ટોરેન્ટ ગુજરાત ટાઈટન્સને ખરીદશે: 6100થી 7800 કરોડની ડીલ પર મહોર વાગશે, IPLમાં હવે ગુજરાતની ટીમના નવા બોસ ગુજરાતની જ કંપની

ટોરેન્ટ ગુજરાત ટાઈટન્સને ખરીદશે:6100થી 7800 કરોડની ડીલ પર મહોર વાગશે, IPLમાં હવે ગુજરાતની ટીમના નવા બોસ ગુજરાતની જ કંપની
Email :

‘અમે 2021માં પણ ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝી ખરીદવાની દોડમાં હતા. 4653 કરોડની બોલી લગાવી પરંતુ અમે ચૂકી ગયા હતા. આ વખતે CVC ગ્રૂપ અને ટોરેન્ટની વચ્ચે ફ્રેન્ડલી ડીલ થઈ ચૂકી છે. ફેબ્રુઆરીમાં લૉક ઈન પિરિયડ પૂરો થતાં જ ઓફિશિયલ ડીલ પર સહી થઈ જશે.’ આ નિવેદન છે ટોરેન્ટ ગ્રૂપના એક સિનિયર અધિકારીનું. જેઓ આ વાતની પુષ્ટિ કરે છે કે 3 વર્ષ જૂની IPLની ગુજરાત ફ્રેન્ચાઈઝીના નવા બોસ હવે ગુજરાતની જ કંપની હશે. સૂત્રો મુજબ આ ડીલ 6100 કરોડથી 7800 કરોડ સુધીની હોઈ શકે છે. અમદાવાદના ટોરેન્ટ ગ્રૂપ અને સીવીસી કેપિટલ પાર્ટનરની સાથે આઈપીએલ ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સને ટેકઓવરની

સમજૂતી થઈ છે. આ ડીલ હાલ ‘ફ્રેન્ડલી શેકહેન્ડ’ રૂપે થઈ છે. કારણ કે હાલ ટાઈટન્સનો લૉક ઈન પિરિયડ ચાલી રહ્યો છે. BCCIના નિયમો મુજબ લૉક ઈન પિરિયડ દરમિયાન કોઈ પણ ગ્રૂપ પોતાની ફ્રેન્ચાઈઝીને વેચી ન શકે. આ પિરિયડ ફેબ્રુઆરી મધ્યમાં પૂરો થતાં જ બંને ગ્રૂપની વચ્ચે ઓફિશિયલ ડીલ થઈ જશે. ટોરેન્ટના સૂત્રો મુજબ,15 ફેબ્રુઆરી સુધી આ ડીલ થઈ જશે. ડીલ કેટલાની થઈ છે, તે માહિતી હજુ ગુપ્ત રાખવામાં આવી છે. ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝીની કિંમત 2021માં 5625 કરોડ રૂપિયા હતી. એવામાં માનવામાં આવી રહ્યું છે કે હાલ આ ફ્રેન્ચાઈઝીની કિંમત 8500થી 9000 કરોડની આસપાસ આંકવામાં આવી રહી

છે. 3 સીઝનમાં આ ટીમ એક વાર વિજેતા અને એક વાર ઉપ વિજેતા રહી ચૂકી છે. હાલ તેની બ્રાન્ડ વેલ્યૂ 606 કરોડ છે અને ટોપ 10 ટીમોમાં તે આઠમા નંબરે છે. જોકે બંને ગ્રુપ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે સીવીસી ગ્રુપ ફ્રેન્ચાઈઝીનું પૂરું હોલ્ડિંગ વેચવાને બદલે તેનો કન્ટ્રોલિંગ સ્ટેક જ ટોરેન્ટ ગ્રુપને વેચી રહ્યું છે, તેથી ટોરેન્ટ ગ્રુપ 60% હિસ્સેદારી ખરીદશે. એવામાં આ ડીલ 6100 કરોડથી 7800 કરોડ રૂપિયા સુધીની હોઈ શકે છે. સીવીસી ગ્રુપે 2021માં તેને 5625 કરોડમાં ખરીદી હતી. નોંધનીય છે કે, અદાણી ગ્રુપ પણ આ ફ્રેન્ચાઈઝીને ખરીદવાની દોડમાં સામેલ હતું. 2021માં અદાણી

ગ્રુપે તેના માટે 5100 કરોડની બોલી પણ લગાવી હતી. પરંતુ ત્યારે બાજી સીવીસી ગ્રુપે મારી દીધી હતી. આઈપીએલની 18મી સીઝન 21 માર્ચથી શરૂ થશે અને 25 મેના રોજ ફાઈનલ રમાશે. આ સીઝનમાં કુલ 74 મેચ રમાશે. સીવીસીનો પ્લાન; પ્રોફિટ બુક કરો અને એક્ઝિટ કરો લક્ઝમબર્ગનું સીવીસી ગ્રૂપ શેરમાર્કેટના પેટર્ન પર સમગ્ર રણનીતિ બનાવીને ચાલી રહ્યું છે. એટલે કે નફો થઈ ગયો તો પ્રોફિટ બુક કરો અને એક્ઝિટ કરો. 2021માં સીવીસીએ આ ફ્રેન્ચાઈઝી 5,625 કરોડમાં ખરીદી હતી. 3 વર્ષમાં તેની કિંમત લગભગ બમણી થઈ ચૂકી છે. એવામાં તેઓ પોતાનો પ્રોફિટ બુક કરવા માંગે છે. ડીલ થતાં જ માત્ર

3 વર્ષમાં સીવીસીને લગભગ 3 હજાર કરોડથી 5 હજાર કરોડનો સીધો નફો થઈ જશે. સીવીસીનું આઈપીએલ ઉપરાંત અન્ય સ્પોર્ટ્સમાં પણ મોટું રોકાણ 193 અબજ રૂપિયાની સંપત્તિવાળી CVC મોટી કંપની છે અને સ્પોર્ટ્સમાં નાણાં રોકે છે. કંપની તરફથી લા લીગા, પ્રીમિયરશિપ રગ્બી, વોલિબોલ વર્લ્ડ અને વુમન ટેનિસ એસોસિયેશન જેવી સ્પોર્ટ્સ સંસ્થાઓમાં નાણાં રોકવામાં આવ્યા છે. ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝીના રેવન્યૂ ગ્રોથમાં નોંધપાત્ર વધારાના સંકેત ગુજરાત ટાઈટન્સે 2022-23માં 359 કરોડની રેવન્યૂ સામે 429 કરોડનો નેટ લોસ નોંધાવ્યો હતો. પરંતુ 2023-24માં આઈપીએલના સેન્ટ્રલ રેવન્યૂ પૂલના કારણે રેવન્યૂ નોંધપાત્ર વધવાની શક્યતા જોવામાં આવી. ટાઈટન્સની બ્રાન્ડ વેલ્યૂ 5 ટકા વધી ઈન્ડિયન પ્રીમિયર લીગની બ્રાન્ડ વેલ્યૂ 1

લાખ કરોડ રૂપિયા છે. ગત વર્ષની તુલનામાં તેમાં 13%નો વધારો થયો છે. 2009માં આઈપીએલની બ્રાન્ડ વેલ્યૂ માત્ર 16.95 હજાર કરોડ હતી. IPLની 10 ટીમોમાં CSKની બ્રાન્ડ વેલ્યૂ સૌથી વધુ છે. ચેન્નઈની વેલ્યૂ 52% વધીને 1033 કરોડ થઈ ગઈ છે. બીજી તરફ, બ્રાન્ડ વેલ્યૂના મામલામાં મુંબઈ ત્રીજા નંબરે છે, તેનું વેલ્યૂએશન 36% વધીને 1008 કરોડ રૂપિયા થઈ ગયું છે. ગુજરાત ટાઈટન્સ 606 કરોડની બ્રાન્ડ વેલ્યૂ સાથે ટોપ 10માં આઠમા નંબરે છે. ગુજરાત ટાઈટન્સની બ્રાન્ડ વેલ્યૂ સૌથી ઓછી 5% વધી, જ્યારે રાજસ્થાન રોયલ્સની બ્રાન્ડ વેલ્યૂ 30%, દિલ્હી કેપિટલ્સની 24%, પંજાબની 49% અને લખનઉ સુપર જાયન્ટ્સની 29% વધી છે.

Related Post