મંત્રી મુકેશ પટેલના પુત્રએ પણ હથિયાર લેવા નાગાલેન્ડથી લાઇસન્સ લીધું: સુરત પોલીસે ચોપડે ચઢાવ્યું; કૌભાંડમાં અત્યારસુધી 23ની ધરપકડ, શું મંત્રીપુત્રની ધરપકડ થશે?

મંત્રી મુકેશ પટેલના પુત્રએ પણ હથિયાર લેવા નાગાલેન્ડથી લાઇસન્સ લીધું:સુરત પોલીસે ચોપડે ચઢાવ્યું; કૌભાંડમાં અત્યારસુધી 23ની ધરપકડ, શું મંત્રીપુત્રની ધરપકડ થશે?
Email :

નાગાલેન્ડથી લાઇસન્સ મેળવવાનું રેકેટ હવે ગંભીર સ્વરૂપ લઈ રહ્યું છે. ગુજરાત એટીએસ, સુરત ક્રાઇમ બ્રાંચ, સુરેન્દ્રનગર એસઓજી સહિત અનેક તપાસ એજન્સીઓ હાલ આ કૌભાંડની તપાસ કરી રહી છે. ત્યાં હવે ઓલપાડથી ત્રણ વખત ચૂંટાયેલા ધારાસભ્ય અને હાલ રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલના પુત્ર પાસે પણ નાગાલેન્ડથી ઇસ્યુ થયેલું વેપન લાઇસન્સ સામે આવ્યું છે. એટલું જ નહીં આ લાઇસન્સને મંત્રી પુત્રએ સુરત પોલીસના ચોપડે પણ ચઢાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ રેકેટમાં અત્યાર સુધીમાં ગુજરાત ATSએ 23 આરોપીની ધરપકડ કરી છે, ત્યારે મંત્રીપુત્રની ધરપકડ થશે કે કેમ તેને લઇને સવાલો ઉઠી રહ્યા

છે. વિશાલ પટેલે નાગાલેન્ડથી હથિયાર લાઇસન્સ મેળવ્યું મૂળ ઓલપાડના રહેવાસી અને હાલ રાજ્યમંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે વર્ષ 2022માં નાગાલેન્ડથી All India Arms License મેળવ્યું હતું. વિશેષ વાત એ છે કે, આ લાઇસન્સ પર ખાસ કરીને ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે તેનું UIN (Universal Identification Number) 213801001899102019… જે હાથથી લખાયેલો છે. સામાન્ય રીતે આવા સરકારી દસ્તાવેજોમાં કોઈપણ વિગત ટાઇપ કરેલી હોય છે, ત્યારે આ હસ્તલિખિત UIN નંબર પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. લાઇસન્સ બુકના સરનામાની વાત કરીએ તો, વિશાલ પટેલનું સરનામું “પટેલ ફળિયું, નઘોઈ, ઓલપાડ, સુરત” દર્શાવાયું

છે. પરંતુ “પોલીસ સ્ટેશન”ના કોલમમાં “જ્હાંગીરપુરા”નો ઉલ્લેખ છે. જ્યારે “વર્તમાન રહેઠાણ” તરીકે “હાઉસ નંબર 123, ઈન્ડસ્ટ્રીયલ વિલેજ, રાઝુફે, જીલ્લો દીમાપુર, નાગાલેન્ડ” લખાયું છે. રૂ. 20ના સ્ટેમ્પ પેપર પર થયો હતો અહમ દસ્તાવેજી વ્યવહાર વિશાલ પટેલે સપ્ટેમ્બર-2022માં રૂ. 20ના સ્ટેમ્પ પેપર પર હથિયાર લાઇસન્સ સંબંધિત દસ્તાવેજો નાગાલેન્ડની ઑથોરિટીને સોંપ્યાં હતાં. આ દસ્તાવેજોના આધારે તેમને નાગાલેન્ડ ખાતેથી દેશવ્યાપી હથિયાર લાઇસન્સ (All India Arms License) ફાળવાયું હતું. સુરત પોલીસના ચોપડે પણ નાગાલેન્ડ લાઇસન્સ ચઢી ગયું આ ઘટના ત્યાં અટકતી નથી. નાગાલેન્ડથી ઇસ્યુ થયેલું આ લાઇસન્સ હવે સુરત શહેર પોલીસના રેકોર્ડમાં પણ ચઢી ગયું છે. માત્ર વિશાલ

પટેલ જ નહીં, પણ તેમની સાથે અન્ય બે શખસોએ પણ આવું જ કર્યું છે. ત્રણેયે સુરત પોલીસ સમક્ષ “ટેકન ઓવર એપ્લિકેશન” આપી પોતાના નાગાલેન્ડના લાઇસન્સને સુરતમાં માન્ય બનાવ્યા છે. સુરત પોલીસે નાગાલેન્ડ પોલીસ પાસે NOC માગી હતી સુરત શહેર પોલીસે એના સંબંધમાં આખી પ્રક્રિયા અનુસાર નાગાલેન્ડ પોલીસથી NOC (No Objection Certificate) માગી હતી. સુરત શહેરની વિશેષ શાખાના DCP હેતલ પટેલે જણાવ્યું કે, “જ્યારે કોઈ વ્યક્તિ પાસે નાગાલેન્ડથી મળેલું ઓલ ઈન્ડિયા લાઇસન્સ હોય અને તે સુરતમાં વપરાશ માટે માન્ય કરાવવાનું હોય, ત્યારે તેઓ ટેકન ઑવરના અરજીપત્રક સાથે જરૂરી દસ્તાવેજો આપે છે. અમે

નાગાલેન્ડની ઑથોરિટીના હસ્તાક્ષરિત NOC મેળવીએ છીએ. જે હાર્ડ કોપી હોય છે. જે રજિસ્ટર્ડ એડીથી આવે છે તેને જ માન્યતા અપાઈ શકે. આ અમારા રેકોર્ડ પર છે. લાઇસન્સ અંગે ક્રાઇમ બ્રાન્ચને કોઈ માહિતી નથી સુરતમાં નાગાલેન્ડના હથિયાર લાઇસન્સ અંગે તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે, જ્યારે ન્યુ ગુજરાત દ્વારા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે હાલ આ લાઇસન્સ અંગે ક્રાઇમ બ્રાન્ચને કોઈપણ માહિતી નથી. તપાસ એજન્સી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે, તેમાં તથ્ય શું છે તે અંગે અત્યાર સુધી કોઈ માહિતી

મળી નથી. પુત્રના પગલાથી ભાજપ મંત્રી મૌન ન્યુ ગુજરાત દ્વારા અનેકવાર મંત્રી મુકેશ પટેલનો ટેલિફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો નહોતો. વિશાલ પટેલના હથિયાર લાઇસન્સની વિગત બહાર આવતાં રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા છે. ખાસ કરીને ત્યારે જ્યારે વિશાલના પિતા ભાજપના મંત્રી છે, રાજ્યમાં પ્રતિબંધિત હથિયારોના લાઇસન્સ પર નવા નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે અને એટીએસ સહિતની એજન્સીઓ ઊંડાણથી તપાસ ચલાવી રહી છે. આ પણ વાંચો: હથિયારોનું બોગસ લાઇસન્સ મેળવનારા 16 અરેસ્ટ:50,000થી 10 લાખ ચૂકવી લાઇસન્સ લીધાં, કમર પર ફટકડી લટકાવી કસ્ટમરોને બાનમાં લેતા; કોણે કેટલો ચાર્જ ચૂકવ્યો?

Leave a Reply

Related Post