Instagram New Rules: ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે મોટા સમાચાર! હવે Reels, Explore અને Feedમાં દેખાતા કન્ટેન્ટને લઈને Metaનો નવો નિયમ

Instagram New Rules: ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે મોટા સમાચાર! હવે Reels, Explore અને Feedમાં દેખાતા કન્ટેન્ટને લઈને Metaનો નવો નિયમ
Email :

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સને કઈ પોસ્ટ અને વીડિયો બતાવવામાં આવશે તેને લઈને Metaએ પોતાના કન્ટેન્ટ રેકમેન્ડેશન સિસ્ટમમાં ફેરફાર કર્યા છે. હવે યુઝર્સને સૂચનોમાં વાંધાજનક, સંવેદનશીલ અને નબળી ગુણવત્તાવાળું કન્ટેન્ટ ઓછું બતાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલય (MeitY)ની એડવાઇઝરી બાદ આ ફેરફાર કરવામાં આવ્યો છે. તેની અસર ઇન્સ્ટાગ્રામના Explore, Reels અને Feed પર જોવા મળી શકે છે.

Metaના જણાવ્યા અનુસાર, ઇન્સ્ટાગ્રામ યુઝર્સની પસંદગી, તેમની પ્રવૃત્તિ અને અગાઉ જોયેલા કન્ટેન્ટના આધારે નવી પોસ્ટ અને વીડિયો સૂચવે છે. એટલે કે, જો કોઈ યુઝર રેસ્ટોરન્ટ અને પુસ્તકો સંબંધિત પોસ્ટ વધુ જુએ છે, તો તેને ફૂડ, રેસિપી અને પુસ્તકો સંબંધિત કન્ટેન્ટ વધુ દેખાઈ શકે છે.

હવે વાંધાજનક કન્ટેન્ટ પર લાગશે નિયંત્રણ

Metaએ પોતાના રેકમેન્ડેશન સિસ્ટમમાં કેટલાક ખાસ નિયમો બનાવ્યા છે. તેનો હેતુ એવું કન્ટેન્ટ સૂચનોમાં આવતું અટકાવવાનો છે, જે વાંધાજનક, સંવેદનશીલ અથવા નબળી ગુણવત્તાવાળું હોઈ શકે છે.

આ માટે કંપની ટેક્નોલોજીની મદદથી આવા કન્ટેન્ટ અને એકાઉન્ટ્સની ઓળખ કરશે, જે તેના નિર્ધારિત નિયમોનું પાલન કરતા નથી. આ ફેરફાર ખાસ કરીને Explore, Reels અને Feedમાં યુઝર્સને નવા એકાઉન્ટ્સ તથા કન્ટેન્ટ શોધવામાં મળતાં સૂચનોને અસર કરી શકે છે.

ભારત સરકારે Metaને શું સૂચના આપી હતી?

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલય (MeitY)એ 10 ઓક્ટોબરે Metaને એડવાઇઝરી જાહેર કરીને તેના કન્ટેન્ટ રેકમેન્ડેશન અને રેન્કિંગ સિસ્ટમની સમીક્ષા કરવા જણાવ્યું હતું.

સરકારને ચિંતા હતી કે સોશિયલ મીડિયા અલ્ગોરિધમ ખોટી અને ભ્રામક માહિતીની સાથે વાંધાજનક કન્ટેન્ટ પણ મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચાડી શકે છે. આ પછી Metaએ ભારતમાં ઇન્સ્ટાગ્રામની સિસ્ટમને વધુ સારી બનાવવા માટે AI આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ વધાર્યો છે.

જોકે, કંપનીએ આ ફેરફારોને સીધા સરકારી એડવાઇઝરીનું પરિણામ ગણાવ્યું નથી. નવા ફેરફારથી ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સને દેખાતા સૂચનોમાં કેવો બદલાવ આવે છે તે જોવું મહત્ત્વનું રહેશે.

આ પણ વાંચો:https://sandesh.com/tech/news/china-ai-tailor-robots-sewing-clothes-textile-industry

Leave a Reply

Related Post