'મહિલાઓના કુંભસ્નાનના વીડિયો અપલોડ કરવા એ આતંકવાદ સમાન': 'આ લો લેવલની વિકૃતિનો કેસ છે' 48 કલાકમાં 3,000 કિમી દૂરથી આરોપીને પકડનારાં IPS લવિના સિન્હા કોણ છે?

'મહિલાઓના કુંભસ્નાનના વીડિયો અપલોડ કરવા એ આતંકવાદ સમાન':'આ લો લેવલની વિકૃતિનો કેસ છે' 48 કલાકમાં 3,000 કિમી દૂરથી આરોપીને પકડનારાં IPS લવિના સિન્હા કોણ છે?
Email :

મહિલા IPSને અભિનંદન આપું છું. રાજ્યનાં એક મહિલા IPS 48 કલાકમાં 3000 કિલોમીટર દૂરથી સીસીટીવી હેક કરનારા આરોપીને પકડી લાવ્યાં. તેઓ સાયબર ટેરરિઝમ લગાવનારાં પહેલાં મહિલા IPS અધિકારી છે. આ શબ્દો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અને તેમણે જે મહિલા IPS અધિકારીને અભિનંદન આપ્યાં તેમનું નામ છે લવિના સિન્હા. લાખો રૂપિયા કમાવવા માટે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં સ્નાન કરતી અને હોસ્પિટલમાં ચેકઅપ કરાવતી મહિલાઓના આપત્તિજનક વીડિયો યુટ્યૂબ પર અપલોડ કરવાનો કેસ દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો છે. પૈસા માટે મહિલાઓના આપત્તિજનક વીડિયો અપલોડ કરવાના કેસને કારણે રાજકોટથી પ્રયાગરાજ અને મહાષ્ટ્રમાં આ અત્યંત ચિંતાનો વિષય બન્યો છે. યુટ્યૂબ અને ટેલિગ્રામમાં મહિલાના ઈન્જેકશન લેતા કે કુંભમાં સ્નાન કરતા વીડિયોઝ 800થી 1,000માં વેચવામાં આવી રહ્યા હતા. આ કેસ મહિલાઓ સુરક્ષિત નથી એનો વધુ એક પુરાવો છે, પરંતુ એની સાથે સાથે એ પણ હકીકત છે કે ખૂબ જ ઓછા સમયમાં આ દેશવ્યાપી નેટવર્ક ચલાવનારા આરોપીઓને કોર્ટના કઠેડામાં ઊભા રાખી દેનારાં પણ IPS ઓફિસર છે લવિના સિન્હા. સામાન્ય રીતે પોલીસ જ્યારે કોઈ મોટો કેસ ઉકેલે છે ત્યારે તેમને સિનિયર્સ તથા નેતાઓ શાબાશી આપે છે. એમાં પણ ગૃહ રાજ્યમંત્રી વિધાનસભામાં નામ સાથે કોઈ ઓફિસરની પ્રશંસા કરે એવું ભાગ્યે જ બને છે. 20 ફેબ્રુઆરીએ બજેટસત્ર શરૂ થવાનું હતું અને 19 ફેબ્રુઆરીએ રાજકોટની પાયલ હોસ્પિટલના મહિલા દર્દીના ટ્રીટમેન્ટના વીડિયો વાઇરલ થાય છે

અને ખળભળાટ મચી જાય છે. સત્રના પહેલા જ દિવસે જ્યારે વિપક્ષ આ મામલે સરકારને ઘેરવા તૈયાર હતો, એ પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે આરોપીઓનાં નામ, ઠેકાણા, રોલ અને કસ્ટડી પણ આવી ગયાં હતાં. જ્યારે ગૃહમાં મહિલા અધિકારીઓનો પ્રશ્ન ગુંજ્યો તો હર્ષ સંઘવીએ કહ્યું-મારા રાજ્યની મહિલા IPS અને સાયબર ક્રાઇમ DCP 48 કલાકમાં આરોપીઓને 3,000 કિલોમીટર દૂરથી અલગ અલગ રાજ્યમાંથી પકડીને લાવ્યાં અને દેશમાં પહેલીવાર સાયબર ટેરરિઝમનો એક્ટ લગાવીને દાખલો બેસાડી દીધો છે. તેનાં ઇન્ચાર્જ મહિલા IPS લવિના સિન્હા છે. આ કેસ અંગેની ઝીણવટપૂર્વકની વિગતો જાણવા ન્યુ ગુજરાતે સાયબર ક્રાઇમ DCP લવિના સિન્હા સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે મહાકુંભમાં સ્નાન કરનારી મહિલાઓના વીડિયો અપલોડ કરવા એ આતંકવાદથી જરા પણ ઓછું કૃત્ય નથી. ગંગા એટલે શું? દરેક ભારતીયનું અસ્તિત્વ અને એટલે જ 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ' ફિલ્મમાં ગવાયું હતું કે હમ ઉસ દેશ કે વાસી હૈ, જિસ દેશ મેં ગંગા બહેતી હૈ. એની સાથે કરોડો હિન્દુઓની શ્રદ્ધા જોડાયેલી છે એ મહાકુંભ અને જ્યાં નવી જિંદગી મળે છે એવું દર્દીઓનું શ્રદ્ધા સ્થાન કે આરોગ્યધામ એટલે હોસ્પિટલો. આ બે પવિત્ર સ્થાનોને કેટલાક વિકૃત લોકોએ અપવિત્ર કરવાનું કૃત્ય કર્યું અને આપણી આસ્થાને ઠેસ લગાવી છે, જેથી આ કૃત્ય આતંકવાદથી જરા પણ ઓછું નથી. કેમ આ કેસ બેહદ મુશ્કેલ હતો? શરૂઆતમાં તો વીડિયો ક્યાંના હતા?, કોણે

અપલોડ કર્યા? જેવી ઘણી બાબતોને લઈ પોલીસ પણ ફાંફાં મારી રહી હતી. બરાબર આ સમયે અમદાવાદ સાયબર ક્રાઇમ જ ફરિયાદી બની અને સાયબર ક્રાઇમ ડીસીપી લવિના સિન્હાએ કેસ હાથમાં લીધો. આ સાથે જ આરોપીઓ પણ સતર્ક થઈ ગયા અને પોતાની ચેનલ્સ અને સર્વરના ડેટા ડિલિટ કરવા લાગ્યા. સાયબર ક્રાઈમને ઘણી બધી ચેનલ્સ, ડેટાનું એનાલિસિસ કરવાનું હતું, જોકે આ બધું તાબડતોબ હાથ ધરવામાં આવ્યું અને વીડિયો વાઇરલ થતાંની સાથે કલાકોમાં યુટ્યૂબ ચેનલનો સોર્સ અને વીડિયો રાજકોટની પાયલ હોસ્પિટલના છે એ શોધી કાઢ્યું. સાયબર ક્રાઇમની ત્રણ ટીમ પળનો પણ વિલંબ કર્યા વિના મહારાષ્ટ્ર અને પ્રયાગરાજ પહોંચી. જ્યાંથી આરોપીઓ અને સર્વરનો કબજો લીધો. કેમ આ કૃત્યને આતંકવાદ માનવામાં આવે છે? આ અંગે લવિના સિન્હાએ ન્યુ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે જ્યારે ડેટા જોયો તો ખબર પડી કે આ સાવ લો લેવલની વિકૃતિનો કેસ છે, જેને આતંકવાદથી ઓછો ના ગણી શકાય, આ જ કારણથી IT ACT 66 F (2) લગાવામાં આવી. આ કલમમાં અપરાધને આતંકવાદ માનવામાં આવે છે અને એમાં જામીન મળી શકતા નથી. આ સાથે આ કલમમાં આજીવન કેદની સજાની જોગવાઈ છે. મહિલા માટે સુરક્ષિત સ્થળો, જેવાં કે હોસ્પિટલ અને ગંગા નદી જેવી જગ્યાએથી જો કોઈ સ્ત્રીઓની ગરિમા લજવાઈ એવું કૃત્ય કરે તો એ આતંકવાદની કેટેગરીમાં આવે. કોણ છે લવિના સિન્હા? જાંબાઝ IPS લવિના સિન્હાના

લિંક્ડ ઇન પ્રોફાઇલ કહે છે કે be the healing touch you think the world deserves. મતલબ કે તમે એ દર્દની દવા બનો, જેની દુનિયાને જરૂર છે. મેડિસિન, હીલિંગ ટચ સિન્હા સાથે સ્વાભાવિક રીતે જ જોડાયેલાં છે, કમ કે તેઓ એક ડૉક્ટર છે અને MD ઈન મેડિસિન તેમની સ્પેશિયાલિટી છે. MD બન્યા પછી પોલીસ ફોર્સમાં કેમ આવ્યાં? તેઓ કહે છે કે મારામાં એક વાત બહુ સ્પષ્ટ હતી કે હું સરકારી ક્ષેત્રમાં કામ કરવા માગતી હતી. NHS કોલેજ અમદાવાદથી ડિગ્રી લીધા પછી મને ક્યારેય પણ ખાનગી ક્ષેત્રે કામ કરવાની ઈચ્છા ન હતી. આ સાથે એ પણ સ્પષ્ટ હતું કે મારે લોકોની સેવા જ કરવી છે, જેથી સરકારની જે બેસ્ટ યોજનાઓ છે તેમનો બેસ્ટ લાભ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ, આ કારણથી જ મેઈન સિવિલ સર્વિસની તૈયારી કરી અને IPS બની, જોકે ખાખી વરદી ધારણા કરતાં પહેલાં તેમણે વ્હાઇટ એપ્રોન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે એક વર્ષ અને પછી સોલા સિવિલમાં MD તરીકે 1.5 વર્ષ કામ કર્યા પછી 2017માં ગુજરાત કેડરના IPS ઓફિસર બન્યાં. ટેડટોક્સમાં પણ તેમના પોડકાસ્ટ જોવા મળે છે. મેડિકલ અને પોલીસક્ષેત્રમાં સામ્યતા તેઓ કહે છે કે મેડિકલ અને પોલીસ જુદા દેખાય શકે છે, પણ મારા માટે બંનેમાં સામાન્યતા છે. ડૉક્ટર હોય કે પોલીસ, સતત ઇમર્જન્સી સાથે ડીલ કરવી પડે છે. 24 કલાક ખડા પગે

રહેવાની તૈયારી રાખવાની હોય છે. આ સાથે જે પણ કોઈ તમારી સેવા લેવા આવે છે તે કોઈ મુસીબતમાં હોય ત્યારે આવે છે અને તમારી પાસે તેમને ઘણી બધી આશા-અપેક્ષા હોય છે, જેનો તમે માનવીય દૃષ્ટિકોણથી ઉકેલ લાવી શકો. તેમણે ન્યુ ગુજરાતને જણાવ્યું કે તેઓ પહેલાં પણ ઓપેરશન ટીમનો પાર્ટ હતાં, હજી પણ છે. પહેલાં સરકારી હોસ્પિટલ્સમાં દર્દીના ઓપેરશન જોતા તો હવે દંડો અને રિવોલ્વર લઇને ક્રાઇમ કેસોનાં ઓપરેશન્સ પાર પાડે છે. IAS -IPS ઓફિસર્સના પરિવારમાં ઉછેર તેઓ ગુજરાતના ચીફ સેક્રેટરી રહી ચૂકેલા આઇ. એ. એસ. વરેશ સિન્હાનાં પુત્રી છે. જ્યારે તેમના પતિ પણ ગુજરાત કેડરના IAS ઓફિસર છે. આ ઉપરાંત તેમના બીજા નજીકના ફેમિલી મેમ્બર્સ પણ સિવિલ સર્વિસીઝ સાથે જોડાયેલા છે. કારકિર્દીની હાઇલાઇટ્સ યુપીએસસી સફળતા: લવિનાએ 2016માં યુપીએસસીમાં સમગ્ર દેશમાં 183મો રેન્ક મેળવ્યો અને હિંમતનગરમાં પ્રોબેશન પિરિયડ પૂરો કર્યો. ત્યાર પછી વિરમગામમાં એ. સી. પી. તરીકે ફરજ બજાવી. હાલ તેઓ અમદાવાદ સાયબર ક્રાઇમ ડીસીપી છે. હાલની ભૂમિકા: 2024ના એપ્રિલમાં તેઓ ગુજરાતમાં સાયબર ક્રાઇમના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) તરીકે નિયુક્ત થયાં, જ્યાં તેઓ ડિજિટલ ગુનાની તપાસ અને સાયબર સુરક્ષા પગલાંને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રશિક્ષણ: તેમણે હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ અકાદમીમાં તાલીમ આપવામાં આવી હતી, ત્યાર બાદ તેમને તેમના ઘર કેડરમાં નિયુક્ત કરવામાં આવ્યાં. અત્યારસુધીનું ઇન્વેસ્ટિગેશન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ

સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનારા ત્રણેય નરાધમો પ્રજવલ અશોક તૈલી, ચંદ્રપ્રકાશ ફૂલચંદ અને પ્રજ રાજેન્દ્ર પાટીલને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જ્યાં સરકારી વકીલ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પ્રયાગરાજના યુટ્યૂબરના મોબાઈલમાંથી કુંભમાં નાહતી મહિલાઓના વીડિયો અપલોડ થયા હોવાની અમદાવાદ સાયબર ક્રાઇમ ડીસીપી લવિના સિન્હાએ 21 ફેબ્રુઆરીની સવારે ન્યુ ગુજરાત સમક્ષ પુષ્ટિ કર્યા બાદ બપોર પછી પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આ અંગે 17 તારીખે ફરિયાદ નોંધાઈ હતી. સાયબરની બે ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ બહાર ગઈ હતી. હજુ પણ અનેક ટીમો આ તપાસમાં બહાર લાગી છે. 100થી ઉપર મેમ્બરો પ્રીમિયમ ગ્રુપમાં હતા. 500થી વધુ મેમ્બર ડેમો ગ્રુપમાં હતા. અત્યારસુધી પકડાયેલા મુખ્ય આરોપીઓમાં તૈલી છે. ટેક્નિકલ આરોપી, જેણે આખું સેટઅપ ગોઠવ્યું એ હજી પકડથી દૂર છે. 2000થી વધુ વીડિયો અનેક ગ્રુપમાં મૂક્યા અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાયા બાદ એક કલમનો ઉમેરો કર્યો. ફરિયાદમાં કલમનો ઉમેરો કર્યા બાદ ત્રણ આરોપી પકડાયા છે, જેમાં પ્રાંજલ તૈલી, પ્રજ રાજેન્દ્ર પાટીલ અને ચંદ્રપ્રકાશ ફૂલચંદની ધરપકડ કરી છે. આ લોકોની તપાસ દરમિયાન પ્રાંજલ તૈલી મુખ્ય આરોપી છે. તેણે તેના મિત્ર સાથે આ ગ્રુપ ચલાવતા હતાં. યુટ્યૂબની ચેનલો ચલાવતા હતા. આ તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે

તેમની પાસે 2000થી વધુ આવા વીડિયો છે અને અનેક ગ્રુપમાં આ વીડિયો છે. 22 ટોપિક પરના વીડિયો 800થી 2 હજાર રૂપિયામાં વેચતા આ લોકો પાસે આખું મેનુકાર્ડ હોય છે, જેમાં કેવા પ્રકારના વીડિયો જોવા એ પ્રકારનું મેનુ હોય છે. 22 ટોપિક પરના વીડિયો, જે પ્રોનોગ્રાફી અને અશ્લીલ કન્ટેન્ટના વીડિયો છે. આ આરોપીઓ 800થી 2 હજાર રૂપિયામાં વીડિયો વેચતા હતા. આમાં મુખ્ય હોસ્પિટલના ઘણા વીડિયો છે. અન્ય રાજ્યની હોસ્પિટલના અને 60થી 70 અલગ-અલગ જગ્યાના વીડિયો છે. હોસ્પિટલ ઉપરાંત લેબર રૂમ, ઈન્જેકશન રૂમ, મેડિકલ એક્ઝામિનેશનના વીડિયો છે. બસ સ્ટેન્ડ, મેરેજ હોલના, પાર્લરના, ગંગા રિવર સ્નાન સહિતનાં અનેક પબ્લિક સ્થળોના વીડિયો મળ્યા છે. આ આરોપીઓ ત્રણ યુટ્યૂબ ચેનલ પર મૂકતા હતા તથા મેઘા ડેમોસ કરીને ટેલિગ્રામ ચેનલ હતી તેના પર આ લોકો વીડિયો વેચતા હતાં. આ વીડિયોની કિંમત 800થી 2000ની હતી. પ્રાંજલ તૈલી છે, જેણે સાત-આઠ મહિનામાં 8થી 9 લાખ રૂપિયા કમાઈ લીધા છે. પ્રાંજલ તૈલી સાથે તેનો મિત્ર પણ છે, જેનું નામ આમાં સામે આવ્યું છે અને તેની તપાસ ચાલુ છે. પાટીલ અને તૈલી બન્ને સંપર્કમાં હતાં. બન્ને મહારાષ્ટ્રના લાતુરની આજુબાજુના રહેવાસી છે. આ લોકો છથી આઠ મહિનાથી આ કામમાં સંકળાયેલા હતા. ત્રીજો આરોપી ચંદ્રપ્રકાશ છે, એ સિટી મોંડા કરીને યુટ્યૂબ ચેનલ ચલાવતો હતો અને પ્રયાગરાજનો છે. આ એક-બે મહિનાથી જ આ કામમાં સંડોવાયેલો હતો. સિટી

મોંડા ચેનલમાં તેણે આ વીડિયો મૂક્યા છે. મહાકુંભના વીડિયો પણ ચેનલમાં મૂક્યા ચંદ્રપ્રકાશ નામના આરોપીએ કુંભના વીડિયો ફ્રી ઓફ કોસ્ટ યુટ્યૂબના વીડિયો મેકમાંથી ઉપલબ્ધ કર્યા અને પછી તેણે પોતાની ચેનલ પર અપલોડ કર્યા હતા. આમાં બે ટેલિગ્રામ આઇડી મળ્યા છે. બે ટાઈપના ટેલિગ્રામના ગ્રુપ ચલાવતા હતા, જેમાં ટેલિગ્રામમાં ડેમોસ રેગ્યુલર અને ડેમોસ પ્રીમિયમ ગ્રુપ ચલાવતા હતા. આ ગ્રુપમાં જ આ પ્રકારના વીડિયો મૂકતા હતા. ડેમોસ રેગ્યુલર ગ્રુપમાં જનરલ અને થોડા જ વીડિયો મૂકતા હતા, જ્યારે પ્રીમિયમ ગ્રુપમાં વધારે પૈસા હતાં અને લોકો આમાં વધારે એડ થતાં તેઓ આમાં વધારે વીડિયો મૂકતા હતાં. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ લોકો સીસીટીવી હેક કરતા હતા. હેકર્સમાં આ લોકોનો એક મિત્ર સીસીટીવી હેક કરવામાં હોશિયાર હતો. તેના સોર્સથી આ લોકો વીડિયો મેળવતા હતા. આ મામલે પણ અમારી તપાસ ચાલુ છે. આ લોકો કોઈ દબાણથી નહિ, પણ હેક કરીને જ વીડિયો મેળવતા હતા. યંગસ્ટરની વીડિયો જોવાની ટેવને ધ્યાને લઈ ધંધો શરૂ કર્યો એ લોકોને આ વિચાર સ્ટુડન્ટમાં ખાસ યંગ જનરેશનમાં આવા વીડિયો જોવાની ટેવ હોય છે અને આમાં ડિમાન્ડ જોવા મળતાં આ ધંધો શરૂ કર્યો હતો. માત્ર પૈસા કમાવવા માટે જ આ લોકોએ વીડિયોનો ધંધો શરૂ કર્યો હતો. હેકર્સ મામલે અમારી તપાસ ચાલુ છે. હજુ એક નામ છે, જે અમને ટેલિગ્રામથી મળ્યું છે. મહારાષ્ટ્રના જે બે આરોપી

છે અને બીજા ઓરોપીઓ સતત કોન્ટેક્ટમાં છે. ટેલિગ્રામમાં પણ સાથે છે. જે પ્રયાગરાજવાળો આરોપી છે તે આ લોકોના કોન્ટેક્ટમાં નથી. તેણે જે વીડિયો મળતા હતા એ મૂકતો હતો. ચંદ્રપ્રકાશ પ્રયાગરાજનો છે. તપાસમાં વિદેશના એન્ટાલિયા, જ્યોર્જિયા, રોમાનિયાના આઇપી એડ્રેસ મળ્યા છે. હાલમાં અમારી તપાસ હેકર્સને લઈને છે. આ લોકોએ કેટલા વીડિયો મૂક્યા, કેટલા પૈસા કમાયા છે એની પર છે, સાથે આ લોકો કઈ રીતે આ પ્રકારના વીડિયો ટેલિગ્રામ અને યુટ્યૂબમાં વેચતા હતા એની તપાસ કરવામાં આવશે. આ લોકો સાથે કેટલા લોકો અને કેટલી ગેંગ સામેલ છે એની તપાસ અમે કરીશું. અમે એવિડન્સ તરીકે સ્ક્રીન રેકોર્ડ કરીને મૂવેબલ રિકવેસ્ટ કરી છે. વીડિયોમાં રહેલા લોકોની ગુપ્તતા અને પ્રાઈવેસી જણાવાઈ એ માટે યુટ્યૂબ અને ગૂગલમાં મૂવેલની રિકવેસ્ટ મૂકી છે. અમારી જાણકારી મુજબ, પ્રયાગરાજમાં અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે. હાલમાં અમને રાજકોટથી જ ફરિયાદ મળી છે. આ લોકોની જનરલ ચેનલમાં 500 જેટલા સબ્સ્ક્રાઇબર્સ હતા, જ્યારે પ્રીમિયમમાં 100 જેટલાં સબ્સ્ક્રાઇબર્સ હતાં. ગ્રપને લઈને પણ તપાસ ચાલી રહી છે. લોકજાગૃતિ માટે અભિયાન શરૂ કરીશું આ મામલે અમે આગામી સમયમાં લોકજાગૃતિ માટેનું અભિયાન શરૂ કરવાના છે, જેમાં પબ્લિક પ્લેસ, કોર્પોરેટ પ્લેસ-ઓફિસ, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ, હોસ્પિટલ તમામ જગ્યાએ સીસીટીવી કેવી રીતે સેફ રાખવું, એની સિક્યોરિટી કેવી રીતે જાળવવી તથા પાસવોર્ડ નિયમિત રીતે કેમ બદલવા. આઇપી એડ્રેસ પબ્લિક સાથે શેર ન કરવું. એક્સેસ લિમિટેડને આપવી.

Related Post