Robots Sewing Clothes: દરજીઓની નોકરી પર ખતરો? ચીને બનાવ્યા સ્માર્ટ દરજી રોબોટ્સ, જે સીવે છે કપડાં

Robots Sewing Clothes: દરજીઓની નોકરી પર ખતરો? ચીને બનાવ્યા સ્માર્ટ દરજી રોબોટ્સ, જે સીવે છે કપડાં
Email :

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને રોબોટિક્સના યુગમાં હવે વિજ્ઞાને એવું ક્ષેત્ર સર કરી લીધું છે જે અત્યાર સુધી માત્ર માનવ કુશળતા પર જ નિર્ભર માનવામાં આવતું હતું. કપડાંની જટિલ સીવણ અને ભરતકામ એક એવું નાજુક કાર્ય છે જ્યાં સહેજ પણ ભૂલ સમગ્ર ડિઝાઇનને બગાડી શકે છે. પરંતુ ચીને આ ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા કુશળ દરજીઓની જેમ કપડાં સીવતા સ્માર્ટ રોબોટ્સ વિકસાવ્યા છે, જેમના પરફોર્મન્સને જોઈને ટેક્સટાઇલ ક્ષેતના દિગ્ગજ નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ચીને આધુનિક રોબોટ દરજીઓને મેદાનમાં ઉતાર્યા 

ચીનના જિઆંગસુ પ્રાંતના ખુનશાન શહેરમાં આવેલા હુઆકિયાઓ આર્થિક વિકાસ ક્ષેત્રમાં ચાનફેંગ ગ્રુપે આધુનિક રોબોટ દરજીઓને મેદાનમાં ઉતાર્યા છે. આ રોબોટ્સ માત્ર પ્રયોગાત્મક ધોરણે નહીં, પરંતુ વાસ્તવિક ફેક્ટરી વાતાવરણમાં છેલ્લા સાત મહિનાથી સતત અને દોષરહિત રીતે કાર્ય કરી રહ્યા છે.

આ સ્માર્ટ રોબોટ્સની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં એમ્બેડેડ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેમને કાપડની રચના (ટેક્સચર) અને તેની જાડાઈને જાતે જ સમજવાની ક્ષમતા પૂરી પાડે છે. પરિણામે, મશીન દ્વારા થતી દરેક સિલાઈ એકસમાન અને અત્યંત ચોકસાઈવાળી હોય છે, જે કપડાના ફિનિશિંગને બેજોડ બનાવે છે.

=

દોરા તૂટવાની ઘટનાઓ કરી સાવ નહીંવત

ટેલરિંગ ઉદ્યોગમાં સૌથી મોટી સમસ્યા હાઇ-સ્પીડ સીવણ દરમિયાન દોરા તૂટવાની કે સોય અટવાઈ જવાની રહે છે, જેના કારણે કિંમતી કાપડ બગડી જવાનું જોખમ ઊભું થાય છે. પરંતુ આ ચીની સ્માર્ટ રોબોટ્સે આ સમસ્યાને લગભગ નાબૂદ કરી દીધી છે. અત્યાધુનિક સેન્સરની મદદથી આ રોબોટ્સ દોરાના તાણ (ટેન્શન) અને મશીનની ગતિને આપમેળે નિયંત્રિત કરે છે, જેના કારણે દોરા તૂટવાની ઘટનાઓમાં સીધો 90 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આનાથી કાપડનો બગાડ અટક્યો છે અને ઉત્પાદન ઝડપમાં ધરખમ વધારો થયો છે.

ચીનનો સફળ પ્રયોગ 

ચીનનો આ સફળ પ્રયોગ ભવિષ્યમાં વૈશ્વિક કાપડ ઉદ્યોગનું ચિત્ર સંપૂર્ણપણે બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. જ્યાં એક તરફ આ ટેકનોલોજી ફેક્ટરી માલિકો માટે ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તામાં મોટો ફાયદો કરાવી રહી છે, તો બીજી તરફ તે પરંપરાગત કાપડ કારીગરો અને દરજીઓની રોજગારી સામે પણ સવાલો ખડા કરી રહી છે. આ ટેકનોલોજીનો વ્યાપ આગામી સમયમાં ટેક્સટાઇલ માર્કેટને નવી દિશા આપશે તે નિશ્ચિત છે.

આ પણ વાંચોઃ Google પાસે છે તમારા સર્ચ, વૉઇસ અને લોકેશનનો છે સંપૂર્ણ ડેટા, જાણો કેવી રીતે તેને કરશો ડિલીટ?

Leave a Reply

Related Post