WPLમાં ટીમ ઇન્ડિયાની બેટર યાસ્તિકા રમશે: પેરેન્ટ્સે કહ્યું- 8 વર્ષે જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે છે; પહેલાં બેડમિન્ટન રમી, કરાટેમાં બ્લેક બેલ્ટ હતી

WPLમાં ટીમ ઇન્ડિયાની બેટર યાસ્તિકા રમશે:પેરેન્ટ્સે કહ્યું- 8 વર્ષે જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે છે; પહેલાં બેડમિન્ટન રમી, કરાટેમાં બ્લેક બેલ્ટ હતી
Email :

આગામી 14 ફેબ્રુઆરીથી વુમન્સ પ્રીમિયર લીગ (WPL)નો વડોદરાથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. WPLની પ્રથમ 6 મેચ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. એમાં વડોદરાની વિકેટકીપર, બેટ્સમેન યાસ્તિકા ભાટિયા મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમશે. જ્યારે બોલર રાધા યાદવ દિલ્હી કેપિટલ્સ તરફથી રમતી જોવા મળશે. આ બંને ક્રિકેટર ટીમ ઇન્ડિયામાં પણ રમે છે. વડોદરાની ક્રિકેટર યાસ્તિકા ભાટિયાનાં માતા-પિતાએ ન્યુ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે અમને અમારી

દીકરી પર પ્રાઉડ ફીલ થાય છે. અમે કોટંબી સ્ટેડિયમમાં મેચ જોવા માટે જવાના છીએ. અમારી દીકરીને સપોર્ટ કરવા માટે વડોદરાવાસીઓ પણ મેચ જોવા જરૂરથી જજો. 'મારી દીકરી 8 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું' મુંબઇ ઇન્ડિયન્સ ટીમની ક્રિકેટર યાસ્તિકા ભાટિયાના પિતા હરીશ ભાટિયાએ ન્યુ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી દીકરી માત્ર આઠ વર્ષની હતી ત્યારથી તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તે વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે યૂથ સર્વિસ

સેન્ટર ખાતે રમવા જતી હતી. તે ખૂબ જ મહેનત કરતી હતી અને તેનું સારું પર્ફોર્મન્સ હતું. જેથી બરોડા ક્રિકેટ એસોસિયેશનની અન્ડર-19 ટીમમાં તેની પસંદગી થઈ હતી. એમાં તેણે ખૂબ જ સારું પર્ફોર્મન્સ કરતાં સિનિયર ટીમમાં સ્થાન મળ્યું હતું. '2021માં ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું હતું' તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારી દીકરીની રમત જોઈને કોચ પૂર્ણિમા ગાયકવાડે કહ્યું હતું કે તમારી દીકરી એક દિવસ જરૂર ઇન્ડિયન ટીમમાં રમશે. આ ઉપરાંત સિલેકટર ગીતા

ગાયકવાડે પણ કહ્યું હતું કે તમારી દીકરી એક દિવસ ચોક્કસથી ઇન્ડિયન ટીમમાં રમશે. ત્યાર બાદ તેને ક્રિકેટને ખૂબ જ સિરિયસલી લીધી હતી અને તે ખૂબ જ મહેનત કરવા લાગી હતી. 2021માં તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું હતું. ત્યાર બાદ 2022માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મારી દીકરીએ એકસાથે ટી-20, વન-ડે અને ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારે અમને ખૂબ જ ખુશી થઈ હતી કે, તેણે કરેલી મહેનતની તેને સફળતા મળી છે. કિરણ

મોરે અને સંતોષ સરે પણ મારી દીકરીને રમતમાં ખૂબ જ સપોર્ટ કર્યો છે. 'સવારે 5 વાગ્યે ઊઠીને રનિંગની પ્રેક્ટિસ કરવા જતી હતી' તેમણે ઉમેર્યું હતું કે મારી દીકરી દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તે સ્કૂલમાંથી બપોરે 2 વાગ્યે ઘરે આવતી હતી અને જમ્યા પછી તરત જ ક્લબમાં ક્રિકેટ રમવા માટે નીકળી જતી હતી. ક્લબ માટે રોજ ત્રણ કલાક બેટિંગ અને વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરતી હતી. ઘરે આવ્યા બાદ તે ફ્રેશ થઈને

હોમવર્ક કરવા માટે બેસી જતી હતી. રાત્રે 10 વાગે ઊંઘી ગયા બાદ સવારે 5 વાગ્યા ઊઠીને ફરીથી ગ્રાઉન્ડમાં રનિંગની પ્રેક્ટિસ કરવા માટે જતી હતી. તેણે ખૂબ જ મહેનત કરી હતી. જેથી તેને સફળતા મળી હતી. તે ક્રિકેટ રમતી હતી તેમ છતાં તે અભ્યાસમાં પણ હંમેશાં ટોપ 3માં આવતી હતી. ધોરણ 12 સાયન્સમાં પણ તે 90 ટકા માર્ક્સ સાથે પાસ થઈ હતી. વડોદરાવાસીઓને મારી વિનંતી મેચ જરૂરથી જોજો તેમણે છેલ્લે કહ્યું હતું

કે અમારા માટે ગર્વની વાત છે કે મારી દીકરી WPLમાં વડોદરામાં રમવા જઈ રહી છે. વડોદરાવાસીઓને મારી વિનંતી છે કે તમે પણ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં જઈને મેચ જરૂરથી જોજો. અમે પણ મેચ જોવા જવાના છીએ અને અમે ખૂબ જ એક્સાઈટેડ છીએ. ફિટનેસ અને ડાયટ એ પ્લેયર માટે ખૂબ જ જરૂરી છે. મારી દીકરી સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે છે, છેલ્લાં 10 વર્ષથી તેને શુગર લીધી નથી. તે સ્વીટસ અવોઇડ કરે છે.

ડ્રાયફ્રુટ્સ અને ફ્રુટ લે છે. જિમ અને રનિંગ શિડયૂલ રેગ્યુલર છે. 'યાસ્તિકા કરાટેમાં પણ બ્લેક બેલ્ટ રહી હતી' યાસ્તિકાનાં માતા ગરિમા ભાટિયાએ જણાવ્યું હતું કે યાસ્તિકાને બાળપણથી જ સ્પોર્ટ્સમાં રસ હતો. માત્ર 6 વર્ષની ઉમરે તે બેડમિન્ટન રમતી હતી અને ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી રમી હતી. ત્યાર બાદ તે કરાટેમાં પણ બ્લેક બેલ્ટ રહી હતી. ત્યાર બાદ તે ક્રિકેટ રમવા લાગી હતી. તેણે ટીમ ઇન્ડિયામાં રમવાનું સપનું જોયું હતું. તે હંમેશાં કહેતી હતી

કે, હું ઈન્ડિયાની ટી-શર્ટ પહેરીને ટીમ ઇન્ડિયા માટે રમીને ઇન્ડિયાને જિતાડવાની ઈચ્છા હતી. જે ઈચ્છા તેણે પૂરી કરી છે. અમને અમારી દીકરી પર ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે. વડોદરામાં WPLની 6 મેચ રમાશે ઉલ્લેખનીય છે કે ગુજરાત જાયન્ટસની ટીમ વડોદરા આવી ગઈ છે અને કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરી રહી છે. આવતીકાલથી બીજી ટીમો પણ વડોદરા આવશે. આગામી 14 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન વડોદરામાં WPLની 6 મેચ રમાશે.

Related Post