Chhath Puja 2026 : ન્હાય-ખાય, ખરના અને ઉગતા-આથમતા સૂર્યની પૂજા, ચાર દિવસીય મહાપર્વ

Chhath Puja 2026 : ન્હાય-ખાય, ખરના અને ઉગતા-આથમતા સૂર્યની પૂજા, ચાર દિવસીય મહાપર્વ
Email :

છઠ્ઠ મહાપર્વ હિંદુ ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક છે. ખાસ કરીને બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં છઠ્ઠ પૂજાની વિશેષ આસ્થા જોવા મળે છે. ચાર દિવસ સુધી ચાલતા આ પર્વ દરમિયાન ભગવાન સૂર્ય અને છઠ્ઠ્ઠી મૈયાની પૂજા કરવામાં આવે છે. ભક્તો કઠોર નિયમોનું પાલન કરીને ઉપવાસ કરે છે અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરે છે.

વર્ષ 2026માં છઠ્ઠ પૂજાનો ચાર દિવસીય પર્વ 13 નવેમ્બરથી શરૂ થશે અને 16 નવેમ્બરે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપ્યા બાદ પૂર્ણ થશે. આ ચાર દિવસ દરમિયાન ન્હાય-ખાય, ખરના, સંધ્યા અર્ઘ્ય અને ઉષા અર્ઘ્યની પરંપરા નિભાવવામાં આવે છે. આવો જાણીએ છઠ્ઠ મહાપર્વના દરેક દિવસની તારીખ અને ધાર્મિક મહત્વ.

13 નવેમ્બર: ન્હાય-ખાય

છઠ્ઠ પૂજાની શરૂઆત કારતક મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી થાય છે. આ દિવસે ન્હાય-ખાયની પરંપરા કરવામાં આવે છે. વર્ષ 2026માં ન્હાય-ખાય 13 નવેમ્બર, શુક્રવારના દિવસે રહેશે.

આ દિવસે વ્રત રાખનારા ભક્તો સ્નાન કરીને સૂર્યદેવ અને કુળદેવીની પૂજા કરે છે. ત્યારબાદ સાત્વિક ભોજન ગ્રહણ કરવામાં આવે છે. પરંપરા મુજબ આ દિવસે દૂધીની શાકભાજી, ચણાની દાળ અને ભાત જેવા ભોજનનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. ન્હાય-ખાય સાથે છઠ્ઠ વ્રતના નિયમોની શરૂઆત થાય છે.

14 નવેમ્બર: ખરના

ન્હાય-ખાયના બીજા દિવસે એટલે કે કારતક શુક્લ પક્ષની પંચમી તિથિએ ખરનાની વિધિ કરવામાં આવે છે. વર્ષ 2026માં ખરના 14 નવેમ્બરે રહેશે.

ખરનાના દિવસે વ્રતધારી દિવસભર ઉપવાસ રાખ્યા બાદ સાંજે પૂજા કરે છે. ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે. આ દિવસે ગોળથી બનાવેલી ખીરનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પૂજા બાદ પ્રસાદ પરિવાર અને અન્ય ભક્તોમાં પણ વહેંચવામાં આવે છે.

15 નવેમ્બર: સંધ્યા અર્ઘ્ય

છઠ્ઠ પૂજાના ત્રીજા દિવસે કારતક શુક્લ પક્ષની ષષ્ઠી તિથિ હોય છે. આ દિવસને છઠ્ઠ પૂજાનો મુખ્ય દિવસ માનવામાં આવે છે. વર્ષ 2026માં સંધ્યા અર્ઘ્ય 15 નવેમ્બરે આપવામાં આવશે.

આ દિવસે વ્રતધારી લોકો સાંજે નદી, તળાવ અથવા અન્ય જળાશયના કિનારે એકત્ર થાય છે અને અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે છે. પૂજા માટે વિવિધ પ્રકારના ફળ, પ્રસાદ અને પરંપરાગત સામગ્રીથી સજાવેલી ટોપલી અથવા સૂપનો ઉપયોગ કરવામાં આવે છે.

16 નવેમ્બર: ઉષા અર્ઘ્ય

છઠ્ઠ મહાપર્વનો અંતિમ દિવસ 16 નવેમ્બરે રહેશે. આ દિવસે વહેલી સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવાની પરંપરા છે. વ્રતધારીઓ સૂર્યોદય પહેલાં જ ઘાટ પર પહોંચે છે અને સૂર્યોદય સમયે ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે છે.

ઉષા અર્ઘ્ય બાદ છઠ્ઠ વ્રતનું પારણું કરવામાં આવે છે અને ચાર દિવસીય મહાપર્વનું સમાપન થાય છે. આમ, વર્ષ 2026માં છઠ્ઠ પૂજા 13 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી ન્હાય-ખાયથી શરૂ થઈને ઉષા અર્ઘ્ય સાથે પૂર્ણ થશે.

છઠ્ઠ મહાપર્વ દરમિયાન સ્વચ્છતા, સાત્વિકતા, ઉપવાસ અને સૂર્ય ઉપાસનાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર સૂર્યદેવની ઉપાસનાથી પરિવારના સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો: Rahu Ketu Gochar 2026: રાહુ-કેતુની કૃપાથી બદલાશે ભાગ્ય! આગામી 68 દિવસ આ રાશિનો સુવર્ણ સમય

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)

Leave a Reply

Related Post