લિવ-ઇનમાં જન્મેલા બાળકો કાયદેસર ગણાશે: વસિયત ના હોય તો સંપત્તિમાં પેરેન્ટ્સનો ભાગ લાગશે, ગુજરાતમાં UCCનો કાયદો લાગુ, જાણવા માગો છો એ બધું જ

લિવ-ઇનમાં જન્મેલા બાળકો કાયદેસર ગણાશે:વસિયત ના હોય તો સંપત્તિમાં પેરેન્ટ્સનો ભાગ લાગશે, ગુજરાતમાં UCCનો કાયદો લાગુ, જાણવા માગો છો એ બધું જ
Email :

રાષ્ટ્રપતિ દ્રોપદીએ મંજૂરી આપતા જ રાજ્ય સરકારે એક જ દિવસે બે મહત્વના કાયદાકીય પગલાંને સત્તાવાર ગેઝેટમાં પ્રસિદ્ધ કર્યા છે. ‘ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, 2026’ને ગુજરાત સરકારના અસાધારણ ગેઝેટમાં ગુજરાત એક્ટ નં. 15 ઓફ 2026 તરીકે પ્રસિદ્ધ કર્યો છે. આ સાથે જ હવે 1 ઓક્ટોબરથી UCC કાયદો બની ગયો છે. આ સાથે જ લિવ-ઇનમાં જન્મેલા બાળકોને કાયદાકીય માન્યતા મળી ગઈ છે. તેમજ વસિયત ન હોય તો સંપત્તિમાં માતા-પિતાને પણ હિસ્સો મળશે. બીજી તરફ ‘ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (એમેન્ડમેન્ટ) એક્ટ, 2026’ને પણ 1 ઓક્ટોબરથી અમલમાં લાવવા શિક્ષણ વિભાગે અલગ નોટિફિકેશન બહાર પાડ્યું છે. 1 ઓક્ટોબરના ગેઝેટમાં પ્રકાશિત UCC કાયદો લગ્ન, છૂટાછેડા, વારસો, લિવ-ઇન સંબંધો અને તેની સાથે જોડાયેલી બાબતોને નિયંત્રિત કરવા માટેનો કાયદો છે. મૂળ બિલમાં સ્પષ્ટ છે કે તેનું નામ ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, 2026 રહેશે અને તે રાજ્ય સરકાર ગેઝેટમાં નોટિફિકેશન દ્વારા નક્કી કરે

તે તારીખથી અમલમાં આવશે. ગેઝેટમાં કાયદાની શરૂઆતની જોગવાઈઓમાં જણાવાયું છે કે તેનો વિસ્તાર સમગ્ર ગુજરાત સુધી રહેશે અને ગુજરાતના એવા રહેવાસીઓ પર પણ લાગુ પડશે જેઓ રાજ્યની બહાર રહે છે. આદિવાસીઓની કેટલીક પરંપરાગત પ્રથાઓ બહાર રખાઈ UCCમાં ખાસ જોગવાઈ કરીને બંધારણની કલમ 342 હેઠળની અનુસૂચિત જનજાતિઓ (ST) ને કાયદામાંથી બાકાત રાખવામાં આવી છે. ઉપરાંત બંધારણના ભાગ XXI હેઠળ જેમના પરંપરાગત અધિકારો સુરક્ષિત છે તેવા વ્યક્તિઓ અને સમુદાયો પર પણ આ કોડ લાગુ નહીં પડે. ‘રહેવાસી’ની વ્યાખ્યા UCCમાં ‘Resident’ની અલગ વ્યાખ્યા કરવામાં આવી છે. તેમાં રાજ્યમાં સતત 10 વર્ષથી રહેતા લોકો, ગુજરાતમાં જન્મેલા અને ગુજરાતમાં રહેતા માતા-પિતા ધરાવતા લોકો ઉપરાંત રાજ્ય કે કેન્દ્ર સરકારના કેટલાક કાયમી કર્મચારીઓ તથા સરકારની કેટલીક યોજનાઓના લાભાર્થીઓનો સમાવેશ કર્યો છે. 15 મુદ્દામાં વિસ્તારથી સમજો UCCનો કાયદો 1 ફરજિયાત લગ્ન નોંધણી: દરેક લગ્નનો સરકારી રેકોર્ડ બનશે. અધિકાર-ભરણપોષણ, મિલકત, કાયદાકીય ઓળખ સુરક્ષિત. વિવાદની સ્થિતિમાં નક્કર પુરાવા મળશે. પહેલાની

સ્થિતિઃ રાજ્યમાં વર્ષે 6-7 લાખ લગ્ન, પરંતુ સરકારી રેકોર્ડમાં નોંધણી 100% નથી. મેરેજ સર્ટિ.ન હોવાથી ભરણપોષણ, મિલકતના કેસમાં પુરાવાની સમસ્યા થાય છે. 2 બાળલગ્ન પર કડકાઇ: દેખરેખ અને સજા બંને મજબૂત થશે, જે સગીર છોકરીઓના શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ કરશે. પહેલાની સ્થિતિઃ ચાઈલ્ડ મેરેજ ફ્રી ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, 2024માં 15-17 વર્ષની 90 હજાર છોકરીના લગ્ન થયાનો અંદાજ. 18 લાખ છોકરીઓ સ્કૂલે જતી નથી. 3 બહુપત્નીત્વ પર પ્રતિબંધ: એક પુરુષ ફક્ત એક જ લગ્ન કરી શકશે. જેથી બીજા લગ્નના નામે મહિલાઓ સાથે થતાં શોષણને સંપૂર્ણપણે કાબુમાં લેશે. પહેલાની સ્થિતિઃ અમુક જગ્યાએ પુરુષ એકથી વધુ પત્ની રાખે છે. ગુજરાત સહિત 7 રાજ્યમાં મહિલાઓએ બહુપત્નીત્વને ભાવનાત્મક-આર્થિક અન્યાય ગણાવ્યું હતું. 4 નકલી લગ્નો પર નિયંત્રણ: જાહેર નોટિસ અને ચકાસણીથી છેતરપિંડીવાળા લગ્નો પર રોક લાગશે. લગ્નની લાલચમાં ફસાવવાની ઘટનાઓ ઓછી થશે. પહેલાની સ્થિતિઃ વિઝા કે અન્ય લાભ માટે યોજાયેલ

નકલી લગ્નના કિસ્સા બન્યા છે. પંચમહાલમાંથી 4600થી વધુ નકલી મેરેજ સર્ટિફિકેટ મળી આવ્યા હતા. 5 લિવ-ઇનને કાયદાકીય દરજ્જો: લિવ-ઇન રિલેશનશિપ કાનૂની માન્યતા મળતા હવે મહિલાઓને પણ ભરણપોષણનો અધિકાર હશે. આર્થિક રીતે મજબૂર રહેવાની સ્થિતિથી છૂટકારો. પહેલાની સ્થિતિઃ લિવ-ઇનમાં કોઇ ફરજિયાત રજિસ્ટ્રેશન નથી. અમદાવાદ જેવા શહેરમાં 5 વર્ષમાં લિવ-ઇન રિલેશન 20% વધ્યા છે. રિલેશન તૂટે ત્યારે કાયદાકીય ગૂંચવણો ઉભી થાય છે. 6 સંબંધ તૂટવા પર સુરક્ષા: સંબંધ તૂટવાની સ્થિતિમાં મહિલાને કાયદાકીય સંરક્ષણ મળશે. છોડી જવું, આર્થિક નુકસાન કે સામાજિક અસુરક્ષાથી રાહત મળશે પહેલાની સ્થિતિઃ સંબંધ તૂટવાથી 30%થી વધુ મહિલાઓ આર્થિક રીતે બીજા પર નિર્ભર થઇ જાય છે. સંબંધ તૂટવા પર ઘર અને આવક છીનવાઈ જવાનો ભય રહે છે. 7 સમાન છૂટાછેડાનો કાયદો: બધા ધર્મો માટે એક સમાન છૂટાછેડાની પ્રક્રિયા લાગુ કરાશે, જેનાથી દરેક સમુદાયમાં મહિલાઓને સમાન અધિકાર અને ન્યાય મળવાની તક મળશે. પહેલાની સ્થિતિઃહિન્દુ મેરેજ એક્ટ, મુસ્લિમ પર્સનલ લો અને

ક્રિશ્ચિયન ડિવોર્સ એક્ટમાં છૂટાછેડાના અલગ-અલગ નિયમો છે. છૂટાછેડાના 40 હજાર કેસ પેન્ડિંગ છે. 8 સમાન ભરણપોષણ: મહિલાઓને સમાન અને ન્યાયસંગત ભરણપોષણ મળશે, છૂટાછેડા પછી આર્થિક સુરક્ષા અને સ્થિરતા રહી શકશે. પહેલાની સ્થિતિઃ ફેમિલી કોર્ટમાં 40%થી વધુ કેસ ભરણપોષણના. અલગ અલગ કાયદાથી કોર્ટમાં પણ ભરણપોષણ મુદ્દે જટિલતા સર્જાતી હોય છે. 9 મનસ્વી છૂટાછેડા પર પ્રતિબંધ: પતિ દ્વારા એકપક્ષીય અથવા ઉતાવળમાં છૂટાછેડા આપવાની વૃત્તિને કાબૂમાં લેવાશે. મહિલાને સંબંધોમાંથી કાઢી મૂકવામાં આવે તેવા કિસ્સાઓ ઘટશે. પહેલાની સ્થિતિઃ કેટલાક કાયદામાં પતિ એકપક્ષીય અને ઉતાવળમાં તલાક આપતા હોય છે. જેનાથી મહિલા અને તેના બાળકો અસુરક્ષિત થઇ જવાના કિસ્સા પણ બન્યા છે. 10 કસ્ટડીમાં મહિલાના અધિકાર: બાળકોની કસ્ટડી નક્કી કરતી વખતે મહિલાઓના અધિકારો મજબૂત બનશે. બાળકોની સંભાળ અને ઉછેરમાં યોગ્ય પ્રાથમિકતા મળશે. પહેલાની સ્થિતિઃ બાળકની કસ્ટડીમાં માતાને ઘણી વાર ઓછી પ્રાથમિકતા. પતિના કુટુંબના દબાણને કારણે બાળકોથી અલગ થઈ જતી. 60% કિસ્સામાં માતાને કસ્ટડી મળે છે.

11 સમાન વારસાગત અધિકાર: દીકરી અને દીકરા માટે સમાન મિલકત અધિકારો મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરશે, મિલકતમાં હિસ્સો નક્કી થશે. પહેલાની સ્થિતિઃ રાજ્યમાં જમીનની માલિકીમાં અંદાજે માત્ર 18-20% હિસ્સો મહિલાઓનો છે. સામાજિક દબાણથી મહિલાઓ વારસાગત હક પણ છોડી દે છે. 12 પત્નીના મિલકત અધિકાર: પતિની મિલકતમાં પત્નીનો સ્પષ્ટ અને કાનૂની હિસ્સો નક્કી કરાશે, જેનાથી આર્થિક નિર્ભરતામાંથી રાહત મળશે. પહેલાની સ્થિતઃ 10માંથી 3 દસ્તાવેજ મહિલાના નામે થાય છે. પતિની મિલકતમાં કાયદાઓમાં સ્પષ્ટ નથી. પતિના મૃત્યુ બાદ સંબંધીઓ સાથે લડવું પડે છે. 13 વિના વસિયતે પણ અધિકાર: જો વસિયત નથી, તો પણ મહિલાને મિલકતમાં સુરક્ષિત હિસ્સો મળશે, જેનાથી કાનૂની લડાઈ વિના તેના અધિકારો મળશે. પહેલાની સ્થિતિઃ જો કોઈ વ્યક્તિ વસિયતનામું કર્યા વિના મૃત્યુ પામે, તો મિલકતના વિતરણ માટે અલગ-અલગ ધાર્મિક કાયદા લાગુ પડે છે. ઘણીવાર મહિલાને અન્યાય. 14 વિધવા/છૂટાછેડા લીધેલી મહિલા માટે સુરક્ષાઃ આર્થિક સુરક્ષાની જોગવાઈઓ હશે.સમાજમાં સન્માનજનક અને આત્મનિર્ભર

જીવન જીવી શકશે. પહેલાની સ્થિતિઃ સમાજમાં વિધવા, છૂટાછેડા લીધેલી મહિલાને ઘણીવાર આર્થિક રીતે અવગણાય છે.જેથી તેઓ આત્મનિર્ભર બનવા ઘણઓ સંઘર્ષ કરવો પડે છે. 15 ધાર્મિક ભેદભાવ દૂર: મિલકત અને કૌટુંબિક વિવાદોમાં ધાર્મિક ભેદભાવ દૂર થશે. બધી મહિલાને સમાન કાયદા હેઠળ ન્યાય અને અધિકારો પ્રાપ્ત થશે. પહેલાની સ્થિતિઃ એક હિન્દુ,મુસ્લિમ કે પારસી મહિલાના અધિકાર ધર્મના આધારે અલગ-અલગ હોવાથી વિસંગતતા. સમાનતાના અધિકારનો ભંગ થાય છે. બીજી તરફ શિક્ષણ વિભાગમાં પણ મોટા ફેરફાર આ જ દિવસે બહાર પડેલા ગુજરાત સરકારના અસાધારણ ગેઝેટમાં શિક્ષણ વિભાગે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન (Amendment) Act, 2026 અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ કાયદો પણ 1 ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે.આ સુધારો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન એક્ટ, 1972માં કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બરમાં વિધાનસભાએ આ સુધારા બિલને બહુમતીથી મંજૂરી આપી હતી. તેનો મુખ્ય હેતુ સરકારી ગ્રાન્ટ મેળવતી ખાનગી માધ્યમિક

અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને શિક્ષણ કાયદાના નિયમન હેઠળ વધુ સ્પષ્ટ રીતે લાવવાનો છે. શાળાઓની મનમાની પર કડક કાર્યવાહી સુધારામાં અનધિકૃત રીતે શાળા ચલાવવા, નિયમ વિરુદ્ધ સ્ટાફની નિમણૂક કરવા અથવા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડની જોગવાઈઓ વધુ કડક કરવામાં આવી છે. અનરજિસ્ટર્ડ સ્કૂલો ચલાવવા માટે અગાઉની સરખામણીમાં દંડમાં મોટો વધારો કર્યો છે. 10 લાખથી 15 લાખ સુધીનો દંડ અને 1થી 2 વર્ષ સુધીની કેદની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષક-કર્મચારીઓ માટે પણ જોગવાઈ નવા સુધારામાં શાળાના શિક્ષકો, આચાર્યો અને અન્ય કર્મચારીઓની ભરતી, લાયકાત તથા સેવા શરતો અંગે સરકાર દ્વારા નિયમો નક્કી કરવાની જોગવાઈ છે. સરકારી ગ્રાન્ટ મેળવતી શાળાઓમાં ભરતી દરમિયાન રાજ્ય સરકારની અનામત નીતિનું પાલન પણ સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ છે. શાળાના મેનેજમેન્ટ દ્વારા શિક્ષક કે આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવે તો તે નિર્ણયને બોર્ડ દ્વારા અધિકૃત અધિકારી સમક્ષ મંજૂરી માટે મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અધિકારીએ નિર્ધારિત સમયમર્યાદામાં નિર્ણય નહીં

કરે તો સસ્પેન્શન રદ થવાની જોગવાઈ અંગે પણ સુધારામાં પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. શાળા બંધ કરવી હોય તો પણ નિયમ સુધારા મુજબ શાળા મેનેજમેન્ટ પોતાની રીતે શાળા બંધ કરી શકશે નહીં. નિર્ધારિત પ્રક્રિયા અને બોર્ડની મંજૂરી જરૂરી બનશે. અગાઉની સરખામણીએ નિયમોના ભંગ બદલ દંડમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં બે મહત્વના કાયદાકીય અમલ આ રીતે 1 ઓક્ટોબર, 2026થી ગુજરાતમાં એક તરફ નાગરિક જીવનના લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ-ઇન સંબંધોને આવરી લેતો UCC અમલમાં આવ્યો છે, તો બીજી તરફ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે શાળા સંચાલન, ભરતી, નોંધણી અને કર્મચારીઓ સંબંધિત નિયમોને વધુ કડક બનાવતો સુધારા કાયદો પણ અમલમાં આવ્યો છે. ખાસ વાત એ છે કે બંને બાબતો માટે અલગ-અલગ અસાધારણ ગેઝેટ પ્રસિદ્ધ થયા છે, UCC માટે Part IVમાં ગુજરાત એક્ટ નં. 15 અને શિક્ષણ વિભાગ માટે Part IV-Bમાં 1 ઓક્ટોબરથી અમલની નોટિફિકેશન.

Leave a Reply

Related Post