BJPમાં એક વ્યક્તિ-એક પદના નિયમનો સુવિધા પ્રમાણે ઉપયોગ?: બે ગ્રાન્ટ લેવાના નામે ધારાસભ્યોને બે વર્ષથી કોર્પોરેટરપદે રાખ્યા, MLA

BJPમાં એક વ્યક્તિ-એક પદના નિયમનો સુવિધા પ્રમાણે ઉપયોગ?:બે ગ્રાન્ટ લેવાના નામે ધારાસભ્યોને બે વર્ષથી કોર્પોરેટરપદે રાખ્યા, MLA: હોદ્દો ન છોડવા પાર્ટીની જ સૂચના
Email :

20 જુલાઈ, 2020ના રોજ સી.આર.પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ હતા. પછી તેમણે એક વ્યક્તિ-એક પદનો નિયમ ઘડ્યો અને આખા ગુજરાતમાં આ ફોર્મ્યુલા લાગુ કરી દીધી હતી. એમાં રાજકીય રીતે ઘણા નેતાઓ ‘ઘવાયા’ પણ હતા, પરંતુ હવે આ જ નિયમનું અનુકૂળતા પ્રમાણે પાલન થઈ રહ્યું હોય એમ લાગે છે, કારણ કે ભાજપના જ કેટલાક નેતાઓ છેલ્લાં બે વર્ષ કરતાં પણ વધુ સમયથી ધારાસભ્ય અને સાથોસાથ કોર્પોરેટરના પદે પણ હજુ યથાવત્ છે. તમને જાણીને નવાઈ લાગશે કે રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં વોર્ડ નંબર-2નાં કોર્પોરેટર ડૉ.દર્શિતા શાહની 2024-24ની ગ્રાન્ટના રૂપિયા ખર્ચીને બાંકડા મૂકવામાં આવ્યા છે, પરંતુ ડૉ.દર્શિતા શાહની બીજી ઓળખ એ પણ છે કે તેઓ 2022ના ડિસેમ્બર મહિનાથી રાજકોટ પશ્ચિમ બેઠકથી ધારાસભ્ય ચૂંટાઈ આવ્યાં છે, એટલે એક વ્યક્તિ, બે પદ! અને બન્ને જગ્યાથી ગ્રાન્ટ મળી રહી છે. આવો એક કિસ્સો નથી. જામનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય દિવ્યેશ અકબરી પણ હાલમાં કોર્પોરેટર છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં

મહિલા અને બાળકલ્યાણમંત્રી ભાનુબેન બાબરિયા અત્યારે ધારાસભ્ય ઉપરાંત કોર્પોરેટર પણ છે. ભાજપમાં એક પદ એક વ્યક્તિનો નિયમ પાર્ટીએ પોતે જ બનાવ્યો છે. તેમ છતાં કેટલાક નેતાએ બે અલગ-અલગ ચૂંટણી જીતીને પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ બાબતે જે-તે ધારાસભ્ય અને ભાજપના પદાધિકારીઓને સવાલ કર્યા. નોંધવા જેવી વાત એ પણ છે કે ધારાસભ્ય જો સાંસદ તરીકે ચૂંટાય તો છ મહિનામાં કોઈ એક પદ છોડવું પડે છે. ન્યુ ગુજરાત સાથેની વાતચીતમાં દર્શિતા શાહના જણાવ્યા પ્રમાણે, તેઓ હાલમાં રાજકોટ મહાનગરપાલિકાનાં કોર્પોરેટર તો છે, પરંતુ મનપાની કોઈ સમિતિમાં સભ્ય નથી. બે-બે ગ્રાન્ટ મળે એટલે રાજીનામું નથી આપ્યું એકસાથે બે પદ જાળવવા પાછળ દર્શિતા શાહ સરકારી ગ્રાન્ટનું કારણ ધરે છે. તેમણે કહ્યું, કોર્પોરેટર તરીકે મને વાર્ષિક 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે છે. જ્યારે ધારાસભ્ય તરીકે દોઢ કરોડની વાર્ષિક ગ્રાન્ટ આપવામાં આવે છે. આ ઉપરાંત હું મહિલા ધારાસભ્ય હોવાથી સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળે છે. આ સિવાય

પણ મારા મતવિસ્તારમાં રસ્તા, ગટર જેવી સુવિધા વધુ સારી કરવા માટે બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકાર આપે છે. ટૂંકમાં ડૉ.દર્શિતા શાહ બે અલગ-અલગ પદે હોવાથી વાર્ષિક કુલ 5 કરોડ રૂપિયાની આસપાસ ગ્રાન્ટ મેળવે છે, જોકે તેમણે કયા હોદ્દા પરની કેટલી ગ્રાન્ટ વાપરી એ વિશે નહોતું જણાવ્યું. ડૉ.દર્શિતા શાહે કહ્યું, કેટલી ગ્રાન્ટ વાપરવામાં આવી એનો ચોક્કસ આંકડો હાલ આપવો મુશ્કેલ છે, કારણ કે મારાં અનેક કામોની ફાઇલ કલેક્ટર, મનપા કમિશનર સહિત વિવિધ જગ્યાએ વહીવટી પ્રક્રિયામાં છે, જેમાં અનેક ગ્રાન્ટનાં કામો ટેન્ડરમાં છે. જેમ ટેન્ડર પાસ થાય એમ ગ્રાન્ટ વપરાતી હોય છે. હું મારી મોટા ભાગની ગ્રાન્ટ વાપરી નાખું છું. કોર્પોરેટર તરીકે મળેલી 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મેં સંપૂર્ણ વાપરી નાખી છે. ધારાસભ્ય બન્યાં એટલે ડે. મેયરનું પદ છોડી દીધું હતું દર્શિતા શાહ ડિસેમ્બર, 2022માં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યાં એ પહેલાં રાજકોટના ડેપ્યુટી મેયર હતાં. ધારાસભ્ય બન્યાં એટલે તેમણે

મેયરપદેથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ કોર્પોરેટરનું પદ હજુ સુધી છોડ્યું નથી. તેઓ કહે છે કે મને પાર્ટીએ આ પદ છોડવા હજુ કહ્યું નથી. મને ભાજપ જે આદેશ કરશે એ પ્રમાણે નિર્ણય લઈશ. તેમણે વધુમાં જણાવ્યું, ધારાસભ્ય અને કોર્પોરેટર એમ બે હોદ્દા પર રહેવાથી કોઈ ખાસ મુશ્કેલી પડતી નથી, પરંતુ ક્યારેક વિધાનસભાનું સત્ર ચાલુ હોય અને એ દરમિયાન રાજકોટ મનપાનું જનરલ બોર્ડ મળે કે સંકલન સમિતિની બેઠક મળે ત્યારે હું એમાં હાજરી આપી શકતી નથી, પરંતુ મારો પ્રયાસ એવો જ હોય છે કે હું બંને જગ્યાએ હાજરી આપું. દર્શિતા શાહ જેવો જ ભાજપમાં બીજો કિસ્સો દિવ્યેશ અકબરીનો છે. તેઓ જામનગર દક્ષિણ બેઠક પરથી ડિસેમ્બર, 2022માં ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા. આ સાથે જ તેઓ જામનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર-8ના કોર્પોરેટરના પદે પણ યથાવત્ છે. એકસાથે બે-બે પદ ભોગવતા દિવ્યેશ અકબરી કહે છે, કોઈ મુશ્કેલ કામ હોતું નથી. બધું સરખી રીતે થઈ જાય

છે. કોર્પોરેટર હોવાથી સામાન્ય નાગરિક એકદમ મારા સંપર્કમાં રહે છે. હું અઠવાડિયામાં ત્રણ દિવસ મારી ઓફિસ પર જ હોઉં છું. એટલે લોકો સાથે મારી મુલાકાત થતી રહે છે. વિધાનસભાનું સત્ર ચાલુ હોય એટલે ગાંધીનગર હોઉં છું. દિવ્યેશ અકબરી હાલમાં ધારાસભ્યનો પગાર લે છે, જ્યારે કોર્પોરેટર તરીકેનો પગાર તેમણે જતો કર્યો છે. તેઓ જામનગર મહાનગરપાલિકાની કોઈ સમિતિના સભ્ય પણ નથી. દિવ્યેશ અકબરી બોલ્યા- બે ગ્રાન્ટ મળે છે તોપણ ઓછી પડે છે ધારાસભ્ય અને કોર્પોરેટર એમ બે પ્રકારની ગ્રાન્ટ મળતી હોવાના સવાલ પર તેમણે કહ્યું, મને કોર્પોરેટરને વર્ષે 10 લાખ રૂપિયા ગ્રાન્ટ મળે છે, જ્યારે ધારાસભ્ય તરીકે વર્ષની દોઢ કરોડ રૂપિયા ગ્રાન્ટ ઈસ્યુ થાય છે. ગ્રાન્ટ તો આવતી જાય એમ વપરાતી જ જાય છે. કોર્પોરેશનની દસ લાખ રૂપિયાની ગ્રાન્ટમાં શું દેખાય? એ તો તરત વાપરી નાખીએ છીએ. વળી, ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટ પણ મેં તો વાપરી નાખી છે. ઊલટાની ગ્રાન્ટ ઓછી પડે છે. મંત્રી

ભાનુબેન બાબરિયા પણ કોર્પોરેટર છે રાજકોટ ગ્રામ્ય બેઠકથી ભાજપના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા રાજકોટ મનપાના વોર્ડ નંબર-1ના કોર્પોરેટર પણ છે. તેઓ અગાઉ 2007 અને 2012માં પણ ધારાસભ્ય ચૂંટાઈ આવ્યાં હતાં. પછી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી લડીને કોર્પોરેટર બન્યાં હતાં. ભાજપે 2022માં તેમને ત્રીજી વખત ટિકિટ આપીને ચૂંટણી લડાવી હતી. વિધાનસભાની ચૂંટણી જીત્યાને બે વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ચૂક્યો છે છતાં નિયમોની આડાશ લઈને તેમણે બેમાંથી એકપણ હોદ્દો છોડ્યો નથી. આ બાબતે જ્યારે ન્યુ ગુજરાતે ભાનુબેનનું મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો તો તેમણે ગલ્લાંતલ્લાં કર્યાં હતાં અને કોઈ જ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. રાજકોટ શહેરના ભાજપ-પ્રમુખ મુકેશ દોશી તો સ્વીકારે પણ છે કે આવું પહેલીવાર નથી થયું. ભૂતકાળમાં પણ મહેન્દ્ર મશરૂ મેયર હતા અને ધારાસભ્ય પણ હતા. ભૂતકાળમાં આવું ઘણી વખત બની ચૂક્યું છે. મુકેશ દોશીએ જણાવ્યું, કોંગ્રેસમાં પણ નેતાઓ ધારાસભ્ય અને કોર્પોરેટર એમ બે પદે રહ્યા છે. ભાજપમાં એક

વ્યક્તિને એક હોદ્દોનો નિયમ છે, પરંતુ બે પદ જાળવી રાખવા એ વ્યવસ્થાના ભાગરૂપે બન્યું હોય, જેમ કે નજીકના ભવિષ્યમાં ચૂંટણી આવવાની હોય એટલે રાજીનામું ન અપાવ્યું હોય. અમુક કેસમાં નેતા સિનિયર અને અનુભવી હોય તો તેમનો લાભ લેવા માટે પણ બે પદ પર રાખ્યા હોઈ શકે. આમ, જ્યાં જરૂરિયાત હોય એ મુજબ પાર્ટી વ્યવસ્થા ગોઠવે છે. MLA કેયૂર રોકડિયાએ મેયર પદેથી રાજીનામું આપ્યું પણ કોર્પોરેટર પદ છોડ્યું નથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં વડોદરાની સયાજીગંજ બેઠકથી ભાજપના નેતા કેયૂર રોકડિયા ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા. આ સમયે તેઓ વડોદરાના મેયર પણ હતા. મેયર તરીકે કેયૂર રોકડિયાએ માર્ચ-2021માં પદભાર સંભાળ્યો હતો. જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા ત્યારે મેયર તરીકેનાં અઢી વર્ષના કાર્યકાળમાં 7 મહિનાનો સમયગાળો બાકી રહ્યો હતો. એકસાથે બે હોદ્દા પર રહેવા બાબતે પૂછેલા સવાલના જવાબમાં રોકડિયાએ કહ્યું, અમારા પક્ષમાં એક વ્યક્તિ-એક હોદ્દાનો નિયમ છે, એટલે મેં અને રાજકોટનાં દર્શિતા શાહે અનુક્રમે મેયર અને ડે.મેયરપદેથી રાજીનામું

આપી દીધું હતું, જોકે કોર્પોરેટર પદ ચાલુ છે, કારણ કે આ કોર્પોરેટર હોઉં તો એમાં એક વ્યક્તિ-એક હોદ્દાનો નિયમ લાગુ પડતો નથી. કેયૂર રોકડિયાએ બે કિસ્સા પણ યાદ કર્યા અને કહ્યું, અગાઉ બાળુભાઈ શુક્લ સાંસદ હતા અને સાથે જ વડોદરાના મેયર પણ હતા. તેમણે આખી ટર્મ પૂરી કરી હતી. આ સિવાય રંજનબેન ભટ્ટ પણ કોર્પોરેટર અને સાંસદ પદ પર એકસાથે હતાં. જ્યારે મેં તો મેયરપદેથી રાજીનામું પણ આપી દીધું છે. કેયૂર રોકડિયાએ જણાવ્યું, હું ધારાસભ્ય ચૂંટાયો એ પછી મેં વડોદરાના મેયરપદેથી રાજીનામું આપી દીધું હતું. કોર્પોરેટર તરીકે મને અગાઉ 14 હજાર 500 રૂપિયાની આસપાસ પગાર મળતો હતો એ મેં જતો કર્યો છે. વડોદરામાં કોર્પોરેટરને 22-25 લાખ રૂપિયા ગ્રાન્ટ મળે છે, જ્યારે ધારાસભ્ય તરીકે દોઢ કરોડ રૂપિયાની વાર્ષિક ગ્રાન્ટ મળે છે. કેયૂર રોકડિયાએ કહ્યું, મેં ગયા વર્ષની બન્ને ગ્રાન્ટ વાપરી નાખી છે અને ચાલુ વર્ષે પણ અનુપાતમાં ગ્રાન્ટ વપરાઈ રહી છે. જો

નેતાઓ લોકો માટે મળતી ગ્રાન્ટ ન વાપરી શકે તો ખૂબ ખરાબ કહેવાય. ન્યુ ગુજરાતે આ પરિસ્થિતિ વિશે ગુજરાત ભાજપના ઉપપ્રમુખ ભરત બોઘરાને પણ સવાલ કર્યો હતો. તેમણે પણ આવી ‘છૂટ’ પાછળ હાઇકમાન્ડનો જ નિર્ણય હોવાનું કારણ ધરી દીધું. ભરત બોઘરાએ કહ્યું, અમારા હાઇકમાન્ડ બધા નિર્ણયો કરતા હોય છે. કોર્પોરેટરને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મળી હોય અને તેઓ ચૂંટાઈ આવે એવું પણ બનતું હોય છે. આ ચૂંટણી પછી કોર્પોરેટરની ટર્મ પૂરી થવાને એકાદ વર્ષ કરતાં પણ ઓછો સમય બાકી હોય એવા સંજોગોમાં પાર્ટીએ રાજીનામું લીધું ન હોય એવું બને. થોડા મહિનાઓ પહેલાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી લોકસભાની ચૂંટણી જીત્યાં, એટલે વાવ વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દેવું પડ્યું અને પછી પેટાચૂંટણી થઈ હતી. જો કે કાયદાના જાણકારોનું માનીએ તો કોર્પોરેટર અને ધારાસભ્યના પદે ભાજપની જ એક વ્યક્તિ હોય તો એ કાયદાનું ઉલ્લંઘન નથી. પરંતુ ભાજપે જાતે બનાવેલા નિયમની અવગણના કહેવાય.

Related Post