'હવે PM મોદી માટે ડ્રેસ ડિઝાઇન કરવો છે': સુરતી ટીના રાંકાએ કાન ફેસ્ટિવલમાં ₹15 લાખનો ડ્રેસ પહેરીને વટ પાડ્યો; 100 કારીગરને તૈયાર કરતાં 50 દિવસ લાગ્યા

'હવે PM મોદી માટે ડ્રેસ ડિઝાઇન કરવો છે':સુરતી ટીના રાંકાએ કાન ફેસ્ટિવલમાં ₹15 લાખનો ડ્રેસ પહેરીને વટ પાડ્યો; 100 કારીગરને તૈયાર કરતાં 50 દિવસ લાગ્યા
Email :

‘કાન ફેસ્ટિવલમાં મેં પહેર્યો એ ડ્રેસનું વજન 14 કિલો હતું! 100થી વધુ કારીગરોએ 50 દિવસની મહેનત કરીને તે તૈયાર કરેલો. કિંમતની રીતે જોઇએ તો એ ડ્રેસ ₹15 લાખ રૂપિયામાં તૈયાર થયેલો! પણ કોઇ કરોડો રૂપિયા આપે તોય હું એ ડ્રેસ વેચવાની નથી.’ ‘મને PM મોદી માટે ડ્રેસ ડિઝાઇન કરવાની બહુ ઇચ્છા છે. એમનામાં મને કાયમ એક સાવજની છબિ દેખાઇ છે. એમનામાં શિવજી જેવું તેજ છે, એટલે તેમનાં કપડાંમાં પણ શિવજી અને કાન્હાજીનો સમાવેશ કરીને ભગવા રંગમાં એમનો મસ્ત ડ્રેસ ડિઝાઇન કરી શકાય.’ ભારે ઉત્સાહભેર આ વાત કહી રહ્યાં છે, ટીના રાંકા. નામ કદાચ અજાણ્યું લાગે, પણ એમણે એકેએક ગુજરાતીની છાતી ગજગજ ફૂલે એવી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં જ ફ્રાન્સમાં સંપન્ન થયેલા અતિપ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર વૉક કરનારાં તેઓ ભારતનાં સર્વપ્રથમ મહિલા ફેશન-ડિઝાઇનર બન્યાં છે. સુરતમાં રહેતાં ટીના રાંકા અત્યંત કાબેલ ફેશન ડિઝાઇનર છે અને તેમના આ ટેલેન્ટે જ તેમને અને આખા દેશને ગૌરવ અપાવ્યું. ટીનાબેન સાથે ન્યુ ગુજરાતે નિરાંતે વાતો માંડી અને એમની જીવનની સ્ટ્રગલ, એમનાં સપનાં અને ફેશન ઇન્ડસ્ટ્રીની રસપ્રદ વાતો કરી. રાજસ્થાનની પરંપરા વચ્ચે ઉછેર, ગુજરાતના ખોળે કળાનો વિકાસ ‘મારો જન્મ રાજસ્થાનના નાનકડા ગામમાં થયેલો. મારો ઉછેર પણ ત્યાં જ થયેલો’, ટીના રાંકાએ પોતાની જર્નીની શરૂઆતથી વાત માંડી, ‘હું કોલેજના છેલ્લા વર્ષમાં હતી, ત્યારે મારાં લગ્ન થઈ ગયાં અને મારે ગુજરાત શિફ્ટ થવું પડ્યું. મારું સાસરું સુરતમાં હતું. સુરત આવી ત્યારે શરૂઆતી દિવસોમાં પારિવારિક જવાબદારીઓ વધારે હતી એટલે ફરી ભણતરની શરૂઆત થઈ શકી નહીં.’ ‘પરંતુ મારા પતિએ દરેક પળે મને સાથ આપ્યો છે. તેણે જ મને લગ્નના થોડા સમય પછી ફેશન-ડિઝાઈનિંગનો કોર્સ કરાવ્યો. હું નાની હતી ત્યારથી મને ફેશનમાં રુચિ તો હતી પણ ક્યારેય તેમાં ભવિષ્ય બનાવવાનો વિચાર નહોતો. પણ કહેવાય છે ને કે- ‘ધાર્યું ધણીનું થાય’, મારી સાથે પણ એવું જ થયું. મેં

તો ફાઈટર પાઈલટ બનવાનું સપનું જોયેલું, પણ હું ફેશન ડિઝાઈનર બની ગઈ. જોકે, મને આ વિષયમાં પહેલેથી રસ રહ્યો છે એટલે મને કામ કરવામાં બહુ મજા આવે છે. શરૂ શરૂમાં ફેશન-ડિઝાઈનિંગનો કોર્સ પૂર્ણ કર્યા બાદ હું શોખ માટે મારા પરિવારનાં, મિત્રોનાં અને બાળકોનાં કપડાં ડિઝાઈન કરતી હતી.’ સંયુક્ત પરિવાર અને બાળકોની જવાબદારી ટીના રાંકા કહે છે કે- લગ્ન બાદનો તબક્કો થોડો મુશ્કેલ હતો. અમારું જોઇન્ટ ફેમિલી હતું. લગ્નનાં થોડાં વર્ષમાં મારાં બે બાળકોનો જન્મ થયો એટલે ફેશન ડિઝાઈનિંગ માત્ર શોખ બની ગયો હતો. સમય કાઢીને કપડાં ડિઝાઈન કરવા કે કોઈ ફેશન ઈવેન્ટમાં ભાગ લેવો એ મારા માટે શક્ય નહોતું. પરંતુ મારા બંને બાળકો (એક દીકરો અને એક દીકરી) મોટાં થઈ ગયાં પછી હું થોડી ફ્રી રહેવા લાગી. આ કારણે મેં મારા શોખને એક નવી દિશા આપી અને વર્ષ 2017 દુબઈના ફેશન શોથી ફેશન ઈન્ડસ્ટ્રીમાં મારું ડેબ્યૂ કર્યું.’ ટીના રાંકાને અમે એમના પરિવારના સભ્યો વિશે પૂછ્યું ત્યારે તેમણે ખૂબ જ ઉત્સાહથી કહ્યું, ‘અરે, બહુ ભર્યોભાદર્યો પરિવાર છે અમારો. મારા પતિ, બે દિયર, સસરા અને મારાં બે બાળકો. મારો મોટો દીકરો તો અત્યારે અમેરિકામાં ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં છે. જ્યારે મારી દીકરી અત્યારે અગિયારમા ધોરણમાં ભણી રહી છે. ભગવાનની દયાથી બંને બાળકો ભણવામાં ખૂબ જ હોશિયાર અને ટેલેન્ટેડ છે.’ રાજસ્થાન-ગુજરાત બંનેનાં કલ્ચરમાં માતૃત્વની સુગંધ છલકાઈ છે બાળપણથી લઈ મોટા ભાગનો સમય ટીનાએ રાજસ્થાનમાં ગાળ્યો છે અને છેલ્લાં 22 વર્ષથી તે ગુજરાતમાં રહે છે. અમે જ્યારે પૂછ્યું કે તમને બંને રાજ્યના કલ્ચરમાં શું સામ્યતા દેખાઈ છે? ત્યારે તેમણે જવાબ આપતાં કહ્યું, ‘ત્યાંના અને અહીંના લોકો ખૂબ જ માયાળુ અને પ્રેમાળ છે. ગુજરાતનું કલ્ચર પણ એટલું સિમ્પલ છે કે જ્યારે ત્યાંથી હું અહીં આવી તો મને જરાય એવું નથી લાગ્યું કે મારું વતન છૂટી ગયું છે કે એકલતાની લાગણી અનુભવાઈ રહી છે. બીજી એક વાત એ

પણ જોવા મળી કે ત્યાંના લોકો પણ કલ્ચરની બાબતમાં એટલાં સજાગ છે અને અહીં પણ એવું જ છે. લોકો સંયુક્ત પરિવાર સાથે રહે છે, એકબીજાની રિસ્પેક્ટ કરે છે આ બધી બાબતો મને રાજસ્થાન-ગુજરાતનાં કલ્ચર સાથે જોડી રાખે છે.’ ‘જીવનનો સૌથી મોટો સંઘર્ષ પોતાની સાથે જ હોય છે’ ટીનાએ પોતાની જર્નીના પડકારો વિશે વાત કરતાં કહ્યું- ‘જ્યારે તમે કોઈ ફિલ્ડમાં નવા-નવા છો, તમને વસ્તુઓની સમજ નથી હોતી ત્યારે બિલકુલ અલગ લેવલની ચેલેન્જ સામે આવતી હોય છે. આ જર્નીમાં જેમ આગળ વધો છો તેમ તમને વસ્તુઓ વધારે સારી રીતે સમજાવા લાગે છે. એટલે અહીં સુધી પહોંચ્યા બાદ હવે મને સમજાય છે કે આપણા જીવનનો સૌથી મોટો સંઘર્ષ આપણી જાત સાથેનો જ હોય છે. જ્યાં સુધી તમારો આત્મવિશ્વાસ તમારી સાથે હશે ત્યાં સુધી દરેક પરિસ્થિતિ અને પડકારો નાનાં લાગશે. એમાં પણ જો તમે એક મહિલા છો તેનો મતલબ તમે પહેલેથી જ મજબૂત છો.’ ‘આપણે વધારે સ્ત્રી-પુરુષના મુદ્દા પર નહીં જઈએ, પરંતુ હું હંમેશાંથી એવું માનતી આવી છું કે, આપણું કોઇ કામ ન થાય કે નિષ્ફળતા મળે, તેમાં ક્યાંકને ક્યાંક આપણી પોતાની ખામીઓ જ જવાબદાર હોય છે. કેટલીકવાર આપણો આત્મવિશ્વાસ અને ધીરજ ઓછી પડી જતી હોય છે, જેના કારણે આપણે આપણાં સપનાંની સામે શરણાગતિ સ્વીકારી લઇએ છીએ. એટલા માટે મને લાગે છે કે કામ આપણે પોતાના પર કરવાની જરૂર છે બાકીની વસ્તુઓ તો તેની રીતે થવા લાગે છે. પોતાના પર વિશ્વાસ અને પોતાના કામ પર વિશ્વાસ, ઉપરાંત સાંભળવા-સમજવાની શક્તિ હોય તો તમે ગમે તેવી કપરી સ્થિતિને પાર કરી મંઝિલ સુધી પહોંચી જ શકો છો. માત્ર સપનું જોવું જ પૂરતું નથી. બલકે ખૂલી આંખે તેને જોવું અને તેના પર કામ કરવું પણ એટલું જરૂરી છે. ખાલી સપનાં જોવાથી તે પૂરાં નથી થવાનાં. તેના માટે પરિશ્રમ પણ એટલો જ જરૂરી છે.’ ‘જ્યારે બાળકોનો જન્મ થયો

ત્યારે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વજન વધી ગયું હતું અને બેક પ્રોબ્લેમની સમસ્યા આવી ગઈ હતી. થોડા મહિનાઓ મારે બેડ રેસ્ટ રહેવું પડ્યું. જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવી છે, પરંતુ આ બધી સમસ્યાઓનું વળતર અત્યારે વ્યાજ સાથે પાછું મળી રહ્યું હોય તેવું લાગે છે.’ સુરતથી કાન ફિલ્મ ફેસ્ટિવલઃ મેજિકલ જર્ની ‘હું મારી પોતાની બ્રાન્ડના નામ સાથે ગઈ હતી’, ટીનાબેન પોતાની સુરતથી ફ્રાન્સની સફર વિશે વાત માંડે છે, ‘મારી પોતાની ‘ટીના રાંકા’ કરીને એક બ્રાન્ડ છે. આ ફિલ્ડમાં હવે મને બહોળો અનુભવ થઈ ગયો છે, એટલે એવું જરાય નથી કે કાલે ચાલુ કર્યું અને આજે કાન ફેસ્ટિવલ સુધી પહોંચી ગઈ છું. મારી જે રીતની જર્ની રહી છે, મારા જેટલાં અચિવમેન્ટ્સ રહ્યાં છે અને કામ પ્રત્યે મારું જે ઝનૂન છે તેને જોતાં મેં નક્કી કર્યું હતું કાન ફિલ્મ ફેસ્ટિવલનું સ્ટેજ મારા માટે જ બન્યું છે.’ ટીનાએ કહ્યું કે- ‘તમે બીજા દેશમાં તમારા દેશને રિપ્રેઝન્ટ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલાં તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યાં પરિસ્થિતિ એટલી સરળ નથી હોતી. સૌથી પહેલાં તો તમને એટલો આત્મવિશ્વાસ હોવો જોઇએ કે તમારી બ્રાન્ડ આ લેવલ માટે તૈયાર થઈ ગઈ છે. અહીં જો લોકો તમને ટ્રોલ કરે છે અથવા તમારી વિરુદ્ધ બોલે છે, તો પણ આ સ્થિતિને સમજદારી, શાંતિપૂર્ણ અને ગ્રેસફુલ રીતે તમારે સ્વીકારવાની હોય છે. આ બાબતોની તૈયારી હોવી ખૂબ જ જરૂરી છે. આ સિવાય ચોક્કસથી તમારું કામ તો મહત્ત્વનું હોય જ છે!’ ‘કાન ફેસ્ટિવલ સુધી જવું મારા જીવનનો એક માઇલસ્ટોન હતો’ ટીનાને અમે પૂછ્યું કે- શું તમે શરૂઆતથી જ વિચારીને રાખ્યું હતું કે કાન ફિલ્મ ફેસ્ટિવલ સુધી એકવાર તો જવું છે? તરત જ ચહેરા પર સ્મિત સાથે તેણે કહ્યું- ‘વિચાર અને ઈચ્છાઓ તો જથ્થાબંધ છે, કેટકેટલી ગણાવવા બેસું! પરંતુ હા, મારા જીવનના માઇલસ્ટોનમાંથી એક માઈલસ્ટોન હતો

કાન ફિલ્મ ફેસ્ટિવલ સુધી જવાનું. કોઈ પણ ડિઝાઈનર માટે આ સ્ટેજ સુધી જવું એ જીવનની સૌથી મહત્ત્વની ક્ષણો પૈકીની એક હોય છે. અને મેં તે હાંસલ કરી લીધો.’ ‘મારે દુનિયાના દરેક ખૂણે ભારતીય કલ્ચરને રિપ્રેઝન્ટ કરવું છે’ પોતાના આઉટફિટની ડિઝાઈન અંગે ટીનાએ કહ્યું- ‘મને ભગવાન અને ભારતીય કલ્ચર પ્રત્યે બહુ જ લગાવ છે. એટલા માટે મારા દરેક ડ્રેસમાં તમને તે બંનેની કોઈ ને કોઈ ઝલક અચૂક જોવા મળશે. મારું સપનું છે કે મારે દુનિયાના દરેક ખૂણે ભારતીય કલ્ચરને પહોંચાડવું છે. સરકાર, ફિલ્મ પ્રોડ્યુસર, એક્ટર અથવા કોઈ પણ વ્યક્તિ જેના મગજમાં એવું આવે છે આપણે ભારતીય ફેશનને દુનિયા સમક્ષ રજૂ કરવી છે તો તેના મનમાં પહેલું નામ ટીના રાંકાનું આવું જોઈએ. એને લાગવું જોઇએ કે ટીના રાંકા જરૂરથી આ કામને ન્યાય આપશે.’ ‘મારાં કાન્હાજી-રાધાજી વગર મારા આઉટફિટ અધૂરાં છે’ ‘એટલા જ માટે કાનમાં પણ મેં ભારતીય કલ્ચરનો જે ઈતિહાસ છે તેને જાળવવાનો પ્રયત્ન કર્યો છે. કાન ફિલ્મ ફેસ્ટિવલનો મારો આઉટફિટ તમે જોશો તો તેમાં એટલાં બધાં એલિમેન્ટ્સ છે કે તમારું મગજ ચકરાવે ચડી જશે. આ ડ્રેસ ખૂબ જ દિલથી ડિઝાઈન કર્યો છે જેમાં મેં મારી રાધારાનીને પણ સ્થાન આપ્યું છે, કારણ કે મારાં કાન્હાજી-રાધાજી વગર મારા આઉટફિટ અધૂરુા છે. મેં ડિઝાઇન કરેલાં બ્લાઉઝ અને ચણિયામાં તમને રાધાજી જોવા મળશે.’ ‘15 લાખ કિંમત અને 14 કિલો ડ્રેસનું વજન’ગ્રેટ! કાનના રેડ કાર્પેટ પર છવાઇ જનારા એ ડ્રેસ વિશે વધુ વિગતો આપો ને, ‘એક્ચ્યુઅલી, મારી પાસે આ ડ્રેસ તૈયાર કરવા માટે માત્ર 15 દિવસનો જ સમય હતો, પરંતુ મેં અમારી ટીમમાં ત્રણ ગણો વધારો કર્યો. 100થી વધારે લોકો મારા આ આઉટફિટ પર કામ કરી રહ્યા હતા. આ ડ્રેસને તૈયાર થવામાં 45-50 દિવસ જેટલો સમય લાગ્યો હશે.’ ખર્ચ વિશે પૂછવામાં આવતાં ટીના હસી પડે છે અને કહે છે, ‘લોકો જે પ્રેમ આપી રહ્યો છે તેના કરતાં

ખૂબ જ ઓછો. પણ યસ્સ, ડ્રેસ અને જ્વેલરી મળીને કિંમત 15 લાખ રૂપિયાની આસપાસ હશે અને તેનું વજન પણ 14 કિલોનું હતું!’ ‘રેડ કાર્પેટ પર કાન્હાજી મારી સાથે ચાલી રહ્યા હતા…’ પછી કેવો રહ્યો કાન ફિલ્મ ફેસ્ટિવલનો અનુભવ? થોડા ભાવુક આવાજ સાથે રેડ કાર્પેટનો અનુભવ શેર કરતાં ટીનાએ કહ્યું, ‘તે ગર્વની ક્ષણ કરતાં પણ વધારે અલગ ખુશી છે એટલા માટે કારણ કે જે વિચાર્યું હતું તેના કરતાં પણ વધારે સારી રીતે થયું. જ્યારે હું રેડ કાર્પેટ પર પહોંચી ત્યારે ચારેકોરથી બૂમો પડી રહી હતી- હેઈ ક્વીન…. હેઈ ક્વીન….મને ખબર નથી પડી રહી કે આ લાગણીને કેવી રીતે શેર કરું! બસ, લાગતું હતું મારી સાથે કાન્હાજી રેડ કાર્પેટ પર ચાલી રહ્યા છે. શરૂઆતમાં તો હાથ-પગ ધ્રૂજતા હતા પણ રેડ કાર્પેટ પર ખૂબ જ કમ્ફર્ટેબલ હતી અને આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો હતો. કારણ કે મારા કાન્હાજી મારી સાથે હતા.’ ‘હું બાકીના ડિઝાઈનરથી થોડી અલગ છું’ ‘બીજા કરતાં મારું કામ થોડું અલગ રીતે હું કરું છું’, ખીલેલા ચહેરા સાથે ટીના એ તેની ક્રિએટિવિટીનો રાઝ જણાવ્યો.’ મેં અત્યાર સુધીમાં ક્યારેય ટ્રેડિશનલ મેથડ ફોલો નથી કરી એટલે કે સ્કેચ બનાવીને આઉટફિટ ડિઝાઈન કરવાની શરૂઆત કરી હોય. હા, બિલકુલ કલાયન્ટ માટે ક્યારેક સ્કેચ તૈયાર કરું છું, પણ મારી એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નથી. મારું ખાતું નાઈટ પ્રોસેસવાળું છે એટલે કે રાતે મગજમાં આવ્યું આવું કંઈક બનાવવું તો બસ તેના પર કામ કરું છું. મારું વિઝન બહુ સારું છે એટલા માટે હું મગજમાં સારી રીતે વસ્તુ ઈમેજીન કરી શકું છું. આ કારણે સ્કેચ બનાવ્યા વગર ડિઝાઈન કરવું મારા માટે થોડું સરળ થઈ જાય છે. કામ જ્યારે શરૂ થાય છે ત્યારે હું મારા કારીગરો સાથે બેસું છું અને દરેક નાની-નાની બારીકાઈને જોઉં છું, તેને સમજાવું છું. આ રીતે એક વિચારના તાંતણે હું મારી ફેશનને કારીગરોના હાથ સાથે કંડારું

છું.’ ‘જો મારે નરેન્દ્ર મોદી માટે ડ્રેસ ડિઝાઇન કરવાના હોય તો…’ ‘આટલાં બધાં કપડાં ડિઝાઈન કર્યા પછી પણ મારું એક સપનું અધૂરું છે.’ થોડો વિચારવા માટે પોઝ લીધો અને પછી ટીનાએ કહ્યું- ‘મારે PM મોદીના કપડાં ડિઝાઈન કરવા છે. કારણ કે તેમનો ઓરા કંઇક અલગ જ છે, તેઓ જે રીતે દેશ માટે કામ કરી રહ્યા છે એ વાત મને સ્પર્શે છે.’ તો વડાપ્રધાન મોદી માટે તમારે ડ્રેસ ડિઝાઇન કરવાના થાય, તો તમે કેવાં કપડાં તૈયાર કરો? ‘જુઓ, મોદીજીની ફેશન સેન્સ ખૂબ જ તગડી છે. ભલે તેઓ નહેરૂબંડીવાળી એક સ્ટાઈલ પહેરે છે પણ જગ્યા અને પ્રસંગના હિસાબે તેમનાં કપડાંનું કલર કોમ્બિનેશન હોય છે. નાની-નાની વાતો જેમ કે ધાર્મિક કાર્યક્રમ હોય તો લાઈટ રંગનાં કપડાં, શૉલ અથવા બંડીને મેચિંગ કરવામાં આવે છે. કારણ કે આખી દુનિયાની નજર તેના પર હોય છે અને તે ભારતની છબિને દર્શાવે છે.’ ‘મને મોદીજીમાં એક સાવજની છબિ દેખાઈ છે. એકદમ રાજા જેવા લાગે છે તો થોડાં વર્ષો પહેલાં મને તમેના માટે ડિઝાઈન કરવાનો ચાન્સ મળ્યો હોત તો હું રાજાશાહી જેવો લુક તેમના માટે ડિઝાઈન કરી આપત, પણ આજની ઉંમરમાં જો તક મળે તો મારી ડિઝાઈન પણ મારે એ પ્રમાણે જ કરવી પડશે. જેમાં આખા ભારતીય કલ્ચરની છબિ ડોકાઇ રહી હોય. તેમનામાં ભગવાન શિવ જેટલું તેજ છે એટલે કપડાંમાં પણ મહાદેવ અને કાન્હાજીનો સમાવેશ કરી ભગવા રંગમાં ડ્રેસની ડિઝાઈન વિચારી હોત.’ ‘મેં સુનીલ ગ્રોવર માટે પણ કપડાં ડિઝાઇન કર્યાં છે’ બોલિવૂડના ઘણા સેલેબ્સ પણ હવે તો ટીના રાંકા પાસે પોતાના આઉટફિટ ડિઝાઇન કરાવે છે. એ વિશે ટીના કહે છે, ‘લાંબા સમયથી મારી સાથે ઘણા બધા કલાઈન્ટ્સ જોડાયેલા છે, જે મારા કામથી ખૂબ જ ખુશ છે, કારણ કે કસ્ટમાઈઝ્ડ ફેશન મારી એક્સપર્ટીઝ બની ગઈ છે. મેં સુનિલ ગ્રોવર, અર્જન બાજવા, જિતેન્દ્ર સર, રવિ બહલ જેવા ઘણા બધા સેલેબ્સ સાથે કામ

કર્યું છે. બોલિવૂડમાં મારા મિત્રો પણ છે, પણ એનો મતલબ એવો નથી તે જ મારા માટે ખાસ છે, મારો દરેક કલાઈન્ટ મારા માટે સ્પેશિયલ છે.’ ‘મને મેટલનો ડ્રેસ બનાવી આપો’ એક ક્લાઈન્ટની વિચિત્ર ડિમાન્ડનો કિસ્સો પણ ટીનાએ શેર કર્યો. તેણે કહ્યું, ‘લોકો ઘણી બધી અતરંગી માગ સાથે મારી પાસે આવતા હોય છે. બે-ત્રણ વર્ષ પહેલાં એક ક્લાઈન્ટ મારી પાસે આવી અને તેની માગ સાંભળીને હું ચોંકી જ ગઈ. મારા માટે તે સૌથી અઘરું ટાસ્ક હતું. તેને મને મેટલનો આઉટફિટ બનાવવા માટે કહ્યું હતું. કેટલી બધી મહેનત-મશક્કત કર્યા પછી તે બન્યો. મારી પાસે હજારો આવી વિચિત્ર ડિમાન્ડ આવતી રહે છે.’ ‘મોડલિંગ તો હું પૈસા બચાવવા માટે કરું છું’ ટીના રાંકા ફેશન ડિઝાઇનરની સાથોસાથ એક કાબેલ ફેશન મોડલ પણ છે. પોતાની સુંદરતાને પણ તેઓ બહુ ગ્રેસફુલ્લી રેમ્પ પર રજૂ કરે છે. એ વિશે ટીના કહે છે, ‘હું ફેશન ડિઝાઈનર છું, પણ મોડલિંગ તો હું પૈસા બચાવવા માટે કરું છું (હસતાં-હસતાં કહે છે). સાચું કહું તો તે ઓટોમેટિકલી મારી સાથે જોડાઈ ગયું છે કારણ કે મને ખબર છે કે મારે ડ્રેસને કેવી રીતે દેખાડવાનો છે, વોકની સ્ટાઈલ ડિઝાઈનના હિસાબે કઈ રીતે રહેશે તો આ બધી વસ્તુ હું પણ કરું છું એટલે માટે કામ વગર કોઈ મોડલનો સહારો નથી લેતી.’ ‘ગુજરાતી છીએ તો ગુજરાતને પ્રમોટ કરવું જ જોઈએ’ ‘આપણું ગુજરાત તો ટેક્સટાઈલનું હબ છે, અહીંના ડિઝાઈનર પાસે પણ તેને કંડારવાની કળા છે. તો જે નવા લોકો ફેશન ઈન્ડસ્ટ્રીમાં આવવા માગે છે તેને એટલું જરૂર કહીશ કે આપણાં પોતાનાં કાપડ અને ફેબ્રિકનો ઉપયોગ કરો તેથી વર્લ્ડ લેવલ સુધી આપણે ગુજરાતનો ડંકો વગાડી શકીએ. મોદીજીના કારણે તો ગુજરાત વર્લ્ડમાં ફેમસ છે પણ ટેક્સટાઈલની બાબતે આપણે પ્રખ્યાત થઈ. તો આ માટે ડિઝાઈનરે ખાદી અને આપણાં લોકલ ફેબ્રિક છે તેને પ્રમોટ કરવું જોઈએ. તેથી હું પણ ખાદીના બે આઉટફિટ લઈને

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ હતી. ગુજરાતી છીએ તો ગુજરાતને અને તેની વસ્તુઓને પ્રમોટ કરવી જ જોઈએ’ ‘ક્લીવેજ બતાવવી, અંગ પ્રદર્શન કરવું એ ફેશન નથી' ’આજકાલના ફેશન ટ્રેન્ડ વિશે ટીનાએ કહ્યું કે- ‘મારા પ્રમાણે તમે કઈ જગ્યા પર ઊભા છો તેના પ્રમાણે તમારો લુક હોવો જોઈએ. જો તમે ભારતને રિપ્રેઝન્ટ કરી રહ્યા છો, તમારી બ્રાન્ડને રિપ્રેઝન્ટ કરો છો અને કોઈ એવી જગ્યા પર છો જ્યાં આખી દુનિયા તમને જોઈ રહી છે તો તમારે તેના પ્રમાણે લુક આપવો પડશે. હું પણ કાન ફેસ્ટિવલમાં ક્લીવેજ દેખાતાં, બોલ્ડ, બેકલેસ કે સ્લીવલેસ કપડાં પહેરી શકી હોત, પણ મેં એવું ન કર્યું. કારણ કે દુનિયા તમને જોઈ રહી છે અને તમારી સાથે દેશનું નામ જોડાયેલું છે.’ ‘ટેનિસ પ્રીમિયર લીગમાં મારી એક ટીમ પણ હતી’ ટીના રાંકાનું એક સાવ અલગ પાસું સ્પોર્ટ્સનું પણ છે. થોડા સમય પહેલાં તેઓ ટેનિસ પ્રીમિયર લીગની ‘પુણે વોરિયર્સ’ ટીમનાં માલિકણ હતાં. એ વિશે તેઓ કહે, ‘મને સપોર્ટ્સમાં પણ ઘણો રસ રહ્યો છે એટલે મેં ટેનિસ પ્રિમિયર લીગ (TPL)માં ટીમ ખરીદી હતી. પુણે વોરિયર્સ નામની અમારી ટીમ બીજી સિઝનમાં જીતી હતી. સોનાલી બેન્દ્રે અમારી ટીમનાં બ્રાન્ડ એમ્બેસેડર અને પાર્ટનર હતાં. જોકે, મારી પાસે બીજા પણ ઘણા બધા પ્રોજેક્ટ હતા એટલા માટે પછી મેં આ ટીમ સેલ કરી દીધી હતી.’ ‘મંઝિલ પર નહીં, કામ પર ફોકસ કરો’ નિરાંતે વાતચીત બાદ છેલ્લે સપનાની ઉડાન ભરી રહેલા તમામ લોકો માટે ટીનાએ કહ્યું કે, ‘મંઝિલ પર નહીં, કામ પર ફોક્સ રાખીને તમારે મહેનત કરવી જોઈએ. ફેશન ઈન્ડસ્ટ્રીમાં પણ જો તમે આગળ વધવાનું વિચારી રહ્યા છો તો પુરુષ હોય કે સ્ત્રી, કોઈપણ માટે માર્ગ સરળ નહીં હોય. બસ, ઊભું નથી રહેવાનું, શાંત ચિત્તે તમારે તમારા કામ પર ધ્યાન આપવાનું છે, મંઝિલ તેની રીતે જ તમને મળી જશે. દુનિયામાં આગળ વધવું છે તો તમારે તમારા પોતાના પર કામ કરવું પડશે.’

Leave a Reply

Related Post