નુસરત ભરુચાની સર્જરી થશે: અનુ અગ્રવાલ અકસ્માત બાદ 29 દિવસ સુધી કોમામાં હતાં, મહિમા ચૌધરીના ચહેરામાંથી કાચના ટુકડા કાઢવામાં આવ્યા હતા

નુસરત ભરુચાની સર્જરી થશે:અનુ અગ્રવાલ અકસ્માત બાદ 29 દિવસ સુધી કોમામાં હતાં, મહિમા ચૌધરીના ચહેરામાંથી કાચના ટુકડા કાઢવામાં આવ્યા હતા
Email :

અભિનેત્રી નુસરત ભરુચા તાજેતરમાં બાલીમાં એક અકસ્માતનો ભોગ બની હતી. તે કામ અને રજાઓ સંબંધિત પ્રવાસ માટે બાલી ગઈ હતી. અકસ્માત બાદ તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું છે. ત્યારબાદ આગળની સર્જરી માટે તેને મુંબઈ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. તેના માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી. 2 ઑક્ટોબર 2026ના રોજ તે એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ઘણી અભિનેત્રીઓ અકસ્માતોમાં ઘાયલ થઈ ચૂકી છે. અકસ્માત બાદ અભિનેત્રી અનુ અગ્રવાલની યાદશક્તિ જતી રહી હતી. તો બીજી તરફ મહિમા ચૌધરીના ચહેરામાંથી કાચના 67 ટુકડા કાઢવામાં આવ્યા હતા. અનુ અગ્રવાલનો ગંભીર કાર અકસ્માત થયો હતો 1990ની બ્લોકબસ્ટર ફિલ્મ 'આશિકી'થી રાતોરાત પ્રસિદ્ધ બનેલી અભિનેત્રી અનુ અગ્રવાલ સાથે વર્ષ 1999માં દર્દનાક અકસ્માત થયો હતો. મુંબઈમાં એક મોડી રાતની પાર્ટીમાંથી પરત ફરતી વખતે અનુ અગ્રવાલની કારનો ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમના શરીરમાં ઘણી જગ્યાએ ફ્રેક્ચર થયા, તેમનો ચહેરો ખરાબ રીતે

અસરગ્રસ્ત થયો અને માથા તથા મગજમાં આંતરિક ઈજાઓ થઈ. અકસ્માત બાદ તેઓ 29 દિવસ સુધી કોમામાં રહ્યાં હતાં. ભાનમાં આવ્યા બાદ તેમના શરીરનો અડધો ભાગ પેરાલિસિસ (લકવા)નો શિકાર બની ચૂક્યો હતો અને યાદશક્તિ જતી રહેવાના કારણે તેઓ પોતાનું જૂનું જીવન અને પોતાની ઓળખ સુધી ભૂલી ચૂક્યાં હતાં. ન્યુ ગુજરાત સાથેની વાતચીતમાં અનુ અગ્રવાલે અકસ્માત વિશે જણાવ્યું હતું કે, મારો સીધો હાથ સંપૂર્ણપણે પેરાલાઇઝ્ડ હતો, હું પોતે ખાઈ પણ શકતી નહોતી. અકસ્માતના 7 વર્ષ સુધી આવું જ રહ્યું. મારા અનેક અકસ્માત થયા હતા. મારો ઉલટો હાથ પેસિવ હતો. જમણો હાથ કામ કરતો હતો. જ્યારે સીધો હાથ પેરાલાઇઝ્ડ થયો, ત્યારે હું ચેક પર સહી પણ કરી શકતી નહોતી. મારા ઘણા ચેક બાઉન્સ થઈ ગયા. ઉલટા હાથથી કેવી રીતે ખાવું, ચમચી આમતેમ જતી. સવારે નાઇટસૂટનું નાડું ખોલવા માટે બે હાથ જોઈએ, એક હાથથી નાડું ખૂલતું નહોતું. હું ટૂથબ્રશ કેવી રીતે પકડું? પેસ્ટ વારંવાર લપસી જતી. આ બધું એક હાથથી જ

કરતી હતી. જોકે, અનુ અગ્રવાલે હાર માની નહીં અને યોગ, ધ્યાન તથા આત્મબળના સહારે માત્ર ફરી ચાલતા શીખી જ નહીં, પરંતુ પોતાની યાદશક્તિ પણ પાછી મેળવી. મહિમા ચૌધરીનો કાર અકસ્માત થયો હતો ફિલ્મ 'પરદેસ'થી બોલિવૂડમાં ઓળખ બનાવનારી અભિનેત્રી મહિમા ચૌધરીનો 1999માં બેંગલુરુમાં ગંભીર કાર અકસ્માત થયો હતો. તે સમયે તેઓ અજય દેવગન અને કાજોલની ફિલ્મ 'દિલ ક્યા કરે'નું શૂટિંગ કરી રહી હતી. સ્ટુડિયો જતી વખતે તેમની કારને એક ટ્રકે ટક્કર મારી હતી. અકસમાત એટલો ગંભીર હતો કે કારનો કાચ તૂટીને મહિમાના ચહેરામાં ઘૂસી ગયો હતો. મહિમાએ વર્ષ 2020માં પિંકવિલાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મને લાગ્યું કે હું મરી રહી છું. હું હોસ્પિટલ પહોંચી, પરંતુ તે સમયે કોઈએ મને ઉઠાવીને હોસ્પિટલ પહોંચાડી પણ નહોતી. હોસ્પિટલ પહોંચ્યાના ઘણાં સમય બાદ મારી માતા આવી અને અજય દેવગન પણ ત્યાં પહોંચ્યા. જ્યારે તેઓ કોઈની સાથે વાત કરવા ગયા, ત્યારે હું ઊભી થઈ અને મેં અરીસામાં મારો ચહેરો જોયો.

મને લાગ્યું કે તેઓ આટલો હોબાળો શા માટે કરી રહ્યા છે. મેં કહ્યું, ચાલો. કંઈ થયું નથી, હું ઠીક છું. તેમણે કહ્યું, ‘ના, આરામ કરો. અમે પાછા આવીશું અને શેડ્યૂલ પૂરું કરીશું.’ મેં કહ્યું, ‘ના, ના. મારી પાસે માત્ર એક દિવસ છે, તો મને આ પૂરું કરવા દો.’ જ્યારે મારી સર્જરી થઈ અને ડૉક્ટરોએ મારા ચહેરામાંથી કાચના 67 ટુકડા કાઢ્યા, ત્યારે મને એ અકસ્માતની ગંભીરતાનો અહેસાસ થયો. હું આજે પણ આ વિશે વાત કરતાં રડી પડું છું, કારણ કે આ માત્ર મારી કારકિર્દી વિશે નહોતું. આ એવો અનુભવ હતો, જેણે જીવનની કોઈ પણ બાબત પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ બદલી નાખ્યો. મારે સ્ટેપલ જેવા ટાંકા સાથે રહેવું પડ્યું અને સૂર્યપ્રકાશ વિના ઘરની અંદર રહેવું પડ્યું. મારા ઘરની બારીઓને કાળી કરી દેવામાં આવી હતી. મેં અરીસામાં પોતાને જોવાનું બંધ કરી દીધું હતું. ઘરમાં કોઈ અરીસો નહોતો અને સૂર્યપ્રકાશ પણ અંદર આવતો નહોતો. એટલું જ નહીં, જેમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય તેવી

લાઇટ્સ પણ હું ઘરમાં રાખી શકતી નહોતી, જેથી ચહેરા પર ડાઘ ન રહી જાય. તે દરમિયાન મારી પાસે ઘણી ફિલ્મો હાથમાં હતી, જેમાં મારે કામ કરવાનું હતું, પરંતુ અકસ્માતને કારણે મારે તેમાંથી ઘણી ફિલ્મો છોડવી પડી. હેમા માલિની પણ ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બની હતી બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિની પણ વર્ષ 2015માં ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માત 2 જુલાઈ 2015ના રોજ રાજસ્થાનના દૌસા નજીક આગ્રા-જયપુર નેશનલ હાઇવે-11 પર થયો હતો. અકસ્માતમાં હેમા માલિની ઘાયલ થયા હતા, જ્યારે બીજી કારમાં સવાર માસૂમ બાળકીનું મૃત્યુ થયું હતું. હેમા માલિની પોતાની મર્સિડીઝ કારમાં મથુરાથી જયપુર જઈ રહી હતી. તે દરમિયાન તેમની કારની સામેથી આવી રહેલી ઓલ્ટો કાર સાથે ટક્કર થઈ હતી. ઓલ્ટોમાં એક પરિવાર સવાર હતો. આ અકસ્માતમાં ઑલ્ટો કારમાં સવાર 2 વર્ષની બાળકી ચિન્નીનું મૃત્યુ થયું હતું, જ્યારે તેના પરિવારના અન્ય સભ્યો ઘાયલ થયા હતા. તે જ સમયે હેમા માલિનીને પણ ગંભીર ઈજાઓ

થઈ હતી. આ અકસ્માતમાં હેમા માલિનીના ચહેરા પર ઊંડી ઈજાઓ થઈ હતી. તેમના કપાળ અને જમણી આંખની ઉપર પણ ઈજા થઈ હતી. તેમને સારવાર માટે જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના ચહેરાની સર્જરી કરવામાં આવી હતી. અકસાન બાદ આ બાબતે વિવાદ પણ થયો હતો કે અકસ્માત પછી ઘાયલોને કેટલી ઝડપથી તબીબી સહાય મળી. મૃત બાળકીના પરિવાર તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે બાળકી થોડો સમય ઘટનાસ્થળે જ પડી રહી હતી. બીજી તરફ, હેમા માલિનીને એક સ્થાનિક ડૉક્ટર પોતાની ગાડીમાં હોસ્પિટલ લઈ ગયા હતા. ઘટના બાદ પોલીસે હેમા માલિનીની કારના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના આરોપ હેઠળ કાર્યવાહી કરી હતી. શૂટિંગ દરમિયાન તનીષા મુખર્જીની કાર ખીણમાં પડી હતી અભિનેત્રી તનીષા મુખર્જીની પહેલી હિન્દી ફિલ્મ 'Sssshhh...'ના શૂટિંગ દરમિયાન 2003માં અકસ્માત થયો હતો. વિક્કી લાલવાણીને આપેલા ઇન્ટરવ્યૂમાં તનીષાએ જણાવ્યું હતું કે તે ફિલ્મના શૂટિંગ માટે મનાલીમાં હતી. તેમની સાથે અભિનેતા

ડિનો મોરિયા, ગૌરવ કપૂર અને ફિલ્મના દિગ્દર્શક પવન એસ. કૌલ પણ કારમાં હાજર હતા. રસ્તામાં બરફને કારણે કાર લપસી ગઈ અને ખીણમાં જઈ પડી. આ અકસ્માતમાં તનીષાના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેમને કન્સક્શન થયું હતું. તેમણે જણાવ્યું હતું કે અકસ્માત બાદ તેમની યાદશક્તિ પણ જતી રહી હતી અને તેમને સાજા થવામાં એક વર્ષથી વધુ સમય લાગ્યો હતો. સારવાર માટે તેમને દિલ્હી પણ લાવવામાં આવ્યા હતા. તનીષાએ આ ઘટનાને યાદ કરતાં જણાવ્યું હતું કે ફિલ્મોમાં ઘણીવાર બતાવવામાં આવે છે કે કોઈ અકસ્માત બાદ વ્યક્તિ ઊઠીને પૂછે છે કે 'તમે કોણ છો', પરંતુ તેમના કિસ્સામાં ખરેખર આવું જ થયું હતું. અકસ્માત છતાં તેમને ફિલ્મનું શૂટિંગ પૂરું કરવું પડ્યું. મલાઈકા અરોરા કાર અકસ્માતમાં ઘાયલ થઈ હતી એપ્રિલ 2022માં મલાઈકા અરોરા એક કાર અકસ્માતમાં ઘાયલ થઈ હતી. આ અકસ્માત મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થયો હતો. અહેવાલો અનુસાર, તેમની કાર અનેક વાહનોની ટક્કરમાં ફસાઈ ગઈ હતી. અકસ્માત બાદ મલાઈકાને હોસ્પિટલ લઈ

જવામાં આવી હતી. તેમની આંખ પાસે ઈજા થઈ હતી અને ચહેરા પર ટાંકા પણ આવ્યા હતા. સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કેનેડામાં રંભાની કારને અન્ય વાહને ટક્કર મારી હતી 'જુડવા' અને અન્ય ઘણી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી રંભા પણ ગંભીર માર્ગ અકસ્માતનો સામનો કરી ચૂકી છે. 2022માં કેનેડામાં તેમની કારને અન્ય વાહને ટક્કર મારી હતી. અકસ્મત સમયે રંભા સાથે તેમની દીકરી અને નૈની પણ કારમાં હતાં. રંભાએ સોશિયલ મીડિયા પર અકસ્માતની માહિતી શેર કરી હતી. અકસ્માત બાદ તેમની દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. શૂટિંગ દરમિયાન ઘોડાગાડી પરથી પડી ગયાં હતાં મનીષા કોઈરાલા મનીષા કોઈરાલા શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયાં હતાં. ઑક્ટોબર 2002માં ફિલ્મ 'પૈસા વસૂલ'ના શૂટિંગ દરમિયાન તેઓ ઘોડાગાડી પરથી પડી ગયાં હતાં. તેમના પગમાં ઈજા થઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બાદમાં ડૉક્ટરોએ તેમના જમણા પગમાં હેરલાઇન ફ્રેક્ચરની પુષ્ટિ કરી હતી. તેમને થોડા દિવસો સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં હતાં

અને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. ઐશ્વર્યા રાયને શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી ઐશ્વર્યા રાય પણ શૂટિંગ દરમિયાન ગંભીર ઈજાનો સામનો કરી ચૂકી છે. વર્ષ 2003માં ફિલ્મ 'ખાકી'ના શૂટિંગ દરમિયાન એક દૃશ્ય ફિલ્માવવામાં આવી રહ્યું હતું. આ દૃશ્યમાં એક વાહન ઐશ્વર્યાથી થોડે અંતરે રોકાવાનું હતું, પરંતુ ડ્રાઇવર વાહન પર નિયંત્રણ રાખી શક્યો નહીં અને ગાડી ઐશ્વર્યાને અથડાઈ. અકસ્માત બાદ ઐશ્વર્યા પડી ગઈ અને તેમના પગમાં ફ્રેક્ચર થયું. તેમના સહ-અભિનેતા અક્ષય કુમાર તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. સોનમ કપૂરને 'પ્રેમ રતન ધન પાયો'ના સેટ પર થઈ હતી ઈજા સોનમ કપૂર પણ ફિલ્મના સેટ પર અકસ્માતનો સામનો કરી ચૂકી છે. વર્ષ 2015માં 'પ્રેમ રતન ધન પાયો'ના શૂટિંગ દરમિયાન એક ડાન્સ સિક્વન્સનું શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું. અહેવાલો અનુસાર, સોનમને એક ડાન્સ સિક્વન્સમાં જમીનથી ઉપર ઉઠાવવાની હતી. લેન્ડિંગ દરમિયાન તે પડી ગઈ અને તેના પગમાં ઈજા થઈ. તેના પગની ઘૂંટીમાંથી લોહી નીકળ્યાના અહેવાલો પણ સામે આવ્યા હતા.

Leave a Reply

Related Post