીને આવે છે. ડ્રેસિંગ રૂમમાં શું થયું, બીજા લોકો સાથે શું થયું, એ બધું મેં આગળ કહ્યું એમ ચેતેશ્વર ઘરે આવીને વાત નથી કરતો. એનું ફોકસ એની ગેમ પર જ હોય. એ આટલા દેશ ફર્યો છે પણ, એણે સ્ટેડિયમ અને હોટેલ સિવાય કશું જ એક્સપ્લોર નથી કર્યું. એ જે કામ માટે ગયો હોય, એના પર જ એનું ધ્યાન હોય. પણ હું જ્યારે ટ્રાવેલ કરતી હોઉં ત્યારે મારી નજરથી ચેતેશ્વરની બધી વાતો લખવાની મેં ટ્રાય કરી છે.’ ‘એમની નજર ફરી એટલે ફાઇનલ’ આવી સંવેદનશીલ બુક લખો ત્યારે તેમાં કેટલાય કિસ્સા કાપવા પડે-નવેસરથી લખવા પડે. એવું બનેલું ખરું? ચેતેશ્વર કહે, ‘મેં આખી બુક બે જ વાર વાંચી છે.’ પૂજા વચ્ચે ઉમેરતાં કહે, ‘ચેતેશ્વરે મને પ્રૂફ રીડિંગમાં પણ ઘણી હેલ્પ કરી છે, કરેક્શનથી લઈ બધું જ. એની નજર બહુ જ સતેજ છે. એની આંખ નીચેથી એક વાર પસાર થયું અને એણે ડન કહી દીધું એટલે મારી ચિંતા પૂરી. એમણે ઓકે કહી દીધું મતલબ એ ખરેખર ઓકે જ છે.’ જ્યારે પહેલીવાર ચેતેશ્વર ડ્રોપ થયો… આખા પુસ્તકમાં કયો કિસ્સો લખતાં સૌથી વધુ આકરું લાગ્યું? પૂજા કહે, ‘ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરિઝ વિશે. ચેતેશ્વરે જ્યારથી ડેબ્યૂ કર્યું ત્યારથી ટીમના બધા પ્લેયર બદલે, પણ ચેતેશ્વર ક્યારેય ડ્રોપ નહોતો થયો. ઈન્ડિયાની ટેસ્ટ વૉલ કહેવાતો. અમે જ્યારે સિડનીમાં હતાં ત્યારે એ પહેલી વાર ડ્રોપ થયો હતો. એ વખતે મારામાં એટલી પણ હિંમત નહોતી કે, હું સ્ટેડિયમમાં જઈ શકું. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં જવું એ દરેક માટે ડ્રીમ જેવું હોય, પણ એ દિવસે હું સ્ટેડિયમમાં જઈ જ ન શકી. કન્ડિશન બહુ જ દુ:ખદ હતી, પણ કોઈ કશું જ કરી શકે એમ નહોતું. લાઈફ પાર્ટનર તરીકે મારી હાલત ત્યારે બહુ જ ખરાબ થઈ ગઈ હતી. એ દિવસે હું બહુ જ રડી હતી. પણ ચેતેશ્વરની સામે એક આંસુ નહોતું પાડ્યું.’ ‘હું હોટેલના રૂમમાં ધ્રુસકે ધ્રુસકે રડી’ પૂજાએ એ દિવસની વાત ડિટેઈલ્સમાં યાદ કરી, ‘સવારનો ટાઈમ હતો, અમે અમારી રીતે આરામથી ખુશ હતાં. ચેતેશ્વર સવારથી સ્ટેડિયમ પર હતો અને અમે હજુ હોટેલ પર. ત્યાં એક

ક્રિકેટરની વાઇફે મારી પાસે આવીને કહ્યું કે, ‘ચેતેશ્વર આજે ડ્રોપ થયા છે.’ હું એકદમ શૉકડ! શું બોલું કે શું કરું? કશું જ ખબર ન પડે. હું રડતાં રડતાં સીધી જ રૂમમાં ગઈ અને સીધો જ એનાં માસીને કોલ કર્યો. ચેતેશ્વરનાં માસીએ સંન્યાસ લીધેલો છે અને ચેતેશ્વરને પણ માસી પ્રત્યે બહુ જ લગાવ છે. એમણે મને બહુ શાંતિથી સમજાવી કે, ‘બેટા, ચિંતા ન કર. એણે એની લાઈફમાં ઘણું બધું જોયું છે. આ ફેઝ પણ નીકળી જશે. ભગવાન એને શક્તિ આપશે. તું ઢીલી ન પડ.’ તેમ છતાં મારાથી રહેવાયું નહીં, એટલે મેં ચેતેશ્વરના ગુરુજીને ફોન કર્યો. એમણે પણ મને એ જ કહ્યું, ‘લાઈફમાં ઉતાર-ચઢાવ આવતા રહે, તું ચિંતા ન કર.’ ત્યાં ચેતેશ્વર રૂમમાં આવ્યો. મેં દરવાજો ખોલ્યો, ત્યાં ચેતેશ્વર તો એકદમ નોર્મલ. એને દુઃખ હશે જ પણ એના ચહેરા પર એ પીડાની એક રેખા નહોતી. આટલા મોટા પછડાટ પછીયે એ એટલું જ બોલ્યો, ‘આ બધું આપણા હાથમાં નથી. જે આપણાં હાથમાં ન હોય એને લઈને જીવ બાળવાનો કોઈ મતલબ નથી.’ ‘પૂજા સાથે મેરેજ પણ મેં ગુરુજીને પૂછીને જ કર્યાં’ ચેતેશ્વર આગળ કહે, ‘પૂજાએ હમણાં જે વાત કરી એ મારા ગુરુજી હરિચરણદાસજીનું મારા જીવનમાં ઘણું મહત્ત્વ રહ્યું છે. ગોંડલમાં એમનો આશ્રમ છે, મારાં મમ્મી નાનપણથી જ એમને ફોલો કરતાં અને ત્યારથી હું એમને ગુરુ માનું છું. મારી લાઈફ અને ક્રિકેટની જર્નીમાં એમનું ઘણું માર્ગદર્શન રહ્યું છે. અરે, મારી અને પૂજાની મુલાકાત પછી પણ જ્યારે હું શ્યોર થઈ ગયો હતો અને ફાઇનલ કરવાનું હતું, ત્યારે પણ ફાઇનલ નિર્ણય મેં ગૂરૂજીને પૂછીને જ લીધો હતો. આશ્રમમાં જ અમારી છેલ્લી મિટિંગ થઈ અને ગુરૂજીએ મને કહ્યું કે, આ તારા માટે બરાબર વ્યક્તિ છે, એ પછી જ મેં પૂજાને હા પાડી હતી. મારી લાઈફમાં એમનું ઘણું મહત્ત્વ છે.’ ‘પાર્ટનરને બતાવવા ક્યારેય હું નથી રમ્યો’ હવે બધા ક્રિકેટરોનાં પાર્ટનર સ્ટેડિયમમાં મેચ જોવા આવે છે, તો જ્યારે પોતાની સૌથી નજીકની વ્યક્તિ સ્ટેડિયમમાં આપણને જોવા આવી હોય ત્યારે પ્રેશર ફીલ થાય કે જુસ્સો મળે? ચેતેશ્વર જવાબ આપતાં કહે, ‘જો હું મારી વાત કરું તો, હું એ બાજુ જોતો જ નથી. જો કોઈને બતાવવા રન મારવાની ટ્રાય કરીશ તો હું રમી જ ન શકું. એ પ્રેશર ઊભું થાય જ. પણ એના બદલે હું એ બાજુ નજર કે વિચાર કર્યા વિના પૂરું ધ્યાન બેટિંગ અને મેચ પર જ આપું. પણ હા, જ્યારે રાજકોટમાં મારી પહેલી ટેસ્ટ મેચ હતી અને મારું ફેમિલી મને જોવા આવ્યું હતું અને એ મેચમાં મેં સેન્ચુરી મારી હતી. ત્યારે મને ઘણો ગર્વ થયો હતો. એ ટાઈમે તમને દુનિયાની સૌથી વધુ ખુશી મળે, એ વાત અલગ છે. પણ એમને બતાવવા માટે ન રમી શકીએ. અને બીજી વાત કે અમારે દેશ માટે રમવાનું છે,

અમારા કોઈ વ્યક્તિને બતાવવા માટે નહીં, એ મનમાં ક્લિયર હોવું જોઈએ.’ ‘તમે એમને સ્ટેડિયમમાં જુઓ છો, અમે સ્ટેડિયમની બહાર’ આ બુક લખવા પાછળનું તમારું વિઝન શું હતું? પૂજાબેન કહે, ‘પહેલી વાત તો એ કે બધાએ કેમેરાની ફ્રેમમાં ક્રિકેટરને જોયા છે, પણ એ પાછળની સ્ટોરી કોઈને નથી ખબર. અને આમાં આખી બુક નહીં પણ બુકનો મોટો ભાગ દરેક કોમન મેનની પોતાની સ્ટોરી છે. તમે વાંચશો તો તમને પણ એવું લાગશે કે આ આપણી વાત છે. બીજું કે ક્રિકેટરને બહારથી જોતાં લોકો એમની પર્સનલ લાઈફ વિશે ખબર જ નથી હોતી કે ત્યાં કેટકેટલું થતું હોય છે. એ પણ કહેવાની ટ્રાય કરી છે કે, રિલેશનશિપમાં કેવા ઉતારચઢાવ આવે. જો ક્યારેક તમારા હસબન્ડનો મૂડ સારો ન હોય તો ઇટ્સ ઓકે! ક્યારેક એવું બને. એમને સમજો. બીજા દિવસે એ સરખું થશે. એકબીજાની સફળતા-નિષ્ફળતામાં તમે એકબીજાને કેવી રીતે મદદ કરી શકો.’ ‘પૂજાએ મારી શરમમાં આવ્યા વિના જે હતું એ લખી નાખ્યું’ આગળ સૂર પુરાવતાં ચેતેશ્વર કહે, ‘પૂજાએ ખૂબ જ નિખાલસતાથી પુસ્તકમાં બધું લખ્યું છે. જે થયું છે, એ એવું ને એવું લખી નાંખ્યું છે. ક્યાંય કોઈ મસાલો કે કશું જ એડ નથી કર્યું. મને કે કોઈને સારું લગાડવા કશું જ નથી લખ્યું. મને સારો બતાવવા કે એ સારી લાગે એવું પણ કશું નથી, જે છે એ લખી નાખ્યું. દરેક વ્યક્તિમાં સારા અને ખરાબ ગુણ હોય જ છે. એટલે જ્યાં જ્યાં મારી ભૂલ હોય ત્યાં એ પણ એવું ને એવું જ લખી નાખ્યું છે. હું હંમેશાં ક્રિકેટની ફ્રન્ટ સીટ પર હોઉં છું, પણ મને ત્યાં સ્ટેબલ રાખવામાં ફેમિલીને કેટકેટલી મહેનત થતી હોય છે, હું સારો સ્કોર કરું તો લોકો હંમેશાં મારાં વખાણ કરે, પણ એ પાછળ આ લોકોનો કેટલો ફાળો હોય એ કોઈને નથી દેખાતો.’ આગળ પૂજા કહે, ‘ક્રિકેટરની લાઈફ સોશિયલ મીડિયા પર બહુ જ મસ્ત લગતી હોય, પણ એ પાછળ શું શું થતું હોય છે, ફેમિલીમાં શું શું ચાલતું હોય છે, એ બધું પૂજાએ બહુ જ સારી રીતે લખ્યું છે. સક્સેસ મેળવવી અઘરી નથી, પણ મળ્યાં પછી એને ટકાવી રાખવી અઘરી છે.’ વાઈફ ક્રિકેટરને કેવી રીતે જુએ? ચેતેશ્વર આગળ ઉમેરતાં કહે, ‘હું જે કોઈ પણ સીરિઝ માટે ગયો તો મારું બધું ધ્યાન સીરિઝ અને પ્રેક્ટિસ પર હોય. પણ ફેમિલીની નજરે મારી સાથે ટ્રાવેલ કરતી વખતે એ લોકોએ શું શું નોટિસ કર્યું? આજુબાજુ શું શું થયું? જ્યારે હું રમતો હોઉં ત્યારે ઘરે શું માહોલ હોય? મને બૉલ વાગે તો શું રિએક્શન હોય? ટુર પર જતી વખતે કેવી કેવી તૈયારી હોય? સીરિઝ સારી જાય કે ખરાબ જાય એ પછી મારામાં એ લોકોને શું દેખાય? એ બધું જ આ બૂકમાં પૂજાએ લખ્યું છે. આ બધું ક્રિકેટરની દૃષ્ટિએ બધા જોતા હોય, અમારા ઇન્ટરવ્યૂ આવતા હોય,

પણ ફેમિલીની સાઈડથી શું હોય છે? એ બધું કે ક્રિકેટરની વાઈફના ઇન્ટરવ્યૂ બહુ ઓછા આવતા હોય છે. આ તમામ વાતો પૂજાએ બહુ જ સરસ રીતે આલેખી છે.’ ‘પૂજાની નજરે અમારી લવ સ્ટોરીમાં મને મજા આવી’ ચેતેશ્વર, તમને બુકમાં સૌથી વધુ શું ગમ્યું? ચેતેશ્વર કહે, ‘મને તો આખી બુકમાં સૌથી વધુ અમારી લવ સ્ટોરી ગમી છે. પૂજાએ અમારા એ શરૂઆતી દિવસોને એટલી સારી રીતે લખ્યા છે કે, મને બે-પાંચ વાર વાંચવાનું મન થઈ જાય. જેટલી વાર વાંચું એટલું ઓછું. અને ખાસ તો એમાં મને ક્યાંય બચાવ્યો નથી, જે હતું એ એવું ને એવું બધાને કહી દીધું છે. ચેતેશ્વરે આવો બાયોડેટા બનાવ્યો, એના મનમાં આવું હતું, મારા મનમાં આવું હતું, બધું જ લખી નાખ્યું છે. એ સિવાય મારા શરૂઆતી દિવસો વિશે પણ પૂજાએ મારા ફેમિલી પાસેથી સાંભળીને લખ્યું છે, જેમાં મારું કરિયર કેવી રીતે સ્ટાર્ટ થયું, એ બધુ જ એણે લખ્યું છે. એટલે અમારી લવ લાઈફનું સ્ટાર્ટિંગ અને મારા કરિયરનું સ્ટાર્ટિંગ, એ બે ભાગ મને બહુ જ ગમ્યા છે.’ ચેતેશ્વર ક્રીઝ પર ઊભો હોય ત્યારે મનમાં શું બોલે છે? કોઈ પાર્ટ ડિલીટ કરવો પડ્યો હોય કે એવું કશું? ઘરે જમવાનું બનાવીને પછી પતિને શું બનાવવું એવું પૂછે એ રીતે ટિપિકલ વાઈફની જેમ હસતાં હસતાં પૂજા કહે, ‘મેં બુકમાં બધું જ લખી નાખ્યું છે. જ્યારે આખી બુક લખાઈ ગઈ એ પછી ચેતેશ્વરે જોઈ હતી, એટલે કશું ડિલીટ કરવાનો સવાલ જ નહોતો. હા, ચેતેશ્વર ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છે, તો એની ધાર્મિકતા વિશે લખવું કે નહીં, એ ખાલી મેં એને પૂછ્યું હતું. જેમ કે ચેતેશ્વર નોન સ્ટ્રાઈકર એન્ડ પર હોય તો ત્યારે એ મનમાં સતત ભગવાનના નામનું રટણ કરતો હોય છે. એવું કશું લખવા માટે મેં ખાલી પૂછ્યું હતું.’ ચેતેશ્વર કહે, ‘એનું કારણ છે કે, જ્યારે અમે સામે ઊભા હોઈએ, ત્યારે બોલર, પિચ બધું જ જોઈને મગજમાં બહુ જ બધા વિચારો આવતા હોય. એ બધું કંટ્રોલ કરવા હું કન્ટિન્યુ ભગવાનનું નામ લેતો હોઉં છું. જેથી મગજ એકદમ શાંત રહે અને મેચમાં ધ્યાન કેન્દ્રિત રહે.’ ચેતેશ્વર પૂજારા પણ બુક લખશે? ચેતેશ્વર, ભાભીએ તો ‘વાઈફ ઓફ અ ક્રિકેટર’ના એંગલથી બુક લખી નાખી, હવે તમારે ક્યારે લખવી છે? ચેતેશ્વર કહે, ‘પૂજાએ બુક લખી એમાં મોટા ભાગનું બધું કવર થઈ ગયું છે. પણ છતાં ક્રિકેટમાંથી નિવૃત્તિ લઉં એ પછી જો કશુંક લખવાનું થશે તો વિચારીશ. રાઇટિંગ એ મારી સ્કિલ નથી. હવે આગળ જતાં ડેવલપ થાય તો ખબર નહીં. (ચેતેશ્વર હજુ આટલું બોલ્યા ત્યાં ભાભીએ ચેતેશ્વરની સામે જોઈ ધીમેથી ડચકારો બોલાવ્યો અને હસતાં હસતાં કહ્યું, ‘નહીં થાય’, ચેતેશ્વર પણ હસવા લાગ્યા!) હા હા, મને પણ ખબર છે, નહીં થાય. કેમ કે એમાં બહુ જ ધીરજ જોઈએ, અને વર્ષોની મહેનત પછી આ બુક લખાઈ છે.’

Leave a Reply

Related Post