ટોલમાં ઝોલ, 155 કિમી દૂર પાર્ક કારનો ટોલટેક્સ કપાયો: સુરતના વેપારીની બિલ્ડિંગમાં રહેલી કારના ફાસ્ટેગમાંથી રૂ.160 વડોદરા ટોલ પર કપાયા; પોલીસે ફરિયાદ જ ન લીધી

ટોલમાં ઝોલ, 155 કિમી દૂર પાર્ક કારનો ટોલટેક્સ કપાયો:સુરતના વેપારીની બિલ્ડિંગમાં રહેલી કારના ફાસ્ટેગમાંથી રૂ.160 વડોદરા ટોલ પર કપાયા; પોલીસે ફરિયાદ જ ન લીધી
Email :

ગુજરાતમાં નકલી અને કૌભાંડના દિવસે ને દિવસે બનાવો સામે આવતા રહે છે. હવે સુરતથી ટોલટેક્સનું કૌભાંડ સામે આવ્યું છે. સુરતના એક એપાર્ટમેન્ટના પાર્કિગમાં પાર્ક કરેલી કારનો 155 કિમી દૂર વડોદરાના ટોલટેક્સ પર ફાસ્ટેગથી રૂ. 160 કપાઈ ગયા હતા. આ અંગેનો કારમાલિકને મોબાઈલમાં મેસેજ મળતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા. બાદમાં આ મામલે NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા) અને ફાસ્ટેગ એકાઉન્ટ સાઉથ ઇન્ડિયન બેંકમાં ફરિયાદ નોંધાવી હતી. બન્ને જગ્યાએથી યોગ્ય જવાબ ન મળતાં તેઓ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપવા પહોંચ્યા હતા,

પણ પોલીસે ફરિયાદ લેવાનો ઈનકાર કરી દીધો હતો. કાર છેલ્લાં બે અઠવાડિયાંથી પાર્કિંગમાં જ હતી સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા રઘુવીર સૈફ્રોન એપાર્ટમેન્ટમાં વિમલેશ તાતેડે રહે છે અને ફાઈનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની પાસે બાઈક અને એક અર્ટિગા કાર છે. તેઓ મોટા ભાગે શહેરની અંદર ઘર સહિતનાં કામ માટે ટૂ-વ્હીલરનો જ ઉપયોગ કરે છે. તેમની કાર ઘણા સમયથી રઘુવીર સૈફ્રોન એપાર્ટમેન્ટના બેસમેન્ટ પાર્કિંગમાં જ રાખેલી છે. 16 એપ્રિલની રાત્રે 10 વાગ્યે તેમના મોબાઇલ પર મેસેજ આવ્યો કે વડોદરા ટોલ પ્લાઝા

પરથી પસાર થતી વખતે ફાસ્ટેગમાંથી રૂ.160 કપાઈ ગયા છે. આ વાંચી તેઓ પરેશાન થઈ ગયા હતા. રસ્તામાં અનેક ટોલ છતાં એક જ જગ્યાએ કેમ કપાયો? તાતેડેની કાર તો લગભગ એક અઠવાડિયાથી પાર્કિંગની બહાર જ નીકળી ન હોવા છતાં અહીં પ્રશ્ન એ ઊઠે છે કે ફાસ્ટેગ કપાઈ કઈ રીતે? આ સાથે સુરતથી વડોદરા જતા એનએચ-48 પર લગભગ 155 કિમીનું અંતર છે. આ રસ્તે અનેક મોટા ટોલ પ્લાઝા આવેલા છે, જેમ કે ભરૂચ નજીકનો ટોલ અને કરજણના આસપાસનો વડોદરા તરફનો ટોલ. તો માત્ર

એક ટોલ ટેક્સ પર જ કેવી રીતે ટોલ કપાયો? પોલીસે પણ ફરિયાદ ન લીધીઃ વિમલેશ તાતેડે આ અંગે ભોગ બનનાર વિમલેશ તાતેડેએ જણાવ્યું હતું કે મને એવી શક્યતા છે કે કોઈએ મારા કાર નંબરની નકલી પ્લેટ બનાવી હોઈ શકે છે અથવા ફાસ્ટેગનું રજિસ્ટ્રેશન ડુપ્લિકેટ બનાવ્યું હોય શકે છે. વાત 160 રૂપિયાની નથી, પણ કોઈ દુરુપયોગ કરે એની છે. આ મામલે મેં NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ને ઓનલાઈન અને લેખિતમાં ફરિયાદ કરી છે, પણ હજુ સુધી કોઈ જવાબ મળ્યો હતો.

આ સાથે મારુ ફાસ્ટેગ એકાઉન્ટ સાઉથ ઇન્ડિયન બેંકમાં હોવાથી ત્યાં પણ ફરિયાદ નોંધાવી છે. ચાર દિવસ પસાર થયા છતાં પૈસા રિફંડ મળ્યા નથી કે કોઈપણ સ્પષ્ટ કારણ પણ આપવામાં આવ્યું નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મારા કાર નંબર કે ફાસ્ટેગનો કોઈ દુરુપયોગ ન કરે એ માટે અલથાણ પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનર કચેરીમાં લેખિત ફરિયાદ કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે ફરિયાદ લેવાનો ઈનકાર કરી દીધો હતો. ફરિયાદ ન લેવા મામલે ન્યુ ગુજરાતે સવાલ કરતાં અલથાણા પોલીસે જણાવ્યું હતું

કે અરજી લઈને તપાસ કરી રહ્યા છીએ. ફાસ્ટેગ પ્રોસેસ અને એમાં કેવી રીતે થઈ શકે છે ગડબડ? એનએચઆઈનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફાસ્ટેગ ટોલ પર RFID (Radio Frequency Identification) ટેક્નોલોજીથી કારનું યુનિક ટેગ સ્કેન થાય છે. જ્યારે એ સ્કેન ન થાય અથવા ટેક્નિકલ ખામી આવે ત્યારે ટોલ સ્ટાફ દ્વારા મેન્યુઅલ એન્ટ્રી કરવામાં આવે છે. આવા સમયે ઘણીવાર ભૂલથી બીજા વાહનના નંબર નાખી દેવામાં આવે છે અથવા કોઈ નકલી નંબર પ્લેટવાળી કાર જ હાજર હોય તો સાચા માલિકના ફાસ્ટેગમાંથી પેમેન્ટ કપાઈ શકે છે.

Leave a Reply

Related Post