અમદાવાદ CPના એલર્ટને ગુંડાઓ ઘોળીને પી ગયા: યુવકનું અપહરણ કરી જાનથી મારવાની ધમકી, રખિયાલ-જુહાપુરા-ગોમતીપુર-સાબરમતીમાં 3 દિવસમાં 5 છરી-તલવાર વડે હુમલા

અમદાવાદ CPના એલર્ટને ગુંડાઓ ઘોળીને પી ગયા:યુવકનું અપહરણ કરી જાનથી મારવાની ધમકી, રખિયાલ-જુહાપુરા-ગોમતીપુર-સાબરમતીમાં 3 દિવસમાં 5 છરી-તલવાર વડે હુમલા
Email :

અમદાવાદમાં કથળતી કાયદો-વ્યવસ્થાને લઇને શહેર પોલીસ કમિશનરે એલર્ટ જાહેર કર્યું છે. પણ જાણે કે ગુંડાઓ CPના એલર્ટને ઘોળીને પી ગયા હોય તેવો માહોલ સર્જાયો છે. 14 એપ્રિલે રાત્રે શહેરના રખિયાલ વિસ્તારમાં ગુંડાઓએ આતંક મચાવ્યા બાદ હવે 16 એપ્રિલે તે જ વિસ્તારમાં લુખ્ખાઓએ એક યુવકનું અપહરણ કરી બેઝબોલની સ્ટીક મારી અધમુઓ કરી નાખ્યો અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી. છેલ્લા 3 દિવસમાં રખિયાલ, જુહાપુરા, ગોમતીપુર અને સાબરમતીમાં 5 છરી-તલવાર વડે હુમલાની ઘટના સામે આવતા જાણે કે લુખ્ખાઓને પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. યુવકને માર મારી તેનું અપહરણ કર્યું રખિયાલ વિસ્તારમાં જુની અદાવતને ધ્યાનમાં રાખીને એક યુવક પર બેઝબોલની સ્ટીકથી હુમલો કર્યા બાદ છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો બીચક્યો છે. માથાભારે લુખ્ખાઓની ટોળકીએ યુવકને માર મારીને તેનું અપહરણ પણ કર્યુ હતું. બાદમાં થોડે દૂર જઇને ઉતારીને ભાગી ગયા હતા. આરોપીઓએ યુવકના મિત્રને પણ આવી જ રીતે માર માર્યો હોવાનું સામે આવ્યુ છે.

અરમાન ખાને 4 શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી બાપુનગર વિસ્તારમાં આવેલા સુંદરમ નગરમાં રહેતા અરમાન ખાન ઉર્ફે અમન પઠાણે રખિયાલ પોલીસ સ્ટેશનમાં અયાન ઉર્ફે કાલીયો, નિયાઝહુસૈન અંસારી, અઝહર ઉર્ફે બાબા અંસારી અને અરબાઝ ઉર્ફે સુમન શેખ (તમામ રહે, રખિયાલ) વિરૂદ્ધ અપહરણ તેમજ હુમલાની ફરિયાદ કરી છે. અરમાનખાન પત્ની રાહિમીન અને દીકરો અલી સાથે રહે છે અને નોકરી કરીને ગુજરાન ચલાવે છે. અરમાન ખાન વહેલી પરોઢે દવા લેવા નીકળ્યો હતો એક વર્ષ પહેલા અરમાનખાનને અકસ્માત થયો હતો જેના કારણે તેને પગમાં ઇજા થઇ હતી. ઇજાના કારણે પગની દવા ચાલુ હોવાથી તે સવારે ચાર વાગ્યે દવાખાને જવા માટે નીકળ્યો હતો. નોકરી પર રજા પડે નહી માટે તે દવા લેવા માટે વહેલી પરોઢે નીકળ્યો હતો. દવા લેવા ગયો ત્યારે તે મિત્ર બ્રિજેશ અને પાર્થ ઉર્ફે ડેનીને મળ્યો હતો. અરમાન તેના બે મિત્રો સાથે આવતો હતો, ત્યારે અયાન ઉર્ફે કાલીયો, અઝહર ઉભા હતા. અરમાન અને અયાન વચ્ચે પહેલા બબાલ થઈ હતી અરમાન અને અયાન વચ્ચે પહેલા બબાલ

થઈ હતી જેની અદાવત રાખીને ગઇકાલે(16 એપ્રિલ) મામલો બીચક્યો હતો. અયાને અરમાનને તેની પાસે બોલાવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે કેમ અમારી સામે જોઇ રહ્યો છે. અયાનની વાત સાંભણીને અરમાન તેના મિત્રો સાથે ત્યાંથી જતો રહ્યો હતો. અજીતમીલ ચાર રસ્તાથી અરમાન તેના મિત્રો સાથેથી અલગ થઈ ગયો હતો. અયાને છરી કાઢી અરમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અરમાન ઘરે જઈ રહ્યો હતો ત્યારે અયાનનો ફોન આવ્યો હતો. અયાને જણાવ્યુ કે આપણે ચા પીને આવીએ. અયાન પોતાનું ટુ-વ્હીલર લઇને અરમાનને લેવા માટે આવ્યો હતો અને તે વિશ્વાસ રાખીને બેસી ગયો હતો. બંને જણા મોરાજી ચોક ખાતે આવ્યા હતા જ્યાં અયાને અરમાનને ગાળો બોલવાની શરૂ કરી હતી. દરમિયાનમાં અયાનના મિત્ર નિયાઝ, અરબાઝ, અઝહર આવી ગયા હતા. અયાનના મિત્રોએ અરમાનના પગ પર બેઝબોલની સ્ટીક મારવાની શરૂ કરી દીધી હતી. અયાને તેની પાસે રહેલી છરી કાઢી હતી અને અરમાનને બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અયાન અરમાનને અજીત મીલ પાસે

ઉતારીને નાસી ગયો હતો અગાઉ અયાન આવી જ રીતે બ્રિજેશને ટુ-વ્હીલર પર બેસાડીને લાવ્યો હતો અને માર માર્યો હતો. અયાન અરમાનને ટુ-વ્હીલર પર બેસાડીને અજીત મીલ પાસે ઉતારીને નાસી ગયો હતો. અરમાન ચાલતો ચાલતો પોતાના ઘરે ગયો હતો અને બાદમાં તેની પત્નીને સમગ્ર હકીકત જણાવી હતી. બે અલગ અલગ સમયે અરમાન અને બ્રિજેશ પર હુમલો અરમાને આ મામલે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે જેમાં પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. અરમાન અને બ્રિજેશ અયાન અને તેના મિત્રોને સારી રીતે ઓળખતા હતા. બે અલગ અલગ સમયે અરમાન અને બ્રિજેશ પર હુમલો કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. જૂની અદાવતમાં રખિયાલમાં આતંક 14 એપ્રિલે રખિયાલમાં અજીત મિલ પાસે તલવારો સાથે ટોળાએ જૂની અદાવતમાં આતક મચાવ્યો હતો. ફરિયાદ મુજબ આરોપી તેમજ ફરિયાદ કરનાર સુંદરમનગર બાપુનગરમાં બાજુ-બાજુમાં રહે છે અને જૂના ઝઘડા ચાલતા હોય 14 એપ્રિલ રાત્રે કોઈ સામાજિક પ્રસંગે રખિયાલમાં ભેગા થયા હતા. જૂની અદાવત અંગે મનદુઃખ રાખી ફરિયાદીના ઘરે અજિત રેસીડેન્સી રખિયાલ

ખાતે આરોપીઓ ફરિયાદીને માર મારવાના ઈરાદે હાથમાં તલવારો તેમજ છરા લઈને આવી પહોંચ્યા હતા. આ મામલે પોલીસે તમામ આરોપીઓને પકડી લીધા હતા. પોલીસ એલર્ટ, ચેકિંગ અને પેટ્રોલિંગના આદેશો છૂટ્યા ટેક્સી-ડ્રાઇવરે સર્જેલા અકસ્માતોને લઇ અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં આવી છે. કમિશનરે તમામ પોલીસકર્મીઓને પોતાના વિસ્તારમાં પેટ્રોલિગ વધારવા સૂચના આપી દીધી છે. શહેરની અંદરના તમામ પોઇન્ટ એલર્ટ અને ચેકિંગ કરવા સાથે બનાવને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને એની પૂરતી તકેદારી રાખવા આદેશ આપવામાં આવ્યો છે તેમજ PIની રજાઓ પણ કેન્સલ કરી દીધી છે. ઝઘડામાં વચ્ચે પડેલા બે યુવકના માથામાં તલવારના ઘા ઝીંક્યા જુહાપુરા વિસ્તારમાં આવેલા બાગે મશીરા સોસાયટીમાં રહેતા ઝૈદખાન પઠાણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં કૃખ્યાત વસીમ બાપુ, મોઇન, આસીફ સહિત દસ લોકો વિરૂદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ કરી હતી. ઝૈદખાન ઇલેકટ્રિશિયન છે અને માતા ફરઝાનાબાનુ તેમજ ત્રણ ભાઇ હંજલા, નાઉલ્લા અને ઉબેદુલ્લા સાથે રહે છે. સ્ટમ્પ પડી જતા ગાળો બોલી હતી 12 એપ્રિલે ઝૈદખાન પોતાના બે ભાઇ અને માતા સાથે ઘરે હાજર હતો ત્યારે

સૌથી નાનો ભાઇ ઉબેદુલ્લા બહાર ચાલવા માટે ગયો હતો. ઉબેદુલ્લાએ ઘર આવીને ઝૈદખાનને જણાવ્યુ હતું કે હું ચાલવા ગયો હતો ત્યારે આશીફનો દિકરો તેના મિત્ર સાથે ક્રિકેટ રમતો હતો. દરમિયાનમાં મારાથી સ્ટમ્પ પડી જતા ગાળો બોલવા લાગ્યા હતા. ભાઇની વાત સાંભણીને ઝૈદખાન તેના ભાઇઓને લઇને સોસાયટીના ગેટ પર ગયા હતા. જ્યા આશીફ, મોઇન, વસીમબાપુ સહિતના લોકો ઉભા હતા. ઝૈદે તમામ લોકની માફી માંગી હતી અને પરત ઘરે આવી ગયા હતા. 10 લોકોની ગેંગ તલવાર-લાકડી લઇને ઉભી હતી ચારેય ભાઇઓ ઘરે આરામ કરતા હતા ત્યારે એકાએક કેટલાક લોકો જોરજોરથી ગાળો બોલવા લાગ્યા હતા. ગાળો બોલવાનો અવાજ આવતા ઝૈદખાન તેના ભાઇઓ સાથે ઉઠીને ઘરની બહાર આવ્યા હતા. બહાર આવતાની સાથે જ જોયુ તો આસીફ, મોઇન, વસીમ સહિત દસ લોકોની ગેંગ હાથમાં તલવાર અને લાકડીઓ લઇને ઉભી હતી. બબાલમાં વચ્ચે કેમ પડ્યા, જતા રહો નહિંતર જાનથી મારી નાખીશું પૂર્વ આયોજીત કાવતરું હોય તેમ આરોપીઓ ઝૈદખાન સાથે મારઝુડ કરવા લાગ્યા હતા. તમામ આરોપીઓ ઝૈદખાનને

મારતા હતા ત્યારે સોસાયટીના બે સભ્યો ઇમ્તિયાઝ અને અલ્ફાઝ તેને છોડાવવા માટે અને બબાલ શાંત કરવા માટે વચ્ચે પડ્યા હતા. ત્યારે હુમલાખોરોએ ઇમ્તિયાઝ અને અલ્ફાઝના માથામાં તલવારનો ઘા મારીને લોહીલુહાણ કરી દીધા હતા. આસીફ સહિતના લોકોએ ઇમ્તિયાઝ અને અલ્ફાઝને ધમકી આપી હતી કે તમે અમારી બબાલમાં વચ્ચે કેમ પડ્યા છો, જતા રહો નહિંતર જાનથી મારી નાખીશું. આરોપી વસીમ બાપુનો ગુનાહિત ઈતિહાસ હુમલો કર્યા બાદ આશીફ સહિતના લોકો નાસી ગયા હતા, જ્યારે ઇમ્તાઝ, અલ્ફાઝ અને તેના ભાઇને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વેજલપુર પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલીક ઘટનાસ્થળે પહોચી ગયા હતા. જ્યારે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં સંડોવાયેલો વસીમ બાપુ એક કા તીન કૌભાડ તેમજ ફાયરિંગ જેવા અનેક ગુનામાં સંડોવાયેલો છે. બનાવ 3 મિત્રો સામે ઈજ્જત જતાં શખસે યુવકને પીઠ પર છરી મારી સાબરમતી વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા વિક્રમ પટણીએ સાબરમતી

પોલીસ સ્ટેશનમાં મયુર વણઝારા નામના યુવક વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી હતી. વિક્રમ સંયુક્ત પરિવારમાં રહે છે અને શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનના ખુલ્લા પ્લોટમાં મયુર વણઝારા તેના મિત્રો સાથે બાઇકો પર બેસી રહે છે અને મસ્તી કરતા હોય છે. મયુરની આ હરકતોથી સોસાયટીના રહીશો કંટાળી ગયા હતા. આ મામલે વિક્રમે મયુરને ત્યાંથી જતા રહેવાનું કહ્યુ હતું. જેથી મયુરનું મિત્રો સામે અપમાન થતા તે વધુ ગિન્નાયો હતો અને ધમકી આપવા લાગ્યો હતો કે તું અહીંથી જતો રહે નહી તો તને જાનથી મારી નાખીશું, તુ મને ઓળખતો નથી. મયુરે તેની પાસે રહેલો છરો કાઢતા વિક્ર્મ ત્યાથી ઘરે જવા નીકળી ગયો હતો. વિક્રમ ચાલતો જતો હતો ત્યારે મયુરે તેના પીઠ પાછળ છરીનો ઘા મારી દીધો હતો. પોલીસે મયુર વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બનાવ 4 કુતરાના મામલે 8 લોકોએ રિક્ષાચાલક પર છરીથી હુમલો કર્યો ગોમતીપુર વિસ્તારમાં આવેલી લુહાર શેરીમાં રહેતા ભરત મુળેએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં

ભાવીન ઉર્ફે મનુ ઠાકુર, તેજસ બારોટ, કપીલા બારોટ, અભી બારોટ, અનીસ, ગુનીયા અને અભિ વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. ભરત રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે અને દસ વર્ષ પહેલા સલમા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ દરમિયાન 11 એપ્રિલે ભરત અને સલમા રિક્ષા લઇને ગોમતીપુર ખાતે પહોંચ્યા હતા. ત્યારે ભાવીન સહિતના લોકો છરી અને દંડા લઇને આવેલા હતા. આરોપીઓ ગાળો બોલીને ભરતને કહેવા લાગ્યા હતા કે તમારૂં કુતરૂ કપીલા બારોટના ઘર સુધી કેમ આવવા દો છો. ભરત કઇ બોલે તે પહેલા ભાવીન સહિતના લોકોએ તેમના ઉપર દંડા વડે હુમલો કરી દીધો હતો. આ સિવાય હુમલાખોરોએ ભરતને શરીર પર આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા. સલમાએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારે હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત ભરતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ ગોમતીપુર પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભાવીન સહિતના લોકો વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Related Post