‘ગુલામી કરીશ, પણ હીરા નહીં ઘસુ, નફરત થઈ ગઈ છે’: કોઈ રત્નકલાકારે રીંગણાં તો કોઈએ ભેળ વેચવાનું શરૂ કર્યું, બધાનો એક જ સૂર- હીરામાં પાછા નથી જવું

‘ગુલામી કરીશ, પણ હીરા નહીં ઘસુ, નફરત થઈ ગઈ છે’:કોઈ રત્નકલાકારે રીંગણાં તો કોઈએ ભેળ વેચવાનું શરૂ કર્યું, બધાનો એક જ સૂર- હીરામાં પાછા નથી જવું
Email :

'હીરા ઉદ્યોગમાં હવે કોઈ દિવસ જવાય નહીં. હીરાનું મને જે પૂછે તેમને પણ કહું છું કે તમે હીરાનો ધંધો ન કરશો. તમે ભણી લો. બીજી નાની નોકરી હશે તોપણ તકલીફ નહીં પડે. હીરામાં જશો તો 5-10-15 વર્ષે તકલીફ આવશે, આવશે અને આવશે.' 'મંદી આવતાં નોકરી છોડીને આ ફૂડનો ધંધો શરૂ કર્યો છે. નોકરી એ નોકરી જ કહેવાય. સવારે ટિફિન લઈને જવાનું. ઠંડું જમવાનું અને શેઠ બોલે એ સાંભળવાનું. આના કરતાં મારો આ ધંધો નાનો છે, પણ પોતાનો તો ખરો.' 'હીરામાં મંદી આવતાં મને છૂટો કરી દીધો. પછી 4-5 જગ્યાએ ફર્યો અને ઘણાને ફોન કર્યા, પણ કામ ન મળ્યું. માથે ચાર લોકોની જવાબદારી હતી. યુટ્યૂબમાં શીખીને ભેળ વેચવાનું શરૂ કર્યું. હવે ક્યારેય હીરામાં પાછો નહીં જાઉં.' આ દર્દ અને ગુસ્સો સુરતના રત્નકલાકારોનો છે, જેમણે હંમેશાં માટે હીરાના ધંધાને અલવિદા કહી દીધું છે. મંદીમાં કામ છૂટી જતાં ન છૂટકે બીજો ધંધો કરવો પડ્યો. જ્યારે અમુક રત્નકલાકારો તો હંમેશાં માટે સુરત શહેરને જ અલવિદા કહીને ગામડે મજૂરી કે ખેતીકામ શરૂ કરવા લાગ્યા છે. આજે હીરા 'મંદી' સિરીઝના પાંચમા અને છેલ્લા એપિસોડમાં વાંચો, મંદીને કારણે હંમેશાંને માટે હીરાનો ધંધો છોડી ચૂકેલા લોકોની વ્યથા…. હીરા'મંદી' એપિસોડ- 1: રત્નકલાકારના પરિવારોની હૃદય ચીરી દેતી વાતો હીરા'મંદી' એપિસોડ- 2: ભાવુક રત્નકલાકારો બોલ્યા- 'બહુ તકલીફ છે, બચાવી લો' હીરા'મંદી' એપિસોડ- 3: રત્નકલાકારોનું મોટા પ્રમાણમાં શોષણ થયું', યુનિયનનો આક્રોશ હીરા'મંદી' એપિસોડ- 4: 'લેબગ્રોન-રિયલને ગોવિંદભાઈ ઓળખી બતાવે તો આખી ઇન્ડસ્ટ્રી આપી દઈશ' સૌ પહેલા વાત કરીશું ભારે હૈયે સુરત છોડીને ગામડે ચાલ્યા ગયેલા રત્નકલાકાર સુભાષભાઈ વાલજીભાઇ માણસુરિયાની વાત. તેઓ હાલ

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં ખેતી-મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. સુભાષભાઈ માણસુરિયાએ પોતાની વાત શરૂ કરતાં કહ્યું, 'સુરતમાં હું આઠથી નવ વર્ષ રહ્યો. શરૂઆતમાં 22 હજારનું કામ થતું. પછી આવતાં 12 હજારનું પણ નહોતું થતું. એમાં પણ ઉપાડ તો હોય તો પગારમાં 8-10 હજાર રૂપિયા જ હાથમાં આવતા. એમાંથી મકાનનું ભાડું, ખર્ચો, છોકરાની ફી વગેરે કાઢીએ તો કંઈ નહોતું વધતું. પરિવારમાં મારા બે નાના દીકરા અને અમે બે એમ ચાર હતા, પણ કમાવનાર હું એક જ હતો. છેલ્લે તો હું 2-3 મહિના સુધી કામ માટે બહુ રખડ્યો. કોઈ જગ્યાએ હીરા ઘસવા બેસાડતા નહોતા. બધે એમ જ કહેતા કે અમારે અત્યારે જરૂર નથી.' સિટીમાં છાશ તો ઠીક પાણી પણ વેચાતું લેવું પડે છે 'મંદીમાં રૂપિયા ભરવાના માથે થતા હતા. ઉપરાંત છોકરાઓની સ્કૂલની ફી તો ભરવી જ પડે. એ વગર ચાલે નહીં. પછી થોડા ઘણા માથે કરીને ભર્યા. છેલ્લે કંટાળી અમે ગામડે આવી ગયા. મારી પોતાની જમીન નથી. હું હવે 300 રૂપિયા રોજ પર મજૂરીએ જાઉં છું. અત્યારે ગામડે ઘણું સારું જીવન છે. ગામડે તો છાશ વગેરે આજુબાજુવાળા આપે. સિટીમાં છાશ તો ઠીક પાણી પણ વેચાતું લેવું પડે છે. અહીં ગામડે પોતાનું ઘર છે એટલે ભાડાનો પણ ખર્ચ બચી જાય છે. છોકરાઓને ગામની સરકારી સ્કૂલમાં ભણવા મૂકી દીધા છે એટલે તેમની ફીની પણ ચિંતા નથી.' 200 રૂપિયાની દહાડી કરીશ, પણ હીરા નથી ઘસવા હવે હીરા ઉદ્યોગમાં પાછા જવાની ઈચ્છા ખરી? એના જવાબમાં સુભાષભાઈ માણસુરિયાએ કહ્યું, 'હવે હીરા ઉદ્યોગમાં કોઈ દિવસ પાછો નહીં જાઉં. હીરાનું મને જે પૂછે તેમને પણ હું કહું છું કે તમે

હીરાનો ધંધો ન કરશો. તમે ભણી લો. નાની સરકારી નોકરી હશે તોપણ તકલીફ નહીં પડે. હીરામાં જશો તો 5-10-15 વર્ષે તકલીફ આવશે, આવશે અને આવશે. હીરામાં બહુ કંટાળી ગયો હતો. હીરા પર નફરત થઈ ગઈ છે. હીરા ઘસવા જ નથી. મજૂરી કરવી છે. 200 રૂપિયાની દહાડી આપે તો એ કરવા જઈશ, પણ હીરા નથી ઘસવા. રત્નકલાકારોને સંદેશ આપતાં તેમણે કહ્યું, 'મારે હીરાઘસુઓને કહેવાનું કે તમે જ્યાં મજૂરી કરો છો ત્યાં પીએફ, ઇએસઆઇ, હક રજા આપે તો સુરતમાં રહેવાય, નહીં તો એ છોડીને ગામડે જઈને મજૂરી કરાય. મને સુરતમાં આ કોઈ વસ્તુ નહોતી મળતી. હું નાના ખાતામાં હતો. ટાઈમ ટુ ટાઈમ જવું પડે. નહીં તો આપણે જોઈએ ત્યારે રજા ન મળે. આ સિવાય રોજ ઘંટી પર બેસી રહેવાથી શરીરમાં પણ તકલીફ થવા લાગતી હતી.' મૂળ ઉપલેટાના વતની અને છેલ્લાં 22 વર્ષથી સુરતમાં રહેતાં દીપકકુમાર ઘેટિયાના જીવનમાં પણ કંઈક આવો જ સંઘર્ષ છે. હીરામાં મંદી આવતાં નાસીપાસ થવાના બદલે તેમણે બાઈક પર ઘૂધરા વેચવાનું શરૂ કર્યું. સુરતના આઉટર રિંગરોડ પર એન્થમ સર્કલ પાસે 'રત્નકલાકાર નાસ્તા હાઉસ' નામથી ઘૂઘરા વેચતા દીપકકુમાર ઘેટિયાએ કહ્યું, 'મેં 22 વર્ષ સુધી હીરા ઘસ્યા છે. હીરામાં પહેલાં સારું કામ મળી રહેતું. મહિને એવરેજ 30થી 40 હજાર રૂપિયાની આવક થતી હતી, પણ મંદી આવતાં છેલ્લાં બે વર્ષથી આવક ઘટીને 15 હજાર રૂપિયા થઈ ગઈ હતી. વર્ષ 2008ની મંદી આવી નહોતી. આ ભયંકર મંદી છે. ત્યારે કારખાના થોડાં-થોડાં ચાલુ હતાં. અત્યારે ઘણાં બંધ છે. દિવાળી પછી ઘણાં ચાલુ નથી થયાં. પહેલાં છૂટથી કામ કરતાં. કોઈ દબાણથી નહીં. કામે જવું

હોય તો જઈએ. કામ મળી રહેતું. અત્યારે દબાણથી કામ કરવું પડતું. બરાબર કામ પણ મળતું નથી. સવારે 9 વાગ્યે જઈએ ત્યારે 11 વાગ્યે કામ આપે. પછી બપોર પછી 3 વાગ્યે બોલાવે 4 વાગ્યા સુધી બેસાડી 6 વાગ્યા સુધી કામ આપતા.' ધંધો નાનો છે, પણ પોતાનો તો ખરો, ગુલામી તો નહીં તેમણે આગળ કહ્યું, 'રોજના 400-500 રૂપિયાની માંડ કમાણી થતી. એનાથી હું કંટાળી ગયો હતો. મને થયું કે બીજું કંઈ કરું તો આના કરતાં વધારે કમાઈ લઉં. પછી મેં ઘૂઘરાનું શરૂ કર્યું. ઘરમાં અમે 9 લોકો છીએ. મારા અને મારા ભાઈના 4 છોકરા, અમારી પત્ની અને અમારાં માતા-પિતા. મારો ભાઈ હાલમાં પણ હીરા ઘસવા જાય છે, પણ તેને બરાબર કામ મળતું નથી. છોકરીઓ ભણવા જાય છે. મારો ભત્રીજો પણ ડાયમંડમાં શીખીને છૂટો થયો છે. પહેલાં હું ઘૂઘરામાં એકલો કામ કરતો. હવે આખો પરિવાર કામ કરે છે. હવે ત્રીસેક હજાર રૂપિયા કમાવું છું. આ ભલે નાનો ધંધો છે, પણ પોતાનો ધંધો છે. કોઇની ગુલામી તો નહીં.' ત્યાર બાદ અમે હીરાબાગ રોડ પર 'રત્નકલાકાર સૂપ હાઉસ' શરૂ કરનાર રાકેશભાઈ ડાભીને મળ્યા. અમે જ્યારે પહોંચ્યા ત્યારે રોડની સાઈડમાં ટેબલ લગાવીને રાકેશભાઈ સૂપ બનાવી રહ્યા હતા. બાજુમાં તેમના બાળક અને પત્નીની આંખોમાં ચિંતા દેખાતી હતી. પરિવાર ચારેબાજુ નજર ફેરવી રહ્યો હતો અને સૂપના ગ્રાહક આવે તેની રાહ જોઈ રહ્યો હતો. રાકેશભાઈ ડાભીએ કહ્યું, 'હું પંદરેક વરસથી ડાયમંડમાં જોબ કરું છું. હું શરૂઆતમાં હીરાની મોટી કંપનીમાં હતો, એ બંધ થઈ ગઈ એટલે નાના કારખાનામાં જોડાઈ ગયો પણ એમાં હવે કામ પૂરું મળતું નથી. હીરામાં દિવસે ને

દિવસે સેલરી ઘટતી જાય છે અને મોંઘવારી વધતી જાય છે. પહેલા મારે મહિને 38 હજાર જેટલી આવક હતી. એ ઘટતાં ઘટતાં અત્યારે 15 હજારે પહોંચી છે. સામે ખર્ચ 22 હજાર સુધીનો થઈ જાય છે. એ પૂરો નહોતો થતો એટલે જ પાર્ટટાઈમ સૂપનું ચાલુ કરવું પડ્યું છે. હું સવારે 8થી સાંજના 7 વાગ્યા સુધી ડાયમંડમાં જોબ કરું છું. ત્યાંથી છૂટીને સૂપ વેચવા અહીં આવું છું. રાત્રે 12 વાગ્યા સુધી સૂપ વેચું છું. મારી પત્ની દિવસે સૂપના સામાનનું કટિંગ કરીને તૈયાર રાખે છે. આમાં 900 જેટલા રૂપિયા મળી રહે છે. અત્યારે છોકરાઓની ફી, રૂમ ભાડા વગેરેનો ખર્ચ છે. કમાનાર હું એક છું અને મારી ઉપર પરિવારના ચાર લોકો નભે છે. હું મૂળ ભાવનગરના ઘોઘાનો છું પણ સુરત છોડી શકીએ એવી પોઝિશન નથી. રાકેશભાઈ ડાભીએ વાત આગળ વધારતાં કહ્યું, 'હીરામાં તકલીફ ભોગવતા મારા જેવા તો ઘણા લોકો છે, જેમાંથી અમુક લોકોએ લાઈન ચેન્જ કરી નાખી છે તો અમુક લોકોએ સાઈડ બિઝનેસ શરૂ કરી દીધો છે. ભાવનગરમાં મારા સાળા શૈલેષ વાઢેર હતા. તેઓ પણ 15 વર્ષથી હીરા ઘસતા હતા. તેમનું ડાયમંડમાં કામ નહોતું થતું એટલે માનસિક તણાવમાં આવી ગયા હતા. તેમના ઘરમાં બંને માણસ કમાતા હતા, તેમ છતાં પૂરું નહોતું પડતું. એનાથી કંટાળીને તેમણે ગયા વર્ષે પાંચમા મહિનામાં આત્મહત્યા કરી લીધી હતી. અત્યારે તો તેના પરિવારનો કપરો સમય ચાલે છે. ' યુટ્યૂબમાં શીખી ભેળ વેચવાનું શરૂ કર્યું સુરતના વાલક જંક્શન પાસે રિંગરોડ પર ફૂડકોર્ટની બહાર 4 ફૂટની જગ્યામાં ટેબલ નાખીને ભેળ વેચતા અમિત હીરપરાએ પોતાની વ્યથા જણાવતાં કહ્યું, 'હાલમાં લક્ષ્મણનગરમાં રહું છું. 15 દિવસ

પહેલાં જ અહીં 'ભાઈબંધ કોલેજિયન' નામથી ભેળ વેચવાનું શરૂ કર્યું છે. એ પહેલાં આઠ વર્ષ સુધી હીરા ઘસતો. એક સમયે મહિને ત્રીસેક હજાર કમાઈ લેતો હતો, પણ છેલ્લાં કેટલાક સમયથી મંદીના કારણે હીરામાં કામ મળતું નહોતું. અઠવાડિયામાં વધારાની ચાર રજા આવતી હતી. છેલ્લે-છેલ્લે તો કારખાના બંધ થવા માંડ્યાં હતાં. મને પણ છૂટો કરી દીધો. પછી તો હું 4-5થી જગ્યાએ ફર્યો અને ઘણાને ફોન કર્યા પણ કામ ન મળ્યું.' તેમણે વાતને આગળ વધારતાં કહ્યું હતું, 'પરિવારમાં પત્ની-પુત્ર, માતા-પિતા એમ ચાર લોકોની જવાબાદરી હતી. ઘરમાં કમાનાર હું એકલો છું. હીરામાંથી કામ છૂટતાં ઘર ચલાવવાનું મુશ્કેલ બની ગયું હતું. અંતે, મેં આ ભેળ બનાવવાનું શરૂ કર્યું. યુટ્યૂબમાં જોઈને ભેળ બનાવતા શીખ્યો. અંદાજે 35 હજારનું રોકાણ કરી 3-4 દિવસમાં સેટઅપ ઊભું કર્યું અત્યારે આમાં સારો રિસ્પોન્સ છે. હીરા કરતાં આમાં સારું મળી રહે છે. હીરામાં પાછું નથી જાવું. એનું નક્કી જ નથી. મારા આ સાહસમાં મિત્રોનો સારો સપોર્ટ મળ્યો છે એટલે મેં આનું નામ 'ભાઈબંધ કોલેજિયન' રાખ્યું છે.' મંદીમાં નાસીપાસ થઈને આપઘાત કરી લેતા રત્નકલાકારોને સંદેશ આપતાં અમિત હીરપરાએ કહ્યું હતું કે જો હીરામાં કામ ન મળે તો બીજું કંઈક કરો, પણ અંતિમ પગલું તો ન જ ભરો. 'ભાઈબંધ કોલેજિયન'ની બાજુમાં અમને રાહુલભાઈ વરદોરિયા મળી ગયા, જેમણે પણ હીરાનો ધંધો છોડીને ફૂડના વ્યવસાયમાં ઝંપલાવ્યું છે. રાહુલભાઈ વરદોરિયાએ કહ્યું, 'મેં 9 મહિનાથી 'ઢોંસા વેલી' નામથી ઢોસા વેચવાનું શરૂ કર્યું છે. એ પહેલાં 12 વર્ષ હું ડાયમંડમાં હતો. એમાં મંદીને કારણે આ શરૂ કહ્યું છે. હીરામાં 4-5 મહિના કામ મળતું, પછી 2-4 મહિના આંટા મારવાના

રહેતા. પહેલા મહિને 40 હજાર મળતા. પછી ડાઉન થતાં છેલ્લે 15 હજાર આવતા. પાંચ-છ વરસથી આવું ચાલે છે. ઘરમાં મુખ્ય કમાનાર હું જ છું. મારી પત્ની સામાન્ય નોકરી કરે છે. પછી થોડીક બચત અને થોડાક ઉછીના પૈસા લઈને આ 'ઢોંસા વેલી' નામથી સેટ અપ કર્યો. અત્યારે તો આ ફૂડનો ધંધો ચાલે છે એટલે ફરી હીરામાં જવાનો નથી. રત્નકલાકારોને શીખ આપતાં તેમણે કહ્યું કે નાનો-મોટો ધંધો કરો, પણ જિંદગી ટૂંકી કરવાનું પગલું ન ભરો. મહેનત કરો, પછી ગમે એ મળવાનું જ છે. છેલ્લાં 14 વર્ષથી રત્નકલાકાર તરીકે કામ કરતા રાહુલભાઈ શિરોયાની વ્યથા પણ કંઈક આવી જ છે. તેમણે હીરાની નોકરી છોડીને હવે ગ્રંથ મસાલા પાંઉ નામથી ફાસ્ટફૂડની લારી શરૂ કરી છે. આ અંગે રાહુલભાઈ શિરોયાએ કહ્યું, 'મંદી આવતાં હીરાનો ધંધો છોડી દીધો હતો. પહેલાં જે 30થી 35 હજાર રૂપિયા પગાર હતો, એ ઘટીને 10થી 15 હજાર રૂપિયા થઈ ગયો હતો. એના કારણે નોકરી છોડી દીધી હતી. મારા દીકરાને મસ્ક્યુલર ડીસટ્રોફી નામની ગંભીર બીમારી છે. આ બીમારીમાં બાળક ચાલી અને ઊઠી શકતું નથી, જેનો એક લાખ રૂપિયા જેટલો ખર્ચ મહિને થાય છે. આ ખર્ચ હીરાના પગારમાંથી નીકળતો નહોતો. પછી આ ફૂડનો ધંધો ચાલુ કરવાનો વિચાર આવ્યો અને વડાપાંઉ વેચવાનું શરૂ કર્યું. આમાં મેં દોઢેક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને હવે મહિને 35 હજાર રૂપિયા કમાઈ લઉં છું. આ ધંધો સેટ થઈ ગયો છે અને ઘણો સારો રિસ્પોન્સ છે. હવે હીરામાં પાછું નથી જવું. હવે હું પોતાની રીતે કામ કરી મારા દીકરાની સાર-સંભાળ લઈ શકું છું.' ભગત કોલેજિયન ભેળ નામથી ફૂડનો

ધંધો શરૂ કરનાર સવાણી પીયૂષભાઈએ કહ્યું, 'હીરામાં મંદી આવતાં નોકરી છોડીને આ ફૂડનો ધંધો શરૂ કર્યો છે. મને પહેલાંથી ફૂડનો શોખ હતો. હીરામાં મારો 38 હજાર પગાર હતો, પણ નોકરી એ નોકરી જ કહેવાય. સવારે ટિફિન લઈને જવાનું. ઠંડું જમવાનું અને શેઠ બોલે એ સાંભળવાનું. આના કરતાં મારો આ ધંધો નાનો છે, પણ પોતાનો તો ખરો. શરૂઆતમાં મારી પાસે કંઈ નહોતું અને થોડું ઈન્વેસ્ટમેન્ટ કરીને આ ચાલુ કર્યું છે. હીરા કરતાં આમાં ઘણું સારું છે. હીરામાં જેટલો પગાર હતો એના કરતાં આમાં ડબલ આવક છે. ' આવકનો બીજો કોઈ સ્ત્રોત જ નથી, તેમનું શું? સુરત ડાયમંડ એસોસિયેશનના વાઈસ-પ્રેસિડન્ટ ભાવેશ ટાંકે કહ્યું, 'હીરાની મંદીથી ત્રાસીને ઘર ચલાવવા માટે અનેક લોકોએ બીજી લાઈન પકડી લીધી છે. કોઈકે નાસ્તાની લારી તો કોઈએ નાનો-મોટો ધંધો શરૂ કર્યો છે. કોઈ સંબંધીઓ સાથે કામ કરવા લાગ્યા છે તો કોઈ કામ માટે રખડી રહ્યા છે. જ્યારે જેમની પાસે ગામડે જમીન છે એ હીરા છોડીને ખેતીમાં લાગી ગયા છે, પણ જેની પાસે કઈ નથી તેઓ કયા જશે? હીરા સિવાય આવકનો બીજો કોઈ સ્ત્રોત જ નથી. તેમનું શું? જ્યારે અમુક પાસે જમીન છે, પણ પાણી નથી. તે શું કરશે? બે-ત્રણ ભાઈઓમાંથી બે તો ખેતી કરીને જ પોતાનું ગુજરાન ચલાવતા હોય અને એક હીરા ઘસતો ભાઈ પાછો જાય તો તેમનું કેવી રીતે ચાલે? ગામડામાં રોજની 500થી 700 રૂપિયા મજૂરી મળે છે, પણ વર્ષોથી હીરા ઘસ્યા બાદ ખેતીમાં જાય તો એ કામ ન થઈ શકે. તેની પણ છ મહિના પ્રેક્ટિસ કરવી પડે. કર્મચારીઓની આવક ઘટી છે, પણ સાવ બેરોજગારી નથી રત્નકલાકારોની સ્થિતિ

અને તેમના પગાર અંગે સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ જગદીશભાઇ ખૂંટે કહ્યું, બે વર્ષની સરખામણીએ અત્યારે કર્મચારીઓની આવકમાં ચોક્કસ ઘટાડો થયો છે. પણ સાવ બેરોજગારી છે એવું ન કહી શકાય. સમય આવ્યે સ્થિતિમાં જરૂર સુધારો થશે. હાલમાં દિવાળી પછી પરિસ્થિતિ થાળે પડી છે. રત્નકલાકારોને રોજગારી મળી રહી છે. કોઈ બેરોજગારી હોય એવું ધ્યાનમાં આવતું નથી કે અમારી પાસે કોઈ એવી ફરિયાદ પણ નથી. મંદીમાં હીરા ઉદ્યોગને સરકાર શું મદદ કરી રહી છે એના જવાબમાં જગદીશભાઇ ખૂંટે કહ્યું, સરકારનો આમાં એટલો બધો રોલ કહી ન શકાય. તેમ છતાં રત્નકલાકારોના નાના યુનિટ માટે ટૂંક ગાળાની વગર વ્યાજની લોન મળે એ માટે અમે રજૂઆત કરી છે. આ ઉપરાંત રત્નકલાકારોનાં બાળકોને 3-4 મહિના સુધી ફી માફી મળે એવી રજૂઆત પણ સરકારમાં કરી છે. સુરતના હીરા ઉદ્યોગ અને રત્નકલાકારોની સમસ્યા પર ન્યુ ગુજરાતની પાંચ એપિસોડની આ ખાસ સિરીઝ હીરા'મંદી' તમને કેવી લાગે? મેઈલ આઈડી dvbbhaskar123@gmail.com પર તમારા અભિપ્રાય આપી શકો છો. તમારા ધ્યાનમાં આવો કોઈ મુદ્દો હોય તો અમને આ મેઈલ આઈડી પર જણાવી શકો છો. આ પણ વાંચો: હીરા'મંદી' એપિસોડ- 1: રત્નકલાકારના પરિવારોની હૃદય ચીરી દેતી વાતો, સુરતમાં ડરામણી સ્થિતિ, હીરાની મંદીએ 70થી વધુનો ભોગ લીધો હીરા'મંદી' એપિસોડ- 2: 'તો માર્ચ સુધીમાં અનેક લાશો પડશે', ભાવુક રત્નકલાકારો બોલ્યા- 'બહુ તકલીફ છે, બચાવી લો' હીરા'મંદી' એપિસોડ- 3: 'સુરતના શેઠો રાતોરાત 2000 કરોડ ઊભા કરી શકે એમ છે, રત્નકલાકારોનું મોટા પ્રમાણમાં શોષણ થયું', યુનિયનનો આક્રોશ હીરા'મંદી' એપિસોડ- 4: 'લેબગ્રોન-રિયલને ગોવિંદભાઈ ઓળખી બતાવે તો આખી ઇન્ડસ્ટ્રી ફ્રીમાં આપી દઈશ':સુરતના ઉદ્યોગપતિની ચેલેન્જ, ડાયમંડમાં ઊથલપાથલ મચાવનાર CVD શું છે?

Related Post