સાસણ-ગીરમાં આજથી સિંહ દર્શનનો પ્રારંભ: આ ત્રણ રંગના જ કપડાં પહેરવા, જંગલ સફારીના ચાર્જિસ અને સાસણ સુધી પહોંચવાની A TO Z માહિતી

સાસણ-ગીરમાં આજથી સિંહ દર્શનનો પ્રારંભ:આ ત્રણ રંગના જ કપડાં પહેરવા, જંગલ સફારીના ચાર્જિસ અને સાસણ સુધી પહોંચવાની A TO Z માહિતી
Email :

ગીર જંગલ વિસ્તારમાં એશિયાટિક સિંહોને નજીકથી જોવા માટે સાસણ અને દેવાળિયામાં આજે 9 ઓકટોબરથી જંગલ સફારીની શરૂઆત થઈ છે. દર વર્ષે ચોમાસાના વિરામ બાદ 16 ઓક્ટોબરથી શરૂ થતી જંગલ સફારી આ વર્ષે એક સપ્તાહ વહેલી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે સિંહ દર્શનની આતુરતાથી રાહ જોઈ રહેલા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. ગીરના ગાઢ જંગલમાં વિહરતા સાવજોને નિહાળવા માટે ગીર સફારીનો આનંદ માણવા માટે ત્યાં સુધી કેવી રીતે પહોંચવું, બુકિંગ કેવી રીતે કરવું અને જંગલ સફારીના ચાર્જિસ કેટલા રહેશે એ તમામ વિગતો ન્યુ ગુજરાતના આ અહેવાલમાં તમે જાણી શકશો.

સૌપ્રથમ જુઓ સાસણ સફારી પાર્કમાં સિંહોને નજીકથી જોવાનો લ્હાવો સિંહ દર્શનના બે સ્થળો : સાસણ સફારી પાર્ક અને દેવળિયા સફારી પાર્ક
સિંહ દર્શનના બે સ્થળોમાં સાસણ સફારી પાર્ક ગીર નેશનલ પાર્કનો મુખ્ય અભયારણ્ય વિસ્તાર છે, જ્યાં ખુલ્લી જીપ દ્વારા ઊંડા જંગલમાં સફારી કરાવવામાં આવે છે. અહીં કુદરતી અને પ્રાકૃતિક વાતાવરણમાં સિંહોને મુક્તપણે વિચરતા જોવાનો અદ્ભુત અનુભવ મળે છે. આ સફારી માટે ગુજરાત વન વિભાગની સત્તાવાર વેબસાઇટ પરથી અગાઉથી ઓનલાઇન પરમિટ લેવી ફરજિયાત છે. દેવળિયા સફારી પાર્ક સાસણથી લગભગ 12 કિમી દૂર આવેલો એક ખાસ સુરક્ષિત વિસ્તાર છે. અહીં નાના ક્ષેત્રમાં સિંહો રાખવામાં આવેલા હોવાથી ખૂબ જ ઓછા સમયમાં સિંહ દર્શન થાય છે. દેવળિયામાં મિની બસ તેમજ જીપ સફારી બંનેના વિકલ્પો ઉપલબ્ધ છે, જે ખાસ કરીને પરિવાર અને બાળકો સાથે આવતા પ્રવાસીઓ માટે ઉત્તમ ગણાય છે. આ બંને જગ્યાએ પ્રવાસીઓ પરિવાર સાથે વનવિભાગના વાહનમાં સિંહોને પોતાનાથી અમુક જ અંતરે નિહાળી શકે છે અને ફોન-કેમેરામાં ફોટો-વિડીયો પણ લઈ શકે છે. બંને સફારી પાર્કમાં ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી પર કોઈ પ્રતિબંધ નથી. આ ચાલું સિઝનમાં સવારે 6:30થી 9:30 અને બપોરે 3:00થી સાંજે 6:00 સુધી સિંહ દર્શનનો સમય નક્કી કરવામાં આવેલો છે.

પ્રથમ દિવસે પ્રથમ સ્લોટની તમામ 50 પરમીટો ફૂલ થઈ ગઈ
સાસણમાં આજે સિંહદર્શનના પ્રથમ 6:30 વાગ્યાના સ્લોટમાં તમામ 50 પરમીટો ફૂલ થઈ ગઈ હતી પ્રથમ દિવસ થી જ પ્રવાસીઓમાં સિંહદર્શનનું જબરું આકર્ષણ જોવા મળ્યું છે. આ પ્રથમ સ્લોટના વાહનોને ગ્રીન ફ્લેગ લહેરાવી DCF અગ્નેશ્વરકુમાર વ્યાસ, ACF ચોધરી, RFO રોજશરા, સાસણ સરપંચ જુમાભાઈ, પૂર્વ સરપંચ લખમણભાઈ સહિત વનવિભાગનો સ્ટાફ અને સ્થાનિક આગેવાનોએ પ્રવાસીઓને આવકાર્યા હતા. સાસણ વન્ય પ્રાણી વિભાગના સ્ટાફ દ્વારા 'વેલકમ ટુ ગીર'ની ફૂલોની પાંખડીથી સિંહના મુખ ધરાવતી આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
વન વિભાગે પ્રવાસીઓને સત્તાવાર વેબસાઇટ પરથી જ બુકિંગ કરવા અપીલ કરી
સાસણ વન્યપ્રાણી વિભાગના DCF અગ્નેશ્વરકુમાર વ્યાસે જણાવ્યું હતું કે પ્રવાસીઓએ વન વિભાગની સત્તાવાર વેબસાઇટ https://girlion.gujarat.gov.in/ પરથી જ સફારીની પરમિટ બુક કરાવવી. સાસણ અને દેવળિયા સફારી પાર્ક કેવી રીતે પહોંચવું?
સાસણ સફારી પાર્ક અને દેવળિયા સફારી પાર્ક સુધી રોડ માર્ગે સરળતાથી પહોંચી શકાય છે. પ્રવસીઓ ખાનગી વાહન, સરકારી વાહનો અને ટ્રેન મારફતે પહોંચી શકે છે. નેશનલ હાઇવે-48 પર જેતપુર અને સોમનાથથી મેંદરડા થઈ સાસણ પહોંચી શકાય છે, જ્યારે નેશનલ હાઈવે-51 સોમનાથ-ભાવનગર પર વાયા તાલાલા થઈ સાસણ પહોંચી શકાય છે. નજીકના બસ સ્ટેશન તાલાલા, મેંદરડા અને વિસાવદર છે, જ્યાંથી સરકારી અને ખાનગી વાહનો મળી રહે છે. નજીકનું રેલવે સ્ટેશન સાસણ ગીર (SASG) છે, જે જુનાગઢ અને વેરાવળ રેલવે સ્ટેશન સાથે સારી રીતે જોડાયેલું છે. આ રેલવે સ્ટેશન પર ત્રણ લોકલ ટ્રેનો જૂનાગઢ-વેરાવળ પેસેન્જર, વેરાવળ-જૂનાગઢ પેસેન્જર અને જૂનાગઢ-દેલવાડા પેસેન્જર ટ્રેન રોકાય છે. નજીકના એરપોર્ટમાં કેશોદ એરપોર્ટ 40 કિમી, દીવ એરપોર્ટ 90 કિમીના અંતરે છે. આ બંનેમાં દિવ એરપોર્ટ પરથી મુંબઈ, અમદાવાદની ફ્લાઇટ રેગ્યુલર મળે છે. રાજકોટ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હીરાસર) 200 કિમીના અંતરે આવેલું છે.

Leave a Reply

Related Post