ટ્રાફિક, ગંદકી ને ગટરના પાણી… સમસ્યાઓનો પાર નથી: 'કોઇ કોર્પોરેટર આવતા'ય નથી ને કામ કરતા'ય નથી, ઇલેક્શન આવ્યું એટલે કામે લાગ્યા' સંતરામપુરના ત્રસ્ત લોકોનો બળાપો

ટ્રાફિક, ગંદકી ને ગટરના પાણી… સમસ્યાઓનો પાર નથી:'કોઇ કોર્પોરેટર આવતા'ય નથી ને કામ કરતા'ય નથી, ઇલેક્શન આવ્યું એટલે કામે લાગ્યા' સંતરામપુરના ત્રસ્ત લોકોનો બળાપો
Email :

મહીસાગર જિલ્લાની સંતરામપુર નગરપાલિકામાં કુલ 6 વોર્ડમાં 24 બેઠક માટે આગામી 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. મતદાન પહેલાં શું કહી રહ્યા છે મતદારો, શું છે નગરજનોની સમસ્યા, નાગરિકો કેવા ઉમેદવારો ઈચ્છી રહ્યા છે, સાથે જ પોતાના વિસ્તારમાં કેવા કામો થવા જોઈએ, શું છે લોકોની માગ અને શું છે સમસ્યા? આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે ન્યુ ગુજરાત ડિજિટલની ટીમ સંતરામપુર નગરમાં પહોંચી હતી. જ્યાં ન્યુ ગુજરાત ટીમ એક બાદ એક તમામ વોર્ડની મુલાકાત લઇ લોકો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ જાણી ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. શહેરના મુખ્ય પ્રશ્નોની વાત કરીએ તો ખુલ્લી અને ઉભરાતી ગટરો, બિસ્માર રસ્તાઓ, બજાર વિસ્તારમાં વધતી ટ્રાફિકની સમસ્યા અને કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની અછત મુખ્ય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કોઇ કોર્પોરેટર આવતા'ય નથી ને કામ કરતા'ય નથી, ઇલેક્શન આવ્યું એટલે બધા કામે લાગ્યા છે. ખાસ

કરીને સૌથી વધુ સમસ્યાઓ સંત વિસ્તારમાં જોવા મળી છે. જ્યાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે, તો ગટરનું પાણી રસ્તા પર વહે છે. નિયમિત સફાઈના અભાવે આ સમસ્યા વકરી છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, નગરપાલિકા તરફથી તેમના વિસ્તાર પ્રત્યે ઓરમાઇયું વર્તન કરવામાં આવે છે. નિયમિત ટેક્સ ભરવા છતાં મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવું પડે છે. આગામી ચૂંટણીમાં લોકો એવા ઉમેદવારોને પસંદગી આપવા માંગે છે, જે આ પાયાની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે. હાઇસ્કૂલ આગળ જ ખૂલી અને ગંદકીથી તરબોળ ગટર જોવા મળી ​​​​​​​સંતરામપુર નગરપાલિકામાં કુલ 6 વોર્ડ આવેલા છે, જેમાં 24 ઉમેદવાર માટે ચૂંટણી પ્રક્રિયા યોજાનાર છે. જેને લઇ અમે અલગ-અલગ તમામ વોર્ડના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી, જ્યાં મતદારોએ પોતાની સમસ્યા જણાવી હતી. સંતરાપુરમાં પહોંચતાં જ સૌપ્રથમ ન્યુ ગુજરાતની ટીમ એસ.પી હાઇસ્કૂલ ખાતે પહોંચી હતી. જ્યાં હાઇસ્કૂલ આગળ જ ખૂલી અને ગંદકીથી તરબોળ

ગટર જોવા મળી હતી. જ્યારે સામે જ કચરાના ઢગલા પણ હતા, આજુબાજુમાં રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અહીંયા ખૂબ ગંદકી છે અને સમયસર અહીં સાફ સફાઈ પણ થતી નથી, જેના કારણે ખૂબ દુર્ગંધ મારે છે. લોકો વધુમાં જણાવી રહ્યા હતા કે, અહીંયા યોગ્ય સફાઈ થાય તેવી અમારી માગ છે. આમ એક બાદ એક છ વોર્ડમાં ન્યુ ગુજરાત ડિજીટલ દ્વારા સ્થાનિક લોકોની સમસ્યાને જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 'સંત વિસ્તાર ઓરમાયું વર્તન કરે છે પાલિકા' ફરીદ મકરાણીએ જણાવ્યું હતું કે, હું વોર્ડ નંબર 1માં રહું છું. સંત વિસ્તાર નગરપાલિકામાં ગણાય છે. અમે વારંવાર રજૂઆત કરીએ છીએ પણ આમારું કોઈપણ જાતનું કામ થતું નથી. ગટરો નથી, રસ્તા નથી ગંદુ પાણી અમારા ઘર આગળ જાય છે. વારંવાર રજૂઆત કર્યા છતાં નગરપાલિકામાં કોઈ સાંભળતા નથી. રોગચાળો ફાટી નીકળે તો આમારો બાળકો બીમાર થઈ જાય છે.

આ બધું ગંદુ પાણી આમારા ઘર આગળથી જાય છે. ગટર કે રોડની કોઈપણ વ્યવસ્થા અહીંયા નથી. અમારા સંતમાં આ લોકો અમારી જોડે ઓરમાયું વર્તન કરે છે. સંતરામપુરમાં જે સુવિધાઓ રસ્તાઓ રોડની મળે છે એ કોઈપણ જાતની સુવિધા અમારા સંતની અંદર નથી. 'ભૂગર્ભ ગટરમાં લાખો કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા' બ્રાહ્મણવાળા વોર્ડ નંબર 2માં રહેતાં કનુભાઈ પંચાલે જણાવ્યું હતું કે, ટ્રાફિકજામ જે થાય છે તેમાં મંગળવારે હાટ બજાર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ખસેડીને માર્કેટિંગ યાર્ડમાં લઈ જવાની વાત હતી, પરંતુ તે હજી સુધી થયું નથી. હાલની તારીખમાં એ સમસ્યા ઊભી ને ઉભી છે. ભૂગર્ભ ગટર યોજનાની જે અમલવારી થઈ તેમાં પણ હાલની તારીખમાં એ સક્સેસ જઈ નથી, જેના લાખો કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા પણ એ અમલમાં આવી નથી. તેના ઉપયોગમાં પણ લોકોનો વિવાદ છે કે, પાણી ઉભરાય છે અને બહાર નીકળે છે, જે સમસ્યા પણ

ઊભી ને ઉભી છે. સંતરામપુર નગરની પબ્લિક બહુ બધુ માગી રહી છે, તો તેને વિશ્વાસમાં રાખીને દરેક સમાજના લોકોને જોડે રાખીને નગરનો વિકાસ થાય તેવી કામગીરી કરવી જોઈએ. 'મચ્છરના લીધે બીમારી થાય છે' ઉપાધ્યાય સુધીરચંદ્રએ જણાવ્યું હતું કે, 2 નંબર વોર્ડમાં એવું છે કે, મેં એક હજાર વખત કીધું કે અમારે જે પહેલાં હતી તે ગટરલાઇન ચાલુ રાખવી જોઈએ. જે એ લોકોએ બંધ કરી દીધી, જે બાદ જે સરકારી નાળિયું છે એમાં ગંદુ પાણી જાય છે અને એ એટલું ગંદુ છે કે મચ્છર પડે છે અને તેના લીધે બીમારી થાય છે, ડેન્ગ્યુ થાય છે. મેં એમને કીધેલું તે છતાં એ લોકોએ કંઇ કર્યું નથી. ઇલેક્શન આવ્યું એટલે ચોખ્ખું કરાવ્યું. પહેલાં કોઈ આવતાં જ ન હતા અહીંયા. રોડ ઉપર ખુલ્લા ગંદા ટોયલેટ કનેક્શનનું પાણી આવે છે જે ખૂબ દુર્ગંધ મારે છે. 'પીવાનું પાણી

જ આવતું નથી' બરુંદા વિજયભાઈએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડ નંબર 3માં પાણીની પૂરેપૂરી સમસ્યા છે. બીજું કે ગટર બધે ઉભરાયેલી છે, પાણી કોઈ આપતું નથી, કચરો વાળવા પણ કોઈ આવતું નથી. કોર્પોરેટરો કોઈપણ કામ કરવા તૈયાર નથી. બઉ બધી કમ્પલેન કરી પણ કોઈ કમ્પલેન સાંભળવા તૈયાર નથી. અત્યારે એવા ઉમેદવારની જરૂર છે જે પૂરેપૂરું પૂરતું કામ કરી શકે અને પ્રજાના પૂરા પ્રશ્નો સાંભળે. અહીંયા મેઇન સમસ્યા ગટરની છે, પાણીની છે. પાણી બે દિવસે આવે તેમ છતાં ત્રણ નંબર વોર્ડમાં પૂરું મળતું નથી. 'મોટા બજારમાં ટ્રાફિકની મુખ્ય સમસ્યા છે' દીપકકુમાર દરજીએ જણાવ્યું હતું કે, અમે મોટા બજાર વોર્ડ નંબર 4માં રહીએ છીએ. અમારે સમસ્યા એવી છે કે, અહીંયા ટ્રાફિકનો પ્રશ્ન છે. અમને બહુ હેરાનગતિ થાય છે. આંતરા દિવસે પાણી આપે છે. આમ તો કલાકની વાત છે પણ પોણો કલાક પાણી આપે

છે, એટલે આમ તો પાણીનો પણ પ્રશ્ન છે. અમારા બોર્ડમાં સારું કામ થવું જોઈએ. દરેક માણસની સમસ્યા ઉકેલાય તેવું કામ થવું જોઈએ. અમારે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અને રેશનકાર્ડનો પણ પ્રોબ્લેમ છે. જે વોર્ડમાં ચૂંટાઈને આવે એ બરાબર કામ કરતા નથી એટલે અમારી વિનંતી છે કે, જે લોકો ચૂંટાઈને આવે તે અમારા લોકોનું ધ્યાન રાખીને અમારા પ્રશ્નોનું નિકાલ લાવે. 'એસ.પી હાઇસ્કૂલ પાસે બહુ ગંદકી છે' વોર્ડ નંબર 5ના ભોઈ નીરજે જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં રોડની થોડી ઘણી સમસ્યા છે, જે સારો થઈ જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જે પણ ઉમેદવાર ચૂંટાઈને આવે એ રોડનું કામ સારું કરે. બીજું કે, અમારે નજીકમાં એસ.પી હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ છે ત્યાં પણ બહુ ગંદકી રહે છે. એ ગંદકીની સાફસફાઈ થવી જોઈએ, જેથી રોગચાળો ફાટે નહીં અને મચ્છરો પેદા ના થાય. એના માટે ગંદકી સાફ થવી જોઈએ એવું

અમે ઈચ્છીએ છીએ. અહીંયા દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, તો એનું પણ નિરાકરણ આવવું જોઈએ. જેથી કરીને અહીંયા રહેવાસી પબ્લિકને પ્રોબ્લેમ ન થાય. અમે વોર્ડ નંબર પાંચમાં એવા ઉમેદવાર ઈચ્છીએ છીએ કે, બસ સાફસફાઈ કમ્પ્લેટ થાય અને કમ્પ્લેટ રીતે કામકાજ થાય. 'ચોમાસામાં ખૂબ પાણી ભરાય છે' વોર્ડ નંબર 5ના રહીશ મેહુલ બારીયા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમારે ચોમાસામાં પાણીની બહુ સમસ્યા થાય છે. અમારે ફળિયામાં ટ્રાફિકની પણ સમસ્યા બહુ રહે છે અને ગંદકી પણ છે તો તે પણ સાફ થાય. 'અમે કહીં કહીંને થાક્યા પણ કામ થતું નથી' પંચાલ મહેન્દ્રભાઈએ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, હું વોર્ડ નંબર 6માં રહું છું અને અહીં તો ઘણા સમયથી વિકાસકાર્યો તો સારા થતા હશે પણ, 6 નંબર વોર્ડમાં ગટરનું, રોડનું આ બધા કામો થયા નથી. અમે કહીં કહીંને થાક્યા છીએ

પણ કામ થતું નથી. રસ્તા પર ધૂળ ઉડે છે, તો અમે અપેક્ષા રાખીએ છીએ કે, જે પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવે એ આમારું આટલું કામ કરે બસ. આંકડાઓની વાત કરીએ તો, સંતરામપુર નગરપાલિકામાં વર્ષ 2025ની ચૂંટણી માટે 17,782 મતદાર નોંધાયેલા છે, જેમાં વોર્ડ મુજબ વોર્ડ નંબર 1માં 1487 પુરુષ, 1487 સ્ત્રી અને 02 અન્ય મળી કુલ 2976 મતદાર છે. વોર્ડ નંબર 2માં 1514 પુરુષ, 1440 સ્ત્રી મળી કુલ 2954 મતદાર છે. વોર્ડ નંબર 3માં 1274 પુરુષ, 1252 સ્ત્રી મળી કુલ 2526 ઉમેદવાર છે. વોર્ડ નંબર 4માં 1551 પુરુષ, 1569 સ્ત્રી મળી કુલ 3120 ઉમેદવાર છે. જ્યારે વોર્ડ નંબર 5માં 1591 પુરુષ, 1701 સ્ત્રી મળી કુલ 3292 ઉમેદવાર છે અને વોર્ડ નંબર 6માં 1441 પુરુષ, 1473 સ્ત્રી મતદારો મળી કુલ 2914 મતદારો છે. આમ સંતરામપુર નગર પાલિકામાં કુલ 17,782નું મતદાન છે.

Related Post